તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ડિબેટ:એલોપથી Vs આયુર્વેદ: બાબા રામદેવના બેફામ અને ગુનાહિત પ્રકારના નિવેદન બાદ તેમના પર કાર્યવાહી થવી જોઇએ કે નહીં?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિક્રમ વકીલ (VV): બાબા રામદેવે ભૂતકાળમાં પણ કહ્યું જ છે કે, ઍલોપથી અને આયુર્વેદ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. પોતપોતાની રીતે બંને ઉપયોગી છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)એ આ વખતે વિવાદ વધારી દીધો. કોરોના વખતે WHOએ વારંવાર પ્રોટોકોલ બદલ્યા એની સામે IMAએ ક્યારેય વાંધો લીધો નહોતો. એમ લાગે છે કે સમગ્ર IMAએ નહીં, પરંતુ એમાંના કેટલાંક તત્ત્વો રાજકીય સ્ટેન્ડ લઈ રહ્યા છે.
દિલીપ ગોહિલ (DG): ઍલોપથી અને આયુર્વેદ વચ્ચે કોઈ સ્પર્ધા નથી એવું લગભગ દરેક સમજદાર અને જ્ઞાની ડૉક્ટર અને વૈદ્ય કહી રહ્યા છે. મુશ્કેલી એ છે કે જેઓ બાબલા જેવા છે એટલે કે નાદાન છે તે જ આવી વાતો કરે છે. ભારતના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને બાબા રામદેવને સર્ટિફિકેટ આપી દીધું કે તેમણે મેચ્યોરિટી દાખવી છે. આરોગ્યમંત્રી તરીકે અને ડૉક્ટર તરીકે હર્ષવર્ધનની જવાબદારી હતી તેમની સામે કાર્યવાહી કરવાની કારણ કે, સમગ્ર મામલો બાબા રામદેવના બેફામ અને ગુનાહિત પ્રકારનાં નિવેદનોનો છે. એટલે રાજકીય સ્ટેન્ડ IMA તરફથી ઓછું પરંતુ રામદેવ જે પ્રોપેગેન્ડા મશીનરીનો હિસ્સો છે તે લોકો તરફથી લેવાઈ રહ્યું છે.

VV: IMA કોઈ સરકારી સંગઠન નથી. રોટરી ક્લબ કે લાયન્સ ક્લબની જેમ એની મિટિંગ થાય છે. IMA સામે ખુદ કેટલાક ડૉક્ટરોને જ વાંધો છે. ગુજરાતમાં લોકડાઉન નાખવા માટે પણ સરકાર પર દબાણ IMAના સભ્યો જ લાવ્યા હતા. રેમડેસિવિર જેવાં ઇન્જેકશનોની બિનઉપયોગિતા સામે આ સંસ્થાએ શા માટે અવાજ નહોતો ઉઠાવ્યો?
DG: IMAની કામગીરી સામે અથવા તેના સભ્યોની પ્રવૃત્તિઓ સામે પણ સવાલો થઈ શકે છે. લોકડાઉન અથવા કોવિડ-19ની સારવારના પ્રોટોકોલ અંગે IMA તરફથી લેવાયેલા વલણ કરતાંય આ મહામારી દરમિયાન કદાચ ઘણા બધા તેમના જ સભ્ય ડૉક્ટરોની ખાનગી હોસ્પિટલોએ, કોર્પોરેટ હોસ્પિટલોએ ચલાવેલી ઉઘાડી લૂંટ અટકાવવા માટે કેમ સક્રિય ન થઈ તે સવાલ પણ થઈ શકે છે. પણ એ સવાલ ન ઉઠાવ્યો ને હવે બાબા રામદેવ સામે કેમ સવાલ ઉઠાવે છે એવો સવાલ ઉઠાવી શકાય નહીં. સમગ્ર ઍલોપથી સામે, સમગ્ર તબીબી આલમ સામે આ મહામારી દરમિયાન જીવના જોખમે, સરકારી દવાખાનાંઓમાં, નાનાં ક્લિનિકોમાં કામ કરનારા લાખો ડૉક્ટરો, નર્સો, વોર્ડ સ્ટાફનું હડહડતું અપમાન બાબા કરે તેની સામે સવાલ નહીં, ક્રિમિનલ કેસ થવો જોઈએ. તેમણે પેન્ડેમિક દરમિયાન લોકોને ગભરાવવાનું અને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.

VV: પતંજલિની કોરોનિલ દવા લેનાર ઘણાનું કહેવું છે કે તેઓ કોરોનાથી બચી ગયા છે. કોરોનિલને સરકારે માન્યતા નથી આપી. એ જ બતાવે છે કે પતંજલિ અને સરકાર વચ્ચે સાંઠગાંઠ નથી. કેટલાક માટે રામદેવ 'મોદીના માણસ' છે અને એટલે મોકો મળતા તેઓ રામદેવ સામે હથિયાર કાઢીને ઊભા રહી જાય છે.
DG: કોરોનાની કોઈ દવા દુનિયામાં નથી. કોઈ જ્ઞાની અને સમજદાર ડૉક્ટર એવું નહીં કહે કે દવા મળી ગઈ છે. માત્ર આરામ કરવાથી, માનસિક રીતે મજબૂત રહેવાથી 85% લોકો સાજા થઈ જાય છે. તેમાં બાબાની દવાની કોઈ ભૂમિકા નથી. પતંજલિ અને સરકાર વચ્ચે કેવા સંબંધો છે તે જગજાહેર છે. ભાજપની પ્રોપેગેન્ડા મશીનરીનો તેઓ અગત્યનો હિસ્સો છે. 'મોદીના માણસ' તરીકે તેમની ટીકા કરનારામાંથી ઘણા 'ફલાણા ઢીકણાના માણસ' હોઈ શકે છે. તે રાજકીય લડત છે, પણ તે રાજકીય રીતે લડાવી જોઈએ. અહીં તેમણે ખતરનાક વાત કરી કે ઍલોપથીની દવા લેવાથી લાખો મરી ગયા. તેમણે જુઠ્ઠાણું ફેલાવ્યું કે રસીના બે ડોઝ લીધા પછી એક હજાર ડૉક્ટર મરી ગયા. ફેક્ટની રીતે પણ તેઓ ખોટું બોલે છે અને રસી સામે લોકોમાં ભય ફેલાવે છે. બાબાને પણ રસી વિરુદ્ધ નિવેદનો કરનારાની હરોળમાં મૂકવા પડે કે નહીં?

