તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્લોર ઇન્ડિયા:રોમાંચ અને ભૂતકાળના રાહસ્યોથી ઘેરાયેલું મધ્ય ભારતનું અદભુત જંગલ 'બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન'

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રોજિંદી લાઇફના કોલાહલ અને સ્ટ્રેસથી છૂટવું હોય તો પ્રવાસ જેવો રામબાણ ઇલાજ બીજો એકેય નહીં. અને આપણો દેશ તો કેટકેટલાં વૈવિધ્યથી ભરચક છે. ક્યાંક હિમાલયનાં ઉત્તુંગ શિખરો, તો ક્યાંક અફાટ દરિયાકિનારો. ક્યાંક ગાઢ જંગલોમાં સંભળાતી સિંહ-વાઘની ગર્જનાઓ તો ક્યાંક દિવ્યતાનો અનુભવ કરાવતાં યાત્રાધામ... આપણા દેશની અણદીઠેલી ભોમકા પર જઈને આપણે દર રવિવારે કરીશું ‘એક્સપ્લોર ઇન્ડિયા’.
***
બાળપણમાં જંગલ વિશે ઘણી બધી વાર્તાઓ સાંભળી હતી અને પોતાની કલ્પનામાં માણી પણ હતી. ઘણીખરી કલ્પનાઓમાં જંગલને ભયના માહોલ સાથે જોડી દેવામાં આવ્યું હોય છે અને આપણે પણ જંગલ વિશે એ જ છાપ લઈને ચાલતા હોઈએ છીએ પણ બાંધવગઢ દરેક કલ્પનાઓ અને ઉલ્લેખથી તદ્દન વિપરીત છે. પૌરાણિક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ અદભૂત સ્થળ વિશે શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ છે. સાતપુડાની ગિરિમાળાઓમાં આવેલા 32 જેટલી પહાડીઓ અને 40 જેટલી કુદરતી ગુફાઓથી ઘેરાયેલા આ જંગલમાં આવેલા અદભૂત કિલ્લાનું રહસ્ય કોઈને પણ નથી ખબર. લોકકથાઓ અનુસાર એવું કહેવાય છે કે લંકા જીત્યા પછી ભગવાન શ્રીરામે ભાઈ લક્ષ્મણ માટે આ કિલ્લો બનાવડાવ્યો હતો. કદાચ એટલે જ એ બાંધાવગઢ ભાઈનો ગઢ તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાં અહીંયા સહુથી વધારે વાઘ વસે છે અને મુક્તપણે વિહરતા વાઘની એક માત્ર ઝલક માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ જબલપુર પાસે આવેલા બાંધવગઢની મુલાકાતે આવે છે.

બાંધવગઢમાં એવું શું છે જે દરેક પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે?

બાંધવગઢનું પ્રાકૃતિક સૌંદર્ય કોઈપણ વ્યક્તિને મોહિત કરી મુકવા માટે સક્ષમ છે. ખળખળ વહેતી ચરણગંગા નદી, અવનવા પક્ષીઓનો કલરવ, હરણાઓનો કિલ્લોલ, વાંદરાઓની ચિચિયારી, વાઘની ત્રાડ આ બધું જ બાંધવગઢમાં કોઈને પણ મંત્રમુગ્ધ કરી દેવા સમર્થ છે. જંગલ ફરવાના સ્થળોમાં બાંધવગઢનું સ્થાન મારા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. એનું કારણ છે ત્યાં દરેક ખૂણે નિસર્ગનો નવીનતમ આનંદ જોવા મળે છે. અહીં શાંતિથી જંગલ જોવા માટે મછાન અને અલગ અલગ ત્રણ ટાવર છે, જેના પરથી આખા જંગલની હલચલને માણી શકાય છે. બાંધવગઢના ત્રણ ઝોન પૈકીનો મુખ્ય ઝોન તાલા જેમાં વાઘોની અવનવી કરતબો અને સંગ્રામ વિશ્વભરના પ્રકૃતિપ્રેમીઓએ નિહાળ્યા છે અને ડોક્યુમેન્ટ પણ કર્યા છે. ક્યારેય માની ન શકાય એવી ઘટનાઓ અહીં ઘટી છે. અહીંયાના વાઘોની પ્રકૃતિ શાંત અને સૌમ્ય છે. એક સમયે બી-2 નામનો વાઘ કેમેરાનો દીવાનો હતો. જયારે એ વાઘનું મૃત્યુ થયું ત્યારે લગભગ દરેક પ્રકૃતિપ્રેમીની આંખો ભીંજાયા વિના નહીં રહી હોય. અહીંનો મુખ્ય ટાવર ચક્રધારા છે, જ્યાંથી બાંધવગઢનું વિશાળ ચક્રધારા ગ્રાસલેન્ડ અને અસંખ્ય વન્યજીવોને વિહરતા જોઈ શકાય છે. બનબાઈ ટાવરની નજીક જ ચરણગંગા નદી વહે છે એટલે વાઘ અને દીપડાઓનો મનપસંદ વિસ્તાર છે. તેનું મુખ્ય કારણ બાંધવગઢમાં વહેતી ચરણગંગા નદી છે. આશરે આઠ કિમી લાંબી ચરણગંગા નદીનું ઉદગમસ્થાન પણ નવાઈ પમાડે એવું જ છે.

