ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધો ભવોભવના, જન્મોજન્મના... કોઈ એક સંબંધ પાછલા જન્મનો અને કદાચ હવે પછી આવનારા જન્મોનું પણ જોડાણ બની શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં બનેલી સત્ય ઘટનાથી આ લેખની શરૂઆત કરીએ. એક ગામમાં એક નાડોદા-પટેલ રહે. રામજીભાઈ એમનું નામ. એમની દીકરી લક્ષ્મી એક વખત સાતમ-આઠમના તહેવારોમાં ગામના ચોકમાં ઢોલે રમવા ગઈ. ઉત્તર ગુજરાતનાં ગામોમાં આવો રિવાજ અને પરંપરા. લક્ષ્મીબહેન ખૂબ ઢોલે રમ્યાં એટલે તેમને થાક લાગ્યો. આખા શરીરે પરસેવાના રેલા નીતરવા લાગ્યાં. ઘરે આવ્યાં. ઘરની ઓસરીમાં બેઠાં અને પાણી પીધું. જો કે, હૃદય બેસી ગયું. હૃદય રોગનો હુમલો આવતા એ જુવાન દીકરી પરલોક સીધાવી.

હવેની ઘટના રસપ્રદ છે. જૂનાગઢમાં એક જોશી પરિવારમાં એક પુત્રી જન્મી. જયા તેનું નામ. એ નાનપણથી જ પોતાના આગલા જન્મને યાદ કરે. તેમનાં મમ્મી ગેસ પર રસોઈ બનાવતાં હોય ત્યારે હજી હમણાં બોલતાં શીખેલી જયા પોતાની મમ્મીને કહે કે, તું ગેસ પર રસોઈ બનાવે છે પણ મારી આગલી મા તો ચૂલા પર રોટલા બનાવતી હતી.

આ સાંભળીને જયાનાં મમ્મીને ખૂબ નવાઈ લાગી. સમયાંતરે આવી વાતો વધતી ગઈ. જયા ખેતરને યાદ કરે, ગાયોને યાદ કરે, પોતાની બહેનપણીઓને યાદ કરે, પોતાનાં માતા-પિતાને યાદ કરે. જયાનાં માતા-પિતાને નવાઈ લાગે. ધીમે-ધીમે જયા મોટી થતી ગઈ. તેની સમજ વધતી ગઈ. જો કે, આગલા જન્મની વાતો પણ વધતી ગઈ. જયાનાં મમ્મી-પપ્પા તેને પાસે બેસાડીને નામ અને સરનામું પૂછે પણ એ તેને ના આવડે.

એક વખત કોઈ સામાજિક પ્રસંગે આ જોશી પરિવાર ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવ્યો. અહીં જયાને ગયા જન્મની સ્મૃતિઓ તીવ્રતાથી યાદ આવવા લાગી. તેણે પોતાનાં માતા-પિતાને કહ્યું કે, હું આ પાટણ નગરમાં અગાઉ આવેલી છું અને અમારું ગામ અહીંથી નજીક છે. મેં એ ગામ જોયેલું છે. સામાજિક પ્રસંગ પતી ગયા પછી જોશી પરિવાર જયાની સૂચના પ્રમાણે એ ગામ તરફ નીકળ્યો. જયાને ગામની ખબર હતી પણ ગામનું નામ યાદ નહોતું આવતું. જોશી પરિવાર અને અન્ય સગાં જયાની સૂચના પ્રમાણે આગળ વધ્યાં. જયાનું જે ગામ હતું ત્યાં સુધી કાચો રસ્તો હોવાથી વાહન જતું નહોતું. એના આગળના ગામેથી જોશી પરિવારે બળદ ગાડું ભાડે કર્યું. જયાના ગામનું તળાવ આવ્યું એટલે જયા ગાડામાંથી ઊતરી ગઈ અને તેણે ગાડામાં બેઠેલાંઓને કહ્યું કે, હવે હું જ્યાં લઈ જાઉં ત્યાં તમે મારી પાછળ પાછળ આવો. જયા ગામની શેરીમાંથી જમણી બાજુ આવેલા પોતાના જૂના ઘરે જઈને ઊભી રહી ગઈ. ડેલો ખખડાવ્યો. એ પછી અંદર તે ગઈ. આગલા જન્મનાં માતા-પિતાને પગે લાગી. પોતાનો પરિચય આપ્યો. પોતાના ભાઈઓને મળી. બહેનોને મળી. કાકાઓને મળી. પિતરાઈઓને મળી. દરેકને ઓળખી કાઢ્યા. એનાં લગ્નમાં બે-બે માતા-પિતાઓ હાજર હતાં. એક જે આ જન્મનાં જોશી માતા-પિતા અને બીજાં પાછલા જન્મનાં પટેલ માતા-પિતા. એવી તસવીર પણ છે.

તો આ છે, બે ભવના સંબંધો. ઘણીવાર એવો વિચાર આવે કે, દરેક સંબંધનું અનુસંધાન હોય છે. એનું અનુસંધાન ગયા જન્મમાં પણ હોય. એ અનુસંધાન બે-ત્રણ જન્મ પહેલાંનું પણ હોય. લગ્ન માટે તો એવું કહેવાય છે કે, લગ્નો સ્વર્ગમાં અથવા તો ઉપર ક્યાંક નક્કી થાય છે અને પૃથ્વી ઉપર તો માત્ર થાય છે. એટલે કે, નક્કી તો થઈ જ ગયાં હોય છે. અહીં માત્ર વિધિ થાય છે. કદાચ દરેક સંબંધમાં આવું હોય છે.

