• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Andaman 6: Set Aside Time For The "cellular Prison" Known As The Foundation Of Independence On The Island Of Port Blair In The Andamans.

એક્સપ્લોર ઇન્ડિયા:ચાલો આંદામાન-6: આંદામાનના પૉર્ટ બ્લેર ટાપુ પર આઝાદીના પાયા તરીકે જાણીતી ‘સેલ્યુલર જેલ’ માટે અચૂક સમય ફાળવવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળાપાણી - જીવતે જીવ નરક સમી ભારતની સૌથી ભયાનક જેલ - ‘સેલ્યુલર જેલ’
  • સેલ્યુલર જેલ આપણા ઇતિહાસનાં પન્નાંઓ પર કાળી શાહીથી લખાયેલું એ પ્રકરણ છે જે કોઈપણની આંખો અને હૃદય ભીંજવી નાખે
  • 1906માં બનેલી સેલ્યુલર જેલનાં બાંધકામનો ખર્ચો તે સમયે અંદાજે આઠ લાખ જેટલો આવ્યો હતો.

सर फरौशी की तमन्ना
अब हमारे दिल में है।
देखना है ज़ोर कितना
बाजु ए कातिल में है।।

शहीदों की चिताओं पे लगेंगे,
हर बरस मेले।
वतन पे मिटने वालों का
बाकी यही निशां होगा।

ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. એ સંઘર્ષનો સૌથી કારમો કાળ એટલે ‘કાળાપાણી’ની સજા. આ સજાનો ખૌફ જ એટલો હતો કે સજા સાંભળીને રૂહ કાંપી ઊઠતી. અંગ્રેજ સરકારની બર્બરતા ખૂબ જ ભયાનક હતી, જેમાં તેઓ માનસિક અને શારીરિક રીતે ક્રાંતિકારીઓને તોડી નાખતા અને સતત તોડતા રહેતા. બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સેનાનીઓને દેશદ્રોહના આરોપમાં દેશભરમાં દાખલો બેસાડવા માટે કાળાપાણીની સજા આપવામાં આવતી, જેથી અન્ય કોઈ અંગ્રેજ હકુમત વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત ન કરે. હાલના સમયમાં અંદમાન અને નિકોબાર ઉજાણી અને સુંદર દરિયાનાં સાંનિધ્ય માણવાના સ્થળ તરીકે ઓળખાય છે, પણ એક સમયે અહીં આવવું મોતથી પણ વધુ ભયાનક હતું. એવું તો શું હતું અહીંયા એવા સવાલો થાય, પણ નજરે જોયા પછી જ સમજાય કે શા માટે તેને મોતથી પણ વધુ વિકરાળ ગણવામાં આવતું હતું. અહીંની સેલ્યુલર જેલ આપણા ઇતિહાસનાં પન્નાંઓ પર કાળી શાહીથી લખાયેલું એ પ્રકરણ છે જે કોઈપણની આંખો અને હૃદય ભીંજવી નાખે. આપણા દેશ માટે નિઃસ્વાર્થ બલિદાન આપનાર લોકો સાથે થયેલા અમાનવીય અત્યાચારો અને તેમના દેશપ્રેમની આ સફર છે.

આમ જોઈએ તો કાળાપાણી નહીં પણ ‘કાલપાની’ શબ્દ હતો. જેમાં સંસ્કૃતિ શબ્દ ‘કાલ’નો અર્થ મૃત્યુ અથવા સમય એવો થાય છે. એટલે એવી સ્થિતિ જ હતી કે અહીં આવ્યા બાદ મૃત્યુ નિશ્ચિત છે. બ્રિટિશ હૂકુમત દરમિયાન જેમ જેમ લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ અને આક્રોશ વધતો ગયો તેમ તેમ તેમની વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વધતી ગઈ જેના લીધે રાજકીય કેદીઓને રાખવા માટે જેલની અછત સર્જાય. જેથી બ્રિટિશરો દ્વારા લોકોમાં એક ધાક અને દાખલો બેસે એવી વિશાળ જગ્યા જ્યાં આવા કેદીઓને રાખી શકાય તેની શોધ શરૂ થઈ. જે આંદામાન જેવા તે સમયના નિર્જન ટાપુ પર આવીને ખતમ થઈ. આપણા પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857ના વિપ્લવ બાદ 1858માં અહીં અંદાજે 200 જેટલા કેદીઓને પકડીને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અંગ્રેજોએ માત્ર તેમને કેદીઓ બનાવીને રાખ્યા નહોતા, પણ તેમનો ઉપયોગ જેલના નિર્માણ માટેના મજૂરો તરીકે કર્યો હતો. અહીં સૌથી પહેલાં વાઈપર જેલ બનાવવામાં આવી હતી. પણ જેમ જેમ સ્વતંત્રતા માટેના આંદોલનો તીવ્ર થતાં ગયાં, તેમ તેમ કેદીઓની સંખ્યા વધતી ગઈ. જેથી 1893માં અહીં સેલ્યુલર જેલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જે 1906માં પૂરું થયું તેના બાંધકામનો ખર્ચો એ સમયે અંદાજે આઠ લાખ જેટલો આવ્યો હતો.

સાઇકલના આરાની જેમ બનેલી સેલ્યુલર જેલની કોટડીઓ
સાઇકલના આરાની જેમ બનેલી સેલ્યુલર જેલની કોટડીઓ

જેલની રચના એક સ્ટાર ફિશ કે સાઈકલના પૈડાં અને તેની વચ્ચે આવેલા આરા પ્રકારની કરવામાં આવી છે. જેમાં વચ્ચે એક વૉચ ટાવર છે જેની સાથે જોડાયેલી સાત વિંગ્સ છે. આ સાતેય વિંગ્સ એક સરખી સાઈઝની નથી, કારણ કે એ સમયે પહાડી પર મોટી ચટ્ટાનો તોડીને આ જેલ બનાવવામાં આવી હતી. અહીંની કોઈ પણ વિંગમાં જવા માટે વચ્ચે આવેલો વૉચ ટાવર એકમાત્ર રસ્તો છે. આ જેલમાં 696 જેટલાં સેલ એટલે નાની કોઠરીઓ હતી. જેથી આ જેલ સેલ્યુલર જેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક સેલમાં માત્ર એક જ કેદીને રાખવામાં આવતો. જેથી કોઈ પણ કેદી પરસ્પર સંપર્ક ન કરી શકે. અહીં એક અંદાજ પ્રમાણે 80,000 જેટલા સ્વતંત્ર સેનાનીઓને કેદ કરવામાં આવેલા હતા. આપણા ક્રાંતિકારી વીર સાવરકર, બટુકેશ્વર દત, યોગેન્દ્ર શુક્લા, બાબુરાવ સાવરકર ઉપરાંત અન્ય કેટલાંય નામો અહીં જોડાયેલાં છે.

સેલ્યુલર જેલમાં ભારતના સ્વતંત્રતા સેનાનીઓ પર જે બર્બર અત્યાચારો ગુજારવામાં આવતા તેની ઝલક
સેલ્યુલર જેલમાં ભારતના સ્વતંત્રતા સેનાનીઓ પર જે બર્બર અત્યાચારો ગુજારવામાં આવતા તેની ઝલક

સેલ્યુલર જેલમાં દાખલ થતાં પહેલાં એક જે બ્લોક આવે તે એડમિનિસ્ટ્રેટિવ બ્લોક છે, જેનો જેલરની ઓફિસ અને રેસિડેન્સી માટે ઉપયોગ થતો. તેનો નીચેનો ભાગ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. ત્યાંથી આગળ સામેની બાજુ બે જ્યોત પ્રજ્વલિત છે, જે સ્વતંત્રતા જ્યોત આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર શહીદોના માનમાં પ્રગટે છે. અહીં એક સો વર્ષ જૂનું પીપળાનું ઝાડ પણ છે. અહીંની વિંગ્સના સૌથી નીચેના ચાર રૂમ તિરસ્કૃત કોઠી તરીકે ઓળખવામાં આવતા. જ્યાં એવા કેદીઓને રાખવામાં આવતા જેમની મોતની સજા માટે ગવર્નર જનરલની પુષ્ટિ બાકી હોય, આ એવી જગ્યા હતી, જ્યાંથી ફાંસીઘર સામે દેખાય. ત્યાંના કરુણ મોતના અવાજો અહીં સ્પષ્ટ સંભળાય. કેટલી હદ સુધી આ લોકોને તોડી નાખવામાં આવ્યા હશે એ વિચારીને જ કમકમાટી આવી જાય. અહીં કેદીઓ પર અસહ્ય યાતનાઓ કરવામાં આવતી હતી. દરેક કેદીને દરરોજ ફરજીયાત ઓઇલ મિલમાં 30 પાઉન્ડ (13.6 કિગ્રા) નાળિયેરનું તેલ અને 10 પાઉન્ડ (4.5 કિગ્રા) સરસવનું તેલ કાઢવું પડતું હતું. ઘાણીમાં બળદને જોડે તેમ ક્રાંતિકારીઓને જોડતા અને જો કોઈ વચ્ચે અટકે કે લથડી પડે તો તેમને પાછળથી કોરડાઓ મારવામાં આવતા. બ્રિટિશ સરકારને જેનાથી સૌથી વધુ ખતરો હોય તેવા તેમજ શિક્ષિત કેદીઓને સૌથી અંતિમ કોઠરીઓમાં રાખવામાં આવતા, જેથી તે બધાથી એકદમ અલિપ્ત રહી શકે. અહીંની ફ્લોગિંગ પનીશમેન્ટ સૌથી વધુ ભયાનક હતી. જો કોઈ કેદી ભાગવાની કોશિશ કરે અથવા ચોકીદાર સામે કોઈ સંઘર્ષ કરે તેને આ સજા અપાતી. જેમાં સૌથી પહેલાં તો ક્રાંતિકારીને પૂરા નિર્વસ્ત્ર કરતા અને પછી તેમના હાથ ઊંચા કરી એક ઢળતી પેટ્ટી પર બાંધવામાં આવતા ને હિપ્સ પર એક સફેદ કપડું બાંધતા. ત્યારબાદ હિપ્સ પર સતત એક જગ્યાએ કોરડાઓ મારતા જેથી ત્યાંની ચામડી ફાટી જાય અને સૂવા, બેસવામાં, ચાલવામાં, ટોઇલેટ વગેરે જવામાં અસહ્ય પીડા થાય. જેમ બેસે એક ઘાવ વધુ ઊંડો બને, આ બધું સાંભળીને જ શરીરમાં ધ્રુજારી પેદા થઈ જાય. બસ, એટલો જ વિચાર આવે કે એ મહાન ક્રાંતિકારીઓ કેટલાં કઠણ કાળજાંના હશે અને તેમનો માતૃભૂમિ પ્રત્યે કેટલો અપાર પ્રેમ હશે કે આવા અત્યાચારો પણ સામે થઈને સહન કરતા.

