• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • According To The World Famous Psychologist Erickson, Gandhi Is Not A Person, But A Symbol Of Society As He Is Beyond Violence, Anger And Hatred !!

મનન કી બાત:દુનિયાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એરિક્સનના મતે ગાંધી એક વ્યક્તિ નહીં, પણ હિંસા, ગુસ્સો, દ્વેષ ભાવનાથી પરે હોવાથી સમાજના એક પ્રતીક!!

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે હમણાં જ ગાંધી જયંતિ ઉજવી. મહાત્મા ગાંધી આપણા દેશના સહુથી પ્રખ્યાત નેતા કહી શકાય. એક રીતે નેતા કહેવા કે કેમ એ પણ એક પ્રશ્ન છે. ‘મહાત્મા’ના ટાઇટલથી એ પોતે ખુશ નહોતા એ એમણે ‘સત્યના પ્રયોગો’માં અવારનવાર કીધેલું છે. એરિક એરિક્સન કે જે દુનિયાના સૌથી પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકોમાં એક કહેવાય, આશરે એક વર્ષ તેઓ અમદાવાદમાં રોકાયા હતા અને તેમણે ગાંધીજીના મનોવિજ્ઞાન અને તેઓ કેમ ગાંધી બન્યા એના વિશે વિશ્લેષણ કર્યું હતું.

એરિક્સન વિશે ટૂંકમાં કહીએ તો એ જર્મનીમાં જન્મેલા. જો તમે મનોવિજ્ઞાનમાં સહેજ પણ રસ ધરાવતા હો તો તમે એરિક્સનના ડેવલપમેન્ટ સ્ટેજ વિશે ચોક્કસ વાંચ્યું હશે. એરિક્સન દુનિયાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકની કોઇપણ શ્રેણીમાં જગ્યા ચોક્કસ પામે છે. તેમનું મુખ્ય કામ આઈડેન્ટિટી ક્રાઈસિસ પર નિર્ધારિત છે. આઈડેન્ટિટી ક્રાઈસિસ એ એક એવી વસ્તુ છે કે જેનાથી ખુદ એરિક્સન પણ પીડિત હતા. એરિક્સન એમના બાયોલોજિકલ પિતાને ક્યારે મળ્યા નહોતા. જ્યારે એ બાળક હતા ત્યારે એમની માતાએ એરિક્સનના બાળકોના ડોક્ટર જોડે લગ્ન કર્યાં હતાં. એમને હંમેશાં એવો જ આભાસ હતો કે એ જ એમના પિતા છે. જ્યારે હકીકત ખબર પડી કે તેમના પિતા કોઈ બીજી વ્યક્તિ છે ત્યારે એરિક્સન બહુ ભૂલા પડી ગયા. એમને પોતાની આઈડેન્ટિટી શું છે એ નિર્ધારિત કરવામાં પોતાની જવાનીનો સમય વેડફી નખ્યો. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ અને પછી એમની પુત્રી એના ફ્રોઈડ જોડે પણ એરિક્સને ખૂબ કામ કરેલું.

ગાંધીજીને મહાત્માની ઉપમા મળી એ પહેલાં એમણે અમદાવાદમાં સારાભાઈની મિલના વર્કર્સ માટે એક સત્યાગ્રહ કરેલો અને ઉપવાસ પર ઊતરેલા. આ સત્યાગ્રહને પોતાનાં રિસર્ચનો બેઝ બનાવી એરિક્સન ગાંધી વિશે સ્ટડી કરવામાં ખૂબ ઊંડા ઊતરી ગયેલા. અંબાલાલ સારાભાઈ કે.જે. સારાભાઈ લેગસીના મુખિયા કહેવાય, એમના જ ઘરે રોકાયા અને એમના અને શાંતા લાલ બેન્કર, ગુલઝારીલાલ નંદા, પ્યારેલાલ જેવા અનેક પ્રખ્યાત લોકો જોડે કલાકો વાતો કરી ગાંધીનું મનોવિજ્ઞાન સમજવાનો એમણે પ્રયત્ન કર્યો. એ પુસ્તકમાંથી રસપ્રદ અને જાણવા જેવી કેટલીક બાબતો આજે આપની સમક્ષ મૂકું છું.

ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના પ્રધાનમંત્રી હતા. પુતળીબાઈ કરમચંદ ગાંધીનાં ચોથા પત્ની હતાં. કરમચંદ ગાંધી જ્યારે 40 વર્ષના હતા ત્યારે પુતળીબાઈ 16 વર્ષના હતા અને નવવિવાહિત થઈ સાસરે આવ્યાં હતાં. બાળપણમાં મુનિયા અને પછી મોહનદાસ અને પછી મહાત્મા તરીકે ઓળખાતા ગાંધીજીનો જન્મ એક સંયુક્ત કુટુંબમાં થયો હતો. એમની માતા પ્રત્યેનો લગાવ એમના જેવા બીજાં બાળકો કરતાં ખૂબ વધુ હતો. એરિક્સન કહે છે કે ગાંધી બીજાથી અલગ હોવાનો અણસાર અહિંયા સૌથી પહેલાં દેખાઈ આવે છે. જ્યાં મોટાભાગના બાળકોને ખેલ-કૂદ અને રમત-ગમતમાં રસ હોય ત્યાં ગાંધીજી બહુ નાની ઉંમરથી જ તેમનાં માતા-પિતાની સેવા કરવામાં આનંદ અનુભવતા. ગાંધીજી માટે મિત્રો બનાવવા હંમેશાં એક ખૂબ અઘરું કામ રહ્યું હતું. એમણે પોતાની આત્મકથામાં પણ કહ્યું છે કે, બાળપણ સમયે એમને રમત-ગમતમાં ખૂબ રસ ન પડતો. એમની નાની હાઈટ અને પાતળી કાઠીના કારણે તેઓ હંમેશાં લઘુતાગ્રંથિથી પીડાતા હતા. એરિક્સન કહે છે કે આપણને સૌને એ જોઈતું હોય કે આપણે પોતાની જાત વિશે સારું અનુભવીએ. આ સારાઈનો અનુભવ ગાંધીજીને મિત્રો જોડે નહીં. પરંતુ પોતાનાં મા-બાપ જોડે જ મળતો.

13 વર્ષની ઉંમરે ગાંધીજીનાં લગ્ન કસ્તુરબા જોડે થઈ ગયાં. ગાંધીજીના એમના પિતા જોડેના સંબંધ ખૂબ રસપ્રદ છે. બાળપણમાં એકવાર ખોટા રવાડે ચડી જતા ગાંધીજીએ વ્યસન, માંસનું સેવન, ચોરી જેવાં કામો પણ કરેલાં. આ વસ્તુઓ જોડે એ જીવી નહોતા શકતા. એટલે એમણે જઈને એમની માતાને કહ્યું. માતાએ કહ્યું કે આ વાત પિતાજીને કહે. ગાંધીજીને પિતાથી ખૂબ જ ડર લાગતો હતો. ધ્રુજતા હાથે એમણે એક ચિઠ્ઠી લખી. ચિઠ્ઠીમાં એમણે પોતાની ભૂલો કબૂલી અને કહ્યું કે, આગળથી આવું નહીં કરે એવું વચન આપે છે. ચિઠ્ઠી વાંચી પિતા અશ્રુ ભરી આંખે ઊંધા ફરીને ઊંઘી ગયા. કરમચંદ ગાંધીની છાપ એક ખૂબ જ કડક વ્યક્તિની હતી. કોઈ વ્યક્તિએ કંઈ ખરાબ કામ કર્યું હોય તો એમના ઉપર હાથ ઊંચકતા એ જરાય અચકાતા નહીં. એરિક્સન કહે છે કે, આ વાર્તાલાપ દરમિયાન ગાંધીજીની અહિંસાના પથ પર શરૂઆત થઇ હતી. એક આટલા કડક વ્યક્તિ પાસે અહિંસા વાળો માર્ગ પસંદ કરાવી શકવો એ કદાચ ગાંધીજીની આવડત હતી.

