તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને કે ચાર રાજાઓને?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક રાજા હતો હતો જેને ચાર રાણીઓ હતી. પ્રથમ રાણીને રાજા ખૂબ પ્રેમ કરતો હતો. તેથી, રાજા એ રાણીની ખૂબ સારસંભાળ રાખે અને એને ખૂબ સાચવે. પ્રથમ રાણીને કોઇ પ્રકારનું દુ:ખ ન પડે એની રાજા પૂરતી કાળજી રાખે. બીજી રાણી દેખાવમાં ખૂબ નમણી હતી અને રૂપરૂપનો અંબાર હતી. તેથી, રાજા જ્યારે કોઇ પ્રસંગે બહાર જાય ત્યારે પોતાની સાથે બીજી રાણીને લઇ જાય કારણ કે, એ દેખાવડી અને રૂપાળી હોવાથી રાજાનો વટ પડી જતો હતો. ત્રીજી રાણી લાગણીશીલ અને બુદ્ધિશાળી હતી એટલે રાજા જ્યારે મુશ્કેલીમાં હોય કે કોઇ ટેન્શનમાં હોય ત્યારે આ ત્રીજી રાણી પાસે જઇને બધી જ વાત કરે અને ત્રીજી રાણી રાજાને એનાથી બનતી બધી જ મદદ કરે. ચોથી રાણીને પરણીને આવ્યા બાદ રાજાએ એની સાથે અબોલા લઇ લીધા હતા. ચોથી રાણી બિચારી એકલી એકલી એમનું જીવન વ્યતિત કરતી હતી. રાજા ક્યારેય એમને મળવા માટે પણ નહોતા જતા. માત્ર પરણીને લાવ્યા એટલું જ બાકી રાજાને આ ચોથી રાણી સાથે કોઇ જ સંબંધ નહોતો. રાજા સાવ અચાનક બીમાર પડ્યા. વૈદ્યની કોઇ દવા કામ કરતી નહોતી. રાજાને એમ લાગ્યું કે હવે વિદાયનો સમય સાવ નજીક આવી ગયો છે. આ ધરતી છોડીને જશે તો એકલા એકલા કેમ ફાવશે એ વિચારથી રાજાને ચિંતા થતી હતી. રાજાએ એમની પ્રથમ રાણીને બોલાવીને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી. પ્રથમ રાણીએ રાજાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, 'મને માફ કરજો પણ હું તમારી સાથે નહીં આવી શકું. તમે મારી બહુ સંભાળ રાખી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ એ તમે તમારી ફરજના ભાગરૂપે જ કરતા હતા.' રાજાએ બીજી રાણીને મળવા માટે બોલાવી. બીજી રાણી તો સજીધજીને રાજાની સમક્ષ હાજર થઇ ગઇ. રાજાએ એને પણ એ જ વિનંતી કરી જે પ્રથમ રાણીને કરી હતી. બીજી રાણીએ તો ઠાવકાઇથી જવાબ આપતા કહ્યું, 'તમને એવો વિચાર પણ કેમ આવ્યો કે હું તમારી સાથે આવીશ? તમારે જ્યાં જવું હોય ત્યાં જઇ શકો છો પણ હવે પછી સાથે આવવાની વાત ક્યારેય ન કરતા. એક વધારાની વાત પણ સાંભળી લો. હું બહુ દેખાવડી અને રૂપાળી છું એટલે તમારી વિદાય સાથે જ હું બીજાં લગ્ન કરી લઇશ. મારી સાથે લગ્ન કરવા માટે તો લાંબી લાઇન લાગશે અને લોકો અંદરો અંદર ઝઘડી પડશે.'

બીજી રાણીની વાત સાંભળીને રાજાના હોશકોશ ઊડી ગયા. બિચારો સાવ નિરાશ થઇ ગયો. ત્રીજી રાણી લાગણીશીલ હોવાથી એમના તરફથી હકારાત્મક જવાબ મળશે એવી આશા સાથે રાજાએ ત્રીજી રાણીને મળવા માટે બોલાવી. ત્રીજી રાણી મળવા આવી એટલે રાજાએ એને હાથ જોડીને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી. ત્રીજી રાણી રાજાની પથારી પાસે બેસી ગઇ. રાજાની લાચારી જોઇને એની આંખો ભીની થઇ ગઇ. દબાયેલા અવાજે એણે રાજાને કહ્યું, 'મને આપની સાથે આવવાની બહુ જ ઇચ્છા છે પણ હું આપની સાથે આવી નહી શકું. આપની ગેરહાજરીમાં મારે કેટલીક જવાબદારીઓ નિભાવવી પડશે એટલે ઇચ્છા હોવા છતાં પણ હું તમારી સાથે આવી શકતી નથી. મારી ભવિષ્યની જવાબદારીઓએ મારા પગમાં બેડીઓ બાંધી દીધી છે, જે મને તમારી તમારી સાથે આવતાં અટકાવે છે.' રાજા વાત સાંભળીને સાવ નિરાશ થઇ ગયો. ચોથી રાણીને મળવાનો તો પ્રશ્ન જ નહોતો કારણ કે, લગ્ન પછી એને ક્યારેય યાદ કરી નહોતી. ચોથી રાણી સામેથી રાજાને મળવા માટે આવી અને રાજાના ઓશિકા પાસે બેસીને પ્રેમથી એના કપાળ પર હાથ ફેરવવા લાગી. રાજાએ પૂછ્યું, 'તું મારી સાથે આવીશ?' ચોથી રાણીએ ક્ષણના પણ વિલંબ વગર કહ્યું, 'તમે મને ભૂલી ગયા છો પણ હું તમને નથી ભૂલી અને ક્યારેય ભૂલવાની પણ નથી. હું હંમેશાં તમારી સાથે જ હતી અને સાથે જ રહેવાની છું. તમે મને તમારાથી દૂર કરવા ઇચ્છો તો પણ મને દૂર કરી શકો તેમ નથી.' આ બધી વાતો સાંભળીને રાજાને ખૂબ સારું લાગ્યું. ચહેરા પરની હતાશાની રેખાઓની જગ્યાએ ખુશીની રેખાઓએ સ્થાન લીધું.

