એક્સપ્લોર ઇન્ડિયા:1971 સુધી પાકિસ્તાનના કબ્જામાં રહેલું હિમાલયનું સૌથી છેવાડાનું ગામ એટલે બાલ્ટીસ્તાનનું તુરતુક - ઝરણાં, વાદળો અને નદીઓનો અનેરો સંગમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિમાલયનાં કોઈ પણ ખૂણે જાઓ, કુદરત અવનવા રુપે એનો ખજાનો ખોલીને બેઠેલી જોવા મળે જ. આમ તો આખાયે ભારત દેશમાં વિવિધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ખજાનો અઢળક ભરેલો છે પણ અમુક સ્થળો એવાં હોય છે કે એની હરોળમાં કશું જ ન આવે.

સ્વર્ગની ઝાંખી કરાવેતું હિમાલયમાં છેક છેવાડે આવેલું નાનકડું ગામડું તુરતુક
સ્વર્ગની ઝાંખી કરાવેતું હિમાલયમાં છેક છેવાડે આવેલું નાનકડું ગામડું તુરતુક

તમે કોઈ નાનકડા એવા ગામડાની ગલીમાં ચાલી રહ્યા હો અને કાનમાં સતત વહેતાં ઝરણાંનું સંગીત હોય, આંખો સામે શ્વેત પહાડીઓ કુદરતી આભા દેખાડતી હોય, નાનકડા ખેતરમાં હરિયાળી લહેરાતી હોય, લાલ ચટક લચી પડેલા ફળોનાં વૃક્ષો હોય જેનો કોઈ જ ધણી ન હોય, આસમાની રંગની નદી વહેતી હોય અને એનું પથ્થરો સાથેનું મધુર સંગીત કંપની આપતું હોય, જૂનો લાકડાનો બ્રિજ હોય તો આ કોઈ સપનાનું જ વિશ્વ લાગે ને? ચાલો આજે એવા વિશ્વમાં સફર કરીએ. આવું જ એક અદભુત સ્થળ હિમાલયમાં છેક છેવાડે આવેલું નાનકડું ગામડું તુરતુક છે, જે સ્વર્ગની ઝાંખી કરાવે છે અને જેની પાસે કહેવા માટે બહુ મોટો યાદોનો ખજાનો છે. રાજકીય અને ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવતું આ સ્થળ કુદરતની કરામતનું સુંદર ઉદાહરણ છે. ખિલખિલાટ હાસ્ય કરતી કુદરત જ જાણે જોઈ લો. અહીં તમામ રંગોની સજાવટ જાણે એક જ સાથે કરી હોઈ એવું મનમોહન દૃશ્ય છવાયેલું દેખાય, ચારે દિશામાં નજર કરો તો બસ એમ જ લાગે જાણે કોઈ HD ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છીએ. એ સમયે કોઈ પણ વ્યક્તિ અભિભૂત બનીને બે ઘડી એ દૃશ્યોને ચોક્કસથી પોતાની યાદોની ગુલ્લકમાં સાચવીને મૂકી દે છે. દૂર સુધી દેખાતી સ્થિર પહાડીઓ અને તેના પર પસાર થતી વ્યોમસેના કોઈ પણને અમુક ક્ષણો માટે સહજતાથી સ્થિર કરી દે છે. તુરતુક એક અત્યંત સુંદર ગામડાં તરીકે જીવનભરની છાપ છોડી દે એવું ગામ છે અને અહીંના લોકો પણ એવા જ જે કોઈનાં પણ માનસપટ પર છવાઈ જાય.

