નેટસ્કેપ:નાટકોનો ખજાનો National Theatre at Home પર અને પર્ફોર્મિંગ આર્ટ્સની દુનિયામાં વિશ્વના શ્રેષ્ઠ સર્જનો Ballet, Opera માણો Marquee TVની મદદથી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

National Theatre at Home
લંડનમાં આવેલું નેશનલ થિયેટર જે નેશનલ થિયેટર ઓફ ગ્રેટ બ્રિટન તરીકે જાણીતું છે. પહેલીવાર આ નેશનલ થિયેટર સાથેનો પરિચય ત્યારે થયો જ્યારે વર્ષ 2015માં PVR અમદાવાદ ખાતે Curious Case Of a Dog In The Night Time જોવા મળ્યું. થિયેટરનો શોખ તો હતો જ અને સાથે જ કંઈક નવું આવે તો તેને વધાવવાની આતુરતા અને અખતરા કરવાની મજા આવતી એટલે અમે 'નેશનલ થિયેટર લાઈવ' આવું ઓનલાઇન વાંચીને મોટા ઉપાડે પહોંચ્યા અને પછી જે પ્રોડક્શન જોયું એ નિહાળીને અમે મંત્રમુગ્ધ બની ગયા. લંડનનું પ્રોડક્શન હોય અને એક્ટિંગના ખેરખાંઓ હોય, વળી ગાર્ડિયન જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝપેપરના રિવ્યુઝ પણ હોય એટલે અપેક્ષાઓ ઊંચી જ હતી પરંતુ આટલી બધી મજા આવશે એવી ખબર નહોતી. ઘરે આવ્યા પછી અમારી અંદર સૂતેલો શેરલોક હોમ્સ જાગી ગયો અને અમને આ નેશનલ થિયેટર વિશે વધુ સંશોધન કરવાની તાલાવેલી થઇ, ખાંખાખોળા કરતાં ખબર પડી કે આ તો લંડનના ખૂબ જ નામચીન થિયેટર્સ પૈકીનું એક છે. દુર્ભાગ્યે PVRમાં NT Liveના માત્ર બે જ પ્રોડક્શન્સ જોવા મળ્યા. પૂરતાં પ્રમાણમાં દર્શકો ન આવતાં હોવાને કારણે ઘણા શોનું પ્રસારણ રદ થયું ત્યારે મેનેજર સાથે ઝઘડા પણ કર્યા.

પણ પછી તો આનું પ્રસારણ કાયમ માટે બંધ થઇ ગયું. લંડન મુલાકાત દરમિયાન પણ થેમ્સ નદીમાં નૌકાવિહાર કરતી વખતે નેશનલ થિયેટરનું બિલ્ડીંગ અહોભાવપૂર્વક જોયાનું યાદ છે, પણ કોઈ કારણોસર લાઈવ પ્રોડક્શન જોવાની તક મળી નહીં. જો કે, તેના બદલે સજ્જન મિત્રોના સંગાથે અમે બ્રોડવે પર 'મટિલ્ડા' જોયું પણ આ નામ 'નેશનલ થિયેટર' મગજમાં જડાઈ ગયું હતું. તે દિવસથી જ નેશનલ થિયેટરનો ન્યૂઝ લેટર સબ્સ્ક્રાઇબ કરેલો અને ક્યારેક તેનો લાભ મળશે એવી આશા તો ખરી જ, જે પૂર્ણ કરી કોરોનાએ. લોકડાઉન વખતે જાણવા મળ્યું કે નેશનલ થિયેટર દ્વારા ઘેર બેઠાં વિશ્વકક્ષાનું થિયેટર જોઈ શકાય એ માટે હવે લંડન જવાની જરૂર નથી. National Theatre at Home નામની એપના માધ્યમથી તમે ઘરેબેઠાં જ આ થિયેટરના દમદાર પ્રોડક્શન્સની મજા માણી શકો છો. આમ તો નાટક, ડ્રામા કે થિયેટરને લાઇવ જોવાની મજા કંઈક અલગ જ છે. પરંતુ આપણે ક્યાં રોજરોજ લંડન જઈ શકવાના છીએ? અને લંડનમાં રહેતા હો તો પણ લોકડાઉન અને કોરોનાએ આ મજા બગાડી જ મૂકી છે. એટલે અત્યારે તો કવિ નર્મદની જેમ હું પણ આવી સારી સારી 'એપ્સના શરણે છું'. આ એપના માધ્યમથી તમે National Theatre દ્વારા અત્યાર સુધી પર્ફોર્મ કરવામાં આવેલા નાટકો જોઈ શકશો. ઘણા ઉપલબ્ધ છે તો વળી ઘણા ધીમે ધીમે લાઈબ્રેરીમાં ઉમેરવામાં આવી રહ્યા છે.

