તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:આશા ભોંસલેએ પતિથી જુદા પડ્યા પછી સાસુમાને વર્ષો સુધી સાચવ્યાં: લીલાછમ સંબંધોનો રળિયામણો પ્રદેશ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક સંબંધમાં હૂંફ છુપાયેલી હોય છે. હૂંફ...કેટલો સુંદર, અર્થપૂર્ણ અને પોતીકો લાગે તેવો શબ્દ! હૂંફ એટલે ગરમાવો. હૂંફ એટલે સહાયતા, હૂંફ એટલે મદદ.

બીજા કોઈપણ શબ્દથી આપણે હૂંફ શબ્દને સમજાવીએ પણ એમાં પૂરી સફળતા ના જ મળે. આ દુનિયા હવા ઉપર ચાલે છે તેના કરતાં તો હૂંફ પર વધુ ચાલે છે. પરિસ્થિતિ વિપરિત હોય, સંજોગો કઠણ હોય, અંધારું અનુભવાતું હોય ત્યાં કોઈકનો એવો જાદુઈ સ્પર્શ થાય કે આપણામાં હિંમત આવી જાય. એ છે હૂંફ.

દરેક વ્યક્તિને જીવનમાં હૂંફનો અનુભવ થયો જ હોય. હૂંફ વિના જીવન અધૂરું અને જ્યારે જ્યારે કોઈની હૂંફ મળે ત્યારે જીવન બને મધૂરું. ગુજરાતી ભાષામાં કેટલાક એવા શબ્દો છે જેનો અનુવાદ અઘરો છે, તેમાંનો આ એક શબ્દ છે હૂંફ.

હૂંફ એટલે કોઈ પક્ષી પોતાના ઈંડાને ગરમાવો આપે તે. કેવી સરસ વાત! હૂંફને કારણે પૃથ્વી પર એક નવો જન્મ થાય. માતા હૂંફ આપી-આપીને ઈંડાને સેવે અને તેમાંથી જન્મે એક નવો જીવ. આ આખી પ્રક્રિયાને કહેવાય હૂંફ. હૂંફ શબ્દ કોઈ ચીજ કે વસ્તુનું નામ નથી. હૂંફ શબ્દ માત્ર કોઈ સ્થિતિનું પણ નામ નથી, એ તો સ્થિતિ, રીતિ અને પ્રીતિનો ત્રિવેણી સંગમ છે. તૂટી ગયેલો, ભાંગીને ભૂક્કો થઈ ગયેલો માણસ કોઈની હૂંફ પામે પછી બેઠો થાય, જાણે કે તેનો નવો જન્મ થાય.

હૂંફ એટલે ગરમી પણ નહીં અને ઠંડી પણ નહીં. ભગવાન બુદ્ધ જેનું સમર્થન કરે છે તેવી મધ્યમ સ્થિતિ. ગરમીથી દાઝી જવાય, ઠંડીથી ત્રાસી ઠૂંઠવાઈ જવાય પણ હૂંફથી મસ્ત રીતે જીવી જવાય. ગરમ પાણીમાં પગ પડે તો બૂમ નીકળી જાય પણ હૂંફાળું પાણી કેટલું સરસ લાગે!

જીવનમાં જેમ પ્રેમનું મહત્ત્વ છે તેમ હૂંફનો પણ મહિમા છે. જેમ પારાવાર મુશ્કેલીમાં પ્રેમ ટકાવી રાખે તેમ પ્રચંડ વાવાઝોડામાં હૂંફનો નાનકડો દીવો આપણને તૂટવા ના દે. અચાનક એકસાથે અનેક સમસ્યાઓ આવી હોય, પોતાના કહેવાતા લોકોએ પણ મોં ફેરવી લીધું હોય, રસ્તો પોતે જ ડેડ એન્ડ પર આવીને ઊભો રહી ગયો હોય ત્યાં કોઈક ખભા પર હાથ મૂકે, સ્મિત કરીને કહે, ચિંતા ન કરો, હું તમારી સાથે છું. એને કહેવાય હૂંફ. હૂંફ મેળવવામાં જેટલી મજા છે તેનાથી અનેક ગણી મજા છે કોઈને હૂંફ આપવામાં. જેની પાસે હૂંફ છે, તેની પાસે દુનિયાની તમામ દોલત (ઠંડું) પાણી ભરે છે.

