ડિજિટલ ડિબેટ:ગુજરાતમાં ભાજપની ‘નો રિપીટ’ થિયરીથી કોઈ ફાયદો થશે ખરો?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જયવંત પંડ્યા (JP): નો રિપીટ થિયરી અંતર્ગત ગુજરાતમાં વિજય રૂપાણી પ્રધાનમંડળને સાવ કોરાણે મૂકી દેવાયું. સોએ સો ટકા પ્રધાનો બદલી નખાયા. આ બહુ હિંમતપૂર્વકનો પ્રયોગ છે. આવું ગુજરાતમાં અને કદાચ દેશમાં પહેલીવાર બન્યું છે. આ કામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે, કારણ કે ચૂંટણી માથે હોય અને આ રીતે સમૂળગો ફેરફાર કરવો તેનાથી પક્ષની અંદર અસંતોષ અને કદાચ આગળ ચાલીને બળવો પણ થઈ શકે. નરેન્દ્ર મોદીને એથી જ ચાણક્ય કહેવાય છે. તેમની રાજકીય સૂઝબૂઝ અને આવા પ્રયોગો અત્યાર સુધી સાચા પડતા આવ્યા છે. તેઓ પ્રયોગો કરવા માટે જાણીતા છે.
દિલીપ ગોહિલ (DG): બોલ્ડ ડિસિઝનની બોલબાલા હોય છે, કેમ કે તેનાથી ફાયદો થાય ત્યારે તે કેસ સ્ટડી બને છે. પરંતુ કહેવાતા બોલ્ડ ડિસિઝનથી અનેક વહાણો ડૂબી ગયાના પણ દાખલા છે, પણ તેના રડ્યાખડ્યા કેસ સ્ટડી જ થાય છે. સફળતાને ગાઈ વગાડીને કહેવામાં આવે છે, નિષ્ફળતા ભૂલવાડી દેવામાં આવે છે. કામરાજ યોજના તરીકે જાણીતો એક પ્રયોગ (વળી બોલ્ડ પણ ખરો) કોંગ્રેસે કરેલો. મોરારજી દેસાઈ, લાલબહાદુર શાસ્ત્રી સહિતના નેતાઓ અને સાત મુખ્ય પ્રધાનોને હટાવી દેવાયા હતા. એ ખેલનો છેડો ઇન્ડિકેટ-સિન્ડિકેટમાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીએ મોકો જોઈને સૌને સાફ કરી નાખ્યા હતા. પછી શું થયું? આગળ જતા પ્રાદેશિક પક્ષો પેદા થયા અને જ્યાં પ્રાદેશિક પક્ષો બન્યા ત્યાં કોંગ્રેસ આજેય બેઠી થઈ શકી નથી. તેને યાદ નથી કરાતું, યાદ કરાય છે ગરીબી હટાવવાનો નારો. વિદેશી હાથનો ભય બતાવવાનો અને ‘મૈં કહેતી હૂં ગરીબી હટાઓ, વે કહેતે હૈ ઇન્દિરા હટાઓ’ના નારાની સફળતા જ યાદ રખાય છે. એટલે આ પ્રયોગ સફળ રહેશે તો ઐતિહાસિક ગણાશે, સફળ નહીં થાય તો ભૂલવાડી દેવાશે.

