તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • A Journey Of Colors And Fragrances In The Vast Himalayas Is A Priceless Gift Given To Us By Nature UNESCO World Heritage Site 'Valley Of Flowers'

એક્સપ્લોર ઇન્ડિયા:મહાકાય હિમાલયમાં રંગો અને સુગંધની સફર એટલે કુદરતે આપણને બક્ષેલી અણમોલ ભેટ - યુનેસ્કો વર્લ્ડહેરિટેજ સાઈટ 'વેલી ઓફ ફલાવર્સ'

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડની ‘વેલી ઓફ ફ્લાવર્સ’ એટલે સુગંધોની સફર. આપણે હંમેશાં આપણી આસપાસ ઊંચી ઇમારતો જોવા ટેવાઈ ગયેલા છીએ. પરંતુ જે લોકો ખરેખર પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવે છે તેમણે ચોક્કસપણે આ ટ્રેક દ્વારા કુદરતના ખોળે ભમવું જોઈએ. અહીંની વિશાળતા જોઈને એવું લાગે કે માનવી ભલે ગમે તેટલી શોધ કરી લે, નવાં નવાં યંત્રો શોધી કાઢે, પરંતુ નિસર્ગના સર્જન સામે તે હંમેશાં પાંગળો જ રહેશે. કોઈપણ માનવી અથાગ પ્રયત્નો પછી પણ આવી ફૂલોની ઘાટી બનાવવા અસમર્થ છે. આ વિશાળ અને ખુબસુરત વિસ્તાર ખૂબ જ વિશાળ છે. પરિણામે નિર્જન હોય એવું દીસે. અહીંનું વાતાવરણ હંમેશાં શાંતિપૂર્ણ અને આહલાદક છે. અહીં જવાનો સમય જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો છે. સામાન્ય રીતે હિમાલય વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભૂસ્ખલન જેવી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ જુલાઈના અંતમાં જ અહીં બધાં ફૂલો એના સંપૂર્ણ રંગોમાં રંગાય છે એટલે એને એના વાસ્તવિક રૂપમાં જોવા માટે આ સમયગાળો જ શ્રેષ્ઠ છે.

આ વેલીમાં પાંચસોથી પણ વધુ પ્રકારનાં વિવિધરંગી ફૂલો જોવા મળે છે
આ વેલીમાં પાંચસોથી પણ વધુ પ્રકારનાં વિવિધરંગી ફૂલો જોવા મળે છે

ઘાંઘરીયાથી આગળ જતો બીજો ટ્રેક આપણા વેલી ઓફ ફ્લાવર્સ તરફ જાય છે. ત્યાં આશરે ચાર કિલોમીટર જેટલો ટ્રેક છે. અહીંથી પસાર થતા એવું લાગે કે જો રસ્તો જ આટલો સુંદર છે તો વેલી કેટલી રમણીય હશે. અહીંનો સફર દરેક પગલે કંઇક ને કંઈક નવું દૃશ્ય અને શ્રાવ્ય બંને રીતે આપે છે. આ સ્થળની એક બહુ જ ખાસ વાત એ છે કે આ વિસ્તાર સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. તમને ક્યાંય રસ્તા પર ફેંકાયેલાં પ્લાસ્ટિક નહીં દેખાય. રસ્તા પર એક મજાનું બોર્ડ દેખાશે જેના પર લખ્યું હશે, 'કુછ દેર બેઠ કર પ્રકૃતિ કે નજારો કા આનંદ લે.' વેલી ઓફ ફ્લાવર્સનો મિજાજ જ અલગ પ્રકારનો છે. વેલીમાં દાખલ થતાં જ એમ લાગે જાણે કોઈ કલ્પનાના પ્રદેશમાં પહોંચી ન ગયા હોઇએ. ચારે તરફ ગાઢ વનરાજી, વિશાળ પર્વતો, હિમશિખરો અને તેમની વચ્ચે દેખાતાં ગ્લેશિયર એ બધાનાં વર્ણન માટે શબ્દો ખૂટી પડે. ચોતરફ નજર કરીએ તો રંગબેરંગી, વિવિધ આકારોમાં અલગ અલગ રૂપરંગના અઢળક ફૂલો મરક મરક હાસ્ય કરતા જોવા મળે. આ વેલીમાં પાંચસોથી પણ વધુ પ્રકારનાં વિવિધરંગી ફૂલો જોવા મળે છે અને તેને પૂર્ણ રીતે ખીલવાનો સમય મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ વચ્ચેનો હોય છે.

વેલીમાં કેટલીક એવી ઔષધિઓ પણ મળી આવે છે જે સમગ્ર વિશ્વમાં અપ્રાપ્ય છે
વેલીમાં કેટલીક એવી ઔષધિઓ પણ મળી આવે છે જે સમગ્ર વિશ્વમાં અપ્રાપ્ય છે

વેલીમાં દાખલ થતાં જ આપણે ક્યારેય ન જોયેલાં એવાં ભિન્ન ભિન્ન આકારનાં પર્ણો અને વનસ્પતિ દિગ્મૂઢ કરી મૂકે છે. પ્રાચીન સમયમાં જેના પર લખાણ થતું એવાં ભોજપત્રોનાં વૃક્ષો પણ ઠેર ઠેર જોઇ શકાય છે. આ ઉપરાંત, જંગલી ગુલાબ, બ્રહ્મકમળ, બ્લુ પોપી જેવાં ફૂલો સાથે વેલીનું અપાર સૌંદર્ય કોઈપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દેશે. અહીંનાં સૌંદર્ય થકી કોઈપણ ઉંમરની વ્યક્તિ બાળકની માફક જિજ્ઞાસુ અને ઉત્સાહિત બની જાય. ઊંચી પહાડીઓ તેમજ તેની વચ્ચે આવેલા વિશાળ બુગ્યલો એટલે કે ઘાસનાં વિશાળ મેદાનો અને તેમાંથી પસાર થતાં ખળખળ વહેતાં સંગીતમય ઝરણાંઓ, હિમલાયનાં રંગબેરંગી પક્ષીઓના મધુર અવાજો, પવનના સુસવાટા, પાંદડાંઓનો અવાજ દરેક ભેગા મળીને એક કર્ણપ્રિય સંગીતમય ધૂનની રચના કરે છે અને આવી અદભુત ધૂનને માણતાં માણતાં અહીં જ હંમેશ માટે સ્થાયી થઇ જવાનું મન થઇ જાય એવું છે. આ વેલી માત્ર સૌંદર્યની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અહીં કેટલીક એવી ઔષધિઓ પણ મળી આવે છે, જે સમગ્ર વિશ્વમાં અપ્રાપ્ય છે. પક્ષીવિદો અને વનસ્પતિમાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે તો આ સ્થળ સ્વર્ગસમાં ખજાના જેવું કહી શકાય. અહીં પ્રકૃતિનું અજોડ સર્જન સમાં હિમાલયન મોનાલ, વિવિધ સનબર્ડ્સ, હિમાલયન વલ્ચર, ગોલ્ડન ઇગલ જેવા દુર્લભ પક્ષીઓ મુક્તપણે વિહરતાં આપણને મંત્રમુગ્ધ કરી મૂકે છે. ક્યાંક ધવલ વાદળોની ફોજ પહાડની ટોચ પર બેસીને પહાડો સાથે વાર્તાલાપ કરતી જોઈ શકાય તો વળી ક્યાંક વચ્ચેથી જગા કરીને અવનીને સ્પર્શતાં સૂર્યનાં કિરણો... આવું અઢળક છે અહીં જે આપણને બે ઘડી વિચારતા કરીને નિસર્ગ સાથે આપણ પરિચય કરાવે છે.

કોઈપણ આશય વિના ક્યાંક નીકળી પડવું હોય તો ઉત્તરાખંડની આ જગ્યા સર્વશ્રેઠ કહી શકાય. અહીં બધા જ સરળતાથી પહોંચી શકે છે. અહીં પહોંચવા માટે ઋષિકેશથી વાહનો સરળતાથી મળી રહે છે અને નજીકનું સૌથી મોટું માર્કેટ જોશીમઠ છે. જોશીમઠમાં એકાદ બે દિવસ રહીને અહીંનો આનંદ લઇ શકાય છે. નિસર્ગનો આનંદ જે સ્થળે મળે એ સ્થળે ખુલ્લા દિલથી લઇ લેવો જોઈએ કારણ કે, આજના આધુનિક યુગમાં ધીરે ધીરે કુદરત લુપ્તતાનાં આરે આવીને ઊભી છે. કુદરત સાવ જ આધુનિકતાની ગર્તામાં ધકેલાઈ જાય એ પહેલાં અહીંની ખુલ્લી હવામાં શ્વાસમાં અને અહીંના સત્ત્વ અને તત્ત્વને મનમાં ભરી લેવું જોઈએ.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)