ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધમાં જેટલું મહત્ત્વ ફીલિંગનું છે, એટલું જ મહત્ત્વ રિફિલિંગનું પણ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદનું એક ડોક્ટર દંપતી છે. પતિની ઉંમર 65 વર્ષ ઉપરની અને પત્નીની વય 60થી ઉપરની. એક દીકરી અને એક દીકરો અબ્રોડમાં સેટ થયાં છે. આ પતિ-પત્ની અમદાવાદમાં એકલાં રહે છે. એકલાં રહે છે પણ આખા વિશ્વ સાથે રહેતા હોય એવા ભાવ સાથે મસ્તીથી રહે છે. જિંદગીની એક-એક ક્ષણ જીવે છે. લહેર કરે છે. તેમણે ઉંમરને પોતાના જીવનમાંથી બાદ કરી દીધી છે.

જાણે હમણાં જ પરણ્યાં હોય એવાં લાગે છે. મિત્રોને તેમની ઈર્ષા આવે છે. અજાણ્યાને નવાઈ લાગે છે. તેઓ નિયમિત રીતે જુદી-જુદી જગ્યાએ ફરવા જાય છે. દર વખતે એવી રીતે જ જાય છે જાણે કે હનીમૂન પર જતાં હોય.

લગ્નજીવનમાં જેમ-જેમ સમય વીતતો જાય તેમ તેમ શુષ્કતા આવી જતી હોય છે. યુવક-યુવતી ગમે એવા ચિક્કાર પ્રેમમાં હોય પણ જેવાં લગ્ન થાય કે બંધિયારપણું શરૂ થાય અને પ્રેમ અને આનંદની વસંતમાં ઓટ આવવા માંડે. જો કે, અહીં એવું થતું નથી. તેનાં ઘણાં કારણો છે પણ તેનું એક કારણ છેઃ સંબંધને કાયમ લીલોછમ રાખતી નાની-નાની વાતો.

સંબંધમાં નાની-નાની લાગતી વાતો મોટાં પરિણામો આપતી હોય છે. જો આ નાની નાની વાતો પોઝિટિવ હોય, પ્રેમને નવ પલ્લવિત કરે એવી હોય તો સંબંધ ખીલે અને જો આ નાની-નાની વાતો નેગેટિવ હોય, પ્રેમને ઘટાડે તેવી હોય તો સંબંધ મૂરઝાય.

આ દંપતીને એકબીજા માટે પ્રેમ તો છે જ પણ તેમને પ્રેમ વ્યક્ત કરતાં પણ આવડે છે. સત્ય માટે એમ કહેવાય છે કે તમે સાચા છો એટલું પૂરતું નથી, સામેની વ્યક્તિને એ ફીલ થવું જોઈએ કે તમે સાચું બોલી રહ્યા છો. ડિટ્ટો આ વાત પ્રેમમાં અને સંબંધમાં પણ એ જ રીતે લાગુ પડે છે. તમે તમારા જીવનસાથીને પ્રેમ કરો છો એટલું પૂરતું નથી, એની સામેના પાત્રને પ્રતીતિ પણ થવી જોઈએ. એક વાર આઈ લવ યુ કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ એવું માનનારા પોતાના જીવનસાથી સાથેના સંબંધને સાચવી નથી શકતા.

એક CA હતા. યુવાવયે પ્રેમમાં પડ્યા. લગ્ન કર્યાં. દસ વર્ષ પછી તેમના પત્નીએ છૂટાછેડા માગ્યા. બંને ફેમિલી કોર્ટમાં ગયાં. જજે પત્નીને છૂટાછેડા માગવાનું કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું કે તેઓ મને બિલકુલ પ્રેમ કરતા નથી. લગ્ન પછી તેમણે માત્ર એક વખત મને આઈ લવ યુ કહ્યું છે એ પછી એક પણ વખત તેમણે મને એમ પણ નથી કહ્યું કે હું તને ચાહું છું.

જજે પતિને પૂછ્યું. પતિએ તેનો વિરોધ કરતાં કહ્યું કે, નામદાર સાહેબ, મેં તેને દસ વર્ષ પહેલાં આઈ લવ યુ કહ્યું હતું. ત્યારથી હું તેને પ્રેમ કરું જ છું. એમાં કોઈ ફેરફાર થયો જ નથી. જો એમાં કોઈ ચેન્જ હોય તો મારે તમને કંઈ કહેવું પડે. આઈ લવ યુ હતું અને આજે પણ છે જ.. રોજેરોજ કંઈ આઈ લવ યુ કહેવાનું ન હોય...માત્ર જજ જ નહીં કોર્ટમાં ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા.

