ડિજિટલ ડિબેટ:આર્યન ખાનને NCBની ક્લીન ચિટઃ શાહરુખના દીકરા હોવાની સજા મળી કે ધાક બેસાડવાનો ધંધો ઉઘાડો પડ્યો? ઉકેલ માગતા પ્રશ્નો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આખરે જે શંકા હતી તે સાચી પડી છે. શાહરુખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ કેસમાં ધરપકડ થઈ ત્યાર વખતના સંજોગો દેખાડતા હતા કે આમાં કંઈક કાળું છે. ધરપકડ કરનારા અધિકારી વાનખેડેના બદઈરાદા અને તેની સાથે જોડાયેલા દલાલી કરનારા અને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવનારાં તત્ત્વોની બેફામગીરી દર્શાવતાં હતાં કે આખો કેસ ખોટી રીતે ઉપજાવી કઢાયો છે. આમ છતાં ભક્તિ યુગની ચેનલોના ચમચાખોર એન્કરોએ ચામાચીડિયાની જેમ ઊંધા રવાડે ચડેલા ચર્ચાખોરોએ ચીડ ચડે એ હદે વાણીવિલાસ કર્યો હતો. ખોટ્ટેખોટ્ટી વાતોમાં કઈ હદે વાનરવેડા થઈ શકે તે સુશાંતસિંહના કેસમાં પણ જોવા મળ્યું હતું, પણ છતાંય નવાઈ લાગે તે હદે સનસનાટી મચાવાઈ ત્યારે સાન કેવી રીતે ઠેકાણે લાવવી તે સમજવું જ મુશ્કેલ બની ગયું હતું. હવે એ કેસનો ચુકાદો આવ્યો ત્યારેય ઘણાની સાન ઠેકાણે આવવાની નથી, માત્ર મીંઢા થઈને મૌન રહી જશે. પણ ‘દિવ્ય ભાસ્કર ડિજિટલ ડિબેટ’માં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરતી ચર્ચા તો કરવાની તે કરવાની...

જયંવત પંડ્યા (JP): આર્યન ખાન જેની ઓળખ અત્યારે સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા તરીકે છે, જેને ડ્રગ્ઝ કેસમાં NCBએ ક્લીન ચિટ આપતાં જ મીડિયાનો એક વર્ગ ખુશ થઈ ગયો છે. મોટેમોટેથી બોલવામાં આવ્યું કે શું તેને સજા એટલા માટે મળી કે તે સુપરસ્ટારનો દીકરો છે? મીડિયા ટ્રાયલ ચાલી અને કહેવામાં આવ્યું કે તેણે જેલમાં જેટલા દિવસ રહ્યા તેનું શું? પહેલી વાત - આવો આ પહેલો કેસ નથી જેમાં દળી-દળીને ઢાંકણીમાં થયું હોય ને વ્યક્તિ નિર્દોષ છૂટી હોય. રાજકીય રીતે પણ આવા અનેક કેસો છે, જેમાં '84નો શીખોનો નરસંહાર આવી જાય, 2002નાં રમખાણોના કેસ પણ આવી જાય, ફેક એન્કાઉન્ટર પણ આવી જાય, બોફૉર્સ પણ આવી જાય, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ આવી જાય. જમ્મુ-કાશ્મીરના કાશ્મીરી પંડિતોની હત્યા-બળાત્કારના તો કોઈ કેસ જ ચાલ્યા નથી! FIR હશે કે કેમ તે રામ જાણે! ભોપાલ ગેસ દુર્ઘટનામાં મુખ્ય આરોપી વૉરેન એન્ડરસનને દિલ્લીના સત્તાધીશોના આદેશથી ભગાડી મૂકવામાં આવે, 1993ના બૉમ્બ વિસ્ફોટનો મુખ્ય દોષિત દાઉદ ઇબ્રાહિમ દેશ છોડીને કરાંચીમાં જલસા કર્યા રાખે કે ગુલશનકુમાર હત્યાનો આરોપી નદીમ (નદીમ-શ્રવણ ફેમ) બ્રિટનમાં જલસા કરે કે વિજય માલ્યા, નીરવ મોદી વગેરે વર્તમાન શાસકોના શાસનકાળમાં ભાગી જાય,
