ડિજિટલ ડિબેટ:વિવાદોની હારમાળાઃ તહેવાર હોય કે શિક્ષણધામ - મુદ્દાઓના મૂળમાં છે શું?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકમાં હિજાબથી શરૂ થયેલા વિવાદ પછી એક પછી એક મુદ્દાની હારમાળા સર્જાઇ છે. તહેવારની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ વચ્ચે થવાના બદલે ધમાલ અને વિખવાદ વચ્ચે થઈ. શું પહેરવું, શું ખાવું, કેમ રહેવું, લાઉડ સ્પીકરનો ઉપયોગ ધર્મસ્થાનો પર થવા દેવો કે નહીં - એક પછી એક મુદ્દા ઊછળતા રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે શું તેની પાછળ કોઈ પેટર્ન છે? માત્ર ચૂંટણીમાં ફાયદો થઈ જાય તે માટે ધ્રુવીકરણનું રાજકારણ જ છે કે પછી તેના મૂળમાં કૈંક જુદું જ છે? માત્ર ચૂંટણીઓ વખતે જ હવે વિવાદો થાય છે તેવું પણ નથી રહ્યું. બીજું કે ચૂંટણીઓ સતત કોઈ ને કોઈ રાજ્યમાં આવ્યા જ કરે છે. એટલે આ પ્રકારના વિખવાદમાં માત્ર રાજકારણ કે ચૂંટણીકારણ જોવાના બદલે બીજાં પરિબળો પણ જોવા જરૂરી બન્યા છે અને સરવાળે કોને ફાયદો કોને હાનિ તે પણ સમજી લેવાની જરૂર છે.

પ્રોફેસર હેમન્તકુમાર શાહ (HS): ધર્મને આધારે સમાજમાં ધ્રુવીકરણ ફેલાવવાની નીતિ એ ભાજપ અને સંઘની જૂની રાજનીતિ છે. આ પ્રકારની નીતિને કારણે, વારંવાર વિવાદો ઊભા કરવાથી સમાજમાં ભાગલાવાદી તત્ત્વો મજબૂત બને છે. કર્ણાટકમાં હિજાબ પહેરવાના મુદ્દે વિવાદ ઊભો કરાયો, તે પછી ત્યાં જ હલાલ માંસ ખરીદવું કે ના ખરીદવું અને મુસ્લિમ કસાઈઓ પાસેથી ખરીદવું કે ના ખરીદવું તેનો વિવાદ જાગ્યો. કોઈએ વળી કહ્યું કે મંદિરની આસપાસ મુસ્લિમ ફેરિયાઓને વેપાર ના કરવા દેવો. મંદિરોની આસપાસના વિસ્તારમાં માંસ-મચ્છીની દુકાનો ના રહેવા દેવી કે પછી મસ્જિદ પર લાઉડ સ્પીકરથી અઝાન પોકારવામાં આવે છે તેને બંધ કરાવવા કોર્ટનો આદેશ મેળવવાની વાત કોઈએ ઉઠાવી. આ રીતે એક પછી એક વિવાદો ઊભા કરીને અને તેને જીવંત રાખીને ભાગલાવાદી તત્ત્વોને પ્રોત્સાહન આપવાનો મૂળ હેતુ છે તે દેખાઈ આવે છે.