આ વિશ્વમાં અનેક સંબંધ એવા હોય છે જેના વિશે જાણીને રોમાંચ થાય, ગૌરવ થાય, આનંદ થાય અને થોડી નવાઈ પણ લાગે છે. જાણીતાં પાશ્વ ગાયિકા આશા ભોંસલેના જીવનનો એક કિસ્સો જોઈએ.

આશા ભોંસલે (1933)એ 14 ભાષામાં આશરે 12 હજારથી વધુ ગીતો ગાયાં છે. પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેએ પોતાની માત્ર 16 વર્ષની ઉંમરે 31 વર્ષના અંગત સચિવ ગણપતરાવ ભોંસલે (1916-1966)સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં. કહેવાની જરૂર નથી કે એ પ્રેમ લગ્ન હતાં. જો કે, આ લગ્ન સફળ ન થયાં. ગણપતરાવ ભોંસલે અને તેમના ભાઈઓના નબળા વર્તનને કારણે આ લગ્નજીવન લાંબું ન ચાલ્યું. જ્યારે આશા ભોંસલે અને ગણપતરાવ ભોંસલે છુટાં પડ્યાં ત્યારે તેમને ત્રણ બાળકો હતાં. લગ્નજીવન ભગ્ન થયું અને આશા ભોંસલે પોતાના પિયર પરત આવ્યાં ત્યારે તેમનાં ત્રણ સંતાનો હતાં. બે આંગળીએ અને એક પેટમાં. હેમંત ભોંસલે, વર્ષા અને આનંદ ભોંસલે...આ ત્રણ સંતાનોને આશા ભોંસલેએ મોટાં કર્યાં.

આશા ભોંસલે અને ગણપતરાવ છુટાં તો પડ્યાં પણ ગણપતરાવનાં માતાએ કહ્યું કે, હું તો મારી વહુ, પુત્રવધૂ આશા સાથે જ રહીશ. તેમનું હૃદય આશા સાથે હળી-મળી ગયું હતું. આશા ભોંસલેએ તો પતિથી છૂટા પડ્યા પછી પોતાનાં ત્રણ-ત્રણ સંતાનોનો ઉછેર કરવાનો હતો. એક વયોવૃદ્ધ સાસુની તેઓ કેવી રીતે (અને શા માટે) કાળજી લઈ શકે? સાસુમાને રાખવાં તેમના માટે ફરજિયાત નહોતાં કે જરૂરી પણ નહોતાં. એ જવાબદારી તો તેમના પુત્ર ગણપતરાવ સહિત બીજા પુત્રોની હતી.

જો કે, માતાજી તો અડગ જ રહ્યાં કે હું તો આશા સાથે જ રહીશ. છેવટે જે થયું તે સંબંધોની રળિયામણી બાજુને રજૂ કરનારું હતું. આશા ભોંસલેએ પોતાનાં (પૂર્વ) સાસુને પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું. આટલું જ નહીં, જ્યાં સુધી તેઓ જીવ્યાં ત્યાં સુધી તેમની સેવા કરી. કેવી સરસ વાત છે? આશા ભોંસલેએ જે કર્યું તેને આપણે શું કહીશું? સંબંધોનો પ્રદેશ કેટલો રોમાંચક અને રળિયામણો હોય છે તેની અહીં પ્રતીતિ થાય છે.

