મનન કી બાત:શું તમને કોઈ પણ મોટી મીટિંગ કે પરીક્ષા પહેલાં ઍન્ગ્ઝાયટી સતાવે છે? ઍન્ગ્ઝાયટી દૂર કરીને મગજને કાબૂમાં કરવું છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક મનોચિકિત્સક તરીકેની કારકિર્દીમાં દર્દી જોવાના તમારા કામમાં અથવા અલગ અલગ જગ્યાએ લેક્ચર લેવા જવાના તમારા કામમાં, પરીક્ષા પહેલાં આવતી ઍન્ગ્ઝાયટી અને એના કારણે આપણા માનસિક સ્વાસ્થ્ય પરની અસર કદાચ સૌથી કોમન ટોપિક હશે. પરંતુ આ ટોપિક જેટલો કોમન છે એટલો જ મહત્ત્વનો પણ છે અને આ ટોપિક પર દરેક વ્યક્તિ પોત પોતાની એક માન્યતા ધરાવતી હોય છે. આ પરિસ્થિતિ સાથે ઝઝૂમવાની અને એમાંથી નીકળવા માટે પણ દરેક વ્યક્તિની એક પોતાની પદ્ધતિ હોય છે. અમુક લોકો આડા રસ્તે ચડી અને ધુમ્રપાન, દારૂ, તમાકુ અથવા ખોટી સંગતના રવાડે ચડી જતા હોય છે.

આજકાલ ઍન્ગ્ઝાયટી સાથે ઝઝૂમવા માટે વીડ (ગાંજા)નું સેવન કરવું પણ ખૂબ જ ફેશનમાં છે. અંગ્રેજી કે હિન્દી સિરીયલો અને ફિલ્મોમાં વીડ દારૂ કરતાં પણ વધારે બતાવવામાં આવે છે અને આજકાલની જનરેશન માટે એ ખૂબ જ ‘કૂલ’ ગણાય છે. અમેરિકાનાં અમુક રાજ્યોમાં વીડ કાયદેસર થવાના કારણે લોકોમાં એવી પણ માન્યતા પ્રસ્થાપિત થતી જાય છે કે એ સ્વાસ્થ્ય માટે ખરાબ નથી. કોઈપણ વસ્તુ કાયદેસર રીતે વેચાણમાં હોવી અને એ સ્વાસ્થ્ય માટે સારી હોવી આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. દારૂ પણ કાયદેસર રીતે વેચાય છે, પરંતુ એ સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. તમાકુ, ફાસ્ટ ફૂડ આ બધું કાયદેસર રીતે વેચાય છે, પરંતુ શું તમારી હેલ્થ માટે સારું છે?

જ્યારે પણ આપણી સામે કોઈ મીટિંગ કે કોઈ પરીક્ષાને કારણે આવતી ઍન્ગ્ઝાયટી આવે, તો એના વિશે ઊંડાણમાં વિચારીએ તો ચિંતાનું મૂળભૂત તત્ત્વ ‘પરિણામ શું આવશે?’ એ પ્રશ્ન હોય છે. પરિણામ ન જાણી શકવાની મજબૂરી અને પરિણામના કારણે જીવનમાં આવવાના બદલાવો આપણી ઍન્ગ્ઝાયટીનું મૂળ તત્ત્વ બનાવે છે.

જો હું આપને એક ફૂટ બાય એક ફૂટની ટાઇલ પર નાકની દાંડીએ સીધા ચાલવાનું કહું તો તમે ખૂબ અચકાશો નહીં. પરંતુ જો આ એક ફૂટ બાય એક ફૂટના ટાઈલના પટ્ટા ને આપણે 10 ફૂટ ઊંચું કરી દઈએ તો થોડો પડવાનો ડર લાગશે અને સાથે ઍન્ગ્ઝાયટી આવશે. જો હું આ પટ્ટાને 100 ફૂટ ઊંચું કરી નાખું તો ડર અને ઍન્ગ્ઝાયટી હજુ પણ વધી જશે.

ઍન્ગ્ઝાયટીનાં મૂળ તત્ત્વો હોય છે ડર અને ચિંતા. ડર કે જો આપણે જે વસ્તુ કરીએ છીએ એ વસ્તુમાં નિષ્ફળ રહેશે તો એનાં પરિણામો ખૂબ જ ખરાબ આવશે અને એના કારણે આપણને સામાજિક અને માનસિક રીતે નુકસાન જશે. ચિંતા કે જે આપણે કરી રહ્યા છીએ એ આપણે જે પરિણામ જોઈએ છે એના માટે પૂરતું છે? સાચું છે? સારું છે? અને બીજું કંઈ એમાં કરી શકાય એમ છે કે નહીં?

