• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • At One Point In The Bitter Cold, A Father Carrying A 'Vote For Jagath' Hoarding For His Son Had A Board Called 'I Am Homeless' In His Hand Today.

મારી વાર્તા:એક સમયે કડકડતી ઠંડીમાં દીકરા માટે ‘વોટ ફોર જગથ’ હોર્ડિંગ લઈને ઊભા પિતાના હાથમાં આજે હૈયું વીંધી નાખે એવું બોર્ડ હતું...

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંગ ડોંગ.. ડિંગ ડોંગ... આશરે સાંજના સાત વાગ્યાના સુમારે ઘરની ડૉર બેલ રણકી. જાન્યુઆરી મહિનાની એ કારમી ઠંડીના દિવસો હતા. સાંજના સાડા ચાર વાગ્યાથી જ અંધકાર એનો અડ્ડો જમાવી દેતો. સૂસવાટા મારતા બર્ફીલા પવનમાં આવા સમયે કોણ ઘરની બહાર નીકળે? બે ઘડી તો એમ જ થયું કે કદાચ ભણકારો થયો હશે, પણ ફરી એક વાર બેલ વાગ્યો. હું બારણું ખોલવા જઉં તે પહેલાં કામ કરતાં કરતાં રાઇટિંગ ડેસ્ક પરથી ઊભા થઈને અનુજાએ બારણું ખોલ્યું. ‘Can I talk to home owner?’

આશરે પાંસઠ વર્ષની ઉંમર, સહેજ શ્યામળો પણ હસમુખો ચહેરો જોઈને એ ભારતીય હશે એ સમજાય એવું હતું. અંગ્રેજી બોલવા મથતા આગંતુકની બોલીમાં દક્ષિણ ભારત તરફની છાંટ હતી.

‘યસ, યુ આર ટોકિંગ ટુ ધ હોમ ઑનર..’ અનુજાએ સલુકાઈથી જવાબ આપ્યો. સાથે એ ભાઈને અંદર આવી શકે એ માટે બારણાંમાંથી થોડું ખસીને જગ્યા કરી. કદાચ નજર સામે ઊભેલી, સાવ નાજુક અને નાનકડી દેખાતી લાગતી અનુજાને જોઈને એ કોઈ કૉલેજમાં ભણતી છોકરી હશે એમ માનીને આગંતુકે એને અન્ય કોઈ વડીલ સાથે વાત કરવાના હેતુથી ફરી યાદ દેવડાવ્યું કે એને હોમ ઑનર સાથે વાત કરવી છે. વાત કરવી કે કેમ એની અવઢવ અનુભવતા એ ભાઈએ સહેજ સમય લીધો એટલામાં તો, ‘કોણ આવ્યું છે અનુજા?’ પૂછતી હું પણ મેઇન ડૉર સુધી આવી.

‘આઇ એમ રાજન.’ મને અને અનુજાને ગુજરાતીમાં વાત કરતાં સાંભળીને આગંતુકે પોતાની ઓળખાણ આપતાં અમારી સામે જોઈને જવાબ આપ્યો. ‘આપ ગુજરાત સે હો? મૈં વૈસે તો ચેન્નાઈ કા હૂં પર બહોત સાલોં તક મેરા નોકરી બડૌદા મેં થા તો મૈં ભી તોડી (થોડી) બહોત હિંદી ઔર ગુજરાતી બોલ લેતા હૂં. ક્યા મૈં આપ કા તોડા (થોડા) સમય લે સકતા હૂં?’

‘હાં…હાં… આઈએ.’ કહીને અનુજાએ મેઇન ડૉરની ડાબી તરફના લિવિંગ રૂમ તરફ આંગળી ચીંધી અને પોતે પણ એ તરફ આગળ વધી.

