મારી વાર્તા:‘એક દીકરો હજી હમણાં તો વિદેશ ભણવા ગયો અને હું પ્રેગ્નન્ટ થઈ ગઈ?’ પંખો એકદમ ફાસ્ટ ફરતો હોવાં છતાં શુચિને પરસેવો વળી ગયો...

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સવારના છ વાગે અલાર્મ વાગ્યો અને શુચિ સફાળી બેઠી થઈ ગઈ. ઓહોહો! આજે તો કેટલું કામ છે અને બધું ઓફિસ જતાં પહેલાં પતાવવાનું છે ને થોડું આવતી વખતે. એ ફટાફટ નિત્યક્રમથી પરવારી. સુશીલનું ટિફિન પેક કર્યું. એક તો એની કામવાળી સુનીતા પાંચેક દિવસથી કામ પર આવતી નથી. એ મનમાં તો એવી ધૂંધવાયેલી હતી કે એ આવે એટલી વાર, આજે તો એને એવી ખખડાવી નાખું કે બીજીવાર આટલી રજા પાડતી જ બંધ થઈ જાય, પણ એ ઓફિસ જવા નીકળી ત્યાં સુધી એ ન દેખાઈ. અડધો કલાક રહીને શુચિ પણ તૈયાર થઈને ઑફિસ જવા નીકળી.

આજકાલ ઓફિસમાં પણ શુચિનું મન કોઈ કામમાં લાગતું નહોતું ને કારણ એને સમજાતું નહોતું. રહી-રહીને એને શુભ યાદ આવી જતો. એનો ઓગણીસ વર્ષનો દીકરો, જે હાલ વિદેશ અભ્યાસ માટે ગયો હતો. શુભ આખા કુટુંબમાં સૌનો લાડકો હતો. આખો દિવસ મમ્મી આમ, મમ્મી તેમ, આજે કોલેજમાં આમ થયું-તેમ થયું વગેરે વાતો કરતો રહેતો. હવે વાતોનું સ્થાન મૌને લઈ લીધું છે. આખો દિવસ એ શું કરતો હશે, કેવી રીતે રહેતો હશે, ખાવાનું મેનેજ કરી શકશે કે કેમ વગેરે જેવા અનેક વિચારો એનાં મગજમાં દોડતા રહેતા. સાંજે ઘરે આવતાં તો શારીરિક કરતાં માનસિક થાક વધારે લાગતો જાણે!

સાંજે રસોઈ કરતી વખતે એને અચાનક જ ભાન થયું કે, એ લગભગ પોણા બે મહિના થવા છતાં હજી પિરિયડમાં નથી આવી. રોટલી વણતાં ધીમે-ધીમે એ યાદ કરવા મથી રહી કે છેલ્લે ક્યારે એને પિરિયડ આવ્યાં હતાં. કોણ જાણે કેમ એને તારીખ નહોતી યાદ આવી રહી. ત્યાં તો જોયું કે તવી પરની રોટલી બળી રહી હતી અને પાટલી પરની રોટલી વધુ પાતળી થઈ ગઈ હતી. એણે ઝડપથી રોટલી ઉતારી અને ફરી બીજી રોટલી વણવા લાગી. સાવ અણધાર્યા ટેન્શને એને ઘેરી લીધી.

અચાનક બધાં કામ પડતાં મૂકી એ સોફા પર જઈને બેસી ગઈ. એક પછી એક ઘટનાક્રમ એના દિમાગમાં સ્પષ્ટ થવા લાગ્યાં જાણે. ઓહ નો! શું સાચે મારું મન વિચારે છે એવું હશે? એને ગભરાટ થવા લાગ્યો. છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ ભૂખ લાગતી હતી. એનું વજન ચોક્કસ વધ્યું હતું એ અનુભવાતું હતું. અનાયાસે એનો હાથ અને નજર એનાં ઊપસેલા પેટ અને છાતી પર ફર્યો. એક અજાણી ચિંતા ઘેરી વળી. શું પ્રેગ્નન્સી...? ના, ના, એ અને સુશીલ તો પૂરતી કાળજી રાખતાં હતાં છતાં... એ વધુ વિચારવા નહોતી માગતી, છતાં રહી-રહીને એ જ વિચાર એને ભરડામાં લઈ રહ્યો હતો. એના સાસુ-સસરા શું વિચારશે? મિત્રો-સગાં-સ્નેહી, અન્ય લોકો શું વિચારશે? એક દીકરો હજી હમણાં તો વિદેશ ભણવા ગયો અને હું પ્રેગ્નન્ટ થઈ ગઈ? એને ચક્કર આવી ગયાં. પંખો એકદમ ફાસ્ટ ફરતો હોવાં છતાં ભયંકર ગરમી લાગવા માંડી. પરસેવે રેબઝેબ થઈ ગઈ. અરેરે! આવું તો કેટલાક દિવસોથી થતું જ હતું, પોતે ધ્યાન કેમ ન આપ્યું? શુચિએ મગજ શાંત કરવાં પ્રયત્ન કર્યો. અધૂરી રસોઈ પૂરી કરી. પછી સસરાને, ‘હમણાં આવું છું’ કહી બહાર નીકળી. મેડિકલ સ્ટોર પરથી પ્રેગનન્સી ટેસ્ટની કિટ ખરીદી, ઘરે આવી.