આ રીતે જુઓ તો ઍન્ગ્ઝાયટી બહુ ખરાબ વસ્તુ ન લાગે. કારણ કે જો માપમાં ઍન્ગ્ઝાયટી હોય અને તમે એને નિયંત્રણમાં રાખી શકો તો આ જ ઍન્ગ્ઝાયટીના કારણે તમે તમારું કામ ખૂબ જ ચીવટથી કરી શકો છો. મતલબ કે જો ટાઇલનો પટ્ટો 100 ફૂટ ઊંચો છે તો તમને ખ્યાલ છે કે નખરા કરીશ અથવા ધ્યાનથી નહીં ચાલું તો પડવાની શક્યતા છે અને આ ડરને કારણે તમે સાચી અને સીધી રીતે ચાલવામાં ખૂબ મહેનત કરશો અને ધ્યાન રાખશો. જો આપણે પોતાની ઍન્ગ્ઝાયટીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી અને એ ઊર્જાને આપણી મહેનત સહુથી સારી કક્ષાની હોય અને આપણે આપણું સો ટકા આપીએ એના માટે કેન્દ્રિત કરી શકીએ તો આપણે આપણા મગજના ગુલામ નહીં પરંતુ આપણું મગજ આપણું ગુલામ કહેવાય.

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ દુનિયાની કોઈ પણ વસ્તુ માટે ક્યારે પણ સો ટકા ગેરંટી ન આપી શકે. દુનિયાનો કોઈ એવો કોચ, મોટિવેશનલ સ્પીકર, મનોચિકિત્સક કે પીર ફકીર એવા નથી કે જે આપને કહી શકે કે આ વસ્તુ કરો અને તમે સો ટકા સફળ રહેશો. જે વ્યક્તિ આવું કહે છે એ ચોક્કસ વૈજ્ઞાનિક નથી. દુનિયા એટલી મોટી છે અને કોઈપણ પદ્ધતિમાં હજાર એવી વસ્તુઓ બની શકે છે કે જેની આપણે કલ્પના ન કરી હોય અને એટલે સાચા અર્થમાં વિચારીએ અને વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો પરિણામ આપણા હાથમાં જ નથી. જ્યારે આ વિચાર આપના મનમાં ઘર કરી જશે અને તમે આ વસ્તુ પચાવી જાણશો કે તમારા હાથમાં મહેનત છે અને પરિણામ તમારા હાથમાં નથી, ત્યારે તમારી મહેનતનો સાચો કલર નિખરીને આવશે.

ફરી એકવાર કહેવા માગીશ કે આ બધું જાણ્યા બાદ ઍન્ગ્ઝાયટી નહીં થાય એ શક્ય નથી. પરિણામ જ્યારે ખૂબ મોટું હોવાનું અને એના કારણે તમારા જીવનમાં ખૂબ મોટા બદલાવ લાવવાના તો એના માટે ચિંતા તો થવાની જ અને ચિંતા થવી ખૂબ સ્વાભાવિક છે અને હેલ્ધી છે. જો ચિંતા ન થાય તો તકલીફ કહેવાય. પરંતુ આ જ ઍન્ગ્ઝાયટી ને આપણા નુકસાનની બદલે આપણા ફાયદામાં ઉપયોગમાં લઇ, આપણું કામ બને એટલું ચોક્કસ અને સારું કરવાની મહેનત કર્યા કરવી એને ઍન્ગ્ઝાયટી મેનેજ કરવાની સાચી અને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય. જે પળથી તમને એ વસ્તુની સ્વીકૃતિ આવી જશે કે તમારું કામ માત્ર તમારા હાથમાં છે અને જો તમે તમારું કામ સાચી શ્રદ્ધાથી કરશો તો તમને પરિણામ જે પણ આવે, કામનો સંતોષ ચોક્કસ હશે. આપણે હંમેશાં પરિણામ ઉજવીએ છીએ. સાચા અર્થમાં આપણે મહેનત ઉજવવી જોઈએ. જો આપણે આપણા બાળકોની, મિત્રોની અને વહાલાંજનોની મહેનત ઊજવશું. પરિણામ સાથે એટલી બધી તકલીફ નહીં રહે.

મન: ચાલો એકબીજાને મહેનત કરવા અને મહેનત ઊજવવા માટે પ્રેરિત કરીએ. બાકી ‘ગલા સબકા સુખતા હૈ, ડર સબકો લગતા હૈ.’
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)