JP: ગુજરાતમાં પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન અને દલિત આંદોલન હતાં ત્યારે તેમણે વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવવા હિંમત દાખવી હતી, જે જૈન છે. જૈન લઘુમતીમાં છે અને તેમની એવી કોઈ સંગઠિત વોટ બૅન્ક નથી. સમાજના નામે દબાણની પ્રવૃત્તિ પણ નથી કરતા. એ પ્રયોગ સાચો પડેલો. બીજો પ્રયોગ પક્ષ પ્રમુખ તરીકે સામાન્ય રીતે મૂળ ગુજરાતી ઇત્તર એવા સી. આર. પાટીલને બનાવવાનો કરેલો. ગત ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ભાજપનો ભવ્ય વિજય થયો તે જોતાં એ પ્રયોગ પણ સફળ રહ્યો છે.
DG: રૂપાણીને શા માટે અને કેવા સંજોગોમાં સીએમ બનાવાયા હતા તે જાણીતું છે, છતાં તેને પ્રયોગ કહી શકાય. પણ પ્રયોગ કરતાંય તે એક ચાલ હતી - મહારાષ્ટ્રમાં બિનમરાઠા, ગુજરાતમાં બિનપટેલ, હરિયાણામાં બિનજાટ, યુપી-બિહારમાં બિનયાદવ સીએમ મૂકીને જ્ઞાતિઓને લડાવી મારવાની. ઓકે, ચાલ નહીં, પણ પ્રયોગ ગણીએ તો એ પ્રયોગ નિષ્ફળ ગયો, કેમ કે ચૂંટણી આડે એક વર્ષ હતું ત્યારે જ રૂપાણીને બદલવા પડ્યા છે. પટેલ, એમાંય કડવા પટેલને જ બેસાડવા પડ્યા છે. પ્રયોગ પણ નિષ્ફળ ગયો, રૂપાણી પણ નિષ્ફળ રહ્યા. સી. આર. પાટીલને બિન-ગુજરાતી તરીકે પ્રયોગરૂપે અધ્યક્ષ નથી બનાવાયા, પણ તે પરિણામ લાવનારા નેતા છે એટલે પસંદ કરાયા છે. એટલે તેમાં પ્રયોગ નથી, પણ 'યેનકેનપ્રકારેણ' ગુજરાતની ચૂંટણી જીતવાની છે એટલે સી.આર. જેવા અધ્યક્ષની જરૂરિયાત હતી. પંચાયતોની ચૂંટણીમાં સીઆરને સફળતા મળી છે, રૂપાણી સહિત પ્રધાનોને દૂર કરાવવામાં પણ તેમને સફળતા મળી છે. તેમણે હવે 2022માં સફળતા મેળવવાની છે. સફળ થશે તો બંને પ્રયોગો ગણાશે, સફળ પણ ગણાશે.

JP: આ સફળતાઓને કારણે જ મનાય છે કે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનો પ્રયોગ પણ સફળ રહેશે. આનું કારણ એ છે કે આ પ્રધાનો સાવ નવી કોરી પાટીવાળા છે. આથી ચૂંટણીમાં તેઓ જશે ત્યારે પ્રમાણમાં ઓછો અસંતોષ રહેવાનો. કોરોનાની બીજી લહેરમાં શાસન વિરોધી જુવાળ જન્મ્યો હતો તેને ખાળી શકાશે કે કેમ તે તો ચૂંટણીમાં પરિણામો જ બતાવશે, પરંતુ નરેન્દ્ર મોદીની આવી ગણતરી હોઈ શકે.
DG: અહીં જ મુદ્દો રહેલો છે. મૂળ મુદ્દો શાસનવિરોધી જુવાળ જન્મ્યો હતો તેને ખાળવાનો છે. 2022ની ચૂંટણીમાં નુકસાનીનું જોખમ, ખતરો દેખાયો તેને ટાળવા માટેનો જ આ પ્રયોગ છે. ખતરો ટાળવા માટેનો અ-ખતરો. પણ કરી શકાય છે. પ્રયોગો કરવા જોઈએ. અનિશ્ચિતતા હોય ત્યારે નુકસાન વધુ નહીં થાય તેની સાવચેતી લઈને અખતરા કરી શકાય. આ પ્રયોગમાં પણ મને લાગે છે કે નુકસાન ટાળી શકાશે એવી ગણતરી ભાજપે માંડી હશે. કોરોનામાં નિષ્ફળતા, શિક્ષણમાં નિષ્ફળતા, રોજગારી મુદ્દે નિષ્ફળતા, જૂથબંધી અને અમલદારશાહીને કાબૂમાં રાખવામાં નિષ્ફળતા - આ બધી નુકસાની ઊભી જ છે. આ પ્રયોગથી પણ નુકસાન થાય તો આ ઊભેલી નુકસાનીઓ જેટલું જ થાય. અર્થાત થઈ ચૂકેલા નુકસાનથી વધારે નુકસાન આ પ્રયોગથી નથી થવાનું, પરંતુ લોકોને મૂળ મુદ્દાથી ભ્રમિત કરીને, નુકસાની ચહેરા ઢાંકી દેવાની ચાલ કામ ના કરે તો ફાયદો ના પણ થાય. પણ પ્રયોગ કરીને ફાયદા માટેના પ્રયાસો કરવાનો વ્યૂહ જ વધારે સારો છે. નુકસાન વધવાનું નથી ત્યારે ફાયદા માટે પ્રયોગ કરો, વ્હાય નોટ!