કેદીઓએ ઘાણીના બળદની જગ્યાએ જોતરાઈને ફરજીયાત ઓઇલ મિલમાં રોજ 30 પાઉન્ડ (13.6 કિગ્રા) નાળિયેરનું તેલ અને 10 પાઉન્ડ (4.5 કિગ્રા) સરસવનું તેલ કાઢવું પડતું.
કેદીઓએ ઘાણીના બળદની જગ્યાએ જોતરાઈને ફરજીયાત ઓઇલ મિલમાં રોજ 30 પાઉન્ડ (13.6 કિગ્રા) નાળિયેરનું તેલ અને 10 પાઉન્ડ (4.5 કિગ્રા) સરસવનું તેલ કાઢવું પડતું.

અહીંની જમીન નેતાજી સુભાષચંદ્ર બોઝનો પરિચય આપે છે તો વળી અહીં રહેલી ઘાણી આપણા સેનાનીઓએ એક એક બૂંદ લોહી અને પરસેવાથી આપેલા બલિદાનની ગાથા રજૂ કરે છે. અહીં આવેલા સંગ્રહાલયમાં એ સમયની દરેક તસવીરો, દસ્તાવેજો, વીર સાવરકર દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજ વસ્તુઓ અને કપડાં આંખ સામે આવે કે આંખ સામેથી જ એમણે આ નાનકડી કોઠડીમાં વીતાવેલાં અધધ દસ વર્ષ પસાર થવા લાગે અને આંખના ખૂણા આપોઆપ ભીના થઇ જાય. અહીંનું ફાંસી ઘર વીર સાવરકરની કોઠડીની બિલકુલ સામે જ છે જેથી આ સ્થળ માનસિક રીતે એમને કેટલું તોડતું હશે એ કલ્પના બહારનું છે. સાથીદારોને ફાંસી આપતી વખતે સંભળાતી કારમી અંતિમ ચીસો જ કોઈનું મનોબળ તોડવા માટે પૂરતી છે. પૉર્ટ બ્લેર પર એક આખો દિવસ આપણી આઝાદીના પાયા તરીકે જાણીતા એવા નેશનલ મેમોરિયલ ‘સેલ્યુલર જેલ’ અને અહીં આવેલા મ્યુઝિયમ માટે અચૂક ફાળવવો જ જોઈએ. અહીં સાંજે સાઉન્ડ શોમાં ઓમ પુરીનો અવાજ આપણને મજબૂત મનોબળવાળા સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અને એમના સાથીઓનો પરિચય કરાવે છે, તો વળી અહીંની દીવાલો અંગ્રેજોની ક્રૂર નીતિનું બર્બર પાસું પણ આંખો સામે અદ્દલ રજૂ કરે છે. અહીં કેટલા લોકોને ફાંસી આપવામાં આવી તેના વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી થતી કારણકે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાને જ્યારે અહીં કબજો કર્યો ત્યારે 2 જેટલી વિંગ્સનો નાશ કરેલો અને ઘણા દસ્તાવેજોનો પણ નાશ થયેલો તો અમુક દસ્તાવેજો બ્રિટિશરો પોતાની સાથે લઈ ગયેલા. હાલ અહીં જેલની સાત વિંગ્સમાંથી ત્રણ વિંગ્સ જ સલામત છે. આઝાદીના યજ્ઞની આ આહુતિમાં હોમાઈ જનારા લોકોની કરુણ અને ગર્વની ગાથા દરેક વ્યક્તિ સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે. જય હિન્દ..

creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...