દિલીપ ગોહિલ (DG): મીડિયાનો એક (નાનકડો) વર્ગ ખુશ થયો એના કરતાં ઢોલનગારા સાથે નાચગાનારો, ભક્તિ યુગનો બીજો (બહુ મોટો) વર્ગ ચૂપ થઈ ગયો? આ ડ્રગ કેસ થયો ત્યારે ઊછળી ઊછળીને ચર્ચા કરનારા મોટા ભાગના એજન્ડાખોર એન્કરો ચૂપ થઈ ગયા છે અને એ તો આવું જ હોય, અને સરકારી એજન્સીઓ સારી રીતે કામ કરતી નથી એવાં થોડાં રોદણાં રોઈને - વર્તમાન સમય માટે આપવામાં આવેલા નવા એજન્ડા પર ચડી ગયો છે. ઘણા કેસમાં આરોપીઓને સજા થતી નથી, દેખીતી રીતે ગુનો થયેલો લાગતો હોવા છતાં નથી થતી તે વાસ્તવિકતા છે. તપાસ એજન્સીઓની બેદરકારી, રાજકીય દખલગીરી વગેરે તેનાં કારણો હોય છે. પણ આ કેસમાં આરોપ ઊભા કરીને બદનામી કરી દેવાની, પાઠ ભણાવી દેવાની અને કોઈને ખુશ કરી દેવાની દાનત દેખાતી હતી. સાથે જ - કદાચ મૂળભૂત રીતે - કરોડો રૂપિયાની ખંડણી પડાવી લેવાની હતી. સેલિબ્રિટીને સકંજામાં લઈને કરોડો રૂપિયા પડાવી લેવાની માફિયાગીરી પણ મુંબઈમાં ચાલે છે તેની ના નથી.

JP: એ રીતે જુઓ તો સેલિબ્રિટીઝ સામે પણ આવા અનેક કેસો થયેલા છે. સલમાન ખાનનો હિટ એન્ડ રન કેસ જુઓ - દોષી ઠર્યા પછી ઉપલાં ન્યાયાલયોમાં નિર્દોષ ઠર્યો. આમાં તો પ્રશ્ન એ થયો કે તેનો ડ્રાઇવર પણ દોષિત નથી તો ફૂટપાથ પર સૂતેલા લોકોને મારવા માટે જવાબદાર કોણ? પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને ગાંધી પરિવારે ક્ષમા આપી દીધી હતી. આ કેસમાં દોષિત ઠરેલા પેરારિવલનને. તેથી રાષ્ટ્રપતિ, રાજ્યપાલની અનુમતિ નહોતી તો પણ ઉતાવળ કરીને છોડી મૂકવામાં આવ્યો. આ જ રીતે ઉત્તર પ્રદેશના બુલંદ જિલ્લામાં 2014માં પોતાના પરિવારના જ છ જણાની હત્યાના આરોપમાં પરિવારનો સભ્ય મોમીન ખાન અને તેના સાગરિતોને ખટલા ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયે દોષિત ઠરાવ્યો હોવા છતાં સર્વોચ્ચે નિર્દોષ છોડી મૂક્યા હતા. યાકૂબ મેમણ જેવા 1993ના બૉમ્બ વિસ્ફોટ કેસના દોષિત જેને ફાંસીની સજા જાહેર થઈ ચૂકી હતી, તેના માટે સર્વોચ્ચ ન્યાયાલય અડધી રાત્રે ખૂલી શકે છે! દોષિત અપરાધીઓની આનાથી મોટી તરફેણ બીજી કઈ હોઈ શકે છે?