બાંધવગઢનો રહસ્યમય ઇતિહાસ અને ભૂતકાળની ઝાંખી
બાંધવગઢનું જંગલ ખૂબ જ રહસ્યમય છે. આશરે ચારસો વર્ષ પહેલા “બઘેલ” શાસકોનું અહીંયા શાસન હતું અને તેઓનો ફાળો અહીંયાના પર્યાવરણના વિકાસમાં ખૂબ જ મોટો છે. તેઓ જ્યારે અહીંયા રહેતા ત્યારે પ્રકૃતિનું જતન કરવા માટે અને બારે મહિના પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે જંગલ વચ્ચે આવેલા વિશાળ બાંધવગઢ કિલ્લા આસપાસ બારેક જેટલા કૃત્રિમ તળાવોનું નિર્માણ કર્યું હતું. જેથી, વર્ષાઋતુમાં પાણીનો સંગ્રહ થઇ શકે અને બારેમાસ પ્રકૃતિ લીલીછમ્મ રહે. સંજોગોવશાત વર્ષ 1617માં તેમણે બાંધવગઢ છોડી દીધું અને 300 કિમી દૂર રીવા નગર વસાવ્યું અને ત્યાં જ વસવાટ કર્યો. તેમણે બનાવેલા તળાવોમાં પાણીનો સંગ્રહ થવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે બાંધવગઢની પહાડીઓ પરથી પાણી નીચેની તરફ વહેવા લાગ્યું. વર્ષો જૂની ભગવાન વિષ્ણુની પાષાણ પ્રતિમાના ચરણને સ્પર્શીને નદીની ધારા રૂપે તાલાના મેદાનમાં ચરણગંગા બનીને વહેવા લાગી. તાલા ઝોનમાં આવેલી શેષનાગની શૈયા પર બિરાજમાન વિષ્ણુ ભગવાનની 35 ફુટ લાંબી પાષાણ પ્રતિમા 1000 વર્ષ કરતાં પણ વધારે જૂની અને માત્ર એક જ પથ્થરમાંથી બનેલી હોવાનું મનાય છે. આ સિવાય, બાંધવગઢના કિલ્લાની આસપાસ વર્ષો જૂની 40 જેટલી ગુફાઓ છે, જેના પર પાલિ લિપિમાં કશુંક કોતરાયેલું છે તો ક્યાંક પ્રાણીઓના આકારની કોતરણી પણ છે. પથ્થરો સાથે ટકરાતી, જગ્યા બનાવીને ખળખળ વહેતી ચરણગંગા જ બાંધવગઢની જીવસૃષ્ટિની જીવાદોરી છે. આજની તારીખમાં આ બારેય તળાવમાં એટલું પાણી છે કે જંગલમાં બારે માસ નદી વહેતી જોવા મળે છે અને વન્યજીવો મસ્તીમાં મહાલતા જોવા મળે છે.

