ઇટ્સ કોમ્પ્લિકેટેડ:આમિર-કિરણ રાવનું છૂટા થવું: પતિ-પત્નીના લગ્ન-સંબંધની રસપ્રદ ચર્ચા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા આમિર ખાન ‘મિ. પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા છે, પણ તેઓ પોતાનું લગ્નજીવન પરફેક્ટ રાખી શકતા નથી. તેમનાં બે-બે લગ્ન તૂટી ગયાં છે. આમિર ખાને પોતાનાં બીજાં લગ્નનાં 15 વર્ષ પછી પત્ની કિરણ રાવથી અલગ થવાનો નિર્ણય લીધો. તેમણે એટલે કે આમિર અને કિરણજીએ સંયુક્ત રીતે એક મીડિયા સ્ટેટમેન્ટ રિલીઝ કરીને પોતે જુદાં થઈ રહ્યાં છે એ વાત કરી ત્યારે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ પોતાના દીકરા આઝાદ (રાવ-ખાન)નો ઉછેર સાથે મળીને કરશે. આઝાદની ઉંમર નવ વર્ષની છે. તેમણે કહ્યું કે, તેઓ ‘co-parents and family for each other’ બનીને રહેશે. ‘co-parents’ બની રહેવું એ સરસ વાત છે. ‘parents’ ના બની શકો તો ‘co-parents’ તો બની જ શકો.

‘co-parents’ એક આધુનિક અને નવો ખ્યાલ છે. આમિર ખાનની વય 56 વર્ષની છે. કિરણ રાવની વય 47 વર્ષની છે. લોકો હળવી શૈલીમાં કહી રહ્યા છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવે કે ના આવે આમિર ખાનના ઘરમાં ચોક્કસ ત્રીજી (પત્ની) આવશે. જો કે, આમિર ખાનનો દીકરો અભિનેતા જુનૈદ ખાન 28 વર્ષનો થયો છે, તેમની દીકરી ઈરા ખાન 24 વર્ષની થઈ છે (બંનેની માતા રીના દત્તા ખાન) એટલે ભાઈ-બહેન બંને પરણાવવા લાયક થઈ ગયાં છે. એમનાં લગ્ન કરાવીને પોતે પરણે તો સારું. જો કે, એક વિકલ્પ સમૂહ લગ્નનો પણ છે. ભાઈ-બહેન અને પિતાનાં લગ્ન એકસાથે થયાં હોય તેવો વિક્રમ પણ થઈ શકે.

આ તો થઈ હ‌‌ળવી વાત. આ બધી વાતો તેમની અંગત અને વ્યક્તિગત વાતો છે. ફિલ્મની દુનિયા આમેય એકદમ જુદા પ્રકારની હોય છે. ત્યાં સંબંધોમાં મોકળાશ ઓછી હોય પણ સ્વતંત્રતા ઘણી હોય. ત્યાં હૂંફ કરતાં તાપનું મહત્ત્વ થોડું વધારે હોય.

આપણે વાત કરીએ લગ્ન સંબંધની. આમિર ખાનનાં પહેલાં લગ્ન રીના દત્તા સાથે થયાં હતાં. તેઓ બંને જોડે જોડે રહેતાં હતાં. આમિર ખાનને રીના દત્તા ખૂબ જ ગમતાં હતાં. તેઓ પોતાના ઘરની એક બારીમાં બેસી રહીને સતત રીનાને જોયા કરતા હતા. રીનાને તેમના માટે પ્રેમનો કોઈ વિશેષ ભાવ નહોતો. જો કે, એ પછી બંને પરસ્પર પ્રેમમાં પડ્યાં. આમિરનો રીના માટેનો પ્રેમ એકદમ સાચો હતો. તેમણે રીનાને એક વખત પોતાના રક્તથી પત્ર લખ્યો હતો. આશરે સોળેક વર્ષ આ લગ્નજીવન ચાલ્યું. એ પછી રીના દત્તા અને આમિર ખાન છૂટાં પડ્યાં. એ પહેલાં રીના દત્તા મુસ્લિમ બની ગયાં હતાં. તેમનાં બંને બાળકોને પણ દત્તાને બદલે ખાન અટક મળી.

રીના દત્તા 'લગાન' ફિલ્મનાં પ્રોડ્યુસર બન્યાં. ફિલ્મલાઈનમાં તેમને બિલકુલ ખબર નહોતી પડતી તો એકડેએકથી બધું શીખ્યાં. આ ફિલ્મ જ તેમને આમિરથી દૂર લઈ જવાની હતી. કિરણ રાવ 'લગાન' ફિલ્મમાં સહાયક દિગ્દર્શક હતાં. આમિરભાઈ રીનાથી છૂટા થયા અને કિરણ સાથે જોડાયા.

