મનન કી બાત:શું તમને સતત કોઈ વસ્તુની ચિંતા સતાવ્યા કરે છે?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રુચિત 24 વર્ષીય યુવાન છે. રુચિત એક મનોચિકિત્સક પાસે આવીને કહે છે, 'સર મને સતત ચિંતા રહ્યા કરે છે. જ્યારે પણ મારા પરિવારનું કોઈ સદસ્ય ઘરની બહાર અથવા હાઇવે પર જાય તો સતત મને એ જ વિચાર આવ્યા કરે છે તેનો એક્સિડન્ટ થઇ જશે તો! આ કારણથી હું તેમને વારંવાર કોલ કર્યા કરું અને સતત એમની જોડે કોન્ટેક્ટમાં રહેવાનો પ્રયત્ન કરું. જ્યાં સુધી એ પરિવારજન એમના ડેસ્ટિનેશન પર પહોંચી ન જાય ત્યાં સુધી મારા જીવને શાંતિ જ નથી મળતી, હું કોઈ કામ જ નથી કરી શકતો. અન્ય સદસ્યોને તો હું ઘરની બહાર જ નથી જવા દેતો. આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ?'

આપણા પ્રિયજનો માટે આપણને એન્ઝાયટી રહેવી એ સામાન્ય વસ્તુ છે. એ લોકોને કંઈ થઈ ના જાય એ માટે બનતી આપણે પૂરી મદદ કરીએ એ વિચાર આપણા મનમાં સતત રહે છે. પરંતુ જ્યારે એ વિચાર આપણા જીવનનાં બીજાં બધાં પાસાંને હેરાન કરવા માંડે અથવા એ આપણા પ્રિયજનોને પણ નડતરરૂપ બને તો એના વિશે વિચારવાનો અને કંઈક કરવાનો સમય આવી ગયો છે. કોરોનાવાઇરસના કાળમાં એન્ઝાયટીનું પ્રમાણ વધતું ગયું છે. જનરલ એન્ઝાયટી ડિસોર્ડર (GAD) એક એવી બીમારી છે જેમાં ચિંતા આપણા જીવનમાં એટલી નડતરરૂપ બની જાય છે કે એ આપણને એક સુખી જીવન જીવતાં રોકે છે

જનરલ એન્ઝાયટી ડિસોર્ડર (GAD)નાં માનસિક લક્ષણો

 • GAD તમારી વર્તણૂકમાં બદલાવ લાવી શકે છે અને વસ્તુઓ વિશે તમે જે વિચારો છો અને અનુભવો છો તેનાં પરિણામે લક્ષણો જેવા કે:
 • બેચેની
 • ભય
 • એક અર્થમાં સતત 'ધાર પર હોવાની' લાગણી
 • ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
 • ચીડિયાપણું

ચિંતાઓ અને ભયની લાગણીઓને ટાળવા માટે તમારાં લક્ષણો તમને સામાજિક સંપર્ક (તમારા કુટુંબ અને મિત્રોને જોઈને)થી પીછેહઠ કરાવી શકે છે. આ ક્રિયાઓ તમને તમારા વિશે વધુ ચિંતા કરાવી શકે છે અને તમારા કોન્ફિડન્સનો અભાવ વધારે છે.

જનરલ એન્ઝાયટી ડિસોર્ડર (GAD)નાં શારીરિક લક્ષણો
GADમાં ઘણાં બધાં શારીરિક લક્ષણો પણ હોઈ શકે છે:

 • ચક્કર
 • થાક
 • નોંધપાત્ર રીતે મજબૂત, ઝડપી અથવા અનિયમિત ધબકારા - સ્નાયુમાં દુખાવો અને
 • તણાવમાં કંપન અથવા ધ્રુજારી થવી
 • શુષ્ક મોં
 • વધુ પડતો પરસેવો
 • હાંફ ચઢવી
 • પેટમાં દુખાવો
 • બીમાર અનુભવવું
 • માથામાં દુખાવો
 • ઊંઘવામાં મુશ્કેલી (અનિદ્રા)

જો તમે કોઈ ચોક્કસ ફોબિયાને કારણે અથવા ગભરાટ ભર્યા વિચારને લીધે ચિંતિત હો તો તમને સામાન્ય રીતે ખબર હશે કે તેનું કારણ શું છે. ઉદાહરણ તરીકે, જો તમને ક્લોસ્ટ્રોફોબિયા (મર્યાદિત જગ્યાઓનો ભય) હોય તો તમે જાણો છો કે નાની જગ્યામાં સીમિત રહેવું એ તમારી ચિંતાને ઉત્તેજિત કરશે. પરંતુ તે હંમેશાં સ્પષ્ટ નથી હોતું કે તમે કોની ચિંતા કરશો.