નવી પેઢીમાં તો લગ્ન માટે પાત્ર શોધતી કેટલીક યુવતીઓ એવું જ ઈચ્છે છે કે સાસુ હોય નહીં. સસરા કે નણંદ પણ ના હોય તેવી પણ અપેક્ષા રાખવામાં આવે છે. એના માટે એક કોડવર્ડ પણ ચાલે છેઃ ડસ્ટબિન. બે યુવતીઓ જ્યારે આ સંદર્ભમાં વાત કરતી હોય ત્યારે એકબીજાને પૂછે કે તારી જે છોકરા સાથે વાત ચાલી રહી છે ત્યાં ડસ્ટબિન (એટલે કે કચરા ટોપલી) કેટલાં છે? અભિગમમાં કેટલો બધો ફરક છે ? ક્યાં આશા ભોંસલેનો અભિગમ અને ક્યાં આજની પેઢીની કેટલીક (બધી જ નહીં...) યુવતીઓનો દૃષ્ટિકોણ?

તીર્થધામ સોમનાથમાં બાલુભાઈ જોશી રહેતા હતા. ઉત્તમ વાચક હતા. તેમણે પોતાની જૈફ વયે ઘણાં માતાપિતાને સાચવ્યાં હતાં. કોઈને સવાલ થાય કે માતા-પિતા તો એક જ હોય, ઘણાં માતા-પિતા ક્યાંથી આવ્યાં હતાં? તેમનાં પોતાનાં માતા-પિતા. તેમનાં જીવનસાથીનાં માતા-પિતા. આ રીતે કુલ ચાર વ્યક્તિ. કોઈ દૂરથી સોમનાથનાં દર્શન કરવા આવ્યું. ઓળખાણ-પિછાણથી બાલુભાઈના ઘરે રોકાયું. બાલુભાઈએ તેમને પ્રેમથી રાખ્યાં. પછી શું થયું? એ વૃદ્ધોએ કહ્યું કે અમારે તો તમારી સાથે જ રહેવું છે. અમારે તો પાછા જવું જ નથી. બાલુભાઈ કહે, તો રહો તમતમારે..

આવાં તો ઘણા વૃદ્ધજનો, જેમાં માજીઓ અને દાદાઓનો સમાવેશ થતો હતો, બાલુકાકાને ઘરે રહ્યાં હતાં. આ સંબંધને શું નામ આપીશું?

અમદાવાદમાં એક નિવૃત્ત આચાર્ય રહે છે. પાકા, સાચા અને ચુસ્ત ગાંધીવાદી. તેમની સાળી અને તેમના પતિનું અકસ્માતમાં અણધાર્યું મૃત્યુ થયું. સાવ નાની દીકરી હતી. દીકરીને હવે કોણ સાચવે? તે મોટો પ્રશ્ન હતો. નિવૃત્ત શિક્ષકે કહ્યું અમે સાચવીશું. એને મોટી કરી પોતાની જ દીકરીની જેમ. તેમના પુત્રોને કે આ દીકરીને ખબર જ નહીં કે અમે સગાં ભાઈ-બહેન નથી. ક્યારેય આ વાત કોઈને કરવામાં જ ન આવી. જ્યારે દીકરીનું લગ્ન થયું ત્યારે કોઈ વૃદ્ધે ભૂલથી કહ્યું ત્યારે બધાંને ખબર પડી.

આપણને આવા તો અનેક કિસ્સાઓ ઠેર-ઠેરથી જોવા મળે. જેમ લોહીના સંબંધોમાં અકલ્પનીય ખટરાગ અને વિચિત્ર વલણો જોવા મળે, જે જાણીને દુઃખી થવાય, બિલકુલ એ જ રીતે લોહી વગરના ઘણા એવા સંબંધો જોવા મળે જે સાચા ન માની શકાય. જે જાણીને આપણા હૃદયમાં ટાઢક થાય.

સાચો સંબંધ એ જ કહેવાય જે હૈયું ભીનું કરે. સાચો સંબંધ એ જ ગણાય જે હૃદયને ટાઢક આપે. સાચો સંબંધ એ જ કહેવાય જે શાંતિ આપે. સંબંધ કંઈ લોહીની ધારામાં જ વહેતો હોય એવું નથી હોતું, અનેક સંબંધો પ્રેમધારામાં વહેતા હોય છે. સાચા સંબંધનું પુષ્પ પ્રેમના ક્યારામાં ખીલતું હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)