સવાલ એ છે કે આમિરે રક્તથી જે પત્ર લખ્યો હતો તેનું શું મહત્ત્વ? સ્ત્રી-પુરુષ જ્યારે લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે બંને એકબીજામય બને છે. લગ્ન એટલે એકત્વની આરાધના. એ કબૂલ જ કરવું પડે કે લગ્નસંસ્થા કુદરતી નથી. સ્ત્રી અને પુરુષ બીજાં પ્રાણીઓની જેમ જ એક કરતાં વધારે વિજાતીય પાત્રો સાથે આકર્ષાય જ છે. આ કુદરતી છે. સહજ છે. અલબત્ત, સમાજની રચના થયા પછી લગ્નસંસ્થાનું અસ્તિત્વ એટલા માટે ઊભું કરાયું કે આ તીવ્ર વિજાતીય કે જાતીય આકર્ષણ પર અંકુશ આવે. એ જરૂરી પણ છે. લગ્નસંસ્થા ભલે ઢીલી હોય, તેમાં છીંડાં હોય, તે સો ટકા અસરકારક રીતે કામ ના કરતી હોય તો પણ તે સ્વસ્થ સમાજ માટે જરૂરી છે.

એકવાર તમે લગ્નસંસ્થામાં પ્રવેશ કરો એ પછી તમારે તમારી બધી જ પ્રકારની વૃત્તિઓને સંયમિત કરવી પડે. લગ્નસંસ્થાનો ઉદ્દેશ જ એ છે અને આમેય મનુષ્યને જીવન એટલા માટે જ મળ્યું છે કે તે કામ, ક્રોધ, લોભ અને મોહ જેવી પાયાની-અનિવાર્ય એવી વૃત્તિઓને સંયમમાં રાખીને એક સુંદર જીવન જીવે. સંયમ અને સ્વૈરવિહાર એ બે રસ્તાઓ હોય છે. સંયમનો રસ્તો જ માણસને સાચા જીવન સુધી લઈ જાય છે.

આ વખતે રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરવાનું મન થાય. કવિવર ટાગોર કહે છે કે ભગવાને મનુષ્યને અવાજ કે કંઠ આપ્યો છે. આ કંઠને પરોટીને, રિયાઝ કરીને તેમાંથી સુંદર સ્વરનું નિર્માણ કરી શકાય અને આ જ અવાજથી મોટો ઘાંટો પણ પાડી શકાય.

લગ્નસંસ્થા એ વ્યક્તિને સુંદર સ્વર તરફ લઈ જતી સુંદર વ્યવસ્થા છે. સ્ત્રી કે પુરુષમાં સ્વાભાવિક જ જાતીય વૃત્તિ હોય છે. એને રોકવાનું કામ જોખમી હોય છે ત્યારે લગ્નસંસ્થા દ્વારા એક પાત્ર મળે છે જેની સાથે મળીને તે પોતાની જાતિય વૃત્તિનું શમન કરે છે. લગ્ન એ કંઈ માત્ર એટલા માટે જ નથી હોતું. એનાથી અનેક ઘણી તેની દુનિયા છે. સ્ત્રી અને પુરુષ એકબીજામાં ઓગળી જવાનો પ્રયાસ કરે તે સાચું લગ્નજીવન છે. લગ્ન કર્યાં પછી સંલગ્ન પણ થવું જ પડે છે. એ કંઈ રમત વાત નથી. એ કંઈ સહેલી વાત નથી. એ માટે સ્ત્રી અને પુરુષ બંનેએ એકબીજાને સાચા હૃદયથી સમર્પિત થવું પડે છે. ત્યાગ કરવો પડે છે. જતું કરવું પડે છે.

લગ્નસંસ્થામાં પ્રવેશ કરીને સ્ત્રી અને પુરુષ એકમય બનીને પ્રેમથી સાથે રહે છે. હા, કોઈ ખાસ કેસમાં જો ના જ ફાવે, ખૂબ જ અંતર હોય, પરાણે પતિ-પત્ની તરીકે સાથે રહેવું પડે તેમ હોય તો સમજીને છુટા પડવું સારું છે. જે સંબંધને અંત સુધી ના લઈ શકાય તેમ હોય તે સંબંધને એક ખૂબસુરત વળાંક આપીને છોડી દેવામાં જ ડહાપણ ગણાય.

રીના દત્તા અને આમિર ખાન સમજપૂર્વક છુટાં પડ્યાં. એ પછી કિરણ રાવ અને આમિર ખાન પ્રેમપૂર્વક ભેગાં થયાં. સાચા પ્રેમમાં અણુબોમ્બ કરતાં પણ વધારે તાકાત હોય છે. જો કે, પંદર વર્ષ પછી આ સંબંધ પણ ટક્યો નહીં.

અમારા એક મિત્ર એમ કહે છે કે તૂટે તે સંબંધ અને ટકે તે વહેવાર. સાચો સંબંધ તો તૂટે જ. તેમની ફિલોસોફીમાં વજુદ પણ છે. ગોઠવાયેલા, કૃત્રિમ, દુનિયાદારીથી ભરેલા, પરસ્પર લાભ ખાટવા માટે ટકેલા, સ્વાર્થથી ખદબદતા સંબંધો ખરેખર તો વ્યવહારો જ હોય છે. આવા વ્યવહારો તૂટતા નથી કારણ કે, તેમાં બંને પક્ષે સ્વાર્થ હોય છે. પોતાનો સ્વાર્થ સધાય એટલે સંબંધ ટકાવી રાખવાનો હોય છે. આવા વ્યવહારોમાં ઉષ્મા અને હૂંફનો પૂરેપૂરો અભાવ હોય છે. દરેક વ્યવહાર સંબંધ નથી જ હોતો. મોટાભાગના કહેવાતા સંબંધો વ્યવહારો જ હોય છે. વ્યવહારમાંથી જ્યારે સ્વહિત અને સ્વાર્થને કાઢી લો ત્યારે સુગંધથી મહેંકતો સંબંધ સામે આવે છે.

આમિરનાં પ્રથમ પત્ની રીનાજીએ બીજાં લગ્ન ન કર્યાં. તેમણે ધાર્યું હોત તો તેઓ પણ બીજાં લગ્ન કરી શક્યાં હોત. જો કે, એ વ્યક્તિગત બાબત છે. લગ્ન થાય તેમાં સ્ત્રી જતું કરવામાં પુરુષ કરતાં આગળ રહેતી હોય છે. રીનાજી અને કિરણજીને સારું બને છે. આટલું જ નહીં, બંને ‘પાની ફાઉન્ડેશન’માં સાથે કામ પણ કરી રહ્યાં છે. આમિર ખાન કહે છે કે મને કાયમ સ્ટ્રોંગ માણસો ગમે છે અને કિરણજી અને રીનાજી બંને સ્ટ્રોંગ મહિલાઓ છે.

મહિલાઓને ભલે અબળા ગણાતી કે કહેવાતી હોય પણ ખરેખર તો મહિલાઓ શક્તિશાળી જ હોય છે. શરીરશક્તિ કે બળ કદાચ પુરુષ પાસે વધારે હશે પણ સ્ત્રી પાસે આંતરિક શક્તિ વધારે હોય છે. આફત કે વિકટ સ્થિતિમાં સ્ત્રી કરતાં પુરુષ વધારે ઝડપથી તૂટી જાય છે. સ્ત્રી ઝડપથી ઝૂકતી નથી કે તૂટતી પણ નથી. સ્ત્રીને કોઈપણ સંબંધ બાંધતાં વાર લાગે પણ એકવાર સંબંધ બાંધ્યા પછી તેનું જતન અને સંવર્ધન કરવામાં તે ક્યારેય ઉતાવળ કરતી નથી. ‘સેવા’નાં સ્થાપક ઈલાબહેન ભટ્ટે એક વખત કહ્યું હતું કે સ્ત્રી તમને ધીમી લાગે પણ એ ચોક્કસ હોય છે.

આમેય સંબંધમાં ગતિ કે ઝડપ કરતાં પ્રેમ અને હૂંફનું વધારે મહત્ત્વ હોય છે. ફાસ્ટ ફૂડની જેમ ફાસ્ટ રિલેશન પણ હોય છે. ઝડપથી બંધાયેલા સંબંધો ઝડપથી ડહોળાઈ જતા હોય છે. કેટલાક સંબંધો તૂટે એમાં જ એ સંબંધોનું ગૌરવ હોય છે. આમિર અને કિરણજી સમજપૂર્વક છૂટાં પડ્યાં તેમાં જ તેમના વચ્ચેના સંબંધનું ગૌરવ સચવાયેલું પડ્યું છે. જે સંબંધ ગંધાઈ ગયા હોય, ડહોળાઈ ગયા હોય, અંદરથી સડી ગયા હોય, સંબંધમાંથી પ્રેમનું અવેજ ખલાસ થઈ ગયું હોય તે સંબંધ ટકી રહે તેમાં એ સંબંધનું, એ સંબંધ ટકાવી રાખતી વ્યક્તિઓનું અને સમગ્ર સમાજનું ભલું નથી.

સુગંધ વગરના, પ્રેમ વગરના, ઉષ્મા વિનાના સંબંધો જેટલા ઝડપથી તૂટે તેમાં જ બધાનું ભલું હોય છે. જો કે, આવા સંબંધો તૂટે છે ત્યારે સૌથી વધુ સહન તો સ્ત્રીએ જ કરવું પડે છે. એમાંય પતિ-પત્નીના સંબંધમાં તો ખાસ. ઘણી વાર વહેમ પડે છે ઈશ્વરે સ્ત્રીને આ પૃથ્વી પર સહન કરવા માટે જ મોકલી છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...