DG: મુદ્દો એ નથી કે કેમ સેલિબ્રિટીઝ સામેના, વગદારો સામેના, માફિયા અને માફિયા જેવા રાજકારણીઓના મુકદ્દમા સાબિત કરી શકાતા નથી. અહીં કશીક ઘટના (કે ગુનો) બન્યા પછી બચી નીકળવાની વાત છે, જ્યારે આર્યન ખાનના કિસ્સામાં ઘટના (કે ગુનો) ઉપજાવી કાઢવાની કોશિશ છે. મૂળ પૈસા પડાવવા માટે થયું હોય તો પણ તે ચિંતાજનક છે; પણ વધારે ચિંતા એની છે કે એક એજન્ડાના ભાગ રૂપે વિરોધીને પાડી દેવા, હરીફને બદનામ કરી દેવા, પરેશાન કરીને બીજા વિરોધીઓને પણ ધાક બેસાડી દેવાની કોશિશ હતી. વાનખેડેનું વર્તન ત્યારે જ વિચિત્ર લાગ્યું હતું અને એક એજન્ડા ભાગરૂપે તે કોઈનો એજન્ટ બનીને કામ કરતો હોય તેવું ત્યારેય લાગ્યું હતું. ખાસ કરીને રાજકીય હરીફો સામે સ્પર્ધા કરવાની વાત વાજબી છે, પણ રાજકીય રીતે નડતા લાગતા હરીફોને આ રીતે પાડી દેવાની વાતને સહજતાથી સ્વીકારી લઈશું તો આવતી કાલે બીજા નાગરિકોનો પણ વારો આવી જશે, આપણો પણ વારો આવી જશે. એટલે આવાં તત્ત્વોને વારવાની જરૂર છે - પહેલેથી જ વારવાની જરૂર હતી અને તે વખતે મીડિયાએ પોતાની ભૂમિકા ભજવીને શંકા કરવાની જરૂર હતી. કેટલાકે કરેલા પણ ખરા, પણ મોટા ભાગની ભક્તિચેનલોએ એજન્ડા જ ચલાવ્યો હતો.

JP: એ રીતે જુઓ તો આર્યન ખાનને કેસમાં પહેલા જ દિવસથી મહારાષ્ટ્ર સરકાર અને મીડિયાના એક વર્ગનું વલણ સ્પષ્ટ જ હતું. આર્યન ખાનના ગુણદોષ પર ચર્ચા કરવાના બદલે આર્યન ખાન સહિત બીજા આરોપીઓને પકડનાર અધિકારી સમીર વાનખેડે મુસ્લિમ હોવાનું કે તેની જાતિ દલિત નહીં હોવાના મુદ્દે અત્યારે ED (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ) દ્વારા જેલમાં પુરાયેલા પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું. સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તી બાબતે પણ આવું થયું. આવા સંજોગોમાં તપાસ નબળી ન પડે તો જ નવાઈ! સલમાન ખાન હિટ એન્ડ રન કેસમાં પ્રત્યક્ષ સાક્ષી રવીન્દ્ર પાટીલનું રહસ્યમય મૃત્યુ થયું હતું તેમ આ કેસમાં પણ NCBના મુખ્ય સાક્ષી પ્રભાકર સેલનું મૃત્યુ થયું હતું.
DG: એથી જ સવાલ થાય છે કે સરકાર કે કોઈ અધિકારી કે બ્લેકમેઇલરના ઇરાદા શું છે તેની સામે પણ સવાલો કરવાની જરૂર હતી. સેલિબ્રિટીનાં સંતાનો વગ દાખવીને છૂટી ના જાય તે માટે પણ સવાલો પૂછાવા જોઈએ. પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, સમય, સંજોગો, ઘટનાક્રમ અને સાંયોગિક સ્થિતિ જોઈને તટસ્થભાવે ચર્ચા નહોતી થઈ. એક કેસ મળી ગયો (કે ઊભો કરી દેવાયો) અને એક નામ મળી ગયું એટલે એજન્ડાખોરો મચી પડ્યા હતા. આવા કેસમાં થોડી સમજદારી અને સંતુલન એટલા માટે જાળવવું જોઈએ કે પોતાના ઈરાદા પ્રમાણે ગુનેગારો આટલી સહેલાઈથી આપણને નચાવે, તો બીજા બદમાશોની હિંમત પણ ખૂલશે. સેલિબ્રિટીઝ માટે તો બેડ પબ્લિસિટી ઈઝ ઓલ્સો અ પબ્લિસિટી. તેમની પાસે ધન હોય એટલે સારામાં સારા વકીલ રોકીને છૂટી પણ જવાના, પરંતુ સરકાર કે સત્તાધીશો કે સ્થાપિત હિતો સામે સવાલો ઉઠાવનાર સામાન્ય માણસ માટે કોઈ સુરક્ષા નહીં રહે તે ચિંતાનું કારણ છે.