JP: આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકારનો સંગઠન સાથે તાલમેળ. અગાઉની સરકારમાં આ તાલમેળ ઓછો હતો અને પક્ષ પ્રમુખ તેમજ મુખ્ય પ્રધાન વચ્ચે સ્પષ્ટ રીતે સાંમજસ્ય નહોતું. હવે જે નવી સરકાર આવી છે તેમાં પાટીલની છાપ સ્પષ્ટ દેખાય છે. દક્ષિણ ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સી. આર. પાટીલની નજીક મનાતા હર્ષ સંઘવીને ગૃહ રાજ્ય પ્રધાન બનાવાયા છે. પારડીના કનુ દેસાઈને નાણાં ખાતું સોંપાયું છે. આથી સરકાર અને પક્ષ વચ્ચે તાલમેળનો અભાવ નહીં જોવા મળે.
DG: યસ, નુકસાન જેટલું થઈ રહ્યું છે એટલું જ છે, પણ આ ફેરફારોથી કમસે કમ આ એક ફાયદો થયો છે. નવા સીએમ એવું પણ નહીં કહી શકે કે મને ખબર નથી, સીઆરને પૂછો. મારી જાણકારીમાં નથી - એવું સરકારની નિષ્ફળતાનું આંચકાજનક નિવેદન પણ નવા પ્રધાનોમાંથી કોઈ કરી શકશે નહીં. ટુ બી ફેર, નવું પ્રધાનમંડળ તદ્દન બિનઅનુભવી પણ નથી. રાઘવજી, કિરીટસિંહ, મેરજા જેવા અનુભવીઓ રિપિટ થયા જ છે. કનુ દેસાઈ ઇન્ડસ્ટ્રી સંચાલનનો અનુભવ ધરાવે છે માટે નાણાં ખાતા માટે યોગ્ય છે. સ્પીકર તરીકે ત્રિવેદી વહિવટી કુશળતા સમજ્યા હોય, વાઘાણીએ સંગઠન ચલાવ્યું હતું એ અનુભવ કહેવાય, ડિંડોર પીએચ.ડી. છે અને મનીષા વકીલ પણ શિક્ષિત છે. સરવાળે નહીં નફો, નહીં નુકસાનની સ્થિતિ છે, પણ અન્ય સંજોગોને કારણે સફળતા મળી જશે તો સફળ પ્રયોગ પણ ગણાશે.

JP: એક બાબત એ પણ છે કે વર્ષોથી એકના એક ચહેરાનું જ પુનરાવર્તન થતું હોય ત્યારે કાર્યકર્તાઓમાં નિરાશા જન્મતી હોય છે. આપણે બસ માત્ર કાર્યક્રમોની તૈયારી જ કરવાની? નવા પ્રધાનમંડળ સાથે આ નિરાશા ખાળવાનો પ્રયાસ છે. પાછલી બેન્ચે બેસેલા કાર્યકર્તા પણ મુખ્ય પ્રધાન બની શકે છે તેવો સંદેશો અપાયો છે. આથી ચૂંટણીમાં નવા જોમ અને જુસ્સા સાથે હવે ભાજપ ઝંપલાવશે તેના કારણે રેકૉર્ડ બ્રેક પરિણામ લાવશે તેવી મોદીની ગણતરી સ્પષ્ટ દેખાય છે.
DG: આ બધી પ્રચારની અને ભ્રમમાં નાખવાની વાત છે. કાર્યકરો અને ધારાસભ્યો માટે એક નિયમ અને ટોચ પર બેઠેલા નેતાઓ માટે જુદા નિયમો - એવું શા માટે? શિવરાજસિંહ ચોથી વાર સીએમ શા માટે? વસુંધરા જ કેમ રાજસ્થાનમાં આગામી સીએમના દાવેદાર? આ કોઈ સિદ્ધાંત નથી, માત્ર અ-ખતરો છે. સંદેશ એ પણ છે કે સારું કામ કરશો તોય મોવડીમંડળની ઇચ્છા હશે ત્યારે રવાના કરી દેવાશે. સિદ્ધાંત જ હોય તો જાહેરાત કરવી જોઈએ કે હવેથી પ્રધાનો અડધી ટર્મ માટે, સીએમ એક ટર્મ માટે, પીએમ બે ટર્મ માટે, અને ધારાસભ્ય-સાંસદ ત્રણ ટર્મ માટે જ રહેશે - તે પછી બદલાઈ જશે એ અમારો સિદ્ધાંત છે.

(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...