• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • A Lot Of Love Has Arisen And What Happens To You Even If It Is Yours Or Me? Behind Him Doing Wrong Housework Like This ... If You Haven't Seen It, You Are Doing Great Service !!

મારી વાર્તા:‘બહુ વહાલ ઊભરાઇ આવે છે ને તને એની પર પણ શું સગલી થાય છે તારી એ તો કે મને? તે આમ ઘરનાં કામ ખોટી કરે છે એની પાછળ... ના જોઇ હોય તો મોટી સેવા કરનારી!’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બહારની જાળી ખોલવાનો અવાજ આવ્યો એટલે પુષ્પાબાએ બહાર જોયું તો માયા હતી. માયા જાળી ખોલીને પરસાળમાં આવી અને પગમાથી ચપંલ કાઢ્યાં અને તેને ચંપલ રાખવાનાં સ્ટેન્ડમાં મૂકવા લાગી, પણ માયાને જોઇ એટલે પુષ્પાબાનો બબડાટ ફરી ચાલુ થઇ ગયો, 'મૂકી આવી તારી સગલીને? ના...ના... બધાયનાં ત્યાં કામવાળા હોય છે પણ તમારી જેમ તેમને કોઇ માથે નથી ચઢાવતું. દરેકને પોતપોતાના સ્થાને જ રાખવાના હોય નહીં તો પછી આપણા માથે બેસીને માછલા ધુએ. હા, પણ અહીં મારું સાંભળે છે જ કોણ! મનમાની જ કરવી છે આને તો.!’ માયા કંઈ બોલી નહીં. ચુપચાપ તે અંદર આવી અને રસોડાનું બાકી મૂકેલું કામ આટોપવા લાગી.

'મોમ... આવી ગઇ તું? ઇટ્સ ઓકે દાદી. મોમ, મારું લંચ રેડી છે? તો જલ્દી પેક કરી દે ને એટલે હું નીકળું. આજે તો મોડું થઇ ગયું છે.’ દીકરાએ બુટ-મોજાં પહેરતાં તેને કહ્યું.

'રેડી છે બેટા, બસ પેક કરી દઉં એટલી જ વાર. તે દૂધ પીધું? બુસ્ટ નાખવાનું બાકી હતું.’ બોલતાં બોલતાં માયાએ ફટાફટ દીકરાની બેગમાં દરરોજની જેમ લંચબોક્સ, સલાડનો ડબ્બો તથા છાશની બોટલ મૂકી. દીકરો બાય કહીને ઓફિસ જવા નીકળ્યો.

‘કેમ આટલું બધું મોડું થયું? ડોક્ટર સાથે વાત તો થઇ ગઇ હતી તો પછી તેની સેવા કરવા રહી હતી!' પતિની નારાજગી અછતી ન રહી.

'લક્ષ્મીને ચક્કર આવતાં હતાં એટલે તેને રિક્ષામાં એકલી મોકલતાં જીવ ન ચાલ્યો. વળી, ભૂખ્યા પેટે દવા ન લેવાય એટલે તેને ચા-નાસ્તો કરાવ્યો અને દવા પીવડાવી એટલે થોડી વાર લાગી.

'માયાએ ધીમેથી જવાબ આપ્યો. 'ઓહો...હો...હો...! બહુ વહાલ ઊભરાઇ આવે છે ને તને એની પર હ...અ...! પણ શું સગલી થાય છે તારી એ..કે તો મને...? તે આમ ઘરનાં કામ ખોટી કરે છે એની પાછળ...ના જોઇ હોય તો મોટી સેવા કરનારી! 'પુષ્પાબાએ માળા ફેરવતા ફરી બબડાટ ચાલુ કર્યો.

'જો માયા તને ક્યારેય કોઈ બાબતે ટોકતો નથી કે ના પાડતો નથી પણ બા કહે છે તે સાચું છે. તું એને (લક્ષ્મીને) દવાખાને તો લઇ ગઇ પછી એને રિક્ષામાં ઘરે મોકલી હોત તો ના ચાલત? તારી જવાબદારી ત્યાં પૂરી થઇ જાય ને? ઘર સુધી લાંબા થવાની ક્યાં જરૂર હતી? તને એવું નથી લાગતું કે આ બધું વધારે પડતું કરી રહી છે?' પતિ નાસ્તો કરતા બોલ્યો.

માયાએ કોઈ જવાબ ન આપ્યો. તેણે ચુપચાપ દરરોજની જેમ જ પતિના હાથમાં લંચબોક્સની બેગ તથા ઓફિસબેગ પકડાવી. પતિની કાર દેખાતી બંધ થઇ એટલે તે ઘરમાં આવી. આજે તો આમ પણ કામનું મોડું થઇ ગયું હતું અને લક્ષ્મી આવવાની ન હતી એટલે તેણે કામની ઝડપ વધારી. સાસુને જાતે ચા બનાવીને પીવી પડી છે એટલે બરોબરના ખીજાયેલાં હશે એનો માયાને ખ્યાલ હતો એટલે તેમનો બબડાટ કાને ન પડે તેની સાવધાની રાખતાં તેણે ઘરનું કામ પતાવ્યું, પણ સવારથી દોડધામ કરીને તે ખૂબ જ થાકી ગઇ હતી. એટલે જમ્યા પછી ‘વાસણ મોડાં સાફ કરીશ’ એવું સ્વગત બોલતાં તેણે વાસણ ચોકડીમાં મૂક્યાં.

તેણે ન્યૂઝ પેપર હાથમાં લીધું અને બેડરૂમમાં જઇને પલંગમાં આડી પડી. વધારે કામ પહોંચવાને કારણે તેની કમરમાં સખત દુખાવો થવા લાગ્યો હતો એટલે તેણે ઊઠીને કમરમાં દુખાવો મટાડવાની ટ્યૂબ લગાવી અને ફરી પલંગમા આડી પડી અને પેપર વાંચવાનો પ્રયત્ન કરવા લાગી પણ થાકનાં કારણે વાંચવામાં મજા ન આવી. તેને લક્ષ્મીની વારંવાર યાદ આવવા લાગી. અત્યારે તે હાજર હોત તો! માયા વિચારી રહી. લક્ષ્મી તેની કામવાળી હતી. તેના ઘરની સાથે આજુબાજુનાં ઘરનાં પણ તે કામ કરતી હતી પણ તેને માયા સાથે સારું ફાવી ગયું હતું. સામે માયાને પણ પહેલાંની કામવાળી કરતાં લક્ષ્મી સાથે વધારે ફાવતું હતું. લક્ષ્મી તેની બધી વાતો, સુખ-દુ:ખ માયા સાથે વહેંચતી અને નાણાકીય મુશ્કેલીમાં હંમેશાં માયાની મદદ માગતી અને માયા પણ તેનો સહારો બનતી.

માયાની તબિયત નરમ-ગરમ રહ્યા કરતી. તેમાં પણ કમરનો દુખાવો તો એનો દરરોજનો સાથી બની ગયો હતો પણ માયા તેને ગણકારતી નહીં અને ઘરના સભ્યો પ્રત્યેની જવાબદારી પ્રેમથી નિભાવતી જતી. નણંદ-દિયર સાથેના તથા સગાં-સબંધી સાથેના વ્યવહાર પણ સાચવી લેતી. ક્યારેય સાસુને, પતિને કે દીકરાને ફરિયાદનો મોકો આપતી નહીં. દરેકની સગવડો સચવાઈ રહેતી. તેમની નાની-નાની બાબતોનું પણ તે ધ્યાન રાખતી. અરે, સહેજ અમથું માથું દુખતું હોય તો પણ તે આકુળ-વ્યાકુળ બની જતી અને તેમની પૂરી કાળજી રાખતી. જ્યારે પોતાને!!

એક દિવસ તેને સખત તાવ આવ્યો હતો. શરીર પણ પુષ્કળ દુ:ખતું હતું. તેનાથી ઊભું પણ થવાતું નહોતું. તેણે પતિને જણાવ્યું. ‘દવા લઇ લે.‘ સૂચન આવ્યું અને પછી પતિ પોતાનાં રોજિંદા કાર્યમાં પરોવાઇ ગયો. 'આજે તું આરામ કર, લંચ બહાર કરી લઇશ!' પતિ બોલ્યો અને ઓફિસ જવા આજે જલ્દી નીકળી ગયો. 'મોમ. ટેક અ રેસ્ટ. હું પણ બહાર લંચ પતાવીશ. તારી દવા લઇ લેજે. 'દીકરો પણ ઓફિસ જતાં કહેતો ગયો.

'તને સારું નથી ને તો આરામ કર' અને બેડરૂમનો દરવાજો ધડામ કરતો બંધ થયો. (બધાએ પોતાની ફરજ જાણે કે પૂરી કરી હતી કે પછી તેમની આટલી જ ફરજ હતી.) માયાને માથું પણ સખત દુખતું હતું. જાણે કે હમણાં જ માથું ફાટી જશે. તેણે માંડ માંડ ઊભા થઇને પતિનો હાથરૂમાલ લીધો અને માથે બાંધ્યો. સવારમાં છ વાગતામાં તો તેને ચા જોઇએ જ અને આજે નવ વાગ્યા હતા. તેને કારણે પેટમાં મોળ જેવું પણ લાગતું હતું. તેનાથી રડી જવાયું અને ત્યાં તો...

'ભાભી... શું થયું? તાવ આવે છે? બાપ રે! તમારું શરીર તો ધખે છે! ઊભા રો! હું માથે પોતા મૂકું છું. શરીર ય બહુ દુખતું હશે, નહીં? દવા લીધી કે નહીં? ચા કે પછી બીજું કંઈ પેટમાં નાખ્યું છ ક...નય? 'પ્રશ્નોની વણઝાર સાથે લક્ષ્મીનાં હાથ કામ કરતા રહ્યા. માયા ના પાડતી રહી અને લક્ષ્મીએ તેનું શરીર અને માથું દબાવી આપ્યું. વાળમાં તેલનો મસાજ કર્યો. સાસુ બબડતા રહ્યાં હતાં તોય આદુ–ફુદીનાની ચા કરીને માયાને પીવડાવી હતી. માયાનું શરીર પણ જાણે કે આવા પ્રેમાળ સ્પર્શની જ રાહ જોઇ રહ્યુ હતું! તેને બહુ સારું લાગ્યું હતું. કામવાળીની જગ્યાએ તેને જાણે કે પોતાના સ્વજનની હુંફ-કાળજી મળી રહ્યાં હોય એવું તેણે અનુભવ્યું. લક્ષ્મીમાં તેને તે દિવસે પોતાની મમ્મી અને બહેન દેખાઇ રહી હતી. તેનાં આ કમરનાં દુખાવાને તે જ ગંભીરતાથી લેતી હતી અને બને એટલું તેને સહાયરૂપ થયા કરતી.

માયાને દુખાવામાં પણ હસવું આવી ગયું. પતિ તથા સાસુનાં પ્રશ્ન પર કે, ‘લક્ષ્મી તારી શું સગી થાય છે?' અને તેને એકાએક કવયિત્રી કુમુદ પટવાની કાવ્ય પંક્તિઓ યાદ આવીઃ
‘પળપળનાંય પડે પ્રતિબિંબ, એવાં દર્પણ ક્યાં છે?
કહ્યાં વિનાય સઘળું સમજે, એવાં સગપણ ક્યાં છે?’
અને તે ફરીથી હસી પડી.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...