સુખનું સરનામું:દર મહિને લાખો રૂપિયા કમાવાનો સાવ સરળ ઉપાય

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં રાજકોટમાં જ રહેતા એક મિત્રને મળવા માટે ગયો હતો. એમણે મને બનેલી એક વાસ્તવિક ઘટના સંભળાવી. મને થયું કે આ વાત વાચકો સુધી પહોંચવી જ જોઇએ. માટે આ સત્યઘટનાને જરા ધ્યાનથી વાંચજો. કોઇ કામ માટે ગામડેથી રાજકોટમાં આવેલા એક પટેલ પ્રૌઢ એમના સંબંધી સાથે સાંજના સમયે બેસવા માટે બહાર ગયા. ત્યાં ગામડાના આ પટેલ બાપાનો પરિચય એની જ ઉંમરના એક વડીલ વણિક સાથે થયો. બંને વડીલો વાતે વળગ્યા.

વણિક : શું ચાલે છે બાપા? મજામાંને? પટેલ : હા હોં, મજામાં. ભગવાનની બહુ દયા છે. ગામડે ખેતીવાડી કરીએ અને મજા કરીએ. વણિક : ગામડે કોણ કોણ રહો છો? પટેલ : અરે, અમે તો ડોશી-ભાભો બે જ છીએ. બે દીકરા છે અને બંને સુરત રહે છે. વણિક : તમને કોઇ બીમારી આવે કે તકલીફ પડે તો પછી દીકરા-વહુ સેવા કરવા સુરતથી આવે કે નહીં? પટેલ : આડા દિવસે તો ન આવી શકે, પણ દિવાળીની રજા પડે ત્યારે થોડા દિવસ આવે. વણિક : જ્યારે વહુ અને દીકરાઓ દિવાળી પર ઘરે આવે ત્યારે તમે કંઇ ભેટ આપો કે નહીં? પટેલ : હા, આપુને. બંને વહુને પગે લાગવાના 100-100 રૂપિયા આપું. વણિક : અરે બાપા, 100-100 આપો તો પછી તમારી બીમારી વખતે સુરતથી અહીંયા કોઇ લાંબું ન થાય! એ તો 10,000નો ડટ્ટો દેવો પડે. પટેલ : પણ હું આટલી બધી રકમ ક્યાંથી આપું? મારે થોડી કંઇ ફેક્ટરીઓ ચાલે છે? ખેતર છે એ પણ દીકરાઓને ભાગ પાડી દીધા છે અને દીકરાઓ જ્યારે દિવાળી પર આવે ત્યારે અમને ખોરાકીના આપી જાય છે એમાંથી માંડ ઘર ચાલે તો પછી 10,000નો ડટ્ટો ક્યાંથી આપીએ? વણિક : કેમ, તમે કંઇ બચત નથી કરી? પટેલ : ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દીકરાઓને આપી દીધું. હવે દીકરાઓ સાચવશે. વણિક : પણ માની લો કે દીકરાઓને કોઈ આર્થિક મુશ્કેલી આવે અને તમારી મોટી બીમારીનો ખર્ચ ન ઉઠાવી શકે તો? પટેલ : આવું તો ક્યારેય વિચાર્યું નથી, પણ જો આવું થાય તો પછી ટૂંટિયું વાળીને પડ્યાં રહીએ. નસીબમાં હોય એમ થાય. વણિક : બાપા, નસીબ તો આપડે જેવું લખવું હોય એવું લખી શકાય. પટેલ : લે, એ કેવી રીતે? વણિક : જુઓ સાંભળો, મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પૂછેલું કે બેટા તને 75ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વીકારત કે નહીં? મેં હા પાડી એટલે એમણે કહ્યું, બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને એમાં જમા કરાવવાની (જે તે સમયે પોસ્ટ ઓફિસનો વ્યાજનો દર ખૂબ સારો હતો) અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહીં. પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભૂલી જ જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે. પટેલ : પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે? વણિક : મારા ભાઇ, આ નાની બચતથી લાંબા ગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહીને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઇ. મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહિત 96 લાખ રૂપિયા છે. આ 96 લાખનું મને દર મહીને 60,000 વ્યાજ મળે છે, જેમાંથી 30,000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટમાં ખાતું ખોલાવીને તેમાં જમા કરાવું છું અને બાકીના 30,000 દર મહીને મારા દીકરાની વહુના હાથમાં આપું છું અમને સાચવવા માટે. પટેલ : ઓહો... આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા દીકરાની વહુ હથેળીમાં જ રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે? વણિક : વહુ પાસે માગવાની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17,000 પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 ઉપાડીને મારા પૌત્રને ફરવા માટે બહાર લઇ જાઉં અને એને પણ જલસા કરાવું. પેન્શનમાંથી બાકીના જે 15,000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દીકરીને ભેટમાં આપું છું એફડી કરાવેલી હોવાથી એ તાત્કાલિક વાપરી પણ ન શકે. પટેલ : વાહ , તમારું કહેવું પડે હોં. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવું છે. અમારે તો હવે ક્યાં લાંબું ખેંચવાનું છે, પણ આ નવી પેઢી તમે કર્યું એમ કરે તો પાછલી જિંદગીમાં ઓશિયાળા ન રહેવું પડે એટલું પાક્કું. ***

નાની નાની બચત કરવાની ટેવ લાંબા ગાળા સુધી ચાલુ રહે તો એ પોતાના માટે અને પરિવાર માટે કેટલી લાભદાયી નીવડે છે એની સમજ આ ઘટના પરથી બહુ સરળતાથી મળી જાય છે. આજને મન ભરીને માણીએ, પણ આવતીકાલનો પણ વિચાર કરવો બહુ જરુરી છે. એવા કેટલાય પરિવારો તમારી આસપાસ જ હશે જે એક સમયે સમૃદ્ધિની છોળો વચ્ચે જીવતા હશે અને પછી આ જ પરિવારને તમે લાચાર અવસ્થામાં પણ જોયો હશે. માણસને જો બચતની ટેવ પડે તો આ ટેવ દ્વારા પરિવારના સભ્યોને સુરક્ષા કવચ પૂરું પાડી શકાય છે. નાના હતા ત્યારે માટીમાંથી બનેલી ગલ્લા પેટી લાવતા અને મહેમાન આવે ને કંઇ ભેટ આપે તો આ ગલ્લા પેટીમાં નાખતા. હાથમાં રહેલા રૂપિયાને ગલ્લા પેટીમાં નાખતી વખતે મન સાથે બહુ મોટી લડાઇ લડવી પડતી કારણકે એક બાજુ ચોકલેટ ખાવાની ઇચ્છા હોય અને બીજી બાજુ ગલ્લાપેટી ભરવાનાં સપનાં પણ હોય. ચોકલેટ જતી કરીને ધીમે ધીમે ગલ્લામાં જતા રૂપિયાથી ગલ્લો ભરાઇ જાય અને એને ફોડીને બધી જ રકમ એક સાથે જોવા મળે ત્યારે એનો આનંદ તો જેણે એમ કર્યું હોય એને જ અનુભવાય.
બાળપણમાં બચતની થોડી ટેવ પાડવામાં આવતી હોય છે પણ મોટા થઇને એ ટેવ ક્યાંક અદૃશ્ય થઇ જાય છે. જો યુવાવસ્થાથી આ ટેવ પડી હોય તો વૃદ્ધાવસ્થા ઓશિયાળી નહીં રહે. યુવાનીને ભરપુર માણ્યા બાદ વૃદ્ધાવસ્થા પણ ચિંતા વગર પસાર થશે અને દવાખાનાના ખર્ચને પણ વિના વિઘ્ને પહોંચી વળાશે.
મિત્રો, આજથી જ બચત કરવાનો અને લાંબાગાળાની બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળું કરીએ. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કરેલી બચતનું રોકાણ યોગ્ય જગ્યાએ થાય.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)