બાંધવગઢનો તાજો જ અનુભવ...
સૂરજની પહેલી કિરણ અવની પર પડે એ પહેલા જ અમે જીપ્સીમાં ગોઠવાયા. મે મહિનાના સ્વચ્છ આકાશમાં રેલાયેલી આછેરી કેસરી ચાદરને જોઈને જાણે પ્રકૃતિએ કોઈ નવો જ આલાપ છેડ્યો હોય એવું લાગી રહ્યું હતું. જીપ્સીના અવાજ સિવાય અમે બધા જ ચૂપચાપ પ્રકૃતિના નશામાં ચૂર હતા. રિસોર્ટથી નીકળ્યા ત્યારથી જ અમને જંગલનો રંગ ચઢી ગયો હતો. ખિતોલી ઝોનથી શરૂઆત કરી. આંખો પહોચી શકે ત્યાં સુધી ઊંચા સાલ અને ક્યાંક સાગના વૃક્ષો સાથે માટીમાંથી આવતી સવાર સવારની મહેક જાણે અમારું સ્વાગત કરી રહી હતી. વાંદરાઓ અહીંથી તહીં કૂદાકૂદ કરીને જિજ્ઞાસાવૃત્તિથી અમે સામે તાકી રહ્યા હતા. વિશાળ ખુલ્લા ઘાસના મેદાનમાં એક રાજગીધ બેઠું હતું અને બીજા પણ ઘણા ગીધનું એક સમૂહ હતું. જંગલમાંથી ઉડાન ભરીને ગીધે જમીન પર બોઇંગ વિમાનની જેમ જ ઉતરાણ કર્યું. ગીધની વિશાળ પાંખો ફેલાય ત્યારે જ તેની વિશાળતાનો અંદાજ આવે. પહેલા ગીધ પુષ્કળ પ્રમાણમાં દેશભરમાં જોવા મળતા હતા પણ કાળા માથાના માનવીના પ્રતાવે આજે ગીધની સંખ્યા નજીવી થઇ જવા પામી છે.

ત્યારબાદ શરૂઆત થઇ જંગલના મુખ્ય સેલિબ્રિટી એવા વાઘને શોધવાની. જંગલનો આનંદ લેતા લેતા અમે લગભગ ખિતોલી વિસ્તાર ખૂંદી વળ્યાં પણ ક્યાંય વાઘના અણસાર ન દેખાયા અને ન તો રસ્તા પર ક્યાંય પગમાર્ક દેખાયા. છેલ્લે એક જગ્યા પર વનવિભાગનો હાથી મસ્તીથી ઝાડના પાન ખાઈ રહ્યો હતો અને મહાવત એને કંપની આપી રહ્યો હતો એ નિહાળતા અમે અહીંયા જ રાહ હોવાનું નક્કી કર્યું. આખું જંગલ ઢંઢોળ્યા પછી વાઘના કોઈ સમાચાર ન મળે તો જરાક બેચેની પણ આવે. હરણનું ટોળું નાનકડા એવા જળાશય પાસે ચારો ચરી રહ્યું હતું, જંગલના આગવા સંગીત સિવાય પોતાની ધડકન પણ સાંભળી શકાય એટલી નીરવ શાંતિ હતી. જ્યારે આંખોથી કામ ન બને ત્યારે કાનને કામે લગાડી દઈએ એ રીતે અમે સહુ ધ્યાનથી જંગલની ગતિવિધિઓ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. થોડીક ક્ષણોમાં મારા મિત્રની નજર હાથી પરથી જરાક દૂર જમીન પર પડેલા સૂકા પાંદડાઓ પર પડી. જાણે એટલામાં જ તડકો આવતો હોય એવું કશું ભાસતું હતું. આંખો ઝીણી કરીને એમણે ધ્યાનથી જોયું અને પછી શંકાનું સમાધાન કરવા કેમેરામાંથી નજર માંડી અને બોલી ઉઠ્યા,"ત્યાં વાઘ છે".

જંગલનો રાજા મજાથી સૂકા પાંદડાઓ ઉપર હાથીથી માત્ર દસેક ફૂટના અંતરે અને અમારાથી પચાસેક ફૂટના અંતરે આડો પડીને ગાઢ નિંદ્રાનો આનંદ લઇ રહ્યો હતો. થોડા ઘણા ફોટોગ્રાફ લીધા ત્યાં એ ઊભો થયો અને ધીમેથી ચાલીને ઝાડીમાં થઈ અમારી સામે જ એક તૂટેલા વૃક્ષ પર ઊભો રહી ગયો. અમારા ડ્રાઈવરે ગાડી સેટ કરી અને અમે કેમેરા લઈને તૈયાર થયા જાણે કોઈ યુદ્ધમાં જવાનું હોય એમ જ. એ આળસ મરડીને બેઠો થોડીકવાર એક પથ્થરની ટોચ પર અને પછી ઊભો થઈને આવ્યો અમારી સમક્ષ. જીપ્સીના ટાયર પાસે જ પાણીના વોંકળા જેવી નાની સરવાણી પસાર થઇ રહી હતી ત્યાં બેફિકર થઈને આવ્યો અને અમારી સામે જાણે આંખ મિલાવીને જોતો હોય એમ અમને અવગણીને પાણી પીવા લાગ્યો. અમારાથી માત્ર બે કે ત્રણ ફૂટના જ અંતરે. એની આંખો જાણે અમને પૂછી રહી હતી કે તું કોણ? અમારી જાણે વાચા હણાઈ ગઈ હતી.