દિલીપ ગોહિલ (DG): ભાગલાવાદી તત્ત્વો નબળા પડે અને દેશની એકતા વધે તે માટેના પ્રયાસોને પ્રોત્સાહન મળવું જોઈએ એવું નથી થતું તે વાત સાચી. પણ આ બાબતમાં મને લાગે છે કે બધા પક્ષોની જવાબદારી હોવી જોઈએ. એક હાથે તાળી ના પડે તેમ એક જૂથની વિભાજનની નીતિ પણ જો પ્રતિસાદ ના મળે તો ચાલે નહીં. હિજાબમાં વિવાદ ચગાવવા માટે સ્ટુડન્ટ્સ ફ્રન્ટ ઑફ ઇન્ડિયાને પણ રસ હોય તે દેખાઈ આવતું હતું. મુસ્લિમ અગ્રણીઓ અને વિદ્વાનો પણ કહી રહ્યા હતા કે ધર્મમાં હિજાબ પહેરવાની વાત ફરજિયાત નથી અને તે ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી, ત્યારે મુસ્લિમ કન્યાઓને શિક્ષણ પર ધ્યાન આપવાનું સમજાવવાને બદલે કેટલાંક તત્ત્વો - 'તમારે તો હિજાબ પહેરવો જ જોઈએ. તમારા માટે એ જ ધર્મનું પાલન છે' - એવી વાતો ઠસાવવાની કોશિશ કરતા હતા તેના કારણે જ વિવાદ વધ્યો હતો. હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતી જ હતી અને હજીય ઘણી શાળાઓમાં પહેરે છે. બંને બાજુનાં અમુક તત્ત્વોને કાબૂમાં રખાયાં હોત તો વિવાદ આગળ ના વધ્યો હોત.

HS: આવી વાતોમાં કોને રસ છે? લોકોના મનમાં વિખવાદની જગ્યાએ નિરાકરણની વાત જગાવવાનો પ્રયાસ કરવામાં કોઈને રસ નથી. તેનાથી ઊલટું કરીને કરોડો લોકોના દિમાગમાં ઝેર ભરવાના પ્રયાસો થઈ રહ્યા છે. હિંદુ અને મુસ્લિમ, હિન્દુ અને મુસ્લિમ એવી રીતે દ્વિભાજનની રીતે જ તમામ બાબતો જોવી છે. ધર્મના મામલે વિખવાદ કરવાની જરૂર નથી એવું વિચારવું જ નહિ. ધર્મની વાત આવે ત્યારે જડતા દાખવવી, પરંપરાના નામે અતાર્કિક વાતોને ચગાવવી આ પ્રકારની માનસિકતા ઊભી કરી દેવામાં આવી છે.
DG: પ્રજામાં અમુક પ્રકારની માનસિકતા ઊભી કરીને સ્થાપિત હિતો શેનો ફાયદો લેવા માગતા હશે? આ બાબતમાં પણ વિચારવું જોઈએ. આ પ્રકારના વિખવાદોના મૂળમાં શું છે તે વાત વધારે સ્પષ્ટ રીતે લોકો સુધી પહોંચાડવી જોઈએ. તેના બદલે આ પ્રકારના કોઈ પણ વિવાદ કે વિખવાદ જાગે ત્યારે તેની પાછળ રાજકારણ છે એમ કહીને પ્રતિકાર કે પ્રતિસાદ થાય છે. એક તરફથી કદાચ રાજકારણ થતું પણ હશે, તોય સામા પક્ષે રાજકારણનો જવાબ આપવાના બદલે વિવાદની પાછળ સમાજકારણને થઈ રહેલા નુકસાનની વાત કરવામાં આવે તો પણ કંઈક સાર નીકળે.

HS: પણ એ વાસ્તવિકતા ભૂલી શકાય તેમ નથી કે ચૂંટણીઓમાં લાભ લેવા અને સત્તા મેળવવા માટે જ ધ્રુવીકરણ કરવામાં આવે છે. બેકારી, ગરીબી અને મોંઘવારી જેવા પાયાના સવાલો ઊભા જ છે. આ બધા જ મુદ્દા નાગરિકોના જીવનને સીધી રીતે સ્પર્શે છે. ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો શું નાગરિકોને સ્પર્શતો નથી. આ ઉપરાંત સરકારોનું કુશાસન અને સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઊભા જ છે, પરંતુ આ પ્રકારના વિવાદો ઊભા કરો એટલે તે પડદા પાછળ જતા રહે. મૂળ મુદ્દાની ચર્ચા જ ના થાય અને વિવાદમાં મૂળ વાત વિસારી પાડે દેવાય. તેને માટેની જ આ ચાલ છે, આ એક પ્રકારનું કાવતરું છે કે નાગરિકોને સ્પર્શતા મુદ્દાને ચર્ચામાં ના આવવા દેવા. ચર્ચામાં આવે તો સરકારોની ખામીઓ ઊડીને આંખે વળગે. તેથી આંખની સામે, મગજની સામે કંઈક બીજું જ રજૂ કરો. એક ચર્ચા ટાળવી હોય ત્યારે બીજી ચર્ચા ઊભી કરવી પડે અને એ ચર્ચા, ચર્ચા કરતાં વિવાદ સ્વરૂપની હોય તો વધુ લાંબી ચાલે. આ ચાલ સમજવાની જરૂર છે અને એ જ વિખવાદોના મૂળમાં છે.
