તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકમાં ઉદાસીનતા, માનસિક તકલીફ, બેચેની, ખોરાકમાં ફેરફાર જેવાં લક્ષણો દેખાય તો અલર્ટ થઈ જાઓ, સાઇબર બુલિંગનો ભોગ બનેલો હોઈ શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારીના લીધે બાળકોના સ્ક્રીન ટાઈમમાં ખૂબ મોટો વધારો થઇ ગયો છે. સંશોધન પ્રમાણે, જ્યાં પહેલાં બાળકો દિવસમાં ફક્ત બે કલાક સ્ક્રીનનો ઉપયોગ કરતા હતા તે હવે વધીને સાત કલાક થઇ ગયું છે અને તેના લીધે ઘણી બધી તકલીફો ઊભી થઇ ગઈ છે, જેમાં સાઇબર બુલિંગ એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે.

સામાન્ય રીતે સાઇબર બુલિંગ ડિજિટલ ટેક્નોલોજી મારફતે થતું હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે બેમાંથી એક વ્યક્તિ સગીર વયની હોય. આમાં એક વ્યક્તિને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હોય છે અને બળજબરાઈથી મેસેજ, ફોટો અથવા વીડિયો મોકલવા વગેરે જેવી બધી વસ્તુઓ કરાવવામાં આવતી હોય છે. આટલું જ નહીં, તેને ધમકીઓ થકી તીવ્ર યાતના આપવામાં આવે છે અને બ્લેકમેઇલ પણ કરવામાં આવે છે. આનું સૌથી ખતરનાક સ્વરૂપ એ હોય છે જ્યારે યાતના આપનાર પુખ્તવયની વ્યક્તિ હોય છે અને તે પોતાની ઓળખ પણ ગુપ્ત રાખે છે. આવી પરિસ્થિતિમાં આ સાઇબર બુલિંગ નહીં પણ સાઇબર સ્ટોકિંગ (ખરાબ હેતુથી કોઈનો પીછો કરવો) બની જાય છે.

તમારી જોડે 17 વર્ષની મીરાંનો બનાવ શેર કરું જેણે છેવટે તેની માતા સામે ખુલાસો કર્યો કે તે સાઇબર બુલિંગનો ભોગ બનેલી છે. તેના એક કલાસમેટ (વર્ગમાં સાથે ભણનાર) છોકરાએ તેની સાથે મિત્રતા કરી અને ધીમે-ધીમે આ મિત્રતા એક પ્રકારના બુલિંગમાં ફેરવાઈ ગઈ, જેમાં તે છોકરો મીરાં પાસેથી ખાસ પ્રકારના મેસેજીસ અને ફોટો મોકલવાની અનૈતિક માગ કરવા માંડ્યો. તેની માગ પૂરી ના કરવાનો અર્થ હતો તેની અને કલાસના તેના ગ્રુપની મિત્રતા ગુમાવી દેવી. દેખીતી વસ્તુ છે કે, તે છોકરો એના કલાસમાં ખૂબ લોકપ્રિય હતો. અધૂરામાં પૂરું એ સ્માર્ટ, વાચાળ અને આત્મવિશ્વાસી હતો અને વળી ટીચરનો પણ ફેવરિટ હતો! જો કે, મીરાં પોતે પણ ખૂબ હોંશિયાર હતી, વાંચનનો શોખ ધરાવતી હતી અને તેના માતા-પિતા પણ શિક્ષિત હતા પણ મીરાં શરમાળ અને અંતર્મુખી હતી. વળી, કિશોરવયની હોવાને લીધે તે ભાવનાત્મક રીતે નબળી હતી. આ બધા કારણોને લીધે મીરા તે છોકરાના કરીઝ્મા (ચિત્તાકર્ષક શક્તિ) ઉપર આશ્રિત હતી કારણ કે, તે છોકરો મીરાંના કલાસમાં મીરાંનું સ્ટેટસ ઊંચું કરવા માટેનો પાસપોર્ટ હતો! ઘણા બુલી થયેલાં બાળકો તો એવું પણ સ્વીકારે છે કે તેઓ પિયર-સ્વીકૃતિની અપેક્ષા હેઠળ પોતાના પ્રાઇવેટ ફોટા અને ડિજિટલ સાધનોના પાસવર્ડ પણ સામેવાળા વ્યક્તિ સાથે શેર કરી દે છે.