ભારતમાં આ એપની મેમ્બરશિપ ફી 1,100 રૂપિયા પ્રતિ માસ છે અને જો વાર્ષિક પ્લાન લેવો હોય તો એક વર્ષના 2 મહિના મફત મળે છે એટલે વાર્ષિક 11,000 રૂપિયા થાય
ભારતમાં આ એપની મેમ્બરશિપ ફી 1,100 રૂપિયા પ્રતિ માસ છે અને જો વાર્ષિક પ્લાન લેવો હોય તો એક વર્ષના 2 મહિના મફત મળે છે એટલે વાર્ષિક 11,000 રૂપિયા થાય

આ એપ એન્ડ્રોઇડ અને એપલ એમ બંનેના ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ છે. ભારતમાં તેની મેમ્બરશિપ ફી 1,100 રૂપિયા પ્રતિ માસ છે અને જો વાર્ષિક પ્લાન લેવો હોય તો એક વર્ષના 2 મહિના મફત મળે છે એટલે વાર્ષિક 11,000 રૂપિયા થાય. આ સિવાય, તમે ઈચ્છો તો સ્વતંત્રપણે એક એક નાટક પણ ભાડે લઇ શકો. ફિલ્મોની DVD ભાડે લાવતાં હતાં એ યાદ છે? એવી જ રીતે. નેશનલ થિયેટરના કયા કયા પ્રોડક્શન્સ જોવા મળશે? શેક્સપિયર લિખિત Hamlet, Macbeth, The Comedy of Errors મારા પ્રિય અને મોડર્ન શેરલોક હોમ્સની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધ બનેલા બેનેડિક્ટ કમ્બરબેચ દ્વારા અભિનીત Frankenstine અને પ્રતિષ્ઠિત નાટ્ય લેખક જ્યોર્જ બર્નાર્ડ શૉનું Man and Superman પણ ખરું. આટલા દમદાર લેખક, એક્ટર્સ અને ડિરેક્ટર્સ હોય તો પ્રોડક્શન કેવી ઉચ્ચ કક્ષાનું હશે એ તમે અનુમાન કરી શકો છો. આ સિવાય, તમે નેશનલ થિયેટરની યુટ્યુબ ચેનલ પણ સબ્સક્રાઈબ કરી શકો છો. તેના પર આ પ્રોડક્શન્સ કેવી રીતે તૈયાર કર્યા અને તેના નિર્માણ સમયે શું શું પડકારો આવ્યા તે વિશે ડિરેક્ટર, લેખક, સ્ટેજ ડિઝાઈનર, એક્ટર્સ વાતો કરે છે. અમુક પ્રોડક્શન્સના behind the scenes પણ જોવા મળશે. એક ઊભરતા કલાકાર, એક્ટર, લેખક, ડિરેક્ટર માટે આ એપ એક યુનિવર્સિટી સમાન છે અને નાટ્યરસિકો માટે તો આ એપ કોઈ ખજાનાથી કમ નથી.

Marquee TV
Marquee TVને પર્ફોર્મિંગ આર્ટ્સનું નેટફ્લિક્સ કહેવામાં આવે છે. NT Live at Homeથી બે ડગલાં આગળ વધીને આ એપ પર માત્ર થિયેટર જ નહીં પરંતુ dance, opera, ballet, documentaries, મ્યૂઝિક ફેસ્ટિવલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો સંગીત કે નાટ્યકલામાં રસ ધરાવતા હશો તો તમે બ્રોડવે થિયેટરનું નામ સાંભળ્યું હશે. આ બ્રોડવે થિયેટર પર નાટકોની કાવ્ય સ્વરૂપે સંગીતમય રજૂઆત થાય છે જેને 'બ્રોડવે મ્યુઝિકલ્સ' કહેવાય છે. હવે આ જ નાટકો જ્યારે નૃત્ય સ્વરૂપે રજૂ થાય તો તેને માણવાની મજા અલગ જ હોવાની. તમને સિન્ડ્રેલા કે Alice’s adventures in wonderland જેવી એવરગ્રીન કૃતિઓ ballet સ્વરૂપે જોવા મળે તો? લંડનના રૉયલ ઓપેરા હાઉસ કે પછી ન્યૂયોર્ક મેટ્રોપોલિટન ઓપેરા જેવા પ્રતિષ્ઠિત વેન્યુઝ પોતાના પ્રોડક્શન્સ Marquee TVના માધ્યમથી દર્શાવે છે. આ ઉપરાંત, ભવિષ્યમાં Marquee TV દેશ-વિદેશનાં વિખ્યાત લિટરેચર ફેસ્ટિવલ્સ કે કોમેડી ફેસ્ટિવલ્સને પણ પોતાના પ્લેટફોર્મ પર લાવવાનો ઈરાદો ધરાવે છે. એટલે ભવિષ્યમાં જયપુર લિટરેચર ફેસ્ટિવલ કે એડિનબર્ગ ફ્રિન્જ ફેસ્ટિવલ જેવા ફેસ્ટિવલ્સના સેશન્સ આ પ્લેટફોર્મ પર જોવા મળે તો નવાઈ નહીં. આ સિવાય, ડાન્સ, મ્યુઝિક, થિયેટરને લગતી ડોક્યુમેન્ટ્રીઝ જોવી હોય તો પણ આ ખૂબ સરસ એપ છે. લંડનની રોયલ શેક્સપિયર કંપની જેવી પ્રતિષ્ઠિત નાટક કંપનીઓ દ્વારા ભજવાયેલાં નાટકો પણ તમે આ એપની મદદથી જોઈ શકો છો. મૂળે Marquee TVનો ઈરાદો પર્ફોર્મિંગ આર્ટ્સની દુનિયાના નેટફ્લિક્સ બનવાનો છે એટલે ભવિષ્યમાં નેટફ્લિક્સની જેમ પોતાના પ્રોડક્શન્સ બનાવવાનું આયોજન પણ ખરું જ!!

આ એપની મેમ્બરશિપ મહિને 9 અમેરિકન ડોલર છે પણ અત્યારે વાર્ષિક પ્લાન પર 30% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે
આ એપની મેમ્બરશિપ મહિને 9 અમેરિકન ડોલર છે પણ અત્યારે વાર્ષિક પ્લાન પર 30% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે

આ એપની મેમ્બરશિપ મહિને 9 અમેરિકન ડોલરના દરે ઉપલબ્ધ છે. અત્યારે કોરોનાના કારણે વાર્ષિક પ્લાન પર 30% જેટલું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. પરંતુ હા, શરૂઆતમાં ટ્રાયલ અકાઉન્ટ ખોલીને કન્ટેન્ટ જોઈ લેવું સલાહભર્યું છે કારણ કે, મુખ્યત્ત્વે આ બધી એપ્સ અમેરિકા કે યુરોપ માટે બનાવવામાં આવેલી હોય છે અને તેને અમુક પ્રસારણ હકને લગતી મર્યાદાઓ પણ નડતી હોય છે. ઘણા પ્રોડક્શન્સ ભારતમાં ઉપલબ્ધ ન હોય એવી પૂરેપૂરી શક્યતા છે. તેથી, મેમ્બરશિપ લેતાં પહેલાં આમાં આપણા કામનું કેટલું છે એ જોઈ ચકાસી લેવા વિનંતી છે. આવી ઘણી એપ્સ પોતાના દેશમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉભરતાં કલાકારોને ખૂબ જ પરવડે તેવી કિંમતે અને ક્યારેક તો ફ્રીમાં પણ મેમ્બરશિપ આપે છે કારણ કે, કલા એ માત્ર મનોરંજનનું જ સાધન નથી તેના દ્વારા મનોરંજનની સાથે સાથે નાગરિક ઘડતર પણ થાય છે. ભારતમાં પણ આવી કોઈ એપ હોય જે stage productionsને ડિજિટલ માધ્યમની મદદથી રજૂ કરતી હોય તો જણાવવાનું ચૂકશો નહીં.
tusharacharya2611@gmail.com
(લેખક ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ટરનેટની દુનિયાના બાશિંદા અને યુવા આંત્રપ્રેનર છે)

અન્ય સમાચારો પણ છે...