• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • A Woman's Heart Is Deep, She Has To Go There Very Slowly To Save It, Young People Don't Understand This So There Are Many Misunderstandings.

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સ્ત્રીનું હૃદય ગહન હોય છે, ત્યાં સાચવીને ખૂબ ધીમે ધીમે જવું પડે છે, યુવકો આ વાત નથી સમજતા એટલે ઘણી ગેરસમજ થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ ગુજરાતના એક નગરની સાવ સાચી વાત છે. રવિ નામના યુવકની નાગપુરમાં રહેતી યાત્રી સાથે સગાઈ થઈ. રવિ એકદમ સીધોસાદો યુવક. એક ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં ચીફ છે. આ યુવક જે ધર્મ કે સંપ્રદાયમાં માને છે તેમાં ચુસ્ત રીતે માને છે. આપણે કહી શકીએ કે તે ધર્મભીરુ છે. મંદિરે દર્શન કર્યા વિના તે ઓફિસે જતો નથી. રવિ અને યાત્રીએ એકબીજાને બે મુલાકાતમાં પસંદ કરીને એન્ગેજમેન્ટ કર્યાં. એવું કહેવાય છે કે, એન્ગેજમેન્ટથી મેરેજ (સગાઈથી લગ્ન) સુધીનો સમયગાળો ગોલ્ડન પિરિયડ હોય છે. હનીમૂન કરતાં પણ તેમાં વધારે રોમાંચ હોય છે. આ સમયમાં યુવક-યુવતીઓ વાતો કરતા થાકતા નથી. કલાકોની કલાકો વાતો કરે છે. એકબીજાને મળવા આતુર રહે છે અને મળે ત્યારે તેમને છૂટા પડવું ઝેર જેવું લાગે છે.

યાત્રી પણ વર્કિંગ વુમન છે. તે એક CAને ત્યાં નોકરી કરે છે. રવિ દરરોજ સવાર પડે અને યાત્રીને મેસેજ કરે છે. વારંવાર મેસેજ કરે છે પણ નોકરી કરતી યાત્રીને મેસેજ જોવાનો સમય મળતો નથી. અરે, ઘણી વખત તો તે રવિનો ફોન પણ ઉપાડી શકતી નથી. રવિને આ સ્થિતિ ખૂબ જ અકળાવે છે. તેના મનમાં જબરજસ્ત પ્રશ્નો ઊભા થાય છે. રવિ વિચારે છે કે, એન્ગેજમેન્ટ થઈ ગયા પછી પણ યાત્રી મને શા માટે જવાબ આપતી નથી? એને હું ગમતો નથી? એને મારામાં રસ નથી? આવા વિચારો સુધી વાંધો નહોતો. પરંતુ તે પછી રવિના મનમાં એવો વિચાર આવ્યો કે ચોક્કસ યાત્રીને કોઈ યુવક સાથે સંબંધ હશે. આમેય આજકાલની મોડર્ન છોકરીઓને મોટી સંખ્યામાં બોયફ્રેન્ડ હોય જ છે. એમાંય આ તો નાગપુર જેવા શહેરમાં રહે છે.

રવિ મનોમન વિચાર કરે છે કે સગાઈ કર્યા પછી મારા મિત્રો તો કલાકોના કલાકો વાતો કરતા હોય છે. વાગ્દત્તા સાથે વાતો કરવા માટે યુવકો તત્પર હોય છે. રવિનો એક મિત્ર મયુર તો સગાઈ કર્યાં પછી તેની ફિયાન્સી સાથે દરરોજ ચાર-પાંચ કલાક વાતો કરતો હોય છે. તોય મયુર કહેતો હતો કે અમારી વાતો અધૂરી રહેતી હતી. રવિના મનમાં એવો પણ વિચાર આવ્યો કે યાત્રીને ચોક્કસ કોઈ ગહન પ્રેમ સંબંધ હશે. અરે, તેણે પોતાના પ્રેમી સાથે શરીર સંબંધ પણ બાંધી લીધો હશે. આજકાલની મોડર્ન યુવતીઓ આવી બધી વાતોમાં છોછ રાખતી નથી. રવિનું મન ચકરાવે ચડ્યું. એકાદ મહિનો રવિની મનોદશા દ્વિધા ભરી અને પીડા ભરેલી રહી. એ પછી તેણે નક્કી કર્યુ કે હું, યાત્રીને જ સ્પષ્ટ પૂછી લઈશ.

એક-બે વખત તેણે લાંબા લાંબા વ્હોટ્સએપ મેસેજ કર્યા. પરંતુ મોકલવાની હિંમત ન થઈ. છેવટે એક દિવસ ફોન કરીને તેણે પૂછી લીધું. યાત્રી રવિની બધી વાતો સાંભળીને ડઘાઈ ગઈ. રડી પડી. તેણે કહ્યું કે, તમે આવું શું કામ વિચારો છો. જો તમે મને ન ગમતા હોત તો મેં સગાઈ જ ના કરી હોત. યાત્રીએ રવિને શાંતિથી સમજાવ્યું કે, હું CAને ત્યાં નોકરી કરું છું. મારે આખો દિવસ સતત કામ કરવાનું હોય છે. હું પહેલેથી જ નોકરીના સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળું છું. મને તમારી સાથે વાતો કરવાનું ગમે છે. પરંતુ એટલો બધો સમય મળતો નથી. થોડા દિવસ આ રીતે ખુલાસાઓ થયા અને રવિના મનમાં જે મૂંઝવણ અને ગૂંચવણ હતી તે ઓછી થઈ.

સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં ઘણો ફરક હોય છે. પુરુષો પહેલ કરવા માટે જાણીતા છે. પુરુષો ઉતાવળા હોય છે. દરેક કામમાં તેઓ ઉતાવળ કરે છે. અન્ય કામોમાં કરાતી ઉતાવળ જ્યારે પ્રેમ કે સંબંધમાં અપ્લાય કરાય છે ત્યારે ઘણા પ્રશ્નો થાય છે. પુરુષો સંબંધો બાંધવા ઉતાવળા હોય છે અને જાતભાતના વિચાર કરીને સંબંધોને ડહોળી નાખતા પણ તેમને વાર નથી લાગતી. સ્ત્રીઓ તેના પ્રમાણમાં ધીમી હોય છે. ‘સેવા’ સંસ્થાના સ્થાપક ઈલાબહેન ભટ્ટે એક વખત સરસ વાત કહી હતી કે, સ્ત્રીઓ ધીમી હોય છે. પરંતુ ચોક્કસ હોય છે. કુદરતી રીતે જ સ્ત્રીમાં ધીરજનો ગુણ હોય છે. એટલે તો સ્ત્રી પોતાના પેટમાં નવ મહિના સુધી ગર્ભ ધારણ કરી શકે છે. જો કુદરતે પુરુષને માતા બનવાની સગવડ કે તક આપી હોત તો સંશોધનો કરીને પુરુષે આ સમયગાળો પણ ઘટાડ્યો હોત.

ધીરજ અને સંબંધને સીધો સંબંધ છે. ઉતાવળ અને સંબંધને ડાયરેક્ટ કનેક્શન છે. આજકાલના યુવાનો ખૂબ જ ઉતાવળા થઈ ગયા છે. એમાં તેમનો વાંક નથી કારણ કે, ટેકનોલોજીએ તેમને ઉતાવળા બનાવી દીધા છે. ગુજરાતીમાં કહેવત છે કે, ઉતાવળા તે બાવરા. પ્રેમ અને સંબંધમાં જ્યારે ઉતાવળની એન્ટ્રી થાય છે ત્યારે ડગલે ને પગલે અનેક પ્રશ્નો થાય છે. તમે ફાસ્ટફૂડ ખાઈ શકો. ફૂડને ફાસ્ટ બનાવો એની સામે કોઈ વાંધો નથી. સંદેશાવ્યવહારમાં તમે સખત ગતિ દાખલ કરો તેનોય વાંધો નથી. પરંતુ આ જ ઉતાવળ જ્યારે સંબંધમાં લાગુ કરવામાં આવે ત્યારે સંબંધ દૂષિત થાય છે. સંબંધનું વિશ્વ ડહોળાઈ જાય છે. તેમાં મિસકોમ્યુનિકેશન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગનાં વમળો પેદા થાય છે.

ખરેખર તો દરેક ક્ષેત્રમાં ઉતાવળને ઓછી કરવાની જરૂર છે. તન અને મન બંને ઉપર સ્પીડ, ગતિ કે ઉતાવળની નકારાત્મક અસર પડતી જ હોય છે. પડી જ રહી છે. ગ્રીસમાં તો એવી કહેવત હતી કે, ઉતાવળ એ દુર્ગુણ છે. જે વ્યક્તિ ઉતાવળ કરતી હોય તે વ્યક્તિ સામે લોકો તિરસ્કારથી જોતા. આજે સ્થિતિ એકદમ વિપરિત થઈ ગઈ છે. જે વ્યક્તિ સ્પીડમાં જીવતી હોય એ વ્યક્તિને લોકો સફળ માને છે. પરિસ્થિતિ 360 અંશના ખૂણે બદલાઈ ગઈ છે ત્યારે તેની સંબંધો ઉપર પણ અસરો થઈ છે. આ અસર રચનાત્મક નથી. પરંતુ ખંડનાત્મક છે.

અનેક યુવાનો ટેકનોલોજીના પગલે ઉતાવળા થયા છે અને એને કારણે જ રઘવાયા, અધીરા અને આક્રમક બની ગયા છે. આ વાસ્તવિકતા છે. તેમને ઝડપનો રોગ લાગી ગયો છે. ઝડપ એ મનોરોગ છે. યુવાનો પોતાની પ્રેમિકાને મેસેજ કરે છે પછી તરત જ જોઈ લે છે કે, તેણે આ મેસેજ જોયો કે નહીં. ધારો કે, સામેના પાત્રએ મેસેજ જોયો હોય અને જો તરત જ તેનો જવાબ ન આવે તો વર્ષો જૂના સંબંધો ઉપર પ્રશ્નાર્થ સર્જાઈ જાય છે. કેવી વિચિત્ર વાત છે. વર્ષોના સંબંધો ક્ષણોમાં અસર પામી જાય છે. અરે, ઘણીવાર તો આવા સંબંધો ઉપર પૂર્ણવિરામ પણ મુકાઈ જાય છે.

ઘણા યુવાનો ફિયાન્સી સાથે દલીલ કરતા હોય છે કે, તે મારો મેસેજ વાંચ્યો તો બ્લુ ટીક મારામાં આવી ગઈ હતી પછી પણ તે કેમ તરત જવાબ ન આપ્યો. ચોક્કસ તું બીજા કોઈ જોડે ચેટિંગ કરતી હશે. અલ્યા ભાઈ, એ પણ કોઈ પરિવારની સભ્ય છે. એને પણ ઘણાં કામ હોય. એ જો નોકરી કરતી હોય તો તેણે કર્તવ્યનિષ્ઠ બનીને નોકરી પણ કરવી પડે. એ કંઈ તમારા જવાબો આપવા માટે જ આ પૃથ્વી ઉપર આવી નથી. આ વાત સમજવી જોઈએ. જેમ સ્ત્રીઓ માટે આ વાત છે એવી જ રીતે આ પુરુષો માટે આ વાત છે. ઘણી જક્કી વલણ ધરાવતી યુવતીઓ પણ યુવકો માટે આવું ઉતાવળું અને આક્રમક વલણ દાખવતી હોય છે.

આધુનિક યુવકોએ એક વસ્તુ સમજી લેવી જોઈએ કે સ્ત્રીનું હૃદય એ જેમ રળિયામણો પ્રદેશ છે એ જ રીતે ગહન પ્રદેશ પણ છે અને જ્યાં જ્યાં ગહનતા હોય ત્યાં ખૂબ ધીરજથી જવું જોઈએ. એવું એક હિંદી શાયરે કહ્યું છે. ત્યાં જવામાં ઉતાવળ કરાય જ નહીં. ત્યાં ધીમે પગલે જ જવું પડે. સ્ત્રીનું હૃદય એ પ્રેમ, સંવેદના, કરુણા, વાત્સલ્ય, લાગણી, અનુકંપા, મમતાનો પ્રદેશ છે. સ્ત્રી ગમે તેટલી ભણેલી હોય, આધુનિક હોય તો પણ કુદરતે તેને ભેટમાં આપેલા આ ગુણો અકબંધ રહે છે. પરિસ્થિતિવશ ક્યારેક તેના પર આવરણ ચડી જાય. પરંતુ મૂળ વૃત્તિઓ બરકરાર રહેતી હોય છે. સ્ત્રીને સાચા પ્રેમની કાયમ ભૂખ હોય છે. એ સતત પ્રેમ આપવા માટે જન્મી હોવાથી તે પ્રેમનો બદલો પ્રેમમાં ઝંખે તો તેમાં કંઈ ખોટું પણ નથી.

આજના આધુનિક યુવાનો માટે એક મોટી ચેલેન્જ એ છે કે તેમણે પોતાનાં કાર્યોમાં, નોકરીમાં, ભણવામાં, વ્યવસાયમાં કે ધંધામાં જે સ્પીડ દાખલ કરી છે તે સ્પીડ સંબંધોમાંથી બાકાત રાખવી પડશે. આ અઘરી વાત છે. પરંતુ અનિવાર્ય વાત છે. સંબંધોનો પ્રદેશ પૈસા સાથે લેવાદેવા નથી રાખતો. સંબંધોનો પ્રદેશ પ્રતિષ્ઠા કે સફળતાનો મોહતાજ નથી. સંબંધોના પ્રદેશમાં સૌથી વધારે પ્રેમ, શ્રદ્ધા અને સંવેદનાનું ચાલે છે. યુવાનોએ આ વાતને સમજવી પડશે. તેમણે જ્યારે સંબંધની વાત આવે ત્યારે પોતાની જાતને બ્રેક મારવી પડશે. પાંચમા કે છઠ્ઠા ગિયરમાં ગાડી ચલાવતા હો તો ન્યુટ્રલમાં ગાડી લાવ્યા પછી સ્પીડ ઓછી કરવી પડશે.

જતી વેળાનું સ્મિતઃ
કેટલાક સંબંધો ઓછી સ્પીડમાં જ સારું પરિણામ આપતા હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...