જેમ-જેમ બાળકો મોટાં થઈને કિશોરવયમાં પગ મૂકે છે તેમ-તેમ તેમની બે જરૂરિયાતો ખૂબ જ મહત્ત્વપૂર્ણ થઇ જાય છે. પહેલી જરૂરિયાત છે - જોડાયેલા રહેવું અને બીજી છે - સ્વાયત્તતા. આ બધું ઓળખ ઊભી કરવાની પ્રક્રિયાનો એક સ્વાભાવિક ભાગ છે. સ્વતંત્ર થવું અને મા-બાપના રક્ષણાત્મક ગોળામાંથી બહાર નીકળવું. સ્વાયત્તતા અને જોડાયેલા રહેવાની ઈચ્છા બંને એકમેક સાથે સંકળાયેલી છે. વળી, બાળકને ડગલે ને પગલે પોતાના પિયર્સના સમર્થનની જરૂર હોય છે. કદાચ એટલે જ આપણે કેટલા બધા કિશોરવયનાં બાળકોને સમૂહ અથવા ક્લબનો ભાગ બનતા જોઈએ છીએ કે પછી કોઈ પણ ફેડ (જમાનામાં ચાલતી લહેર)નું આંધળું અનુસરણ કરતા જોઈએ છીએ. આ કરવાથી તેમને એક જાતની સુરક્ષાની અનુભૂતિ થાય છે, જે તેમને સામાજિક સ્વીકૃતિ આપે છે. નાનામાં નાની ઉપેક્ષા તેમની આ નવી ઊભી થઈ રહેલી ઓળખ માટે ખતરો બની જાય છે.

કમનસીબે સાઇબર બુલિંગ આજના ડિજિટલ યુગની એક કડવી હકીકત બની ગયું છે. બાળકો કેમ બુલી બની જાય છે? આનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાં પોતાની જાતને વ્યક્ત કરવા માટે, શક્તિશાળી હોવાની અનુભૂતિ કરવા માટે, બદલો લેવા માટે, પિયર્સની શાબાશી મેળવવા માટે, મનોરંજન માટે કે પછી પોતાના અંદરના ગુસ્સા અને હતાશાને લીધે વગેરે બાબતોનો સમાવેશ થાય છે અને વળી ઓનલાઇન રહેવાથી તેમને અનામી અને શક્તિશાળી હોવાનો અનુભવ થાય છે.

બુલી થઈ રહેલાં બાળકને પુખ્તવયની વ્યક્તિ પાસે મદદ લેવામાં સમય લાગે છે કારણ કે, તેને એવી ગેરસમજ હોય છે કે જો તે આ કબૂલ કરશે તો તે ગ્રુપમાંથી બાકાત થઇ જશે. છોકરીઓ અને છોકરાઓ બંને સાઇબર બુલિંગનો ભોગ બની શકે છે. એટલે જ ખૂબ જરૂરી છે કે તમે તમારા બાળકની જોડે વીતી રહેલી દરેક વસ્તુનો ટ્રેક રેકોર્ડ રાખો. અલબત્ત, કિશોરવયના ઘણાં બાળકો મૂડ સ્વિંગ્સમાંથી પસાર થતા હોય છે. પરંતુ જો તમે તેનામાં ઉદાસીનતા, માનસિક તકલીફ, બેચેની, ખોરાકમાં ફેરફાર વગેરે જેવાં લક્ષણ જુઓ ત્યારે જરૂર છે સચેત થઈને પરિસ્થિતિની તપાસ કરવાની.