13 વર્ષની નાની ઉંમરે સમૂહ લગ્નમાં લગ્ન થઈ જવા એ ગાંધીજીના જીવનની એક મોટી ઘટના હતી. ગાંધીજી પોતાની આત્મકથામાં પણ કહે છે કે તેઓ બાળવિવાહની એકદમ વિરુદ્ધમાં છે. નવાં-નવાં લગ્ન થયા હોવા અને જવાનીના સમયમાં ગાંધીજી પોતાની રાહથી ભટકી ગયા હોવાનું સત્યના પ્રયોગોમાં કબૂલે છે. પોતાના કર્મની ઉપર શારીરિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાનું પણ ગાંધીજી પોતાની આત્મકથામાં વાત કરે છે. આ વસ્તુઓના કારણે ગાંધીજીએ લાંબે ગાળે બ્રહ્મચર્ય અપનાવ્યું હતું. પરંતુ ગાંધીજીના જીવન વિશેની આ ઘટનાઓ વિશે આપણે સામાજિક રીતે ખૂબ ચર્ચા નથી કરતા હોતા. ગાંધીજી પણ એક મનુષ્ય હતા એ વસ્તુની સ્વીકૃતિ સમાજ તરીકે આપણે સંપૂર્ણપણે નથી કરતા.

એરિક્સનના પુસ્તકના ઘણાં ચેપ્ટર આવી ઘટનાઓ વિશે છે. શારીરિક જરૂરિયાતોને એક ઘૃણાના મંતવ્યથી જોવામાં આવેલું એવું એરિક્સન કહે છે. ગાંધીજીના જીવનમાં પહેલાં અતિશયોક્તિ અને પછી બ્રહ્મચર્ય આવ્યું એ વસ્તુ પણ ગાંધીજીના મનોવિજ્ઞાનને સમજવા માટે ખૂબ જરૂરી છે. આ બધી વસ્તુઓ અને એમના જીવનના આવા અનુભવોને ભેગા કરીને એરિક્સન એવું કહે છે કે, ગાંધી એક વ્યક્તિ નહીં, પરંતુ સમાજના પ્રતીક છે. એક એવો સમાજ કે હિંસા, ગુસ્સો, દ્વેષ ભાવનાથી થાકી ગયા હતા. જ્યારે કોઈ રાજા પ્રજા કરતાં ખૂબ જ તાકતવર હોય છે. પરંતુ પ્રજાની પણ સહન કરવાની સીમા તૂટી ગઈ હોય ત્યારે એક એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે પ્રજા રાજાની સામે કંઈ બોલ્યા વિના, કંઈ કર્યા વિના, કંઈ સાંભળ્યા વિના પોતાનો વિરોધ નોંધાવે છે. હિંસા, ગુસ્સા અને દ્વેષ વગર પોતાનો વિરોધ નોંધાવવાનો રસ્તો એ જ અહિંસાનો રસ્તો છે. એરિક્સન કહે છે કે, કોઈ મહાન ખેલાડી કોઈપણ સમયમાં એક મહાન ખેલાડી બની શકે છે. જેમ કે, સચિન તેંડુલકરે કોઈપણ યુગમાં જન્મ લીધો હોત તોપણ એ સચિન તેંડુલકર જ હોત. પરંતુ ગાંધીજીએ સમાજ અને ઇતિહાસના એવા સમયે જન્મ લીધો હતો કે તેઓ આખા દેશનો મૂડ સમજીને એ મૂડને એક જીવતાં જાગતાં વ્યક્તિમાં પરિવર્તિત કરી શક્યા. એમણે પોતાના માતા-પિતાના પ્રેમને અને એમના પ્રત્યેની લાગણીને સાચા અર્થમાં આખા દેશ પ્રત્યેની લાગણીમાં પરિવર્તિત કરી શકવાની સફળતા મેળવી.

મન: જ્યારે પણ લોકશાહીમાં થતાં ત્રાસનું પ્રમાણ ખૂબ વધી જાય અને સામાન્ય માનવીને ન્યાયપાલિકાઓમાંથી ન્યાય ન મળે ત્યારે એ અહિંસાનો રસ્તો અપનાવે છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)