સુખનું સરનામું:પ્રભુ પાસેથી કામ કઢાવવાનું અજોડ શસ્ત્ર – પ્રાર્થના

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડૉ. માર્ક વિખ્યાત કેન્સર સ્પેશિયાલિસ્ટ હતા. એકવાર તેઓ એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. આ કોન્ફરન્સમાં જવાની એમની ઇચ્છા નહોતી, પરંતુ કોન્ફરન્સના આયોજકોએ મુખ્ય વક્તા તરીકે એમને આમંત્રણ આપ્યું, આથી ઇચ્છા ન હોવા છતાં જવું પડ્યું. પોતાના શહેરથી ખૂબ દૂરના શહેરમાં આ કોન્ફરન્સનું આયોજન થયેલું હતું. ડૉ. માર્ક વિમાન માર્ગે કોન્ફરન્સમાં જવા માટે નીકળ્યા. કોઇ ટેક્નિકલ ક્ષતિને કારણે વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જ્યાં વિમાનને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડેલું તે સ્થળ સાવ સામાન્ય હતું. વિમાન હવે આગળની ઉડાન ભરી શકે તેમ નહોતું એટલે ડૉ. માર્કે રિસેપ્શન પર જઇને આગળની સફર માટે પૂછપરછ કરી. રિસેપ્શનિસ્ટે જણાવ્યું કે આ તો બહુ જ નાનું એરપોર્ટ છે. આપ જે શહેરમાં જવાની વાત કરો છો તે શહેર હવે અહીંયાથી વધુ દૂર નથી. એટલે ત્યાં જવા માટેની કોઇ ફ્લાઇટ આપને અહીંયાથી મળશે નહીં. આપ જે વિમાનમાં આવ્યા છો તે વિમાનની ટેક્નિકલ ખામીઓ જોવા માટે એક્સપર્ટને બોલાવ્યા છે, એટલે એ આવે અને બધી તપસ કરે પછી ખબર પડે કે આપનું વિમાન ઊડી શકશે કે કેમ. આપ જે શહેર જવા માગો છો તે શહેર પહોંચવા માટે મોટરમાર્ગે આપને ચાર કલાક લાગશે. એટલે જો આપને ઉતાવળ હોય તો આપ મોટરમાર્ગે જઇ શકો કારણ કે આ વિમાનને ઉડાન ભરતાં તો ઘણો સમય લાગશે એવું લાગે છે.

ડૉ. માર્ક મુંઝાયા. કોન્ફરન્સમાં જવાની બિલકુલ ઇચ્છા નહોતી અને એમાં માથે આ હેરાનગતિ. ડૉ. માર્કે પોતાની કાંડા ઘડિયાળમાં નજર નાખી. કોન્ફરન્સ શરુ થવાને હજુ 4 કલાક જેવો સમય બાકી હતો. ડૉ. માર્કે વિચાર્યું કે હવે ખોટો સમય બગાડવાની જરૂર નથી. હું મોટરમાર્ગે જ રવાના થઇ જઉં. એણે એક ટેક્ષી ભાડે કરી. ટેક્ષી ડ્રાઇવરે જીપીએસ પર ડૉ. માર્કે જે શહેરમાં જવાનું હતું એ શહેર સેટ કર્યું અને ત્યાં પહોંચવા માટેનો સમય જીપીએસે 3 કલાક 40 મિનિટ બતાવ્યો, જે જોઇને ડૉ. માર્કના ચહેરા પર થોડી પ્રસન્નતા જોવા મળી. હજુ તો એકાદ કલાક પસાર થયો ત્યાં જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયું. તમને 50 ફૂટ આગળ જોવામાં પણ તકલીફ પડે એવો જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ડ્રાઇવરે કહ્યું, ‘સર, આપણે સલામત સ્થળે આપણી ગાડી થોભાવી દઇએ અને વરસાદ તથા વાવાઝોડું ધીમું પડે એની રાહ જોઇએ. આ વિસ્તારથી હું પણ બહુ પરિચિત નથી. આ ટેક્ષીના ડ્રાઇવરને આજે અચાનક બહાર જવાનું થયું એટલે એના બદલે હું આવ્યો છું.’ ડૉ. માર્કને બહુ ગુસ્સો આવ્યો, પણ શાંત બેસી રહ્યા અને કહ્યું, ‘ગાડીને ક્યાંય થોભાવવી નથી. તું ચલાવવાની ચાલુ જ રાખ.’ જીપીએસ જે રસ્તો બતાવે તે રસ્તે ગાડી ચાલી જતી હતી, પણ થોડા સમયમાં જીપીએસ કામ કરતું બંધ થઇ ગયું.

લગભગ 2 કલાક બાદ વાવાઝોડું અને વરસાદ શાંત થયાં. જીપીએસ પણ ફરીથી શરુ થયું. જીપીએસમાં જોયુ તો ત્રણ કલાકની મુસાફરી બાદ હવે જે શહેરમાં જવું હતું એ શહેર 5 કલાકનું અંતર બતાવતું હતું. ડૉ. માર્કે મોટો નિસાસો નાખ્યો. હવે કોન્ફરન્સમાં પહોંચવું શક્ય જ નહોતું. ડૉ. માર્ક કોઇ સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઇ ગયા હતા. ડ્રાઇવર પણ આ વિસ્તારથી વધારે પરિચિત નહોતો. ડૉ.માર્કને કકડીને ભૂખ લાગી હતી. ઉજ્જડ વિસ્તારમાં કોઇ જગ્યાએ કોઇ રેસ્ટોરાં દેખાતી નહોતી. એક નાનું મકાન દેખાયું એટલે ડૉ. માર્ક ત્યાં પહોંચી ગયા. એ ખૂબ થાકેલા હતા અને ભૂખ પણ ખૂબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો આપવા માટે ડૉ. માર્કે ઘરના માલિકને વિનંતી કરી. માલિક બહુ માયાળુ સ્વભાવના હતા એમણે નવા આવેલા મહેમાનને થોડીવાર માટે રાહ જોવા વિનંતી કરી અને એમના માટે રસોઇ બનાવવાની શરુઆત કરી. ડૉ. માર્ક આંખો બંધ કરીને વિચારમાં સરી પડ્યા, ‘હું શા માટે કોન્ફરન્સમાં જવા સંમત થયો. ભાષણ આપવાના અભરખાએ મને હેરાન કરી મૂક્યો. જો કોન્ફરન્સમાં જવાનો વિચાર પડતો મૂક્યો હોત તો અત્યારે હું શાંતિથી મારી હોસ્પિટલમાં બેઠો હોત.’ ડૉ. માર્કની વિચારયાત્રા ચાલુ હતી અને ઘરના માલિકે એમને જમવા માટે બોલાવ્યા.

ડૉ. માર્કની સાથે ઘરનો માલિક પણ જમવા માટે બેઠો. જમતાં પહેલાં એ ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો. લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડૉ. માર્કને થયું કે આ માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે. ડૉ. માર્કે એ ઘરના માલિકને પૂછ્યું, ‘આપ આંખ બંધ કરીને વારે વારે શું બોલતા હતા?’ ઘરના માલિકે કહ્યું, ‘શેઠ, હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો.’ ડૉ. માર્કને આ બધી વાતો બકવાસ જેવી લાગતી હતી. એણે માલિકને પૂછ્યું, ‘તમને એવું લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના સંભળાતી હશે? તમારી પ્રાર્થના સાંભળીને ભગવાન એનો કોઈ પ્રત્યુત્તર આપે છે ખરા?’

ઘરના માલિકે કહ્યુ, ‘હું ઘણા સમયથી નિયમિત પ્રાર્થના કરું છું. આજ દિવસ સુધી તો ભગવાને મારી પ્રાર્થનાનો પ્રતિસાદ આપ્યો નથી, પણ મને ભગવાન પર શ્રદ્ધા છે કે એ મારી પ્રાર્થના એક દિવસ જરૂર સાંભળશે.’ ડૉ. માર્કે પૂછ્યું, ‘પણ તમે પ્રાર્થના શું કરતા હતા એ તો મને કહો...’ ઘરના માલિકે ખૂણામાં રહેલી એક પથારી બતાવીને કહ્યું, ‘પેલી પથારીમાં સૂતો છે તે મારો એકનો એક દીકરો છે. એને કેન્સર છે અને આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના કોઇ ડૉક્ટર જ કરી શકે તેમ છે. મેં સાંભળ્યું છે કે ડૉ. માર્ક તો બહુ દૂરના કોઇ શહેરમાં રહે છે અને એની હોસ્પિટલમાં સારવારનો ખર્ચ પણ બહુ મોટો આવે. હું તો સામાન્ય માણસ છું. આ વગડામાં રહીને માંડ માંડ પેટનો ખાડો પુરાય છે. દીકરાને ડૉક્ટર પાસે લઇ જવાના કે સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી. આથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે એ કોઇ મદદ કરે અને મારા દીકરાને રોગમુક્ત કરે.’

વાત સાંભળીને ડૉ. માર્કના હાથમાંથી અનાજનો કોળિયો નીચે પડી ગયો. એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. ઇચ્છા ન હોવા છતાં એ પરાણે પરાણે કોન્ફરન્સમાં જવા નીકળ્યા અને કોન્ફરન્સમાં પહોંચવાના બદલે ક્યાં પહોંચી ગયા એ સમગ્ર ઘટના એની સ્મૃતિપટ પરથી પસાર થઇ ગઇ. ડૉ. માર્કની આંખો ભીની થઇ ગઇ અને એટલું જ બોલ્યા, ‘ખરેખર ભગવાન મહાન છે અને હૃદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે.’
***
મિત્રો, આપણા જીવનમાં બનતી તમામ ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતી. દરેક ઘટનામાં કુદરતની કોઇ કરામત હોય છે. આપણે ઘટનાને માત્ર આપણા દૃષ્ટિકોણથી જ જોવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ એ ઘટના પાછળનો કુદરતનો કોઇ અકળ ઇરાદો હોય છે. ડૉ. માર્કની જેમ આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે તો આપણે હેરાન પરેશાન થઇ જઇએ છીએ, પણ કુદરતે કોઇને મોટી મદદ કરવાના ઇરાદાથી આપણને માધ્યમ બનાવીને થોડી તકલીફ આપી હોય એવું પણ બની શકે. કોઇ જ્યારે દિલથી પ્રાર્થના કરે છે ત્યારે એની પ્રાર્થનાનો પ્રતિસાદ કોઇ ને કોઇ રૂપે કુદરત અવશ્ય આપે જ છે. જો કે પુરુષાર્થ વગરની કોરી પ્રાર્થના કદાચ કુદરતને માફક આવતી નથી અને એટલે એવી કામચોરો દ્વારા થતી પ્રાર્થનાઓનાં યોગ્ય પરિણામ પણ મળતાં નથી.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)