***

સાંજે સુશીલે આવ્યા પછી શુચિમાં થયેલ ફેરફાર નોંધી પૂછ્યું પણ ખરું, ‘શુચિ, તારી તબિયત સારી છે ને? ડૉક્ટરને બતાવવા જવું છે?’

‘ના, એમ તો સારું છે, થોડાં ચક્કર અને ગભરામણ થતી હતી. દવા લીધી છે.’ કહી એ રૂમમાં જતી રહી. ક્યારે સવાર પડે, એ ટેસ્ટ કરે અને રિપોર્ટ લઈને ડૉક્ટર પાસે જાય અને કહી દે કે, ‘પ્લીઝ ડૉક્ટર, કોઈપણ ટ્રીટમેન્ટ કરો પણ આ ઉંમરે મારે આ નથી જોઈતું!’ રાતે સુશીલે એને બે-ચાર વાર પૂછ્યું પણ એ ટૂંકો જવાબ આપી સૂઈ ગઈ. સુશીલને પણ લાગ્યું કે એની તબિયત ઠીક નથી તેથી આવું વર્તન કરે છે. એટલે એ પણ પડખું ફેરવીને સૂઈ ગયો.

અજંપો પાંપણો પર અડ્ડો જમાવી બેઠો હતો. ના, હું સુશીલને પણ કંઈ જ નહીં કહું. રખે ને, એ અબોર્શન માટે ના પાડી દે તો? એને ફરી પરસેવો થવા લાગ્યો. હળવેથી ઊઠીને બહાર આવી, સોફા પર બેસી ગઈ. દીવાલ પરની ઘડિયાળનાં કાંટા સાથે એની નજર પણ સમય પર ફરી રહી. શુભ જ્યારે પેટમાં હતો ત્યારે એને આવું જ બધું થતું હતું. ત્યારે તો સાસુ એના પિરિયડ્સનું ધ્યાન રાખતાં હતાં. જો કે, હવે તો ઉંમર થઈ અને સમયની સાથે એમણે પણ ઘણું બધું ધ્યાન આપવાનું છોડી દીધું હતું.

એ વર્તમાનમાં ફરી. એને થયું સુશીલને ન કહેવું એ કેટલું યોગ્ય છે? એનો હક છે. ને અબોર્શન...? ના..ના..! એ આવું કઈ રીતે વિચારી શકી? શું ઉંમર અને સમય વધવાની સાથે એની બુદ્ધિ પણ બહેર મારી ગઈ કે શું? હા, પહેલાં ઊઠીને સુશીલ સાથે વાત કરીશ, પછી બંને સાથે મળી વિચારીશું. એ જ યોગ્ય છે.

‘શુચિ, તું અહીં બહાર સોફા પર કેમ સૂતી છે?’ મમ્મીનાં અવાજે એ સફાળી બેઠી થઈ અને સીધી નજર પડી ઘડિયાળ પર. ઓહ નો! આખી રાત વિચારોમાં જાગતી હતી અને ક્યારે આંખ લાગી ગઈ હશે? હવે? વહેલી સવારે તો ટેસ્ટ કરવાનો હતો? હવે કરીશ તો પણ સાચું રિઝલ્ટ બતાવશે કે કેમ?

‘મમ્મી, એ તો રાત્રે ઊંઘ નહોતી આવતી અને જરાં ગભરામણ થતી હતી તો બહાર આવી ગઈ અને એમાં જ અહીં ક્યારે ઊંઘ આવી તે ખબર જ ન પડી.’ એણે સાસુને જવાબ આપ્યો અને રૂમમાં જઈ પહેલાં ટેસ્ટ કરવા માટે બાથરૂમમાં ગઈ. અપેક્ષા મુજબ જ રિઝલ્ટ તો નેગેટિવ બતાવ્યું! ઉચાટ હવે વધી ગયો. એણે સુશીલને ઉઠાડી બધી હકીકત જણાવી દીધી. એ પણ બે ઘડી વિચારમાં પડી ગયો પણ તરત જ સમય પારખીને એણે જાતને અને શુચિને સંભાળી લીધી. એનાં આંસુ લૂછતાં કહ્યું, ‘તું નાહકની ચિંતા ન કર. આપણે ડૉક્ટરને બતાવીએ, પછી એ કહેશે તેમ કરીશું. તું લોકો વિશે વિચારવાનું બંધ કર’ પણ એણે નક્કી કરી લીધું કે ઓફિસે અડધી રજા મૂકી દેશે અને પહેલાં ગાયનેક ડૉક્ટર પાસે બતાવી તો દેશે જ, જેથી સમયસર બધું પાર પડે! એણે સુશીલને કહ્યું કે, એ એકલી જઈ આવશે.

ઝડપથી રોજિંદા કામોથી પરવારી એ સીધી પહોંચી ડૉક્ટરને ત્યાં. એનો વારો આવ્યો ત્યાં સુધી મનોમન ભગવાનને પ્રાર્થના કરતી રહી. એને શુભ યાદ આવી ગયો. એ આ બધું જાણશે તો મારાં માટે શું વિચારશે એવો ભાવ મનમાં આવી ગયો. એક જ દિવસમાં શુચિના શરીરનું જોમ અને ચહેરાનું તેજ હણાઈ ગયું હતું જાણે! એનું નામ બોલાયું ને એ ડૉક્ટરની કેબિનમાં પ્રવેશી. ડૉક્ટરે હિસ્ટ્રી લેવાનું શરૂ કર્યું અને એ થોડાં સંકોચ સાથે બધું કહી રહી હતી, કહેતાં-કહેતાં જાણે હમણાં રડી પડાશે એવું એને લાગી રહ્યું હતું. ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું, ‘શુચિબહેન, તમે વિચારો છો એવું કંઈ જ નથી.’ સાંભળીને એને કાન પર વિશ્વાસ જ ન બેઠો. એણે ફરી પૂછ્યું, ‘સાચે ડૉક્ટર?’

‘હા, તમારાં પિસ્તાળીસ વર્ષ થયાં અને હવે આ ઉંમરે દરેક સ્ત્રીને જેમ શરૂઆત થાય તેમ તમને મેનોપોઝની શરૂઆત થઈ છે. જેમ પિરિયડ્સ શરૂ થાય ત્યારે સ્ત્રીમાં શારિરીક, માનસિક ફેરફારો થાય તે જ બંધ થાય ત્યારે પણ બને છે. આ સાવ નોર્મલ છે. આનાં લક્ષણો દરેક સ્ત્રીમાં વધતાં-ઓછાં અંશે અલગ હોય ને ક્યારેક એ પ્રેગ્નન્ટ હોવાનો ભ્રમ તમને કરાવી દે, પણ એ મોટાભાગે હોર્મોનમાં થતાં ફેરફારો હોય છે. તેથી ચિંતા છોડો. પણ હા, સાવચેતી જરૂરી છે.’ આ સાથે ડૉક્ટરે વિગતવાર મેનોપોઝ વિશે પણ શુચિને સમજાવ્યું.

‘ઓહ! થેન્ક યુ ડૉક્ટર! તમે તો છેલ્લા ચોવીસ કલાકથી જે ચિંતાએ મને ચકરાવે ચઢાવી હતી તેને દૂર કરી દીધી.’ કહેતાં એના ચહેરા પર હાશકારો છવાઈ ગયો. એક ગજબની માનસિક શાંતિ તન-મનમાં ફેલાઈ ગઈ. સુશીલને ગુડ ન્યુઝ આપવાની તાલાવેલી વધી ગઈ. એક નચિંત સ્માઈલ આપીને, પ્રફુલ્લ મને શુચિ કેબિનની બહાર નીકળી!

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...