એક વાલી તરીકે તમે નીચે આપવામાં આવેલા પગલાં લઈ શકો છો

  • વાર્તાલાપના બધા માર્ગ ખુલ્લા રાખો.
  • ખોટા નિષ્કર્ષ ન કાઢો. પોતાના બાળક જોડે ખુલ્લા મને ચર્ચા કરો જેથી તમને સાચા પુરાવા મળે.
  • બાળકને તે આવું કેમ લખ્યું કે મોકલ્યું એમ કહીને તેને જજ ન કરો. તેને દોષ પણ ન આપો. તેના બદલે તેને હિંમત અને તમારું સમર્થન આપો અને સાથે એને એ પગલાંની પણ જાણ કરો જેનાથી એનો બચાવ થઇ શકે છે.
  • તમારા બાળકને એમ શીખવાડો કે તે તરત જવાબ ન આપે. સોશિયલ મીડિયામાં રહેલું મોટાભાગનું ઝેર ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને તરત લખાણ કરવાથી થાય છે, જે બહુ જલ્દી અપમાન અને ત્રાસનું સ્વરૂપ લઇ લે છે.
  • તમારા બાળકને એ ચોક્કસપણે શીખવાડો કે ગુસ્સા અને બદલાની ભાવના જોડે તરત રિએક્ટ ન કરવું જોઈએ.
  • તેમને એ ખાસ કહો કે તેઓ પોતાના ફોટા અને પાસવર્ડ કોઈની જોડે શેર ન કરે.
  • બાળકને એ ખાસ શીખવાડો કે તે બીજાની પ્રાઇવસીનું તો માન રાખે અને જો કોઈ તેની પ્રાઇવસી ભંગ કરવાનો પ્રયત્ન કરે તો તે તેને પણ તરત જ બ્લોક કરી દે.
  • તેની સાથે ચર્ચા કર્યા વગર એનું ડિજિટલ સાધન (ફોન, ટેબલેટ, લેપટોપ વેગેરે) એની પાસેથી લઈ લેવાની ભીષણ ભૂલ ન કરતા કારણ કે, બુલી થઈ રહેલાં બાળકને તે સજા જેવું લાગશે કારણ કે, તેના માટે તે સાધન એક લાઈફલાઈન જેટલી મહત્તા ધરાવે છે.
  • બાળકનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી નાખો અને કમ્પ્યૂટરને ઘરના પબ્લિક (બધાને દેખાતા) ભાગમાં રાખો. પુરાવો સાચવીને રાખો જેથી જો સામેવાળી વ્યક્તિ કોઈ ખોટી ધમકી આપે તો તમે પોલીસની મદદ લઈ શકો.

જો સામેવાળી વ્યક્તિ પણ એક સગીર વયનું બાળક હોય તો તેના વાલી જોડે વાત કરી તેમને આમાં ઇન્વોલ્વ કરો. એટલું યાદ રાખો કે, સ્કૂલ ત્યારે જ કોઈ એક્શન લઇ શકશે જ્યારે બનાવ તેમના સ્કૂલની અંદર બન્યો હોય. ભલે બંને બાળક એ જ સ્કૂલના પણ કેમ ન હોય પણ સ્કૂલના કેમ્પસની બહાર અને સ્કૂલના સમયની બહાર થયેલી ઘટનાને લઈને સ્કૂલના હાથ બંધાયેલા છે.

ઘણી વખત ભોગ બનેલું બાળક પણ બુલી બની શકે છે. જો તમારું બાળક બીજાને બુલી કરી રહ્યું હોય તો તમારે મક્કમ થઈને એને શીખવાડવું જોઈએ કે, આ માત્ર અસ્વીકાર્ય જ નથી પણ એક સજાપાત્ર ગુનો પણ છે.

વાલીઓ નક્કી કરે તો તેઓ સાઇબર બુલિંગથી પીડાતા કે પછી સાઇબર બુલિંગ કરતા બાળકને એ ભાવનાત્મક મદદ આપી શકે. જેનાથી તેઓ આ યાતનામાંથી સ્વસ્થ રીતે બહાર નીકળી શકે.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)