જનરલ એન્ઝાયટી ડિસોર્ડરની (GAD) સારવાર શું?
જ્યારે આપણે કોઈપણ વસ્તુની ચિંતાનો શિકાર હોઈએ છીએ ત્યારે તે ચિંતાના ત્રણ મુખ્ય ભાગ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે અગોરફોબિયાના શિકાર હો તો તમને ભીડભાડવાળી જગ્યાઓમાંથી નીકળવાનો ખૂબ ડર લાગે કે જેથી કરીને તમે એવી જગ્યાએ જવાનું ટાળો. તો આપણે આ ફોબિયાને ઉદાહરણ તરીકે લઈએ અને જોઈએ કે એ વ્યક્તિના મનમાં શું ચાલતું હોય છે.

વિચાર - કોઇપણ તકલીફનાં મૂળમાં એક ઈરરેશનલ એટલે કે ગેરવ્યાજબી વિચાર હોય છે. આ ફોબિયામાં વ્યક્તિ વિચારે છે કે હું ભીડભાડવાળી જગ્યાએથી કંઈ પણ થાય પણ નીકળી નહી શકું.

લાગણી - આ વિચારને કારણે વ્યક્તિ એક ડરની લાગણી અનુભવે છે. જ્યારે પણ આપણે ડરની લાગણી અનુભવતા હોઇએ ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જાય, આપણને પરસેવો છૂટવા માંડે, આપણું મગજ કોઈ વસ્તુ પર ફોકસ ન કરી શકે, આપણને કંપન થવા માંડે, એક રીતે આપણું મગજ ફ્રીઝ થઈ જાય. આ સમયે આપણને ખરાબમાં ખરાબ વિચારો પણ આવે.

વર્તન - આવા વિચારો અને લાગણીઓને કારણે આપણે એવી જગ્યાએ જતાં રહેવા દઈએ જે જગ્યામાં ખૂબ ભીડભાડ હશે અથવા જ્યાંથી નીકળવું ખૂબ મુશ્કેલ હશે.

આ રીતે વિચાર લાગણી અને વર્તનની એક એવી સાઇકલ બનતી જાય છે જેમાંથી આપણે પોતાની જાતને કાઢવી અશક્ય બની જાય છે.

કોગ્નિટીવ બિહેવિયર થેરપી

 • કોગ્નિટિવ એટલે કે વિચારો
 • કોગ્નિટીવ બિહેવિયર થેરપીમાં એક વ્યક્તિની આ સાઇકલના ત્રણે ભાગ એટલે કે વિચાર લાગણી અને વર્તન ત્રણેય ઉપર ખાસ ભાર આપી અને એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
 • દરેક વ્યક્તિની જોડે એક લિસ્ટ બનાવવામાં આવે છે, જે લિસ્ટમાં સૌથી પહેલાં એ વસ્તુ લખવામાં આવે કે જેનાથી એ વ્યક્તિને સૌથી ઓછો ડર લાગતો હોય જેમ કે, આ પ્રકારના ફોબિયામાં એક વ્યક્તિને પોતાના ઘરની બહાર નીકળી ગાર્ડનમાં જમવામાં થોડો ઓછો ડર લાગે, જ્યારે એક ભીડભાડવાળા ખૂબ જ મોટા મોલમાં જવામાં ખૂબ ડર લાગે.
 • તો આવા વ્યક્તિને રિલેક્સેશન અને બ્રીધિંગ એક્સર્સાઇઝ શીખવાડવામાં આવે.
 • એ પછી થેરપિસ્ટ એમની જોડે ધીમે-ધીમે કરીને એમને ગાર્ડનમાં જવાની હિંમત ભેગી કરવામાં મદદ કરે
 • આ રીતે પાપા પગલું માંડીને વ્યક્તિની હિંમત વધી જાય અને એની ચિંતા ઘટતી જાય અને એના ફોબિયા ઉપર વિજય મેળવી શકાય.

થેરપી ઉપરાંત, જનરલ એન્ઝાયટી ડિસોર્ડર (GAD) થવાનું મુખ્ય કારણ તો એ જ હોય છે કે આપણા મનમાં રસાયણોનો ફેરફાર. આ ફેરફારને સાજો કરવા માટે કેટલીક ચોક્કસ દવાઓ પણ હોય છે. આ દવાઓથી એ રસાયણમાં થતો ફેરફાર અટકાવીને તેને યોગ્ય કરી શકાય કે જેથી કરીને એક માણસનું જીવન ખૂબ સારું થઈ શકે અને તે ખુશ રહી શકે. તેની કેટલીક દવાઓનું નામ છે sertraline, venlafaxine વગેરે.

મન: ડર સબકો લગતા હૈ, ગલા સબકા સુખતા હૈ, પર ડર કે આગે જીત હૈ. દુનિયાની કોઈ એવી એન્ઝાયટી નથી કે જેના ઉપર મનુષ્ય વિજય ન મેળવી શકે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)