મનન કી બાત:સાયકોલોજિકલ ઇન્ટેલિજન્સ, અકેડેમિક ઇન્ટેલિજન્સ પછી હવે સોશિયલ ઇન્ટેલિજન્સ ટ્રેન્ડિંગ... આ નવો ટ્રેન્ડ શું છે જાણીએ
આપણે સામાન્ય રીતે એવું માનીએ છે કે ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ શક્તિ પરીક્ષામાં આવતા આપણા માર્ક્સથી આંકી શકાય. પરંતુ મનોવિજ્ઞાનમાં ઇન્ટેલિજન્સ અલગ અલગ પ્રકારની હોય છે. અકેડેમિક ઇન્ટેલિજન્સ એટલે આપણું ભણતર અને ચોપડિયું ઇન્ટેલિજન્સ. એ જ રીતે ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે આપણે આપણી લાગણીઓને કેટલી અને કેવી રીતે આપણા અને સમાજના ફાયદા માટે ઉપયોગ અને નિયંત્રિત કરી શકીએ છીએ. તો આજે વાત કરીએ સોશિયલ ઇન્ટેલિજન્સ વિશે.
સોશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું?
કોઈપણ વાર્તાલાપ અથવા સામાજિક પરિસ્થિતિમાં આપણું વર્તન અને મનન બંને સોશિયલ ઇન્ટેલિજન્સમાં આવે છે.
એના ત્રણ મુખ્ય ભાગ હોય છે:
એક્ટિવ લિસનિંગ
- આપણે સામાજિક પરિસ્થિતિમાં કેટલું સારું સાંભળી શકીએ છીએ અને એને કેટલી સારી રીતે સમજીને પ્રોસેસ કરી શકીએ છીએ.
- ઘણા લોકો સાંભળવા માટે કાન ધરે, પરંતુ સાંભળે નહી
- ઘણા લોકો સાંભળે, પરંતુ સમજે નહીં
- એક સોશિયલ ઇન્ટેલિજન્સવાળી વ્યક્તિ એક ખૂબ જ સારા શ્રોતા હોય છે.
- સામે રહેલી વ્યક્તિ જ્યારે એની જોડે વાત કરે તો એને એવું લાગે કે સાચે આ માણસને મારી વાત સાંભળવામાં રસ પણ છે અને એને એ પરિસ્થિતિ વિશે કંઇક કરવું પણ છે.
- આ વસ્તુ લાંબાગાળે આપણે ત્યારે જ જાળવી શકીએ જ્યારે આપણને સાચે સામેવાળી વ્યક્તિની વાતમાં રસ હોય.
એક્ટિવ લિસનિંગ કઈ રીતે કેળવવું?
- કોઈપણ વ્યક્તિ જોડે વાત કરતી વખતે એની આંખમાં આંખ નાખીને જોવું.
- વાત સાંભળતી વખતે નોન વર્બલ ક્યુ આપવી, જેમાં એવું પ્રતીત થાય કે ખરેખર તમે એની વાત સાંભળી રહ્યા છો. દાખલા તરીકે, માથું હલાવવું.
- વચ્ચે જ્યારે એ વ્યક્તિ વિરામ લે ત્યારે એમને કહેલી વસ્તુનો સાર 'એટલે તમે એવું કહેવા માગો છો ને કે...' આ રીતે કહેવો.
બોલવામાં જબરા હોવું
- એક સોશિયલ ઇન્ટેલિજન્સવાળી વ્યક્તિ બોલવામાં બધી રીતે પહોંચેલી હોય છે.
- એને મીઠી વાત કરતા પણ આવડતી હોય છે, તે કડવી વાત પણ કરી શકે છે અને લોકોને પેટ પકડીને હસાવી પણ શકે છે.
- એ કોઈ જાતના વાર્તાલાપ કરવામાં દૂર નથી ભાગતી અને કોઈ એને ક્યાંય ફસાવી પણ નથી શકતું.
કન્વર્ઝેશન સ્કિલ કઈ રીતે કેળવવી?
- શરૂઆત સારા વક્તાઓ જેમ કે, નરેન્દ્ર મોદી અને શાહરૂખ ખાનના ઇન્ટરવ્યૂ સાંભળીને કરો.
- જ્યારે તમે કોઈ સફળ અને નિષ્ફળ માણસને જુઓ તો એમની વાત કરવાની પદ્ધતિમાં તફાવત જુઓ.
- અઘરી સામાજિક પરિસ્થિતિઓથી ભાગો નહીં.
- કોઈપણ વાર્તાલાપ દરમિયાન ઓછું પણ સચોટ બોલવાની ટેવ રાખવી.
- યાદ રાખો, તમારા શબ્દોની કિંમત તમે પોતે નહીં કરો તો કોઈ બીજું તો ચોક્કસ નહીં કરે.
- એવી વ્યક્તિ બનવામાં કોઈ જ માલ નથી જે એવું કહેતી હોય કે હું તો ખૂબ જ આખાબોલો અથવા આખાબોલી છું, મનમાં આવે એ કહી દઉં છું. યાદ રાખો, સામાજિક જીવનમાં નગ્ન જીભ વધારે હાનિકારક હોય છે.
પોતાની છાપ જાળવવા મહેનત કરો
- એક સોશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી વ્યક્તિ હંમેશાં પોતાની છાપ કેવી પડે છે એનું ધ્યાન રાખશે.
- એને જ્ઞાન હોય છે કે મને કેટલી તક મળે છે અને કેટલા લાભ મળે છે એ મારી સામાજિક છાપ પર જ નિર્ભર કરે છે.
- ખૂબ મહત્ત્વપૂર્ણ છે કે આપણે એક એવી સામાજિક છાપ બનાવીએ કે જેથી આપણને આપણા કામમાં અને જીવનમાં લાભ થાય, ગેરલાભ નહીં. રણબીર કપૂરની કેસેનોવા છાપ બોલિવૂડ માટે ચોક્કસ સારી અને કોન્ટ્રોવર્સીથી ભરપૂર છે. પરંતુ તેનાથી પર્સનલ લાઇફ અઘરી બની જાય છે.
પોતાની છાપ કેવી રીતે સુધારવી?
- સાચા અર્થમાં એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો.
- પરિસ્થિતિઓને બીજાના મંતવ્યથી જોવાનો પ્રયાસ કરવો.
- આપણા કામને હંમેશાં આપણી આગળ રાખવું.
- કામની જગ્યાએ ક્યારે લઘર-વઘર કપડાં ન પહેરવાં.
- ક્યારેક કોઈપણ મિટિંગમાં મોડાં ન પહોચવું.
- આપણાથી નાની વ્યક્તિને પણ જો માન આપીશું, તો ક્યારેક બોસ વિશે આડી-અવળી વાતો કરીશું તો ચાલી જશે, તે બહાર નહીં જાય.
મન: આ બધી ટિપ કરતાં સૌથી મોટી ટિપ એ છે કે આપણે વધારે ને વધારે લોકો સામે અને વિવિધ પરિસ્થિતિઓમાં પોતાને મૂકીએ અને આ સ્કિલની પ્રેક્ટિસ કરીએ.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)