સુખનું સરનામું:વ્હાલાને વશ કરવાની અસરકારક જડીબુટ્ટી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જંગલ વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. નાની નાની બાબતોમાં પણ બંને વચ્ચે ઝઘડા થયા કરે. એને હંમેશાં એવું લાગતું કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. દિવસે દિવસે પતિ-પત્નિ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધી રહ્યું હતું. એક દિવસ જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે એ ગઇ અને સંન્યાસીને કહ્યું, ‘મહારાજ, મારા પતિ મને પહેલાં ખૂબ સારી રીતે રાખતા, પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ સાવ અદૃશ્ય થઇ ગયો છે. એ પથ્થર જેવા જડ બની ગયા છે. મને કે મારી લાગણીઓને એ બિલકુલ સમજી જ નથી શકતા. હું બહુ મુશ્કેલીમાં છું, એટલે આપની પાસે આવી છું. મેં આપના વિશે ખૂબ સાંભળ્યું છે. આપ એવી કોઇ જડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ મને પુન: પ્રાપ્ત થાય અને હું મારા પતિને મારા વશમાં કરી શકું.’

સંન્યાસીએ બધી જ વાત ધ્યાનથી સાંભળ્યા પછી કહ્યું, ‘બહેન, તારી સમસ્યાનું સમાધાન મારી પાસે છે. હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ. એ દવા તારા પતિને આપતાંની સાથે થોડા દિવસોમાં જ એ તને પૂર્વવત્ પ્રેમ કરવા માંડશે અને તારી વાતો પણ માનતો થઇ જશે, પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મૂછનો વાળ જોઇએ. બોલ, તું એ લાવી શકીશ?’ જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શૂરવીર હતી. એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નીકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઇ કે ચાલો, વાઘ મળી ગયો, તો હવે એની મૂછનો વાળ પણ મળી જશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઇને દૂર ખસી ગઇ. દૂર ઊભાં ઊભાં એ વાઘને જોયા કરતી હતી, પણ નજીક જવાની એની હિંમત ચાલતી નહોતી.

આ સ્ત્રી રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ધીમે ધીમે વાઘનો ડર ઓછો થવા લાગ્યો. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઇ જાય અને દૂર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. હવે સ્ત્રીનો ડર ઓછો થવા લાગ્યો. વાઘે પણ હવે તાડૂકવાનું બંધ કરી દીધું. એક દિવસ તો આ સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઇ અને વાઘના શરીર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઇ ન બોલ્યો એટલે ધીમેથી એની મુછનો એક વાળ ખેંચી લીધો. ઘણા મહિનાઓના અંતે વાઘ સાથે મૈત્રી થઇ ગઇ હતી અને એટલે મૂછનો વાળ ખૂબ સરળતાથી મળી ગયો. એ તો દોડતી દોડતી સંન્યાસી પાસે ગઇ અને સંન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યું, ‘લ્યો મહારાજ, આ વાઘનો વાળ. આ વાળ મેળવવા માટે મારે ઘણો સમય આપવો પડ્યો છે. હવે મારાથી વધુ રાહ જોઇ શકાય તેમ નથી. આપ હવે મારા પતિને વશ કરવાની જડીબુટ્ટી બનાવી આપો.’ સંન્યાસીએ એ સ્ત્રીના હાથમાંથી વાળ લઇને તેને અગ્નિમાં નાખી દીધો. પેલી સ્ત્રી આ જોઇને લાલચોળ થઇ ગઇ અને ગુસ્સામાં બોલી, ‘તમે આ શું કર્યું? તમે તો સાવ ફકીર જ છો. તમને ખબર છે, હું આ વાળ કેટલી મહેનત પછી લાવી શકી છું અને તમે એમાંથી જડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.’

