તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ પેરેન્ટિંગ:‘આદર્શ માં’ એટલે વ્યક્તિત્વ અને સ્વપ્ન વિરક્ત નહીં! પોતાના માટે સમય કાઢવો એ જાત પ્રત્યે તમારી પહેલી ફરજ!!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ હું એક મહિલા જોડે ચર્ચા કરી રહી હતી જેને એક 28 વર્ષનો પ્રતિભાશાળી પુત્ર છે. તે ખૂબ ગર્વથી કહી રહી હતી કે કઈ રીતે તેમના પતિ પોતાનું ધાર્મિક પ્રવૃતિઓમાં સંકળાવવાનું સ્વપ્ન પૂરું કરી રહ્યા હતા અને તેમનો પુત્ર પોતાની ફિલ્મ-મેકિંગની મહત્વાકાંક્ષા તરફ આગળ વધી રહ્યો હતો. આટલા વર્ષથી આ બેન તેમના પતિ અને પુત્રના સ્વપ્નોને પોતાનો 100 ટકા ટેકો આપી રહ્યા હતા. તેમજ, પોતાના દીકરા, દીકરીઓ અને કાકા-દાદાના કુટુંબને સાચવી રહ્યા હતા. જો કે, આ બધું શેર કરતા તે બહેન ઉપર-ઉપરથી તો બહુ ખુશ અને સંતુષ્ટ લાગી રહ્યા હતા. પરંતુ સહિષ્ણુતાથી સાંભળતા મને તેમની વાતચીતમાં રોષની એક હલકી છાયા લાગી. થોડું ઊંડાણથી પૂછતાં એક નવી જ વાર્તા બહાર આવી...અને આ વખતે એ વાર્તા પુરુષની નહીં પણ સ્ત્રીની હતી! સાચું કહું તો તેમની વાર્તા આપણા સમાજની લાખો સ્ત્રીઓની વાર્તા છે. આટલા વર્ષોથી એ બહેનને પોતાના સાસરિયા પક્ષનો પ્રેમ અને સન્માન મળ્યું કારણ કે, તેમણે પોતાની જરૂરિયાતના ભોગે કુટુંબની જરૂરીયાતો પૂરી પાડવા માટે જાતને સમર્પિત કરી દીધી હતી. પરંતુ આજે તેને એ વિચારીને અફસોસ અને ગુસ્સો આવે છે કે જો તેણે પોતાનું ઈન્ટિરીયર ડિઝાઈનર બનવાનું સ્વપ્નનો ત્યાગ ન કર્યો હોત તો કદાચ આજે તે તેની કારકિર્દીના શિખરે પહોંચી ગયી હોત. એટલે મેં તેમને પૂછ્યું 'પણ આ તમારો નિર્ણય હતો, હેં ને?'; એમનો જવાબ આપણા દેશની અસંખ્ય સ્ત્રીઓ જેવો સીધો અને સરળ હતો 'આ મારાથી અપેક્ષિત હતો.'

પારંપરિક ભારતીય કુટુંબોમાં પેરેન્ટિંગનો ભાર લગભગ માંના ખભે જ આવે છે. સમાજ સહજ રીતે આ અપેક્ષા રાખે છે કારણ કે, સદીઓથી કુટુંબની જવાબદારીઓ આ જ રીતે વેહેંચાયેલી છે - માંનું કામ છે ઘર અને પરિવારના સભ્યોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને પિતાની જવાબદારી છે ઘરની બહાર જઈને કમાવાની. આજના મોડર્ન યુગમાં પણ ભલે માં પાર્ટ-ટાઈમ કે ફુલ-ટાઈમ કામ કરતી હોય તો પણ ઘર અને ઘરના સભ્યોની જરૂરિયાતોનું ધ્યાન રાખવાની જવાબદારી તો તેની જ રહે છે અને કદાચ આપણામાંથી ઘણા વાચકો નહીં જાણતા હોય પણ ઘર ચલાવવું એ સ્ટાર્ટ-અપ કે ઉદ્યોગ ચલાવવા જેટલું જ અઘરું છે! પણ છતાંય જવલ્લે જ માંના યોગદાનને સ્વીકારવામાં આવે છે. તે માત્ર ઘર જ નથી ચલાવતી પણ પોતાના બાળક માટે તે નિસ્વાર્થપણે અસંખ્ય ભૂમિકાઓ ભજવે છે - કાઉન્સેલર, શિક્ષક, મિત્ર, પોષક, અનુશાસક વેગેરે...જે એક પરાક્રમથી ઓછું નથી!

