તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:જે સંબંધ નિભાવી શકાય તેમ ના હોય તેને એક સુંદર વળાંક આપીને છોડી દેવો જોઈએ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક જિંદગીમાં માણસ અનેક સંબંધથી બંધાય છે. જન્મથી મૃત્યુ સુધી અવનવા અને નીતનવા સંબંધો તેની રાહ જોતા હોય છે. સમાજમાં રહેતો દરેક માણસ સંબંધનો છાંયડો પામે છે. માણસ એકલો રહી શકતો જ નથી. એકાકીપણા નામના મનગમતા પ્રદેશમાં માણસ વિહરી શકે પણ એકલતા તો તેને પીડે જ. એકલતા તો તેને ડંખ જ મારે. એટલે જ તો માણસે સમાજ રચ્યો અને સંબંધ નામની ડિઝાઈનથી તેનો આકર્ષક અને સુંદર ચંદરવો પણ સર્જ્યો.

સંબંધ એક હરિયાળો પ્રદેશ છે. સંબંધો નામની વનરાજી માણસની જિંદગીને લીલીછમ અને હરિયાળી રાખે છે. સંબંધો માણસને પ્રેમ વ્યક્ત કરવાની મસ્ત અને સુંદર તક આપે છે. સંબંધો માણસને જીવવાનું પ્રયોજન આપે છે. સંબંધોથી માણસમાં ઊર્જાનો સંચાર થાય છે અને તેને ઉત્સાહ પણ મળે છે. સંબંધો જીવનને રસપ્રદ બનાવે છે અને જીવવા જેવું પણ. જીવનના રંગોના પાયામાં સંબંધો હોય છે.

સંબંધ બંધાય છે ત્યારે માણસ પણ બંધાય છે. ખરેખર તો માણસ બંધાય છે તેથી જ સંબંધ બંધાય છે. દરેક સંબંધનું દાયિત્વ હોય છે. દરેક સંબંધની જવાબદારી હોય છે. કાયમી સંબંધો હોય છે તેમ કામચલાઉ સંબંધો પણ હોય છે. બધા સંબંધ તેની નિયત મંઝિલ સુધી પહોંચી શકતા નથી. ખાસ કરીને પ્રેમમાં પડતાં દરેક યુવક-યુવતીઓ પ્રેમથી ભરેલા સંબંધને મંઝિલ સુધી નથી પહોંચાડી શકતાં.

ઘણા પ્રેમીજન પોતે જેને પ્રેમ કરતા હોય તેની સાથે જોડાઈ ન શકે તો કોઈ આકરું પગલું ભરતા હોય છે. કોઈ પ્રેમી કે પ્રેમિકા એવાં હોય છે કે જો તેઓ જીવનભર માટે જોડાઈ શકે તેમ ન હોય તો એકબીજાને ભૂલી જઈને, અલગ અલગ જગ્યાએ લગ્ન કરીને જીવનમાં સ્થિર થાય છે. તેઓ એકબીજા માટે મનમાં આદર અને પ્રેમ બરકરાર રાખે છે. જો એક ના થઈ શક્યાં તો પરિસ્થિતિનો સ્વીકાર કરીને હૃદયના એક ખૂણામાં પ્રેમની સુગંધને સાચવીને તેઓ જીવન જીવે છે. ઘણાં વળી પ્રેમમાં એક ન થઈ શકતાં મોતને વહાલું કરે છે.

પ્રેમ બદનામ થાય એવું પણ ઘણા કરે છે. જેમ કે, કોઈ યુવક પ્રેમિકા પર એસિડ ફેંકે છે. વળી, કોઈ હુમલો કરે છે. આ કંઈ સાચા પ્રેમનાં ઉદાહરણો હોતાં નથી. સાચો પ્રેમ તો સમર્પણ માગે છે. પ્રેમનો પંથ આમેય કાંટાથી ભરેલો હોય છે. અનેક વખત એવું બને કે જેની સાથે પ્રેમ હોય તેની સાથે લગ્ન ના થાય. તો શું કરવાનું? અભિનેત્રી રેખાએ જે કર્યું એવું પણ કરી શકાય.

રેખા અને અમિતાભનો પ્રેમસંબંધ કાયમ ચર્ચામાં રહ્યો છે. અમિતાભ હિંદી ફિલ્મોના સુપરસ્ટાર છે તો રેખા પણ નિવડેલાં અભિનેત્રી છે. બંનેએ એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મી પડદે અઢળક પ્રેમ પણ કર્યો છે. કદાચ થોડોક પ્રેમ રિયલ લાઇફમાં પણ કર્યો હોય. પ્રેમવાળી ફિલ્મો સફળ થાય, પણ જીવનનો પ્રેમ કદાચ સફળ ન પણ થાય. રેખા પ્રેમ વિશે શું માને છે? ખાસ કરીને અમિતાભ સાથેના પોતાના પ્રેમ વિશે?

‘દો અન્જાને’ ફિલ્મનું શુટિંગ ચાલતું હતું. બોની શ્રીકાંત, અમિતાભ અને રેખા, બોની શ્રીકાંતના ઘરે પત્તા રમતાં હતાં. એ વખતે અમિતાભ જાણીજોઇને હારી ગયા હતા. કેમ? રેખા કહે છે, ‘એ દિવસે કોલકાતા દિવાળીની રોશનીથી ઝળહળી રહ્યું હતું, અમે લોકો પત્તા રમતાં હતાં. અમિતજી ઇરાદાપૂર્વક હારી ગયા હતા કારણ કે, એ એવું માનતા હતા કે પત્તાની રમતમાં હારવાથી પ્રેમમાં જીતી શકાય છે.’ એવું હોય કે નહીં તેની ખબર નથી પણ અમિતજીનું એવું માનવું અને હારવાનું ખોટું પૂરવાર થયું. (કદાચ હુકમનાં પાનાં જયા બચ્ચન પાસે હતાં.)

રેખા અમિતાભને ચેન્નાઇ એરપોર્ટ પર પહેલીવાર મળ્યાં હતાં. એ વખતે નવીસવી અભિનેત્રી યોગિતા બાલીએ અમિતાભ અને રેખાનો પરિચય કરાવ્યો હતો. રેખા કહે છે કે, ‘એમણે વધુ વાતચીત નહોતી કરી. છાતી પર હાથની ચોક્ડી મારીને અદબ વાળીને ઊભા હતા. એમણે હા-હું જેવા એકાક્ષરી જવાબ આપી મારી સાથે થોડી વાત કરી. પરસ્પર પરિચય થયા પછી છૂટાં પડતી વખતે એમણે હસીને માથું હલાવ્યું.’ અલબત્ત, રેખા અમિતાભ સાથેની પહેલી મુલાકાતમાં તેમનાથી સહેજ પણ પ્રભાવિત થયાં નહોતાં.

'તે સમયે હું પહેલીવાર અમિતજીને મળી ત્યારે મને એમનામાં ખાસ કશું ન જણાયું. ઇમ્પ્રેસ થઇ જવાય કે એ એક જબરજસ્ત અભિનેતા છે એવું કશું જ નહોતું એમના વ્યક્તિતવ્માં.' ભલે અંગ્રેજીમાં ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન’ કહેવાતું હોય પણ હિંદી ફિલ્મોની આ સફળ જોડીના કિસ્સામાં એ સાચું પૂરવાર નહોતું થવાનું. રેખાની અમિતાભ માટેની આ પહેલી છાપ બહુ ઝડપથી બદલાઇ જવાની હતી અને રેખા ‘અમિતાભમય’ બની જવાની હતી. રેખા કહે છે, ‘મુંબઇના અપ્સરા થિયેટરમાં ‘દિવાર’ના પ્રીમિયર શોમાં મને આમંત્રણ હતું. અપ્સરામાં દિવાર જોતાં-જોતાં હું એ માણસને પ્રેમ કરવા લાગી.

આ મનસ્થિતિમાં રેખા ‘દો અન્જાને’નું શુટિંગ કરવા કોલકાતા ગયાં. ફિલ્મના નાયક અમિતાભ એમના કરતાં પહેલાં કોલકાતા પહોંચી ગયા હતા. અને હા, એ વખતે તેમણે રેખાના હૃદયના પ્રવેશ દ્વારની ડોરબેલ પર આંગળી પણ મૂકી દીધી હતી. ‘દો અન્જાને’ ફિલ્મના શુટિંગ વખતે રેખા દ્વારા અમિતાભને વધુ ઉંડાણથી અને સાવ નિકટથી જાણવાનો ઉપક્રમ શરૂ થયો. આ ઉપક્રમ સ્ટુડિયોમાં અને સ્ટુડિયોની બહાર પણ ચાલ્યો. રેખા તેમની ભાષા પરના પ્રભુત્વથી સ્તબ્ધ થઇ ગયાં હતાં.

અમિતાભને જોયા પછી રેખાને થયું કે અભિનયને હળવાશથી ન લેવો જોઇએ. એ પછી રેખામાં ગંભીરતા આવી. રેખાએ ફાલતુ વાતો બંધ કરી. અમિતાભ અભિનય કરતા હોય ત્યારે રેખા અભિનયના બધાં જ પાસાંને ધ્યાનથી નિહાળવા લાગ્યાં. અત્યંત મુગ્ધ બની અને અભિનય સાથેની સંકળાયેલી બીજી ખાસિયતોનું પણ અનુકરણ કરવા લાગ્યાં. અભિનય આટલી સહનતાથી થઇ શકે છે તે જોઇને તેમને નવાઇ લાગતી. જેમ-જેમ રેખા તેમની ખૂબીઓથી પરિચીત થતાં ગયાં તેમ તેમ ખેંચાણ અનુભવવા લાગ્યાં. એમના માટે રેખાનો આદર અને પ્રેમ દ્વિગુણિત બનતાં ગયાં. એમ કહો કે અમિતાભ પાસેથી રેખાએ અભિનયના અને આત્મવિશ્વાસના પાઠ શીખ્યા.

રેખા કહે છે કે, 'ફિલ્મના એક દૃશ્યમાં મારે સિગારેટ સળગાવવાની હતી. મેં પહેલી વાર સિગારેટ હોઠ પર લગાડી. એ પહેલાં મેં સિગારેટને ક્યારેય સ્પર્શ કર્યો નહોતો. મેં સિગારેટ પીવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મને ઉધરસ આવવા લાગી. બરાબર એ વખતે અમિતજી આગળ આવ્યા. મારી પાસે આવીને એમણે મને બતાવ્યું કે સિગારેટ કેવી રીતે હોઠ વચ્ચે દબાવાય, એને કેવી રીતે સળગાવાય, કેવી રીતે એનો કશ લેવાય. એમણે મને કહ્યું હતું, ‘કશ લઇ ધુમાડો મોંમા રાખવો. ધુમાડાને અંદર નહીં ખેંચી લેવાનો નહીંતર ઉધરસ આવશે.' રેખાને આ સ્પર્શી ગયું કારણ કે, અગાઉ આટલી ઇચ્છાથી તમને આટલું શીખવ્યું નહોતું. આ રીતે કોઇએ ધ્યાન આપ્યું નહોતું.’ પછી નાની-નાની ઘટનાઓથી બંને અકબીજાની નીકટ આવવા લાગ્યા.

ખાસ તો રેખામાં એક અદ્‌ભૂત પરિવર્તનની મન અને કાર્ય દ્વારા શરૂઆત થઇ. રેખા પોતાના અભિનયમાં આવેલા સુધારામાં અમિતાભને યશ આપે છે. અભિનય, ચહેરો, મેકઅપ અને વ્યક્તિત્વનો વિકાસ એ બધી બાબતોમાં રેખાએ અમિતાભની પસંદ અનુસાર ફેરફાર કર્યા. હૃદયના ઉંડાણથી ચાહ્યા વગર આવું બનવું અશક્ય છે. રેખા કહે છે, ‘હું અજાણતાં જ કે બિલકુલ અભાનપણે એમની દરેક વાતને પસંદ કરતી ગઇ. એમણે જે કંઈ કર્યું તે મને ગમવા લાગ્યું. કોને ખબર મારામાં પણ અમિતાભ જેવા બનવાની ઇચ્છા થવા લાગી. હું તો એવું પણ વિચાર્યા કરતી હતી કે મારી અંદર અમિતાભના દસ જ ટકા પણ હોય તો પણ હું માનીશ કે મને ઘણું બધું મળી ગયું છે.’ અમિતાભ રાજકારણમાં ગયા એ જયાને ગમ્યું હોય કે નહીં પણ રેખાને બિલકુલ ગમ્યું નહોતું. આ વિશે રેખાએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.

રેખા અમિતાભને અને અમિતાભ રેખાને કયા નામથી બોલાવે છે? રેખા કહે છે કે, 'હું કોઇકની સાથે વાત કરતી હોઉં ત્યારે એમનો ઉલ્લેખ અમિતજી અથવા મિસ્ટર બચ્ચન કરું, પણ એમની સાથે વાત કરતી હોઉં ત્યારે અમિત, અમિતજી કે દા એવું કશું જ કહેતી નથી. હું તેમને કોઇ નામથી બોલાવતી નથી.' અમિતાભ રેખાને કયા નામથી બોલાવે છે? એનો જવાબ પણ રેખા પાસેથી જ જાણીએઃ ‘ના, એ પણ મને નામ લઇને નથી બોલાવતા.’ નામ વ્યક્તિનું કે સંબંધ માટે જરૂરી હોતું નથી કેટલાંક સબંધ નામ વિનાના હોય છે.

રેખાએ એક પરિપક્વ અને સાચી પ્રેમિકા તરીકે અમિતાભ માટેના પ્રેમની સુગંધને પોતાના જીવનમાં સાચવી રાખી છે. જે સંબંધ નિભાવી શકાય તેમ ના હોય તે સંબંધને બદનામ કરવાને બદલે એક સુંદર વળાંક આપીને છોડી જેવો જોઈએ...
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો