પોઝિટિવ પેરેન્ટિંગ:શું તમે દુવિધામાં છો કે તમારા બાળક માટે ન્યુક્લિયર ફેમિલી સારું કે જોઈન્ટ ફેમિલી?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પારંપરિક રીતે ભારતનું કુટુંબનું માળખું મોટાભાગે જોઈન્ટ રહ્યું છે અને બાળકો પોતાના માતા-પિતા અને દાદા-દાદી જોડે રહે છે પણ ધીમે-ધીમે ન્યુક્લિયર કુટુંબોની સંખ્યા વધી રહી છે, જેમાં એક કે બંને વાલી નોકરી અથવા ધંધો કરે છે.

મહામારીએ ન્યુક્લિયર કુટુંબો ઉપર બહુ પ્રેશર નાખ્યું છે. ન્યુક્લિયર ફેમિલીના ઘણા વાલીઓ ખાસ કરીને સિંગલ માતાઓ ફરિયાદ કરે છે કે તેઓ ખૂબ જ થાકી ગઈ છે. એક માતાએ શેર કર્યું કે હવે તેમની જવાબદારી ડબલ થઇ ગઈ છે. તેની જોબમાં તેણે ઓનલાઇન રહીને સતત કામ ચાલુ રાખવું પડે છે અને સાથે તેમને પોતાના બાળકની સ્કૂલનું ઓનલાઇન ભણવાનું પણ મોનિટર કરવું પડે છે, જેમાં સામેલ છે તેની નિયમિત અટેન્ડન્સ (હાજરી) સુનિશ્ચિત કરવી, તેને તેના પ્રોજેક્ટમાં મદદ કરવી અને તેના ઈન્ટરનેટ સર્ફિંગ ઉપર નજર રાખવી. આ સિવાય ઘરનું ધ્યાન રાખવું, રસોઈ અને લોન્ડ્રી, કરિયાણું અને શાકભાજી અને આવા બીજાં ઘણાં ઘરકામના લીધે તેમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. જ્યાં ભૂતકાળમાં તેઓ હંમેશાં સ્વતંત્ર રીતે રહેવામાં રૂચિ ધરાવતા હતા હવે તેમને એવું થાય છે કે તેઓ જોઈન્ટ ફેમિલીમાં હોત તો કેટલું સારું હોત. જવાબદારીઓ પણ સરખા ભાગે શેર થાત અને તેમને એકલા હાથે મોટાભાગનો ભાર ન ઉપાડવો પડત અને અધૂરામાં પૂરું બાળકો પણ તેમના ઉપર આપવામાં આવી રહેલા વધુ પડતા અટેન્શન (ધ્યાન)ના લીધે ગભરામણ અનુભવી રહ્યા છે.

12 વર્ષના સમીરનો જ દાખલો આપું, જેનામાંથી ધીમે-ધીમે માનસિક અને ભાવનાત્મક સ્તર દૂર થવા લાગ્યું છે. હવે તે કોઈપણ વાત શેર નથી કરતો. કેમ? કારણ કે, તેને એવું લાગે છે કે એની માતા હંમેશાં એના પર્ફોર્મન્સ ઉપર ટિપ્પણી કર્યા રાખે છે અને જ્યારે પણ તે ઓનલાઇન કલાસમાં હોય છે ત્યારે તેની માતા કોઈક-ને-કોઈક રીતે તેમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે અને માતા તો બિચારી પોતાની ફરજ નિભાવવાના પ્રેશરમાં આ બધું કરી રહી હોય છે! સ્કૂલ બંધ હોવાના લીધે ઓનલાઇન લર્નિંગના જમાનામાં શિક્ષક અને માતા વચ્ચેની જવાબદારીઓ અને તફાવતની રેખા ઝાંખી પડી રહી છે. બાળક એવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે જ્યાં તેની માતાનો રોલ શિક્ષકના રોલમાં બદલાઈ ગયો છે અને બાળક પોતાની માતાને એ રોલમાં સ્વીકારી નથી શકતું કારણ કે, શિક્ષક તો હાજર જ છે! એક ચિંતિત માતા પૂછે છે કે, 'મારું બાળક જ્યારે ઓનલાઇન હોય છે ત્યારે મારે તેને સતત મોનિટર કરવું પડે છે કારણ કે, ઘણી વખત એનું ધ્યાન ભટકી જાય છે પણ જ્યારે હું એને ટોકું ત્યારે તેને એ નથી ગમતું અને તે ગુસ્સે થઈને મારાથી રીસાઈ જાય છે. હવે તમે જ કહો કે મારે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ?'

બીજી બાજુ, જોઈન્ટ ફેમિલીમાં રહેનારની સ્થિતિ આનાથી સાવ જુદી છે. તેમના માટે મોટો ફાયદો એ છે કે બાળક પોતાના મનની રીસ કાઢવા માટે દાદા-દાદી કે કુટુંબના કોઈપણ વડીલ પાસે જઈ શકે છે. ઘરકામની વહેંચણી પણ સરખા ભાગે થઇ શકે છે જેનાથી એક વાલી ઉપર ઓછું પ્રેશર રહે છે પણ આ સ્થિતિમાં એક પડકાર ત્યારે ઊભો થાય છે જ્યારે માતા-પિતાના વિચારો દાદા-દાદીના વિચારોથી જુદા હોય છે. તેથી, નજીવી લાગતી બાબતો જેમ કે, ટીવી જોવાની પરવાનગી, બાળકોને પોકેટ મની આપવી, મોડર્ન કપડાં પહેરવાંની મંજૂરી આપવી વગેરે લગતી બાબતો મતભેદ અને ઝઘડાનો મુદ્દો બની શકે છે. એક માતાએ શેર કર્યું કે જ્યાં એક બાજુ તે પોતાના બાળકની વધુ પડતો ગળ્યો પદાર્થ ખાવાની કુટેવને સુધારવા માટે ભયંકર મહેનત કરી રહી હતી, ત્યાં બીજી બાજુ બાળકનાં દાદી છાનાં-માનાં બાળકને ચોકલેટ આપી એમ કહેતાં કે તે તેની માતાને આ વાત ન કરે. આનાથી બાળકની માતા અસ્વસ્થ થઇ ગઈ કારણ કે, એના પ્રમાણે આવું કરીને અજાણતાં જ દાદી બાળકને વાતો છુપાવતા અને કદાચ ખોટું બોલતા પણ શીખવાડી રહ્યાં હતાં. 'હું આ સ્થિતિને કઈ રીતે હેન્ડલ કરું? મારા હસબન્ડ આમાં ઇન્વોલ્વ નથી થવા માગતા એટલે તે 'ગુડી-ગુડી' બનીને રહે છે અને જો હું કંઈ બોલું તો હું દુષ્ટ બની જાઉં છું! મેં જ્યારે એકલતામાં મારી સાસુને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે ફટ્ દઈને મને કહી દીધું કે દાદી-દાદાનો તો હક છે બાળકોને લાડ લડાવવાનો અને હું નજીવા મુદ્દાને આટલો મોટો બનાવી રહી છું. હું એ બિલકુલ નથી ઇચ્છતી કે મારું બાળક મોટું થઈને મારાથી વસ્તુઓ છુપાવે અને આ સેન્ડવિચ પરિસ્થિતિની આડઅસર મારા સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે! તમે જ કહો હું શું કરું?'

ન્યુક્લિયર કુટુંબ માટે ટિપ્સ

  • જો તમે ન્યુક્લિયર કુટુંબમાં રહેતા હો તો તમારા પાર્ટનર અથવા બીજી પુખ્તવયની વ્યક્તિ જોડે જવાબદારી શેર કરો.
  • જો તમને એવું લાગે કે તમારું બાળક કોઈ વિષયમાં રસ નથી ધરાવતું કે ધ્યાન નથી આપતું તો તમે તેના શિક્ષક અથવા સ્કૂલના કાઉન્સેલર જોડે આ બાબતે ચર્ચા કરો. આ મુદ્દાઓ જોડે શિક્ષક અથવા સ્કૂલના કાઉન્સેલર વધુ સારી રીતે ડીલ કરી શકશે અને તે ખાતરી પણ કરશે કે બાળક એન્ગેજ રહે.
  • બાળક માટે પોતાના વાલીને શિક્ષકના રૂપમાં સ્વીકારવું ઘણું આકરું છે. તેને હંમેશાં એવું લાગશે કે વાલી તેને ખોટો કકળાટ કરી રહ્યા છે.
  • ન્યુક્લિયર કુટુંબમાં મોટાભાગે બાળક બધાના આકર્ષણનું કેન્દ્ર બનેલું હોય છે. હવે જો તમે તેનું ડગલે ને પગલે ઝીણવટથી નિરીક્ષણ કર્યા રાખશો તો બાળકને ગભરામણ થવા માંડશે. તેથી, જો તમે ન્યુક્લિયર કુટુંબનો ભાગ હો તો તમારા બાળકને સ્પેસ આપો.

જોઈન્ટ કુટુંબ માટે ટિપ્સ
અહીં જરૂરી છે એ બાબતની ખાતરી કરવાની કે બાળક કુટુંબના જુદા-જુદા સભ્યોની સાથે વફાદારી કરવામાં ખેંચાઈ ના જાય. એ પણ જરૂરી છે કે બાળક સાચું બોલે, ભલે ને પછી તે પોતાનાં દાદા-દાદી કે વાલીની ઈચ્છા વિરુદ્ધ જ કેમ ન ગયું હોય. યાદ રાખજો કે બાળકને બોલવાથી કે મોટા અવાજે ઘાંટો પાડવાથી કોઈ ફાયદો નથી થવાનો. વાલીએ હંમેશાં પોતાના માતા-પિતા અને બાળક બંને જોડે પોતાના નિર્ણય અથવા પસંદગી પાછળના કારણો શેર કરવા જોઈએ. જોઈન્ટ ફેમિલીમાં આખો લર્નિંગ એક્સપિરિયન્સ અડજસ્ટ થવા વિશે છે. જો મુદ્દો નાનો હોય તો તમારે ચોક્કસ તેને જતું કરવું જોઈએ પણ જો તેનો પ્રત્યાઘાત ખૂબ ઊંડો હોય એટલે કે તેની અસર કુટુંબના સ્વાસ્થ્ય અથવા સુરક્ષા ઉપર પડતી હોય તો તમારે વાલી તરીકે એક સ્ટેન્ડ લેવું જોઈએ.

દરેક કુટુંબનું માળખું અનોખું છે અને આમાં મહત્ત્વની વાત એ છે કે દરેક સભ્ય પોતાની ભૂમિકા સમતોલ રીતે નિભાવે. પછી ભલે તે જોઈન્ટ કુટુંબમાં રહેતું હોય કે પછી ન્યુક્લિયર કુટુંબમાં.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...