બાંધવગઢમાં મુક્તપણે વિહરતા વાઘ સાથેની યાદગાર મુલાકાત અને કુદરતી ઘટનાક્રમ

પાણી પીને પરત ફરતા જ એની નજર એક નાના એવા બાર્કિંગ ડીયર પર પડી, જે જરાક જ દૂર પાણી પી રહ્યું હતું. વાઘ ધીરે ધીરે દબાતા પગલે હરણ તરફ આગળ વધ્યો. સૂકાયેલાં પાંદડા પર સહેજ પણ અવાજ ન આવે એ રીતે છેક હરણથી એકદમ નજીક એક ઝાડની આડશ લઈને એ શિકાર કરવાના મૂડમાં બેસી ગયો અને ઝાપટ મારે એ પહેલા જ હરણ પાણી પીને છલાંગ લગાવીને ઝાડીમાં અદ્રશ્ય થઇ ગયું. એ ક્ષણે વાઘના ચહેરા પર નિષ્ફળતા સાફ વર્તાઈ રહી હતી. શિકાર ન થઇ શક્યાનો અફસોસ કરીને એ ત્યાં જ બેસી ગયો. થોડીવાર પછી ફરી પાછો ફરીને અમારી સામે જ આવીને અમારી સામે એ રીતે બેઠો જાણે અમે એના મેહમાન થઇને ગયા હતા. લગભગ આખી જ સફારી દરમિયાન અમે ત્યાં જ એની સામે જ બેસી રહ્યા અને એની બધી જ અદાઓને કેમેરામાં કંડારી. આ વાઘ આશરે ચારેક વર્ષની ઉમરનો હતો અને એનું નામ દરહા હતું. એના ફોટો પાડતી વખતે જ વિવિધરંગી પક્ષીઓ કરતબ કરતા ઝડપાઇ ગયા હતા, જેમાં દૂધરાજ, નીલપંખો જેવા પક્ષીઓ હતા.

બપોર પછીનો રાઉન્ડ વધારે રસપ્રદ હતો. અમે બપોર પછી મગધી ઝોનની સેલિબ્રિટી ટાઇગ્રેસ "સોલો"ને શોધવા જવાના હતા. બપોરના ભોજન પછીની સફારીમાં અમે મગધી ઝોન તરફ નીકળ્યા અને સોલોની શોધમાં લાગી ગયા. આજે પણ નસીબ સાથ નહોતું આપી રહ્યું. સોલો ક્યાંય પણ ન દેખાઈ કે ન તો એનો મેટ મંગુ દેખાયો કે ન તો મિસ્ટર એક્સ દેખાયો. અહીં કુદરતી ગુફાઓ છે, જેમાં સોલો એના ચાર બચ્ચાઓ સાથે રહે છે. સોલો એના ચારેય બચ્ચાઓને બચાવવા માટે ખુબ જ જેહમત ઉઠાવી રહી છે અને સ્ટ્રેટેજી કહો તો પણ ભલે એના બચ્ચાંને બચાવવા ખાતર એક સાથે બબ્બે મેલ ટાઇગરને ડેટ કરી રહી છે. જેથી, કોઈપણ મેલ ટાઇગર એના બચ્ચાઓને મોતને ઘાટ ન ઉતારે. સૂરજ ઢળવા આવ્યો અને અમે થાકી હારીને ફરી એકવાર પહાડી વિસ્તારમાં પણ આંટો મારી જોયો પણ કશું હાથ ન લાગ્યું. એક લંગુર જમીન પર બેસીને બીજા વાંદરાઓને અને હરણોને ચેતવણીસૂચક કોલ આપી રહ્યો હતો. ડ્રાઈવરે કહ્યું, "યહ બંદર ભી પગલા ગયા હૈ, નીચે બેઠકર કોલ દે રહા હૈ". સામાન્ય રીતે વાઘ ને જુએ તો વાંદરાઓ ઝાડ પર ચઢી જાય અને કોલ આપે પણ અહીં ઊલટું હતું. એટલે અહીંયા કશું જ નથી એમ વિચારીને અમે આગળ વધ્યા.