ચેરી અને શેતુરનાં ઝૂમખાબદ્ધ વૃક્ષો
ચેરી અને શેતુરનાં ઝૂમખાબદ્ધ વૃક્ષો

સુંદર ખેતરોમાં લહેરાતો પાક, એપ્રિકોટથી લચી પડેલાં વૃક્ષો , ઠેર ઠેર ચેરી અને શેતુરનાં ઝૂમખાબદ્ધ વૃક્ષો પર ચેરી અને શેતુર જોઈને કોઈ પણ વયસ્ક તેના બાલ્યાવસ્થામાં પુનપ્રવેશ કરી લે એવી મીઠાશ અહીંના ફળોની અને અહીંના લોકોમાં પણ એ જ મીઠાશ ઊતરી આવી છે એવું અનુભવી શકાય. ભારત દેશ છોડીને કોઈ અજાણ્યા પ્રદેશમાં આવી ચઢ્યા એવું જ અનુભવી શકાય. તુરતુક એ બાલ્ટીસ્તાન પ્રદેશનો એક ભાગ છે જે ભારત,પાકિસ્તાન,ચીન અને અફઘાનિસ્તાન બોર્ડર સાથે જોડાયેલ છે જેના કારણે રાજકીય દૃષ્ટિએ આ સ્થળ ખૂબ જ મહત્ત્વનું છે. બાલ્ટીસ્તાન અને ભારતની બોર્ડર પર આવેલું આ ગામ 1971ના યુદ્ધ પહેલાં પાકિસ્તાનના કબજા હેઠળ હતું. આશરે સોળમી સદીથી આઝાદી સુધી બાલ્ટીસ્તાન પર યાંગબો વંશનું શાસન હતું. 1947ના યુદ્ધમાં આ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો. ત્યારબાદ ફરીથી 1971માં યુદ્ધ થતાં બાલ્ટીસ્તાનનાં ચાર ગામડાં રાતોરાત ભારત હેઠળ આવી ગયાં. આમ ભૂ-રાજનૈતિક દૃષ્ટિએ અગત્યનું અને દુર્ગમ ગામ તુરતુક એ ભારતની તે વિસ્તારમાં અંતિમ ચેકપોસ્ટ છે. ભારતીય સેના દ્વારા આ વિસ્તારનું ખૂબ જ વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવે છે અને અહીંના લોકો માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

શ્યોક વેલી અને કારાકોરામની હારમાળાના સાનિધ્યમાં આવેલા આ ગામના ત્રણ ભાગ છે. ચુથાંગ, યુલ અને ફરોલ. તેમાં યુલ સૌથી જૂનો ભાગ છે. આ ગામની વિશેષતા એ છે કે અહીં મંદિર, મસ્જિદ અને બૌદ્ધ મઠનો સમન્વય જોવા મળે છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર હતા, પરંતુ 2010-11 આસપાસ આ સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકતાં હાલમાં અહીં પ્રવાસન પણ એક આવકનો સ્રોત બની ગયો છે. 2010 પહેલાં અહીંયા કોઈ જ આવી નહોતું શકતું. શ્યોક નદીના કિનારા પર સુંદર લાકડાંનાં અને પથ્થરોનાં બનેલાં નાનાં અને સાદગીવાળાં ઘરો અને આસપાસ હરિયાળાં ખેતરો અને ઝરણાં તેમજ ચારેબાજુ આવેલા એપ્રિકોટ, ચેરી, અખરોટ, પીચનાં વૃક્ષો તેમની આવકનો સ્રોત છે. ખાસ કરી એપ્રિકોટ કે જેને તેઓ બાલ્ટી ભાષામાં ખુમાની અથવા ખુરમાની કહે છે તે અહીંની વિશેષતા છે. અહીં સામાન્ય રીતે જેને સૂકવીને સમગ્ર વર્ષ દરમિયાન ખાઈ શકાય એવાં ફળોની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં અને જઉંની ખેતી પણ સારા પ્રમાણમાં થાય છે. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો તુરતુક એ લદાખનો નહીં પણ બાલ્ટીસ્તાનનો ભાગ છે. અહીંનું થાંગ ગામ પાકિસ્તાન બોર્ડરથી એકદમ નજીક છે, જેથી હજી સુધી અહીં પ્રવાસીઓને જવાની મનાઈ છે. અહીં તુરતુકના ફરોલ વિસ્તારમાંથી K2 શિખરનો વ્યુ જોઈ શકાય છે. ફરોલ તુરતુકનો સૌથી નવો ભાગ છે. રહેવા માટે ગેસ્ટ હાઉસ અને મોટા ભાગના હોમસ્ટે અહીં જ આવેલાં છે. તુરતુક માટે એટલું ચોક્કસથી કહી શકાય કે લદાખ આવનાર ચોક્કસથી તુરતુકની મુલાકાત લે છે અને આ સ્થળની સુંદરતા જ એટલી છે કે આ જગ્યા કાયમ માટે તમારા મનમાં જગ્યા બનાવી લેશે.

