તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેદવાણી:અત્રિ-અનસૂયા: જ્ઞાન, તપસ્યા, સદાચાર, ભક્તિ મંત્રશક્તિના મૂર્તિમાન સ્વરૂપ દિવ્ય ઋષિદંપતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેદના ઋષિઓ ઘરબાર છોડીને વનમાં બેઠેલા સંન્યાસી નહોતા. તેમણે તો પરિવારની જવાબદારી નિભાવવા સાથે જ્ઞાન-વિજ્ઞાનની ઉપાસના સાથે આદર્શ જીવન જીવ્યું. મહર્ષિ અત્રિ વેદમંત્રોના દૃષ્ટા છે તો માતા અનસૂયા ભારતનું મહાનતમ નારીરત્ન છે. અત્રિ જ્ઞાન, તપસ્યા, સદાચાર, ભક્તિ મંત્રશક્તિના મૂર્તિમાન સ્વરૂપ છે તો અનસૂયા પતિવ્રતા ધર્મ અને શીલના મહાન આદર્શ છે. મહર્ષિ અત્રિની સપ્તર્ષિમાં ગણના થાય છે. આવા મહાન દંપતીની પ્રેરક કથા સાંભળવી કોને ન ગમે?

વેદવાણીમાં વેદનું વિજ્ઞાન, સૂક્તો અને મંત્રો સાથે ઋષિઓનાં મહાન ચરિત્રો માણી રહ્યા છીએ. ગતાંકમાં દૃષ્ટા-વૈજ્ઞાનિક મહર્ષિ ભરદ્વાજનું પ્રેરક જીવનદર્શન કર્યું. આજે એવા જ એક ઋષિદંપતીની અદ્ભુત વાતો જાણવાની છે. એ છે, મહર્ષિ અત્રિ અને તેમનાં તપસ્વી પત્નિ અનસૂયા માતા!

મહર્ષિ અત્રિની જ્ઞાનયાત્રા
મહર્ષિ અત્રિ વેદના દૃષ્ટા ઋષિ છે. ઋગ્વેદના દસ મંડળો પૈકી પાંચમા મંડળના દૃષ્ટા મહર્ષિ અત્રિ છે. એટલે તેને આત્રેય મંડળ કહે છે, જેમાં અગ્નિ, ઇન્દ્ર, મરુત, વિશ્વેદેવ અને સવિતા વગેરે દેવોની સુંદર સ્તુતિનાં 87 સૂક્તો છે. આ ઉપરાંત, અગ્નિ અને ઇન્દ્ર દેવતાનાં વીરતાપૂર્ણ કલ્યાણ કાર્યોનું વર્ણન છે. ઋગ્વેદનું ખૂબ જ જાણીતું 'કલ્યાણ સૂક્ત' મહર્ષિ અત્રિનું અમર પ્રદાન છે, જેને મંગળ સૂક્ત, શ્રેય સૂક્ત કે સ્વસ્તિ-સૂક્ત પણ કહેવામાં આવે છે. કોઇપણ પૂજા-પાઠ, વેદિક સંસ્કાર કે સત્કાર્ય કરતાં પહેલાં ગાવામાં આવે છે. તેનો મંત્ર 'વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરા સુવ, યદ્ભદ્રં તન્ન આ સુવ' (ઋગ્વેદ 5/82/5) સૌથી લોકપ્રિય છે, જેમાં ઋષિ સવિતા દેવતાને જગતનાં દુ:ખો દૂર કરી બધી રીતે કલ્યાણ કરવાની પ્રાર્થના કરવામાં આવે છે.

તેમણે માત્ર વેદમંત્રોનાં દર્શન નથી કર્યાં. મહર્ષિએ તેમની પ્રજાને સદાચારપૂર્વક જીવવા પ્રેરણા આપી છે. 'આત્રેય ધર્મશાસ્ત્ર' અથવા 'અત્રિસ્મૃતિ'માં માણસે જીવનમાં શું કરવું અને શું ન કરવું તેની વિગતવાર ચર્ચા કરી છે. અત્રિસ્મૃતિના છઠ્ઠા અધ્યાયમાં વેદમંત્રોનું માહાત્મ્ય છે. જેનાથી વેદના મહાન સૂક્તો અને મંત્રો દ્વારા માણસ કઇ રીતે આધ્યાત્મિક વિકાસ કરી શકે તેનું સુંદર માર્ગદર્શન આપ્યું છે. તેમની વેદનિષ્ઠા ખૂબ પ્રબળ હતી. મહર્ષિ પોતાના અનુભવથી કહે છે કે, વેદમંત્રોના સારી રીતે પાઠ અને અધ્યયન કરવાથી સાધકનું જીવન પાવન થાય છે. આટલું જ નહીં, તેને અગાઉના જન્મોનું જ્ઞાન થઇ શકે છે અને તે ધારે તે કરી શકે છે! અત્રિસ્મૃતિના નવમા અધ્યાયમાં આ વાત ખૂબ રોચક રીતે કહેવામાં આવી છે, 'જો વેરભાવથી હરિનું સ્મરણ કરનાર શિશુપાળનો પણ જો ઉદ્ધાર થઇ શકતો હોય તો જે અનન્ય ભક્તિભાવથી સાધના કરે છે તેની તો વાત જ શું કરવી!'