DG: એક પક્ષ પોતાની વહિવટી નિષ્ફળતાઓ છુપાવવા માટે વિવાદો જગાવે ત્યારે સામા પક્ષે સાવધ થઈ જવું જોઈએ. ચૂંટણીઓ માટે ધ્રુવીકરણ થાય છે તે વાત સાચી જ છે. એ વાત મોટા ભાગના લોકોએ સ્વીકારી પણ લીધી છે, પણ તેને ટાળવી કેમ તેના માટે પ્રયાસો થતા નથી. એક તરફી ધ્રુવીકરણથી ફાયદો થાય છે તે જોઈને બીજી તરફના ધ્રુવીકરણનો ફાયદો લેવાની હોડ ચાલે છે. સરવાળે ચૂંટણીમાં સ્પર્ધા થાય છે, પણ નાગરિકોના મુદ્દા માટે, તેમના હિત માટે નહીં, પણ માત્ર મતબેન્ક ઊભી કરીને જીતી લેવા માટેની. તેમાં એક પક્ષ જીતી જાય, બીજો વિપક્ષપદે રહીને મેળવાય તેટલો ફાયદો લઈ લે, પણ બેમાંથી એકેયને પછી નાગરિકોને પરવા રહેવાની નથી.

HS: રાજકારણમાં પક્ષો ધ્રુવીકરણ કરવાની કોશિશ કરશે તેનો સામનો તો હજીય કરી શકાશે, પરંતુ વધારે ગંભીર બાબત એ પણ છે કે કાયદાના શાસન જેવું કશું રહ્યું નથી. સરકાર કોઈની પણ બને, કાયદા અને નિયમપાલન ચાલવા જોઈએ, બંધારણની ભાવનાનો અમલ થવો જોઈએ. થયું છે એવું કે કાયદો અને નિયમો સરકાર અને ભાજપ ઘોળીને પી ગયાં છે. તેને પરિણામે લગભગ અંધાધૂંધી જેવી સ્થિતિ પ્રવર્તે છે.
ભાજપને એમ લાગે છે કે આ હિન્દુત્વને સહારે તેઓ ચૂંટણીઓ જીતશે અને જીતે છે પણ ખરા. એટલે તેઓ આવા મુદ્દા ઊભા કર્યા જ કરે છે. આ વિવાદોની હારમાળા એટલે જ સર્જાઇ છે. ચૂંટણી ના હોય ત્યારે પણ શા માટે મામલાને શાંત રાખવો?
DG: કાયદો અને નિયમપાલન લોકશાહીમાં સૌથી અગત્યનાં છે, યસ. એના પર ભાર મૂકવાની જરૂર છે. દાખલા તરીકે મસ્જિદો પર વાગતાં લાઉડ સ્પીકર. બીજાં ધર્મસ્થાનો પર પણ લાઉડ સ્પીકર લગાડેલાં છે. અહીં કાયદો શું કહે છે? કાયદો કહે છે કે મંજૂરી મળી હોય તે સમય પૂરતો જ લાઉડ સ્પીકરનો ઉપયોગ થવો જોઈએ. તેનો અવાજ કેટલો મોટો એટલે કે કેટલાં ડેસિબલ હોવો જોઈએ તેના પણ નિયમો છે. માત્ર ધાર્મિક સ્થાનો નહીં, પણ સામાજિક મેળાવડામાં કે લગ્ન જેવા પ્રસંગે લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય તેના પણ નિયમો છે (અને ના હોય તો વધારે સ્પષ્ટતા સાથેના બનવા જોઈએ). જરૂર માત્ર આ નિયમપાલનની છે. તેના બદલે મોકો જોઈને આવી માત્ર કાયદાપાલનની બાબતમાં પણ વિવાદ ઊભા કરી દેવામાં આવે છે. પણ તે વખતે વિપક્ષ અને જાગૃત નાગરિકે સાવધ થઈને, વિવાદ વધારવાના બદલે માત્ર કાયદાપાલનની અને અદાલતી માર્ગે અને વાટાઘાટ મારફતે ઉકેલની વાત કરવી જોઈએ.