લિવિંગ રૂમમાં ગોઠવાયા પછી રાજનભાઈએ હેન્ડ ગ્લૉવ્સ ઉતારીને બે હાથ ઘસીને હાથમાં ઉષ્મા મેળવવા પ્રયાસ કર્યો. બહાર નીકળે તો ગાત્રો ગળી જાય એવી ઠંડી હતી. આવી ઠંડીમાં આ ભાઈ કેમ આવ્યા હશે એની વિમાસણ તો થતી જ હતી. જરા વારે ઊંડો શ્વાસ લઈને રાજનભાઈએ પોતાના આવા કસમયે આવવાનું કારણ દર્શાવ્યું. વાત જાણે એમ હતી કે અહીંથી ક્યારેક પસાર થતા હશે ત્યારે આ ભાઈએ ક્યારેક ઘરની બહાર અમને ઊભેલાં જોયાં હશે એટલે આ ઘરમાં કોઈ ઇન્ડિયન રહે છે એવી એમની ધારણા હતી. એમણે આ કટાણાંના આગમનનો હેતુ જણાવતા કહ્યું કે, આ સમયે ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે બારીના વૅનિશિંગ બ્લાઇન્ડ વચ્ચેથી રેલાતા પ્રકાશમાં ઑફિસ ડેસ્ક પર બેસીને કોઈ કામ કરી રહ્યું છે એવું એમને બહારથી લાગ્યું એટલે થોડા સંકોચ સાથે પણ આવવાની હિંમત કરી.

‘મૈં રાજન ઔર મેરા એક બેટા હૈ જગથ. યહાં ઉસે ‘J’ કહેતે હૈ. જગથ ડૉક્ટર હૈ ઔર યહાં દસ સાલ સે ટાઉન પ્રાઇમરી કેર કે સાથ કામ કરતા હૈ.’ એમની વાત જેમ જેમ આગળ વધતી ગઈ એમ અમને એમના આગમનનો હેતુ સમજાયો. રાજનભાઈનો દીકરો ટાઉન ઇલેક્શનમાં ઊભો રહ્યો હતો. એક કેન્ડિડેટના પિતા તરીકે એમણે જગથને વોટ આપવા અમને વિનંતી કરી. બીજા દિવસે આવીને ઉમેદવારોનાં નામ અને તસવીરવાળું પેમ્ફ્લેટ આપી જશે એમ કહીને ઊભા થતાં થતાં ઘરની બહાર ‘J’ (જગથ)ના નામનું બોર્ડ મૂકવાની રજા માગી. આ પરિવારના સૌ સદસ્યો જગથને જરૂર વોટ આપશે એવી ખાતરી અનુજાએ રાજનભાઈને આપી. બીજા દિવસે વોક વે પર આવતા-જતા લોકોની નજરે પડે પણ, નડે નહીં એવી રીતે દીકરાના નામનું બોર્ડ પણ રાજનભાઈ મૂકી ગયા.

એ પછી તો ઇલેક્શન આવે ત્યાં સુધી જેટલીવાર ઘર પાસેથી પસાર થાય અને જો કોઈ બહાર હોય ત્યારે વાત કરવા ઊભા રહેતા અને દીકરાને વોટ આપવાની વિનંતી કરતા.

આટલા સમયની અલપઝલપ મુલાકાતો દરમિયાન રાજનભાઈની વાતો પરથી અમને સમજાયું કે જગથ એમનો એક માત્ર દીકરો છે. જગથ ભણીને અમેરિકા સેટલ થયો ત્યારથી રાજનભાઈ એની સાથે જ રહેવા આવી ગયા. પોતે ભણ્યા નહોતા, પણ જગથને ડૉક્ટર બનાવી શકવાનો આનંદ અને ગૌરવ એમની વાતોમાં સતત છલકાતા. ઇલેક્શન નજીક આવતું હતું.

એક સાંજે ટાઉનના ટ્રાફિક સિગ્નલ પાસે રાજનભાઈને ઊભેલા જોયા. શિયાળાની કડકડતી ઠંડી, સનનન વિંઝાતા વાયરામાં હાથમાં ફરફરતું મોટું હોર્ડિંગ પકડીને એ ઊભા હતા. હોર્ડિંગ પર જગથનો ફોટો અને વોટ ફોર ‘J’-જગથ લખેલું હતું. ત્યારે એ જોઈને તો સાચે જ એમ થયું કે દીકરા માટે આટલો સ્નેહ અને સન્માન ધરાવતા પિતા મળ્યા એ જગથ કેટલો બડભાગી!