મહર્ષિ અત્રિનું જીવનચરિત્ર
અત્રિ નામ બહુ જ અર્થપૂર્ણ છે. 'અત્રિ=અ+ત્રિ'. જે સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણેય ગુણોથી ઉપર અથવા ગુણાતીત છે તે અત્રિ. સ્વાભાવિક રીતે મહર્ષિ તો સાત્ત્વિક જીવન જીવતા હોય. તેમના જીવનમાં રજોગુણ (લોભ, અહંકાર) કે તમસ (ક્રોધ, હિંસા) ન જ હોય. તો પછી ગુણાતીત શબ્દનો વ્યવહારુ અર્થ શું? સામેની વ્યક્તિ સારી છે કે ખરાબ તેનો વિચાર કર્યા વિના તેના ભલા માટે પ્રયત્ન કરવો. જેમ દેવર્ષિ નારદને વાલીઓ લૂંટારો ભેટી ગયો તો તેમણે તિરસ્કાર ન કર્યો પણ ઊલટાનું તેને માર્ગદર્શન આપી મહર્ષિ વાલ્મિકી બનાવ્યો! જે મન, વચન અને કર્મથી સારાયે જગતનું કલ્યાણ કરવા માટે સતત પ્રવૃત્ત રહે તે ઋષિ!

વેદના ઋષિઓના જીવનચરિત્રોની કથાઓ પુરાણોમાં મળી આવે છે. મહર્ષિ અત્રિ બ્રહ્માજીના માનસપુત્ર છે. શ્રીમદ્ભાગવત મહાપુરાણના શ્લોકના ચરણ 'અક્ષ્ણોઅત્રિ' (3/12/24) અનુસાર, મહર્ષિ અત્રિનું પ્રાગટ્ય બ્રહ્માજીની આંખમાંથી થયું છે. તેનો ભાવાર્થ એ છે કે મહર્ષિ અત્રિ સૂક્ષ્મ અને દિવ્ય દૃષ્ટિ ધરાવતા હતા! સપ્તર્ષિની યાદીમાં પણ તેમનું નામ મોખરે છે. તેમને પ્રજાપતિ પણ કહેવામાં આવે છે. તેમના પત્ની અનસૂયા છે, જે કર્દમઋષિ અને દેવહૂતિના પુત્રી છે.

માતા અનસૂયાનું અતિ પાવન ચરિત્ર
જેનું નામ પોતે અદ્ભુત છે. અનસૂયા એટલે જે ક્યારેય અસૂયા (ઇર્ષા) ન કરે તે! રામાયણમાં સુંદર વર્ણન છે. રામ જ્યારે વનવાસમાં હતા ત્યારે મહર્ષિ અત્રિ અને માતા અનસૂયાના આશ્રમે પધારેલા. આ ઋષિ-દંપતીએ સીતારામનો માતા-પિતાની વત્સલતાથી આદર સત્કાર કરેલો. માતા અનસૂયાએ સીતાજીને દિવ્ય આભૂષણો અને વનમાં પહેરવા સુગમ રહે એવા વસ્ત્રોની ભેટ આપી હતી. અનસૂયા માતાએ સીતાજીને આપેલો પતિવ્રતાધર્મનો ઉપદેશ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અમર છે. અનસૂયા માતાનું પતિવ્રત એટલું પ્રભાવી હતું કે તેમણે તપના બળથી શૈવ્યા નામની બ્રાહ્મણ સ્ત્રીના પતિને સજીવન કરેલો અને સૂર્યના ઉધ્ધમની બાધા દૂર કરેલી! રામચરિત માનસમાં તુલસીદાસ અનસૂયાજીની સ્તુતિ કરતા ગાય છે, 'અત્રિપ્રિયા નિજ તપ બલ આની, સુરસરિ ધાર નાઉં મંદાકિની'! (2/13.2/5). અત્રિપ્રિયા માતા અનસૂયાના તપથી ભાગીરથી ગંગાની એક ધારા મંદાકિની નામે ચિત્રકૂટમાં પ્રગટ થઇ હતી!