સિયાચીન ગ્લેશિયરનો ગેટવે ગણાતું તુરતુક એક સમયે સિલ્કરૂટના ભાગ રૂપે હતું. તુરતુક ગામ માત્ર કુદરતનું લાડકું જ નથી પણ અહીંની સંસ્કૃતિ અને વારસો પણ વૈવિધ્યસભર છે. બાલ્ટીસ્તાનમાં યાંગબો વંશનું શાસન લાંબા સમય સુધી રહેલું. તુરતુકના લોકો બાલ્ટી ભાષા બોલે છે જે મૂળ રીતે તિબેટી ભાષાને મળતી આવે. બાલ્ટી ભાષાની કોઈ સ્ક્રિપ્ટ નથી. અહીંના બાલ્ટી હેરિટેજ હાઉસમાં અહીંના કલ્ચરને જોઈ શકો. તુરતુક જઈને આ મ્યુઝિયમની મુલાકાત અચૂકથી લેવી જોઈએ. અહીં બાલ્ટી પરંપરા સાચવીને રાખવામાં આવી છે. લાકડાનું બનેલું ભવ્ય એકદમ આકર્ષક 150 વર્ષ જૂનું મકાન આવેલું છે. અહીં અલગ અલગ જૂની વસ્તુઓ સંગ્રહ કરી સાચવીને રાખવામાં આવી છે. જુના સિક્કાઓ, તલવારો, ભાલાઓ, ધનુષ, તીર વગેરે જેવાં હથિયારો પણ જોવા મળશે. અહીં 300 વર્ષ જુના પથ્થરોમાંથી બનાવેલાં વાસણો કે જેનો ઉપયોગ લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા માટે કરતા એ પણ સચવાયેલાં છે. જૂની ચાની બાલ્ટી કિટલીઓ પથ્થરનાં કૂકર વગેરે. આ ઉપરાંત યાક અને આઈબેકસનાં ચામડાં અને શીંગડાંમાંથી બનાવેલી અલગ અલગ વસ્તુઓ, અને સૌથી રસપ્રદ વાત અહીંના અનાજ સંગ્રહ કરવા માટેના કોઠારો કે જે અખરોટ અને એપ્રિકોટના લાકડામાંથી બનાવમાં આવે છે અને એ કોઠીમાં બે થી ત્રણ વર્ષ સુધી અનાજ સાચવી શકાય છે. અને ખાસ વાત એ કે અહીંના સ્થાનિક લોકો ખૂબ જ ઉત્સાહથી ટુરિસ્ટને આ દરેક વસ્તુનો પરિચય કરાવે છે. બાલ્ટી હેરિટેજ મ્યુઝિયમ સાથે અહીંનું કોલ્ડ સ્ટોરેજ જે નેચરલ ફ્રીઝર છે તે પણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પથ્થરો વચ્ચે કુદરતી ઢબે રચાયેલ આ ફ્રીઝરમાં બહારનું તાપમાન ગમે તેટલું હોય, અંદર ફ્રિજ જેવું શૂન્યથી નીચું તાપમાન જ રહે છે પરિણામે એમાં દૂધ, બટર, માંસ અને ચામડા જેવી વસ્તુઓ સચાવવા માટે અહીંના લોકો ઉપયોગ કરે છે.

અહીંનું તાપમાન પણ ઉનાળામાં ખૂબ જ ઊંચું અને શિયાળામાં માઈનસ ડિગ્રીમાં જતું રહે છે
અહીંનું તાપમાન પણ ઉનાળામાં ખૂબ જ ઊંચું અને શિયાળામાં માઈનસ ડિગ્રીમાં જતું રહે છે

ભૌગોલિક રીતે જોઈએ તો આ ભાગ જમ્મુ અને લદાખના પ્રદેશોથી ઘણો જ અલગ છે. અહીંનું તાપમાન પણ ઉનાળામાં ખૂબ જ ઊંચું અને શિયાળામાં માઈનસ ડિગ્રીમાં જતું રહે છે. અહીંના લોકોએ કારાકોરામના પથ્થરોનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરી ને એકદમ ઈકો ફ્રેન્ડ્લી ઘરો બનાવ્યાં છે . જેમાં બાલ્ટી પ્રદેશ અને તિબેટની અસર જોવા મળે. સુંદર મોટી કાચની બારીઓ સાદા ઘરોને વધુ આકર્ષક બનાવે છે અને આંગણામાં ઊભેલાં વૃક્ષો એમા ચાર ચાંદ લગાવી દે છે. રસ્તામાં ખેતરો અને ઘરોમાં પાણી પહોંચાડવા માટેની નાની નાની નહેરો, આસપાસના ખળખળ અવાજ કરતા નાના મોટા પથ્થરો આસપાસ તીવ્ર વળાંક લેતાં ઝરણાંઓ બસ મનને આનંદિત કરી દે છે. તુરતુક શબ્દનો અર્થ જ એવો થાય છે કે લાંબા સમય સુધી બેસીને જોવું, જેને જોતાં મન ના ભરાય અને ઊભા થવાનું મન ન કરે એવું સ્થળ.

અહીં ઇન્ડિયન આર્મી ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે. અહીંના લોકોની વાતો પરથી ઇન્ડિયન આર્મી માટેની તેમની રિસ્પેક્ટ દેખાઈ આવે. આર્મી દ્વારા અહીં સદભાવના સ્કીમ ચલાવવામાં આવે છે, જેમાં સ્થાનિક લોકો માટે શિક્ષણ અને રોજગારી મળી રહે. તે ઉપરાંત મહિલાઓનો વિકાસ થાય એવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. તુરતુકમાં આશરે ત્રણસો જેટલા પરિવાર રહે છે, જેમની અંદાજિત વસ્તી ત્રણથી ચાર હજાર આસપાસ છે. અહીંના એક ઘરેથી પાકિસ્તાનની બોર્ડર સ્પષ્ટ રીતે દેખાય છે. અહીં પહોંચવા માટે લદાખનાં નુબ્રા વેલીના હુંડરથી આશરે 80 કિમી મુસાફરી કરીને પહોંચી શકાય છે. અહીંનો ખોરાક પણ અદભુત છે, ચોક્કસ પણે એની લિજ્જત માણી શકાય. અહીં ફરોલમાં જ એક મજાનું કેફે છે જ્યાં લોકલ ઢબથી લોકલ વાનગીઓ પીરસવામાં આવે છે.

કેટલાંક સ્થળોની મુલાકાત એક મુસાફર તરીકે લઈને પણ એ સ્થળને માનસિક રીતે સાથે લઈને ચાલીએ એ પ્રકારનું સ્થળ છે આ ગામ… ખરા અર્થમાં અહીંની મુસાફરી જાણે ભારતમાં રહીને જ બીજા પ્રદેશમાં ફરીને આવ્યા હોઈએ એવો એહસાસ કરાવે છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)