તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ પેરેન્ટિંગ:શું તમે ખરા અર્થમાં તમારાં બાળકોને સાંભળી રહ્યા છો?

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાળકો લાંબા સમયગાળાથી ઘરે રહેતા હોવાથી તેઓ એવી અજીબોગરીબ ભાવનાઓમાંથી પસાર થઇ રહ્યા છે જે તેઓ બધા જોડે શેર કરવામાં અસમર્થ છે. વળી, તેમની આસપાસ એટલા બધા સલાહ-સૂચનો ફરી રહ્યા છે કે આપણે પણ સ્વાભાવિક રીતે તેને આગળ ફેલાવવા ટેવાઈ ગયા છીએ! દાખલા તરીકે, પોઝિટિવ રહો, હિંમત રાખો કે પછી સ્વાસ્થ્ય જોડે સંકળાયેલી અનેકો શિખામણ! અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે વાલીઓ પોતાના બાળકોને ઘણી બધી વસ્તુઓ કહી રહ્યા હશે પણ શું તેઓ ખરા અર્થમાં તેમનાં બાળકોને સાંભળી રહ્યા છે?

સાંભળવા (લિસનીંગ) અને શ્રવવા (હિયરીંગ) વચ્ચે બહુ તફાવત છે. શ્રવવું-શ્રવણ તે એક મિકેનિકલ અને ઓટોમેટિક ક્રિયા છે, જ્યાં તમે કોઈ પણ અવાજને એક સ્ટિમ્યુલસ તરીકે અનુભવો છો. દાખલા તરીકે, આપણે સવારનો અલાર્મ વાગે એટલે ઊઠી જઇએ છીએ. બીજી બાજુ, સાંભળવા માટે જરૂરી છે કે આપણે આપણું ધ્યાન એ વસ્તુ કે વ્યક્તિ ઉપર કેન્દ્રિત કરીએ. તે એક સચેત (કોન્શિયસ) ક્રિયા છે, જેમાં તમારી અર્થઘટનની પ્રક્રિયા પણ સામેલ છે. દાખલા તરીકે, તમે સવારના પક્ષીઓને ગાતાં સાંભળો અને તે મધુર વાણીની આભારપૂર્વક નોંધ લઇને દિવસની શરૂઆત કરો.

માનવ તરીકે આપણે ઘણી બધું વસ્તુઓનું શ્રવણ કરીએ છીએ, પણ ખરા અર્થમાં સાંભળવું એ એક ખૂબ જરૂરી કૌશલ્ય છે, જેને શીખીને આપણે તેનો સદુપયોગ આપણા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કરી શકીએ છીએ. સાંભળવાના પણ ઘણાં બધાં સ્તર છે - ઉપરછલ્લુંથી લઈને ઊંડાણપૂર્વક જોડાવા સુધી.

પહેલું સ્તર છે બાળકની અવગણના.વાલી કોઈ કામમાં વ્યસ્ત હોઈ શકે. દાખલા તરીકે, ઘરકામમાં અથવા કોઈ મીટિંગમાં. બાળકને કંઈ જોઈતું હોય પણ વાલી તેને અવગણી નાખી છે. જ્યારે આપણે પુખ્તવયના વ્યક્તિઓ બાળકને ન સાંભળીએ ત્યારે તેમને દુઃખ થાય છે અને તેઓ કોઈ બીજી જ રીતે આપણું ધ્યાન પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. શક્ય છે કે લોકડાઉન દરમિયાન નાના બાળકો પોતાના જેટલી જ ઉંમરના અને મોટા બાળકોના સાથથી વંચિત રહેવાના કારણે વધુ ડિમાન્ડિંગ પણ બની ગયા છે.

બીજા પ્રકારનું સાંભળવું એ છે જ્યારે વાલી કોઈ અન્ય વિચારોમાં હોય છે પણ તે સાંભળવાનો ઢોંગ કરે છે. તેમનું મન બીજી કોઈ વાતમાં અટવાયેલું હોવાથી તેઓ માથું હલાવતા રહે છે અને બધા સામાન્ય પ્રતિભાવ આપતા રહે છે. દાખલા તરીકે, બાળક તેને ખૂબ ઉત્સાહિત થઇને પોતાનું દોરેલું ચિત્ર બતાવે ત્યારે વાલી ઉપરછલ્લી રીતે તેને જોઈને 'બહુ સરસ!' એમ કહી દે છે. જોનારને એમ લાગે કે વાલી બાળકને પ્રોત્સાહન આપી રહ્યું છે. પણ બાળક અંદરથી જાણે છે કે વાલી એ ખરા અર્થમાં તેના ચિત્રને ન તો જોયું છે અને ન તો તેને સમજ્યું છે.

આમાં બીજો પ્રતિભાવ એ છે કે, જ્યારે પુખ્તવયની વ્યક્તિ બોલનાર બાળક અથવા વ્યક્તિની વાતમાં વિક્ષેપ કરી તેનું વાક્ય પૂરું કરે છે. આવું વર્તન ત્યારે થાય છે જ્યારે તમારા મનમાં તમે પ્રતિભાવ અગાઉથી તૈયાર રાખ્યો હોય છે. ભૂતકાળના કન્ડિશનિંગના લીધે તમારા મને અગાઉથી જ નિર્ણય લઇ લીધો હોય છે.

સાચું કહું તો સાંભળવાની ક્રિયા એક ખૂબ જ કેન્દ્રિત અને ચિંતનશીલ પ્રવૃત્તિ છે. તેનું તાત્પર્ય એ છે કે આપણે સંપૂર્ણ રીતે એ ક્ષણમાં હાજર છીએ અને આપણી ચેતના આપણું બાળક શું કહી રહ્યું છે તેના ઉપર જ છે. તો આપણે હકીકતમાં એ ક્ષણમાં જે પણ કરી રહ્યા હોય તે બંધ કરીને તે ચિત્ર ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરી આપણને તે ચિત્રમાં શું ગમ્યું તે કહેવું જોઈએ. દાખલા તરીકે, 'મને તે આ કલર જે રીતે વાપર્યો છે તે ખૂબ જ ગમ્યું છે' ...વગેરે.

ઘણીવખત જ્યારે બાળક સ્કૂલમાં કે ઘરે અસ્વસ્થ હોય ત્યારે તે ફક્ત એવું ઈચ્છે છે કે વાલી તેને સાંભળે અને તેની પીડાને સ્વીકારે. પછી ભલે ને આ પીડા સાચી હોય, કાલ્પનિક હોય કે પછી અતિશયોક્તિ હોય! જે પણ હોય આ ક્ષણે જે સૌથી સારી વસ્તુ તમે કરી શકો તે એ છે કે તમે બાળક અથવા તે ઘટનાને જજ ના કરો અને ફક્ત એ તથ્ય સ્વીકારો કે બાળક પીડિત અને અસ્વસ્થ છે.

જ્યારે વાલી વ્યવસ્થિત, સચોટ અને એક્ટિવ રીતે બાળકને સાંભળશે ત્યારે જ તે એક વિશ્વાસ અને લાગણીનો સંબંધ ઊભો કરી શકશે. સાંભળતી વખતે એ જરૂરી છે કે તમે તમારા મનમાં રહેલા નૈતિક જજમેન્ટથી દોરેલા ખરા અને ખોટાની વ્યાખ્યાના બટનને ઓફ કરી દો અને વળી, તમને જો એ ના ગમે જે તમે શ્રવી રહ્યા છો તો તમે જાણી જોઈને એ વાતને ક્યાં તો ચૂકી જશો કે પછી તેને રદ કરી દેશો. દાખલા તરીકે, બાળક જ્યારે તેના માતા-પિતાને તેના કઝિન દ્વારા થઇ રહેલા શારીરિક શોષણની ફરિયાદ કરે છે ત્યારે તેની મા તેને એક મનઘડંત વાર્તા સમજીને નકારી દે છે કે આવું તો શક્ય જ ન હોઈ શકે! એટલે પછી તે છોકરી પોતાની મા જોડે વાતો શેર કરવાનું બંધ કરી દેશે કારણ કે, એની મા ક્યાં તો તે વાત માનવા નહોતી માગતી કે પછી કોઈ અઘરી પરિસ્થિતિનો સામનો કરવાનું જાણીજોઇને (અચેત) રીતે ટાળી રહી હતી.

હંમેશાં શક્ય નથી કે તમે દર વખતે તમારો સમય તમારા બાળકને ફાળવી શકો કારણ કે, તમારા ઉપર પણ ઘણી બધી જવાબદારીઓ છે. આવી સ્થિતિમાં બાળકને ફક્ત એટલું કહી દો કે તમે એ સમયે બિઝી છો પણ તમે જેવા ફ્રી થશો તેમ તેની જોડે આ વિષય અંગે ચર્ચા ચોક્કસથી કરશો...અને હા, પછી પોતાના આ પ્રોમિસને ભૂલી ન જતા! એ પણ જરૂરી છે કે તમારું બાળક તમારા શિડ્યૂલને સમજી એના પ્રમાણે અડજસ્ટ કરે. ખાસ કરીને ત્યારે જ્યારે મુદ્દો એવો ન હોય કે તેના ઉપર તાત્કાલિક ધ્યાન આપવું પડે.

આપણે સાંભળવાની બંને સ્ટ્રેટેજી - પેસિવ અને એક્ટિવને સાંકળવાની સખત જરૂર છે. પેસિવ સાંભળવું એટલે સામેવાળી વ્યક્તિને બોલવા દેવું અને તમારે નોનવર્બલ થકી સંકેત આપવો કે તમે એની વાત ઉપર ધ્યાન આપી રહ્યા છો. જ્યારે એક્ટિવ સાંભળવું એટલે સવાલો પૂછવા અને ચોખવટો કરવી. જેથી, મુદ્દામાં ઊંડાણપૂર્વક ઉતરી શકાય. ઘણી વખત જરૂરી છે કે તમે ફક્ત સામેવાળી વ્યક્તિ શું અનુભવી રહી છે તે સ્વીકારો. તો જ્યારે સામેવાળી વ્યક્તિ જે તમારો પાર્ટનર, સહ-કર્મચારી અથવા બાળક હોય અને તે અસ્વસ્થ હોય ત્યારે તમારે ફક્ત એટલું જ કહેવાની જરૂર છે કે, 'હું જોઈ શકું છું કે તું/તમે અસ્વસ્થ છો. શું તું/તમે આ વિશે વાત કરવા માગે છે?' અને જો તે શેર કરવા માટે તૈયાર ન હોય તો તમે એને એમ કહી શકો 'જો તું/તમે આગળ જઈને શેર કરવા માગતા હો તો હું છું...' મારો વિશ્વાસ કરો. આ શબ્દો તેના માટે સૌથી મૂલ્યવાન ભેટ હશે!

આશા રાખું છું કે હવે તમે ખરા અર્થોમાં તમારા બાળકને સાંભળવાનો પ્રયત્ન કરશો...
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...