દત્તાત્રેય- અત્રિ અને અનસૂયાના પુત્ર
ભગવાન દત્તાત્રેય કોના પુત્ર હતા, જાણો છો? માતા અનસૂયા અને મહર્ષિ અત્રિના! દત્તાત્રેય નામમાં જ અત્રિનું નામ સામેલ છે. જેની ભેટ અત્રિએ આપી એ દત્તાત્રેય! ભગવાન દત્તાત્રેય ત્રિદેવ સ્વરૂપ છે. જે પોતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ગુણો ધરાવતા હોય તેના માતા-પિતા પણ એવા જ મહાન હોય, ખરું ને? આ ઘટનાની કથા પણ ખૂબ રોચક છે. સૃષ્ટિના આરંભમાં જ્યારે બ્રહ્માજીએ તેમને પ્રજોત્પત્તિ કરવાની આજ્ઞા કરી ત્યારે તેમણે એમ કરવાને બદલે તપ કર્યું. તેમના તપથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી પ્રસન્ન થયા. એ ત્રિદેવોની કૃપાથી તેમના પારણે મહાન તપસ્વી અને તેજસ્વી ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. શ્રીમદ્ભાગવત મહાપુરાણ (4/1/33) અનુસાર, વિષ્ણુના અંશથી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી ચંદ્રમા અને શિવના અંશરૂપ મુનિરાજ દુર્વાસાનું પ્રાગટ્ય થયું. આમ માતા અનસૂયા અને મહર્ષિ અત્રિએ પોતાના દિવ્ય દામ્પત્ય દ્વારા જગતને મહાન સંતતિની ભેટ ધરી.

અત્રિ-અનસૂયાનું દાંપત્ય અને સુપ્રજનશાસ્ત્ર
પ્રજનન દરેક દંપતિનું મૂળભૂત કાર્ય અને સોનેરી સ્વપ્ન હોય છે. જો કે, પોતાની સંતતિ કેવી હોવી જોઇએ, તે કેટલા મા-બાપ વિચારે છે? અત્રિ-અનસૂયાનું દામ્પત્ય દિવ્ય છે કારણ કે, તેમનો ઉદ્દેશ જગતના કલ્યાણનો હતો. મહર્ષિ અત્રિ અને માતા અનસૂયાની કથા સુપ્રજનશાસ્ત્રની મહાન ઘટના છે. ગર્ભ ધારણ કરતી વેળા ગર્ભમાં બાળક હોય ત્યારે અને તેના જન્મ પછી બાળકના પોષણ અને સંસ્કાર સિંચનની જવાબદારી માતા-પિતાની છે. અહીં 'તપ' શબ્દનો સંયમ જેવો અર્થ લઇએ તો વાતની ગડ બેસે છે. વળી, ઘરમાં ઊછરતાં બાળકો માતા-પિતાનું જીવન જોઇને શીખતા હોય છે. એ દૃષ્ટિએ દરેક માણસની પ્રથમ અને સૌથી અગત્યના ગુરુ તેની માતા છે! ત્યારબાદ પિતા અને એ પછી શિક્ષણ કે બીજું કોઇ!

આજનું અમૃતબિંદુ: મહર્ષિ અત્રિ અને માતા અનસૂયા દાંપત્ય જીવનનો અમર આદર્શ છે. આધ્યાત્મિક વિકાસ માટે સંસાર છોડવો જરૂરી નથી. સંસારમાં રહીને, સંકટો અને પડકારોને ઝીલીને જે ઊંચું જીવે તે ખરા સાધક! પોતાનું બાળક સંસ્કારી અને યશસ્વી હોય તે દરેક માતા-પિતાનું સપનું હોય છે. આ સપનું પૂરું કરવાનો માર્ગ પણ અત્રિ-અનસૂયા બતાવે છે. સાદું અને સંયમી જીવન જીવો. કોઇની ઇર્ષા ન કરો. બધાંનું ભલું વિચારો અને એવું જ કરો. મહર્ષિ અત્રિના કલ્યાણ સૂક્તનો સાવ સરળ ભાવાર્થ આવો કરી શકાય જગત સુખી તો હું પણ સુખી અને જો જગત દુખી તો હું ક્યાંથી સુખી!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)

અન્ય સમાચારો પણ છે...