આ બધાની વચ્ચે એક મુદ્દો જે નિયમિત રીતે સામે આવે છે તે છે માંનું બર્નઆઉટ (શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરો ઉપર ખેંચાઈ જવું). માતાઓ પોતાની જાતને વધુ પડતું ખેંચી રહી છે કારણ કે, તેઓ બીજા લોકો અને પોતાના બાળકો માટે સતત હાજર રહેવા માગે છે. આના બે પરિણામ મળે છે. પહેલું તેમના બાળકોને પોતાના માટે એકાંત ન મળતા તેઓ ગુંગળામણ અનુભવે છે અને બીજું વધુ પડતું ખેંચાઈને માં પોતાની શારીરિક, ભાવનાત્મક અને ભૌતિક જરૂરિયાતોની અવગણના કરે છે.

વળી, એક મોટી ગેરસમજ એ છે કે, જે સ્ત્રીઓ ઘરે રહે છે તેઓ 'કામ' નથી કરતી. સાચું કહું તો જે બહેનો હોમમેકર (ગૃહિણી) છે તેઓ ખડે પગે ઘરના બધા સભ્યોની સેવામાં તેનાત રહે છે. એટલે પોતાના માટે 'સમય' અને 'સ્પેસ' ક્યારેય નથી ફાળવી શકતી. આ કારણોસર ભલે નોકર/નોકરાણીની મદદને લીધે તેઓ શારીરિક રીતે ખેંચાઈ નથી જતી પણ ભાવનાત્મક રીતે તો ચોક્કસ ખેંચાઈ જાય છે.

બીજીબાજુ જે સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે છે - ફુલ ટાઈમ કે પાર્ટ ટાઈમ તેમની ઉપર પણ ઘરના ઘણા કામની જવાબદારી હોય છે. સાથે તેઓ અપરાધ બોધથી પણ પીડાતા હોય છે! વર્કિંગ માતાને સતત એવું થયા રાખે છે કે તે પોતાના બાળકની ઉપેક્ષા કરી રહી છે કારણ કે, એ લોકો પાસે તેને આપવા માટે પૂરતો સમય નથી. ચાલો આજે આપણે આ મિથ્યાને ફોડી નાખીએ!

ચોક્કસ બાળકોને પોતાની માતાની જરૂરિયાત હોય છે...પણ માતાનું દરેક સમયે બાળક માટે ઉપલ્ભધ રેહવું તે થોડુંક અસહજ છે. તેના કરતાં જો બાળક પોતાના કામ જાતે કરતા શીખે તો સ્વાતંત્ર્યની અનુભૂતિની સાથે-સાથે તેનો માનસિક વિકાસ પણ થશે. આનાથી બાળકો વધુ જવાબદાર જ નહીં પણ વધુ ખુશ પણ રહેશે. મારી કારકિર્દીમાં મેં કિશોરવયના એવા બાળકોમાં ઉભરતો આક્રોશ પણ જોયો છે જેમની માં તેમની આજુ-બાજુ જ રહીને તેમની નાનામાં-નાની જરૂરિયાતોને પૂરી કરવા માટે સજ્જ રહે છે. આ બાળકો મને શેર કરે છે કે તેમને આનાથી ગુંગળામણ થાય છે.

એટલે વહાલી મમ્મીઓ તમે ભલે ઘરેથી કામ કરતા હો કે બહાર જઇને - જરૂરી એ છે કે તમે પોતાના માટે થોડોક સમય કાઢો. આ સમય તમે તમારી કોઈ હોબીમાં અથવા આરામ કરવામાં અથવા પોતાને પંપાળવામાં ખર્ચી શકો છો. આ રીતે પોતાનું પોષણ માત્ર કરવાથી તમારી ઉર્જા અને ચૈતન્યને એક ગજબનું નવીનીકરણ મળશે. યાદ રાખો આ તમારી જાત પ્રત્યે તમારી ફરજ છે!

આદર્શ માતા બનવું એ સરસ વાત છે. પણ સારી માતા બનવાની હોડમાં પોતાના બાળકોની સ્વ-કલ્પિત અપેક્ષાઓને પૂરી કરવામાં તમે જો તમારા વ્યક્તિત્વ અને સ્વપ્નને સ્વાહા કરશો તો ફક્ત તમારા બાળકો જ આનાથી ગુંગળામણ અનુભવશે એવું નથી પણ સમય જતા તમે શું ગુમાવી દીધું છું તે વિચારીને તમારામાં કદાચ થોડીક કડવાશ આવી જશે. તો આ લેખ વાંચી રહેલી બધી માતાઓ/ભવિષ્યમાં માં બનનાર બહેનોને નમ્ર નિવેદન કે તેઓ કુટુંબ અને બાળકોની કેળવણી કરવાની સાથોસાથ પોતાના માટે પણ સમય ફાળવે.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)