એ પછી તો ઇલેક્શનનો દિવસ આવ્યો. અમે સૌ જગથને વોટ આપી આવ્યા. થોડા સમય પછી પરિણામ આવ્યું ત્યારે ફરી એકવાર રાજનભાઈ મળ્યા. અત્યંત અફસોસથી એમણે જણાવ્યું કે જગથની સાથે ઊભેલા કેન્ડિડેટ્સમાંથી એને સૌથી ઓછા વોટ મળ્યા હતા. જાતિભેદને લઈને જ આમ બન્યું હશે, અમેરિકનોએ તો અમેરિકનોને જ વોટ આપ્યા હશે એમ એમનું કહેવું હતું. સાચું ખોટું રામ જાણે કે રાજનભાઈ પણ એ કહેતા હતા કે જેમ અમેરિકનોએ અમેરિકનને ટેકો આપ્યો એમ એક ઇન્ડિયનને કોઈ ઇન્ડિયને ટેકો ન આપ્યો. આ વાતનો રોષ એમના અવાજમાં સતત છલકાતો હતો.

જો કે અમારું મન અને માંહ્યલો તો સાક્ષી છે કે અમે જગથને વોટ આપ્યો હતો. એ વાતની તો રાજનભાઈને પણ ખાતરી હતી એટલે અમે તો એમની ગુડ બુકમાં હતાં. એ પછી પણ રાજનભાઈ ઘર પાસેથી પસાર થાય ત્યારે જો અમે બહાર ઊભાં હોઈએ તો ઘડી-બે ઘડી ઊભાં રહેતાં. હવે એમની વાતોમાંથી જાણે જોમ ઓસરી રહ્યું હતું. કેલેન્ડરનાં એક પછી એક પાનાં બદલાતાં જતાં હતાં. વાર, તારીખ, મહિનાઓ બદલાતા ગયા અને વર્ષ પણ... અને આવ્યું 2020નું કપરું વર્ષ. લગભગ 20 માર્ચથી અમેરિકામાં બધું શટ ડાઉન થવા માંડ્યું હતું.

કોવિડ કેરનો કોરડો સમસમ કરતો વિંઝાતો હતો. કેટલાય લોકો એનો ભોગ બન્યાં એના આંકડા સમાચારોમાં જોતાં, ટી.વી પર સાંભળતાં. લૉક ડાઉનના લીધે સતત ટ્રાફિકના લીધે ધમધમતા રસ્તાઓ પર પ્રમાણમાં સૂનકાર છવાયેલો રહેતો. હા, અવારનવાર કાન અને કાળજાને વીંધી નાખતી એમ્બ્યુલન્સની સાયરન સંભળાતી. ટી.વી પર પીપીઈ કિટ પહેરીને ઇમર્જન્સી સેવાઓ આપતા ડૉક્ટર, નર્સ, પ્લાસ્ટિકના કવરમાં લપેટાયેલા મૃતદેહોના ખડકલા જોવામાં આવતા ત્યારે વિચાર આવતો કે, કોનો વાંક, કોની ભૂલ અને કોને અને કેટલાંને સજા?

વિશ્વભરમાં અણદીઠા આતંકીનાં ખપ્પરમાં કોણ જાણે કેટલાય હોમાયા હતાં? એમાં ડૉક્ટરો કે નર્સ પણ ક્યાં બાકાત હતાં? હમણાં કેટલાક સમયથી રાજનભાઈને અમસ્તાય ચાલવા નીકળતા કે ગાડીમાં પસાર થતા જોયા નહોતા. ખોટો વિચાર કે અઘટિત કલ્પના કરતાં મન અચકાતું હતું. પણ… પણ… હમણાં જ સિટી ડાઉન ટાઉનમાંથી પસાર થતાં હતાં ત્યાં ક્રોસરોડ પર રાજનભાઈને હાથમાં બોર્ડ લઈને ઊભેલા જોયા. ઘરના રસ્તા પરથી પસાર થતા ત્યારે રાજનભાઈ ઘડીભર ઊભા રહેતા, પણ આજે આમ એમને રસ્તા પર ઊભેલા જોઈને ઊભા રહેવાની અમારી હિંમત નહોતી. કારણ… એક દિવસ જે વ્યક્તિને દીકરાને વોટ આપવાનું હોર્ડિંગ લઈને ઊભા રહેલા જોયા હતા એમના હાથમાં આજે જે બોર્ડ હતું એની પર લખેલું હતું… ‘I am homeless…’

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)