તો વાત આમ છે. આઈ લવ યુ માત્ર ફીલ કરવાનો નહીં, સતત ફીલ કરાવવાનો પણ વિષય છે. સંબંધમાં જેટલું મહત્ત્વ ફીલિંગનું છે એટલું જ મહત્ત્વ રિફિલિંગનું પણ છે. પ્રેમને માત્ર એકવાર ફીલ કરી દેવાથી વાત પૂરી નથી થતી. જો એવું કરો તો સંબંધ પૂરો થઈ જાય. સંબંધને સતત લીલોછમ રાખવા પ્રેમ અને લાગણીનું રિફિલિંગ કરતું રહેવું પડે છે. એમાંય પતિ-પત્નીના કિસ્સામાં તો ખાસ. લગ્નજીવન જેમ-જેમ જૂનું થતું જાય તેમ-તેમ રિફિલિંગ વધારતા રહેવું પડે છે. પુરુષ કરતાં સ્ત્રીને તેની વધારે જરૂર પડે છે. સ્ત્રી સતત પ્રેમને ઝંખતી રહે છે. સ્ત્રીને સદીઓથી સાચા પ્રેમની તરસ છે. જો તેને સાચો પ્રેમ મળે તો તે રાજી રાજી થઈ જાય છે. એ ખોબો માગે અને તેને ખોબો મળે તોય એ તો એમ જ કહે છે કે મને તો દરિયો મળ્યો. એ ચપટીક પ્રેમમાંય ધન્ય થઈ જાય છે. નાની-નાની વાતોથી એ રીઝી જાય છે.

ઘણીવાર તો એવું લાગે છે કે સ્ત્રીને સાચો પ્રેમ ઓછો મળે છે એટલે તેનું મન બીજી વસ્તુઓ તરફ વધુ દોડે છે. લેખના પ્રારંભે જે ડોક્ટર દંપતીની વાત કરી, તેમાંના પતિ નવી નવી રીતે અને જુદી-જુદી રીતે પોતાની લાગણી બેટરહાફ સમક્ષ સતત રજૂ કરતા જ રહે છે. તેમના જન્મદિવસે તેમને સાવ જ જુદા પ્રકારની ભેટ આપશે. અણધારી રીતે તેમને ક્યાંક ફરવા લઈ જશે. તેમને ખબર છે કે પોતાના જીવનસાથીને શું ગમે છે અને શું નથી ગમતું. જે ગમે છે તે સતત કરે છે અને જે નથી ગમતું તે ભૂલથી પણ ના થઈ જાય તેની કાળજી રાખે છે.

તેમનાં પત્ની પોતાના ફ્રેન્ડસર્કલમાં ગૌરવથી કહે છે કે મારા બેટરહાફને મસ્ત રીતે પ્રેમ કરતાં આવડે છે. સંબંધને લીલોછમ રાખવા એકલી પ્રીત પૂરતી નથી, પ્રીતની રીત પણ જરૂરી છે. સંબંધમાં કે જીવનમાં નાની-નાની વાતોનું અદકેરું મહત્ત્વ હોય છે. એવું બિલકુલ જરૂરી નથી કે તમે તમારા પ્રિય પાત્રને, સ્વજનને ખુશ રાખવા કાયમ મોટું આયોજન કરો, મોંઘી ભેટ આપો...ખરેખર તો એની ખાસ આવશ્યકતા હોતી જ નથી.

દિલ હૈ છોટા સા... છોટી સી આશા... દરેકની નાની-નાની આશાઓ હોય છે. કોઈકે સાવ સાચું જ કહ્યું છે કે પત્નીને ખુશ કરવા તાજ મહેલ બાંધવો જરૂરી નથી, ક્યારેક લોટ બાંધી આપો તો પણ પ્રેમ નીખરી ઊઠે છે. પ્રેમ અને કેર એક સિક્કાની બે બાજુઓ છે.

તમે જેને પ્રેમ કરો છો તેની ભરપૂર કાળજી રાખો. આ કાળજી રાખ્યા પછી આઈ લવ યુ બોલવાની જરૂર પડતી જ નથી. એમાંય સ્ત્રી તો પોતાને જે પ્રેમ કરે છે તેને તો પ્રેમ આપે જ છે, પણ જે તેની કેર કરે છે તેને સવિશેષ પ્રેમ આપે છે. એનું કારણ એ છે કે ધરતી અને પ્રકૃતિ માતાની જેમ સ્ત્રી પણ કાયમ આપતી જ રહી છે. એનો ભાવ અને સ્વભાવ જ આપવાનો છે. એ આપીને પામે છે. જે સતત આપ્યા જ કરે તે થોડાકની અપેક્ષા પણ રાખે જ. એ થોડા પ્રેમથી ધરાઈ જાય છે. થોડાક પ્રેમને પામીને તેને સંતોષનો ઓડકાર આવી જાય છે.

નાની-નાની કાળજી, નાનું-નાનું અપ્રિશિએશન તેને ખુશ કરે છે. નાનો એટલો રાઈનો દાણો...નાનું એટલું સારું...એમનેમ નથી કહેવાયું. સંબંધમાં નાની-નાની બાબતો મોટાં પરિણામો આપે છે. અમલમાં મૂકશો તો તમે પણ ચોક્કસ કહેવાના કે સંબંધમાં જેટલું મહત્ત્વ ફીલિંગનું છે એટલું જ મહત્ત્વ રિફિલિંગનું પણ છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...