અભિનેતા રજનીકાંતેએ લતા નામની યુવતીને પહેલીવાર જોઈને જ નક્કી કરી લીધું હતું કે, આ જ મારી પત્ની બનશે અને પછી વાસ્તવિકતામાં પણ એવું જ થયું હતું. એ જ રીતે અભિનેતા પરેશ રાવલે સ્વરૂપ સંપટને પહેલી વાર જોઈને નક્કી કરી લીધું હતું કે આ મારી પત્ની છે. જાણીતા ટેક્નોક્રેટ સામ પિત્રોડાની આત્મકથામાંથી પસાર થઈએ ત્યારે જાણવા મળે છે કે, તેમણે વડોદરામાં પહેલીવાર અંજનાબહેનને જોયાં ત્યારે તેમણે નક્કી કરી લીધું હતું કે આની સાથે જ મારાં લગ્ન થશે. એવું જ બન્યું હતું. આ લેખ લખનારાના કિસ્સામાં પણ એવું થયું હતું.

આવું કેમ થતું હશે? ગયા જન્મનો અનુબંધ. આગલા જન્મનું અનુસંધાન. લોકસાહિત્યમાં ભવોભવની પ્રીતની વાત છે. આવા આધુનિક સમયકાળમાં કોઈ એવી વાત ન પણ માને. હવેનો જમાનો તો એક જન્મમાં એક (પાત્રની) પ્રીત ન મળે તો ન ચાલે એવો છે. એવી સ્થિતિમાં ભવોભવની પ્રીતની વાત અપ્રસ્તુત લાગે. હિન્દુ ધર્મમાં તો એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ વ્રત કરીને કે પછી ભગવાનને પ્રાર્થના કરીને એકનો એક પતિ સાત-સાત જન્મ સુધી માગતી હોય છે. આ એક ભાવના છે. આ એક પરંપરા છે. દરેક સંસ્કૃતિ અને સભ્યતામાં આ બાબતનું વલણ જુદું જુદું હોય છે. પશ્ચિમના કેટલાક દેશોમાં એક ભવમાં સાત લગ્ન થાય છે, જ્યારે ભારત જેવા દેશમાં એક પતિને સાત જન્મ સુધી ચલાવવાની ભાવના હોય છે.

સ્થળ કાળ પ્રમાણે આવી બાબતોની માન્યતા જુદી જુદી હોઈ શકે છે. પરંતુ એક બાબત ચોક્કસ છે કે આ જન્મના સંબંધો અનુસંધાન સ્વરૂપે હોય એવી પૂરી શક્યતા છે. આગળની લેણદેણ બાકી રહી ગઈ હોય તે આ જન્મમાં પૂર્ણ કરવાની હોય એવું પણ બને. અનેક સંબંધોમાં બુદ્ધિ કે તર્ક કામ ન લાગે એવું જોવા મળતું હોય છે. કોઈ માતા-પિતા સંપૂર્ણ નિષ્ઠાવાન, પ્રામાણિક અને ખાનદાન હોય, તેમનો દીકરો એકદમ કપાતર નીકળે. આવું અનેક કિસ્સામાં જોવા મળે છે. માતા-પિતાએ તેને સારા સંસ્કાર આપ્યા હોય. તેને ઉત્તમ વાતાવરણ આપ્યું હોય. તેમ છતાં નવાઈ લાગે કે એમનો પુત્ર દારૂ પીતો થઈ જાય, જુગાર રમતો થઈ જાય અને જીવન વેડફી નાખે. આવા વખતે એવું લાગે કે ગયા જન્મનું કોઈ આદાન-પ્રદાન બાકી રહી ગયું હશે. પતિ-પત્નીના સંબંધમાં પણ એવું જોવા મળે. ઘણા પતિને એવી પત્ની મળે કે ખૂબ નવાઈ લાગે. એવું જ ઊલટી રીતે પણ જોવા મળે. પતિ-પત્નીમાં બહેન એકદમ ઉચ્ચ સ્તરનાં હોય અને ભાઈ તેમની સરખામણીએ સાવ નીચા લાગતા હોય. ત્યારે પણ નવાઈ લાગે કે આ‌‌વું કેમ થયું હશે? ઘણીવખત એવું બને કે, આપણે જેને બિલકુલ ઓળખતા ન હોઈએ એવી વ્યક્તિઓ જીવનમાં પ્રવેશે અને એક લીલોછમ સંબંધ બંધાઈ જાય.

ક્યારેક પાડોશી એવા સરસ મળે કે લોહીના સંબંધ કરતાં પણ આ સંબંધ ચડિયાતો પૂરવાર થાય. આવું અજબ-ગજબ બનતું જ હોય છે. આ બધું જોતાં એમ લાગે કે સંબંધો એ માત્ર આ જન્મનો જ વિષય નથી, ગયા જન્મનો, એનાથી પણ પાછલા જન્મનો અને કદાચ હવે પછી આવનારા જન્મોનો પણ વિષય છે.

આમાંથી શીખવાનું શું? બોધપાઠ શું લેવાનો? એટલો જ કે, દરેક સંબંધને ખૂબ જ પ્રેમપૂર્વક સ્વીકારી લેવો. દરેક સંબંધને સહજ રીતે સ્વીકારી લેવો. દરેક સંબંધને ખૂબ સારી રીતે સાચવવો. એની માવજત કરવી. જો એમ કરીએ તો દરેક સંબંધ બરાબર ખીલે અને આપણા જીવનને ધન્ય કરે.

જતી વેળાનું સ્મિતઃ ફરિયાદ નહીં, સંવાદ જ સંબંધોને સમૃદ્ધ કરે છે.

positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...