આ કોઇ રાજા કે રાણીની વાર્તા નથી. પરંતુ આ દુનિયાના દરેક પુરુષ અને સ્ત્રીની વાર્તા છે. દરેક પુરુષ ચાર રાણીઓને પરણ્યો છે અને દરેક સ્ત્રી ચાર રાજાઓને પરણી છે. જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને ખૂબ સંભાળ રાખીએ છીએ એ આપણી પહેલી રાણી એટલે આપણું શરીર. આપણે આપણા શરીરનું ખૂબ ધ્યાન રાખીએ છીએ અને રાખવું જ જોઇએ કારણ કે, એ આપણી પરણેતર છે. આપણી શરીરરૂપી રાણીના જતન માટે પૂરતા પ્રયાસો કરવા જોઇએ. નિર્વ્યસની જીવન અને પૂરતા પૌષ્ટિક આહાર દ્વારા આ શરીરરૂપી રાણીની જાળવણી કરવાની છે પણ સાથે સાથે એ વાત પણ યાદ રાખવાની છે કે આ રાણી આપણી સાથે આવવાની નથી.

જે ખૂબ રૂપાળી અને દેખાવડી છે તથા જ્યારે બહાર જઇએ છીએ ત્યારે વટ પાડવા માટે જેને આપણી સાથે લઇ જઇએ છીએ એ બીજી રાણી એટલે આપણી સંપત્તિ અને હોદ્દો. માણસને પોતાની સંપત્તિ અને હોદ્દાનું પ્રદર્શન કરવું ખૂબ ગમે છે. બહારના લોકોને સંપત્તિ અને હોદાથી આંજી દેવાની જાણે કે દોડ લાગી છે. માણસે નીતિના માર્ગે જેટલી સંપત્તિ એકઠી કરી શકાય એટલી કરવી જ જોઇએ અને પુરુષાર્થના બળે જેટલો મોટો હોદ્દો પ્રાપ્ત કરી શકાય એટલો મોટો હોદ્દો પણ પ્રાપ્ત કરવો જોઇએ. પરંતુ સંપત્તિ અને હોદ્દાની આ દોડમાં એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે સંપત્તિ અને હોદ્દારૂપી રાણી આપણી વિદાય સાથે જ કોઇ બીજાનું ઘર માંડી લેવાની છે.

જે ખૂબ લાગણીશીલ છે અને જ્યારે આપણે તકલીફમાં હોય ત્યારે જેની સૌથી પહેલા યાદ આવે છે એ ત્રીજી રાણી એટલે આપણો પરિવાર. આપણને આપણો પરિવાર મુશ્કેલીમાં જ યાદ આવે છે બાકી આજે પરિવાર માટે પણ સમય નથી. આજે તો પરાયા લોકોને પોતાના કરવાની એવી દોડાદોડી ચાલે છે કે ન પૂછો વાત. ખૂબ પ્રયાસો કર્યા પછી પણ પારકા તો પોતાના નથી થતા ઊલટું પોતાનાને પારકા કરી બેસીએ છીએ. પરિવાર અને મિત્રો આપણી ત્રીજી રાણી છે જેને આપણા પ્રત્યે લાગણી છે. આ ત્રીજી રાણીને ખૂબ સાચવવી જરૂરી છે કારણ કે, એને આપણી સાથે આવવાની ઇચ્છા પણ છે. વધુમાં વધુ સમય આ ત્રીજી રાણી સાથે ગાળવો. પરંતુ સાથે એ બાબતનું ધ્યાન પણ રાખવાનું જ છે કે આ રાણી એને ઇચ્છા હોવા છતાં પણ સાથે આવવાની નથી.

જેને પરણ્યા પછી સાવ ભૂલી ગયા છીએ પણ જે આપણો સાથ છોડવાની નથી એ ચોથી રાણી એટલે આપણો અંતરાત્મા. આપણે અંતરાત્માને જ ભૂલી ગયા છીએ જે સદૈવ આપણી સાથે જ રહેવાનો છે. બાકીની ત્રણ રાણીઓનું ધ્યાન ચોક્કસ રાખીએ પણ આ ચોથી કાયમની સંગાથી એવી રાણી ભુલાઈ ન જાય એની પણ તકેદારી રાખીએ. જે રાજા આ ચોથી રાણીનું ધ્યાન રાખી શકતો હોય એ જીવનમાં ક્યારેય દુ:ખી નહીં થાય.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)