JP: પ્રશ્નો આ કેસમાં પણ ઘણા ઊભા જ છે. પહેલો પ્રશ્ન : NDPS (નાર્કૉટિક્સ ડ્રગ્ઝ ઍન્ડ સાઇકૉટ્રૉપિક સબસ્ટન્સ) ન્યાયાલયે આર્યન ખાનની જામીન યાચિકા કેમ ફગાવી હતી? બીજો પ્રશ્ન: આ જામીન અરજી ફગાવતી વખતે કયો આધાર હતો? ત્રીજો પ્રશ્ન: જામીન અરજી ફગાવતી વખતે કૉર્ટે એમ કહ્યું હતું કે આર્યન ખાન પાસે ડ્રગ્ઝ નથી મળ્યાં. આનો અર્થ એ થયો કે ડ્રગ્ઝ તે વખતે પણ તેની પાસેથી તો નહોતા જ મળ્યા, પરંતુ આધાર એ હતો કે આર્યન ખાન કૉન્ટ્રાબેન્ડ વિશે જાણતો હતો. સ્વૈચ્છિક નિવેદનોમાં બંને આરોપી (આર્યન અને અરબાઝ મર્ચન્ટ)એ સ્વીકાર્યું હતું કે તેમની પાસે ડ્રગ્ઝ હતું અને તે વપરાશ અને આનંદ માટે હતું. આરોપી ક્રમાંક 2 (અરબાઝ) પાસેથી માત્ર છ ગ્રામ ચરસ મળ્યું હતું તેવી આર્યનના સમર્થનમાં દલીલ થાય છે પણ ન્યાયાધીશે કહ્યું હતું કે આરોપી ક્રમાંક 1 (આર્યન ખાન)એ અજાણ્યા વ્યક્તિઓ સાથે ડ્રગ્ઝ અંગે ચેટ કરી હતી. આ ઉપરાંત ડ્રગ્ઝ સપ્લાયર અને પેડલર સાથે પણ તેની સાંઠગાંઠ હોવાનું પ્રથમદર્શી રીતે લાગ્યું હતું. અને છેલ્લો પ્રશ્ન: હજુ આર્યન ખાન જામીન પર જ છે. શું કૉર્ટમાં NCBના વર્તમાન વલણની રજૂઆત કરાશે કે આર્યન ખાન સામે કોઈ પુરાવા નથી મળ્યા? કે પછી નવેસરથી તપાસ થશે? હાઇ પ્રૉફાઇલ કેસોમાં ઘણા વળાંકો આવતા હોય છે.
DG: આવા સવાલો ઉઠાવવા પણ યોગ્ય છે. બંને બાજુના સવાલો ઉઠાવવા જોઈએ. આ કેસ હજી પૂર્ણ થયો નથી. વાનખેડે સામે ખાતાકીય કાર્યવાહી થવાની છે. આ મામલામાં કોઈ રાજકીય એન્ગલ કે એજન્ડા ના હોય એવું પણ બને. માત્ર ખંડણી પડાવી લેવાનું કાવતરું પણ હોય. આપણે કોઈ તારણ પર આવી જવું જોઈએ નહીં. એજન્સીએ અત્યારે આગળ તપાસ કરવાની વાત કરી છે ત્યારે નવું શું નીકળે છે તેની રાહ જોઈએ, પણ એકતરફી જ વાતને જોરશોરથી પીટવાની વાત પચે તેવી નથી.
(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને સાંપ્રત પ્રવાહના વિશ્લેષકો છે.)