સંન્યાસીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, ‘બહેન, તને હજુ ના સમજાયું. જો પ્રેમ અને ધીરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઇ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે. વાઘને વશ કરનારી તું તારા વ્હાલાને પણ વ્હાલથી વશ ન કરી શકે?’ *** આપણે લોકોને વશ કરવા ઇચ્છીએ છીએ, પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો, પ્રેમ અને ધીરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે. લોકોને પોતાના બનાવવાનો આ એકમાત્ર રસ્તો છે. અમદાવાદની સાબરમતી જેલમાં નોકરી કરનારા એક જેલરની બદલી થઇ ત્યારે બધા કેદીઓ ભૂખ હડતાલ પર ઊતરેલા. વિવિધ પ્રકાનના ગુનાઓની સજા ભોગવી રહેલા આ કેદીઓને અને જેલરને વળી શું સંબંધ? સરકારમાં અધિકારીઓની બદલીઓ તો સતત થતી રહેતી હોય, તો પછી આમ ભૂખ હડતાલ કરવાની શું જરૂર? જેલના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ અધિકારીએ પોતાના પ્રેમના પ્રવાહમાં જેલના કેદીઓને પલાળ્યા હતા અને આ જેલરના પ્રેમમાં કેદીઓ એવા રસ તરબોળ થયેલા કે હવે એમનો વિયોગ સહન થઇ શકે તેમ ન હતો. માટે ભૂખ હડતાલ કરેલી. શાંત શહેર તરીકે ઓળખાતા રાજકોટ (માફ કરજો, હું ભૂતકાળની વાત કરી રહ્યો છું વર્તમાનની નહીં)ના તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એસ. જગદીશનની બદલી થઇ એ વખતે રાજકોટની શાંતિપ્રિય પ્રજાએ પણ તોફાનો કરેલાં અને રાજકોટમાં કર્ફ્યૂ મૂકવો પડેલો હતો. આ ઘટનાઓ એ બાબતની સાબિતી છે કે પ્રેમથી લોકોને વશ કરી શકાય છે.

આપણામાંથી ઘણાબધા મિત્રોએ યુટ્યુબ પર સિંહ સાથે મસ્તી કરતા માણસનો વીડિયો જોયો હશે. જેને જોઇને જ પરસેવો વળવા માંડે એવા વનરાજ સાથે આટલી સહજતાથી કોઇ માણસ કેવી રીતે રમતો રમી શકે? જે નાગ આપણને ડંખ મારવા દોડે એ જ નાગ મદારીના નાનાં નાનાં બાળકો સાથે એનો ભાઇ બનીને કેવી રીતે રહી શકે? હું નાનો હતો ત્યારે અમારે એક પાઠ ભણવામાં આવતો. જુનાગઢ જિલ્લાના મોટી મોણપરી ગામના કોઇ દરબારે સિંહના પગમાં વાગેલું એ ઘા સાફ કરીને મલમપટ્ટી કરી અને એ સિંહ પેલા દરબાર જીવ્યા ત્યાં સુધી પાળેલા કૂતરાની જેમ એમની સાથે રહ્યો. સામે પક્ષે કોઇ માણસ હોય તો પણ ભલે અને જાનવર હોય તો પણ ભલે જો તમારા હદયમાંથી પ્રેમની ગંગા વહેતી હોય તો સામેવાળાને એની અનુભૂતિ થયા વગર રહે જ નહીં.

‘લોકો આપણને પ્રેમ નથી કરતા અને લોકો આપણને સમજી નથી શકતા’ આવી ફરિયાદો કરતાં પહેલાં જરા જાત સાથે પણ વાત કરી જોવી. શક્ય છે કે આપણે પણ લોકોને પ્રેમ નહીં કરતા હોઇએ કે આપણે પણ એને સમજી નહી શકતા હોઇએ. બાકી તો પ્રેમ ૬૦ લાખ યહુદીઓની હત્યા કરનારા હિટલર જેવા હિટલરને પણ પોતાના વશમાં કરી શકે છે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)