થોડીક ક્ષણોમાં દૂર જ્યાં વાંદરો કોલ આપતો હતો એનાથી થોડેક જ આગળ ઘાસમાં હલન ચલન થઇ અને બધાના આશ્ચર્ય વચ્ચે સોલો બહાર આવી અને એની ગુફા તરફ જવા નીકળી. લગભગ દિવસ પૂરો થવા આવ્યો હતો, સુરજ પણ ક્ષિતિજ પર હતો. અમારી નજર સામે રોડ પર કેટવોક કરતી હોય એમ સોલો વૃક્ષો વચ્ચેથી પસાર થઇ અને અમારી સામે એક નજર કરીને એના બચ્ચાંઓ પાસે ગુફા તરફ જતી રહી એની બીજી જ ક્ષણે એનો નવો જ ડેટ મિસ્ટર એક્સ એની પાછળ પાછળ આવ્યો અને એ જ રીતે અમારી સામેથી પળવારમાં પસાર થઇ ગયો. વાંદરાઓ અને હરણ એમને અવાચક બનીને જોતા જ રહ્યા.

તાલા ઝોનની છેલ્લી સરપ્રાઈઝ

બીજા દિવસે સવારથી બપોર સુધી વાઘને શોધ્યો પણ કોઈ અણસાર જ ન મળ્યા. એટલે જંગલને માણ્યું. બપોર પછી તાલા ઝોનમાં સફારી હતી. તાલા ઝોનમાં પ્રવેશતા જ ચક્રધારાના ઘાસના મેદાનોમાં એક જૂનું મંદિર છે એ મંદિર પાસે હંમેશાં વાઘ વિહરતો હોય છે. નસીબ જોર કરી રહ્યું હતું આજે એટલે જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ ઘાસમાં આરામ ફરમાવતો વાઘ દેખાઈ ગયો. એ વાઘ અમારી સામે બેફિકરો થઈને લગભગ સાંજ સુધી એમ જ બેસી રહ્યો. અમે કંટાળીને આજુબાજુમાં આવતા પક્ષીઓના ફોટોગ્રાફ લીધા અને છેલ્લે સફારી પુરી થવાને પાંચ જ મિનિટ બાકી હશે એટલે ડ્રાઈવરે ગાડી ચાલુ કરી પરત ફરવા માટે પણ અમે કહ્યું કે પાંચ મિનિટ રાહ જોઈ લઈએ, એટલામાં તો વાઘ ઊભો થયો અને છેલ્લે અમને હસીને વિદાય આપતો હોય એવો પોઝ આપીને અમારી બાંધવગઢની સફરને કાયમ માટે યાદગાર બનાવી દીધી. બાંધવગઢને ફરી પાછા આવવાના વચન સાથે મેં જંગલની વિદાય લીધી. જંગલથી પરત ફરતી વખતે હું હંમેશાં વાર્તાઓના ખિસ્સા ભરી લાવું પણ બાંધવગઢ તો મનમાં જ ઘર કરી ગયું.

કેવી રીતે જશો બાંધવગઢ?
બાંધવગઢનું સહુથી નજીકનું રેલવે સ્ટેશન ઉમરીયા છે. આ સિવાય કટની અને જબલપુર પણ છે. જબલપુરથી ચારેક કલાકનું રોડમાર્ગનું અંતર છે. બાંધવગઢમાં સફારી બુકિંગ ઓનલાઇન કરાવવું જરૂરી છે. મધ્યપ્રદેશ વન વિભાગની વેબસાઈટ https://forest.mponline.gov.in/ પર સફારીનું બુકિંગ થઇ શકે છે અને રજિસ્ટર્ડ ડ્રાઈવર-ગાઈડનાં સંપર્કો પણ ત્યાંથી જ મેળવી શકાય છે. બાંધવગઢ નેશનલ પાર્કની બહાર જ રહેવા માટે અઢળક રિસોર્ટ્સ અને હોટેલ્સ ઉપલબ્ધ છે, જે ઓનલાઇન અથવા ઓફલાઈન બુક કરાવી શકાય છે. બાંધવગઢથી નજીક ખજુરાહો, કાન્હા નેશનલ પાર્ક પણ આવેલા છે. એને પણ સાથે આવરી શકાય. અહીં ખાવા-પીવા માટે સાત્ત્વિક અને સાદું ભારતીય ભોજન મળી રહે છે પણ અહીં મીઠાઈમાં મોટી મોટી રસઝરતી જલેબી અને સાથે છાશની ખટાઈ એ ખૂબ જ સામાન્ય રીતે ઉપલબ્ધ નાસ્તો છે. અહીં આવીને એની લિજ્જત અચૂકપણે માણવી જોઈએ.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો