• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • A Successful Step From Poor Internet Connectivity To Strong Human Connection ... Will Strengthen Children's Mental, Emotional And Physical Health

પોઝિટિવ પેરેન્ટિંગ:નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી મજબૂત હ્યુમન કનેક્શન તરફ એક સફળ ડગલું... બાળકોનું માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય મજબૂત કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારી પહેલાંના એ કલાસરૂમ લર્નિંગના દિવસો ગયા, જ્યારે શિક્ષકની સજાગ નજરોથી બચીને બાળક માટે કંઈ પણ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. વેલકમ ટુ ઓનલાઇન લર્નિંગ, જ્યાં આ બધું જ શક્ય છે! ઘણા શિક્ષકો અને વાલીઓ ઓનલાઇન લર્નિંગની બાળક ઉપર થઇ રહેલી નકારાત્મક અસરની ફરિયાદ કરે છે. 'તેઓ ચાલુ ક્લાસે વીડિયો ગેમ્સ રમે છે અથવા મિત્રો જોડે ચેટિંગ કરે છે, શિક્ષકો તરફથી આવતી એક સામાન્ય ફરિયાદ છે.

આવી પરિસ્થિતિમાં પણ જ્યારે શિક્ષક તેમને સ્ક્રીન ઉપર રહેવા માટે (એટલે કે વીડિયો બટન ચાલુ રાખવા માટે) ફોર્સ કરે ત્યારે પણ આ સ્માર્ટ બાળકો મલ્ટિ-ટાસ્કિંગ કરતા સરસ રીતે શીખી ગયાં છે. એટલે કે તેઓ એકબાજુ કમ્પ્યૂટર અથવા ટેબલેટ ઉપર ક્લાસમાં હાજરી આપતી વખતે એવો દેખાવ કરે છે જાણે તેઓ ખૂબ જ ધ્યાનથી શિક્ષકને સાંભળી રહ્યા છે પણ વાસ્તવમાં તેઓ સાથે-સાથે પોતાના મોબાઈલ ઉપર સર્ફિંગ પણ કરી રહ્યા હોય છે, આવું મોટાભાગના વાલીઓએ જણાવ્યું છે.

વળી, એક સ્કૂલના પ્રિન્સિપાલ કંઈક એવું શેર કરે છે જે લગભગ બધાએ અનુભવ્યું હશે. 'જ્યાં બાળકો કંટાળે કે એવો કોઈ વિષય આવે જે એમને સમજાતો ન હોય ત્યાં તેઓ ફટ્ દઈને સ્ક્રીનથી એમ કહીને ગાયબ થઇ જાય છે કે 'મેડમ, મારું ઈન્ટરનેટ કનેક્શન નબળું છે'. ઘણા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ નિખાલસ રીતે ખુલાસો કર્યો કે તેમણે અગાઉથી જ ખરાબ ઈન્ટરનેટ કનેક્શનનો ઓડિયો ડાઉનલોડ કરીને રાખ્યો છે. એટલે જેમ પ્રોફેસર એમને કોઈ સવાલ પૂછે તો તેઓ એ અવાજ ચાલુ કરી દે. જેથી કંટાળીને પ્રોફેસર એ સવાલ કોઈ બીજા વિદ્યાર્થીને પૂછી લે છે.

ઓનલાઇન ક્લાસથી બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ આડઅસર પડી છે. તેમની આખી દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઇ ગઈ છે. હવે બાળકો મોડાં ઊઠી શકે છે અને તૈયાર થયા વગર, નાહ્યા વગર પણ ક્લાસ અટેન્ડ કરી શકે છે (તેમના વાલીઓની જેમ જ, જેઓ પોતાના પાયજામા ઉપર એક શર્ટ અથવા દુપટ્ટો નાખીને પોતાની ઓફિસની મીટિંગ અટેન્ડ કરે છે) કારણ કે, કોઈ તેમને જોઈ નથી શકતું. અલબત્ત એક ટાઈમટેબલ હોય છે પણ બાળકોને તેમાં ફિટ થવું હવે બહુ આકરું પડી રહ્યું છે. ભૌતિક રીતે કલાસમાં હાજરી આપવી એ કંઇક જુદો જ અનુભવ હતો. હવે તેઓ એક વર્ચ્યુઅલ બબલમાં... એક ટુ-ડાઈમેન્શનલ (દ્વિપરિમાણિય) દુનિયામાં આવી ગયા છે.

શિક્ષક સમુદાય આના માટે ટ્રેઇન્ડ નહોતો. છતાંય શિક્ષકોએ ઝડપથી ટેક્નોલોજી અપનાવી તેને વાપરતા શીખી અને સરળતાથી ઓનલાઇન ક્લાસીસ પર ભણાવવા માંડ્યા. ટૂંક સમયમાં બધાને ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી બાળકો સુધી પહોચવાની ક્ષમતાનો ખ્યાલ આવી ગયો. શિક્ષક અને બાળકો વચ્ચે થઇ રહેલું આ 'કનેક્શન' એક ઉજવણીનું કારણ બની ગયું. ગયા વર્ષે સૌ ઓનલાઇન લર્નિંગનાં ગુણગાન ગાઈ રહ્યાં હતાં. જાણે એ કરોનાની કપરી પરિસ્થિતિમાં ભણતરનો અલ્ટિમેટ જવાબ જ ના હોય! ઘણાને તો એવું લાગવા લાગ્યું છે કે ફિઝિકલ સ્કૂલો હવે નિરર્થક થઇ ગઈ છે પણ હવે એક વર્ષ પછી બધા ઓનલાઇન લર્નિંગથી થાકી ગયા છે. કિશોરવયનાં બાળકોમાં એકલતાપણું, ડિપ્રેશન, સાઇબર બુલિંગ વગેરેના કેસ વધવા માંડ્યા છે. અહીં મુદ્દો એ છે કે ઘણી સ્કૂલો મહામારીની સ્થિતિ અનુરૂપ પોતાનામાં જરૂરી ફેરફાર નથી લાવી શકી, જેના લીધે તેમણે તે જૂનો જ અભ્યાસક્રમ ચાલુ રાખ્યો જે બાળકના આજના જીવન જોડે કોઈપણ રીતે કનેકટેડ નહોતો. જેથી, તે સાવ નિરુપયોગી નીવડ્યો. આજે જરૂરિયાત છે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાનું નિરાકરણ લાવવાની અને કવિતા, કલા, સંગીત, ફિલોસોફી અને સાહિત્ય થકી અવનવી રીતે લર્નિંગની તકોની રચના કરવાની. જ્યારે કન્ટેન્ટની વાત કરીએ તો તે એવું હોવું જોઈએ જે વૈશ્વિક મુદ્દાઓ જોડે સંકળાયેલું હોય અને સાથે મળીને આંતરરાષ્ટ્રીય પડકારોના રસ્તા કાઢવા ઉપર પણ કેન્દ્રિત હોવું જોઈએ. બાળકોને આપણે અર્થપૂર્ણ અને લક્ષ્યધારી પ્રવૃત્તિઓમાં એન્ગેજ રાખવાં જોઈએ.

અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે બાળકો ઈન્ટરનેટ ક્લાસો થકી નથી શીખતાં, પણ તેઓ શીખે છે પોતાની આસપાસ થઇ રહેલી પ્રવૃત્તિઓથી. દાખલા તરીકે, તેમનાં મા-બાપ અને સોસાયટી કઈ રીતે આ ક્રાઈસીસ હેન્ડલ કરી રહ્યાં છે. કમનસીબે બાળકો ખાસ કરીને નાનાં બાળકો આ દુનિયાનું સાવ જુદી રીતે જ અર્થઘટન કરી રહ્યાં છે. આપણે એવા પણ કેસો જોઈએ છીએ જ્યાં ત્રણ-વર્ષની કોમળવયનાં બાળકો ઘરની બહાર પગ મૂકવાની ઘસીને ના પાડી દે છે કે પછી જ્યારે ઘરની ડોરબેલ વાગે તો વાઇરસના ડરથી પલંગ નીચે સંતાઈ જાય છે. અહીં બહુ જરૂરી છે કે વાલીઓ પોતાનાં નાનાં બાળકોને આશ્વાસન આપે, નહીંતર આ ડર બાળકની અંદર ઘર કરી જશે અને તે દુનિયાને આ ડરનાં ચશ્માંથી જોશે... અને આ મહામારીના ઈમોશનલ સ્કાર (ભાવનાત્મક ડાઘ)ને સાજા થતાં વર્ષો લાગી જશે. ઘણા વાલીઓ તો એટલા ડરી ગયા છે કે તેમણે પોતાના કુટુંબને જાણે બાહ્ય સંસારથી સાવ જ કટ કરી નાખ્યું છે.

હું એક 16 વર્ષની ખૂબ ચુલબુલી છોકરીને ઓળખું છું, જેને છેલ્લા 17 મહિનાથી ઘરની ચાર દીવાલમાં પૂરી રાખવામાં આવી છે કારણ કે, એના મા-બાપને કોવિડથી ઈન્ફેક્શન લાગવાનો ડર હતો. આજે એ ઘણી દુબળી થઇ ગઈ છે, એણે બોલવાનું પણ સાવ ઓછું કરી દીધું છે અને ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરવાના પણ બંધ કરી દીધા છે. કેમ? કારણ કે, એ તેની ઉંમરનાં બીજાં બાળકોની કંપની મિસ કરે છે.

બધાં બાળકો માટે એકબીજાને હળવું-મળવું તેમના વેલ-બીઇંગ (સુખાકારી/કલ્યાણ) માટે એક મૂળભૂત જરૂરિયાત છે. હકીકતમાં જ્યારે બાળકો 'બેડ કનેક્શન' શબ્દ વાપરે છે ત્યારે તેઓ સો ટકા સાચા છે. વર્ચ્યુઅલ રીતે ત્યારે કનેક્ટ થવું જ સારું છે જ્યારે જોડાવાનો બીજો કોઈ વિકલ્પ ન હોય પણ વર્ચ્યુઅલ કોઈપણ હિસાબે હ્યુમન કનેક્શનનું સુખ નથી આપી શકતું, જે ફિઝિકલ સ્પેસ આપી શકે છે કારણ કે, બાળક ત્યાં પોતાના મિત્રોને મળે છે અને શિક્ષક જોડે ફેસ-ટુ-ફેસ ઈન્ટરેક્ટ કરે છે. મનુષ્ય મૂળ સ્વભાવે સામાજિક પ્રાણી છે અને આ સામાજિકતા જ મોટા થવાની પ્રક્રિયાનું સૌથી જરૂરી પાસું છે. કોરોનાની ત્રીજી વેવ આવે તે પહેલાં જો સ્વૈચ્છિક રીતે 4-6 બાળકોનાં નાનાં ગ્રૂપ સ્કૂલમાં આવી એકબીજાને સેફટી પ્રોટોકોલ (માસ્ક, હેન્ડ સેનિટાઇઝેશન અને સામાજિક અંતર જાળવવાનું) સમજાવે અને કોઈ જોઇન્ટ પ્રવૃત્તિમાં ભાગ લે તો તે તેમના માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક રહેશે.

આ કપરા સમયમાં જરૂરી છે કે આપણે આપણાં બાળકોને એક 'સારું કનેક્શન' આપીએ અને એ છે - રિયલ હ્યુમન કનેક્ટ.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)