HS: એવું કરી શકાય છે, પણ એ ના ભૂલવું જોઈએ કે આવા મુદ્દા ઊભા કરવાથી. તે મુદ્દાને કારણે માહોલ ઉગ્ર બને ત્યારે તેનાથી તોફાનો થવાથી ડરનો માહોલ ઊભો થાય છે. એક પછી એક વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે તેના કારણે ખાસ કરીને મુસ્લિમોમાં એક પ્રકારે વંચિતતાનો ભાવ જન્મી રહ્યો છે. મુસ્લિમો પ્રત્યે ધિક્કારની લાગણી હિંદુઓમાં મજબૂત બનતી જશે તો તે દેશ માટે લાંબા ગાળે ખતરનાક સાબિત થઈ શકે છે. વિપક્ષો આવા ભાગલાવાદી મુદ્દાઓનો સામનો કરવા માટે અસમર્થ સાબિત થાય છે. પણ સવાલ એ છે કે વિપક્ષો કરે તો કરે પણ શું? જો તેઓ લોકશાહી અને માનવ અધિકારોનાં મૂલ્યોની વાતો કરે ત્યારે તેમને તુષ્ટિકરણ કરનારા, બહુમતી વિરોધી ગણી દેવામાં આવે છે. તો પણ વિપક્ષે આ લોકતાંત્રિક મૂલ્યોને કેન્દ્રમાં રાખીને, એક થઈને ભાજપ અને સંઘ સામે લડત આપવી જોઈએ.
વિપક્ષોએ લોક આંદોલનોને સક્રિય ટેકો આપવાની જરૂર છે. લગભગ અર્ધસત્ય કે અસત્યને આધારે શાસન ચાલી રહ્યું છે ત્યારે નાગરિક સમાજની ભૂમિકા લોકશિક્ષણની અને નાગરિક સ્વાતંત્ર્યને ટકાવવાની છે.
DG: સૌ પોતાની સકારાત્મક ભૂમિકા સમજે તો વિખવાદ અટકે એટલી સાદી વાત છે. પણ સાદી વાત જલદી સમજમાં આવતી નથી. વિવાદમાં પોતાનો ફાયદો પણ ઘણી વાર સંબંધિત પક્ષોને દેખાઈ જતો હોય છે, ત્યારે ઉકેલના બદલે બધા પક્ષો પોતાના ફાયદામાં તેને થોડો ચગાવી લેવાનું પસંદ કરી લે છે. લાંબા ગાળે દેશનું શું થશે તેની કદાચ કોઈને ચિંતા નથી. લાંબા ગાળે શું થશે તેની ચિંતા ક્યાં કોઈ કરે છે - ઇન્સ્ટન્ટ એજમાં ટૂંકા ગાળામાં ફાયદો થઈ જતો હોય તો હાઉં. રાજકીય પક્ષો પર આશા ઓછી છે, નાગરિક સમાજ પર આશા હજીય ટકી છે કે પોતાના વ્યક્તિ સ્વાતંત્ર્યને ટકાવી રાખવા માટે વિવાદી મુદ્દા મૂળિયાં ના નાખી જાય તેનો ખ્યાલ રાખે.
(પ્રોફેસર હેમન્તકુમાર શાહ અને દિલીપ ગોહિલ બંને સાંપ્રત પ્રવાહોના વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...