VV: બધા જ જાણે છે કે મલ્ટિનેશનલ કંપનીઓને બાબા રામદેવ એટલા માટે નથી ગમતા કે, પતંજલિને કારણે તેમના નફા પર જબ્બર કાપ મુકાયો છે. હમણાં જ એક અંગ્રેજી રાષ્ટ્રીય અખબારે અહેવાલ છાપ્યો હતો કે, છેલ્લાં થોડાં વર્ષોથી 'કોલગેટ' કંપનીનો નફો કેટલો ઓછો થઈ રહ્યો છે. ભારતમાંથી MNC અબજો રૂપિયા કમાય છે અને એમને માટે રામદેવ પ્રતિસ્પર્ધી છે.
DG: મલ્ટિનેશનલ સામે ભારતીય કંપની સફળ થાય તે આનંદની વાત છે. આટલું જ નહીં, આગળ વધીને પતંજલિ કે ડાબર કે ઇમામી કે વિકો કે આપણી શેઠ બ્રધર્સ જેવી કંપનીઓ આગળ વધીને મલ્ટિનેશનલ બને એ આપણી અપેક્ષા છે. પરંતુ બિઝનેસમાં આપણે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ ત્યારે મલ્ટિનેશનલની સ્પર્ધા કરવી પડે. પતંજલિનો પોતાનો નફો પણ છેલ્લાં બે વર્ષમાં ઘટ્યો છે કારણ કે, સ્વદેશીના પ્રેમના કારણે જે ગ્રાહકો મળ્યા ખરા, પણ તે પછી ખ્યાલ આવ્યો છે કે પતંજલિ પણ ઉત્પાદનો મોટાભાગે મલ્ટિનેશનલની પદ્ધતિએ જ આઉટસોર્સ કરે છે. એ વેપારી સ્પર્ધાને કારણે મહામારીમાં મુશ્કેલ સ્થિતમાં કામ કરનારા - જીવ ગુમાવનારા - તબીબો અને આરોગ્ય કર્મચારીઓનું અપમાન કરવાનો પરવાનો બાબાને કોણે આપ્યો?

VV: એ જ રીતે મોટી ફાર્મા કંપનીઓ પણ રામદેવને પ્રતિસ્પર્ધી તરીકે ગણે છે. ફાર્મા કંપનીઓ અને કેટલાક ડૉક્ટરોની સાંઠગાંઠ વિશે બધા જાણે જ છે.
DG: એ પણ વેપારી સ્પર્ધા છે અને તેમાં પણ વેપારી ધોરણે સ્પર્ધા કરવાની રહે. સામા પક્ષને બદનામ કરી ના શકાય. કોઈ પતંજલિને બદનામ કરવાની કોશિશ કરે, વૈદ્યોને નકામા ગણે ત્યારે તેમનો પણ આ જ રીતે વિરોધ થવો જોઈએ. તેમની સામે પણ ક્રિમિનલ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ફાર્મા કંપનીઓ અને આયુર્વેદ કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધાનો સવાલ ખરેખર તો આવવાનો જ નથી. આ કોરોનાકાળમાં પણ લોકોએ બંને પ્રકારની દવાઓ લીધી જ છે. સામાન્ય લક્ષણો સાથે ચેપ લાગ્યો હોય ત્યારે વિટામિન્સ અને તાવની ગોળીઓ સાથે આયુર્વેદિક ઔષધિઓ બધાએ લીધી જ છે. બંને વચ્ચે સ્પર્ધા વાસ્તવમાં નથી પરંતુ એકબીજાને પૂરક થાય તેમ છે.

VV: થોડાં વર્ષો પહેલાં રામદેવ જે યોગ કરાવે છે એ સામે પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યોગની ઊપયોગિતા વિશે લોકોમાં જાગૃતિ આવી છે. પણ એ વાત આપણા દેશમાં જ કેટલાકને પસંદ આવી નહોતી. યોગની ઉપયોગિતા બાબતે પણ રાજકારણ હોય?
DG: ના જ હોય. યોગ એ ભારતની વિશ્વને દેન છે. આ બાબતમાં ટીકા કરનારા કે રાજકારણ કરનારાને આ દેશના લોકો પસંદ કરતાં નથી. એ જ રીતે બાબા રામદેવ અને બાલકૃષ્ણ યોગ અને આયુર્વેદને પ્રોત્સાહન માટે જે પણ પ્રયાસો કરે તેને સાથ મળશે જ. પરંતુ આટલી સફળતા મળી છે, આટલી લોકપ્રિયતા મળી છે ત્યારે નાસમજ લોકો જેવી ભાષામાં બાબા રામદેવ બોલે તે પણ પસંદ પડે તેવું નથી. તેમણે પોતાના કામને બોલવા દેવું જોઈએ.
(દિલીપ ગોહિલ અને વિક્રમ વકીલ બંને વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે)