તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેદવાણી:ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, પર્યાવરણનું નિકંદન જેવી વિશ્વવ્યાપી સમસ્યાઓમાં વેદોનું દર્શન માનવજાતનું એકમાત્ર આશ્રયસ્થાન બનશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ સર્જેલા પ્રાચીનતમ જ્ઞાનકોષ એવા વેદોમાં રજૂ થયેલી વાતો અત્યારે ઉપયોગી ખરી? આ ‘વેદવાણી’ કોલમ દર રવિવારે આપણને પ્રતીતિ કરાવશે કે હા, આજની સ્ટ્રેસફુલ લાઇફના દરેક ક્ષેત્રમાં વેદોનું ચિંતન ઉપયોગી છે એટલું જ નહીં, બલકે શાંતિની પરબ છે. તો આવો, વેદના જીવનદર્શનને જાણીએ-માણીએ અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પણ અનુભવીએ.

***
વેદસંહિતા શાશ્વત અને સનાતન છે. શાશ્વત એટલે અમર અને સનાતન એટલે ખૂબ પ્રાચીન, જેનો સમયકાળ ખાતરીપૂર્વક નિશ્ચિત ન કરી શકાય એવું. વેદવિદ્યાના ત્રણ મુખ્ય વિષયો છે જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસનાકાંડ. કર્મકાંડ અને ઉપાસનાકાંડ કાળક્રમે બદલાતા રહે એ સ્વાભાવિક છે. વેદના જ્ઞાનકાંડ અથવા સારભાગને વેદાંત અથવા ઉપનિષદ કહેવામાં આવે છે. તે આજેય જીવનના અનેક ક્ષેત્રોમાં પ્રસ્તુત છે. આધુનિક ભાષામાં કહીએ તો જ્ઞાન Knowledge, કર્મ Action અને ઉપાસના Dedication સફળતાની ત્રણ ચાવીઓ છે. જેને એકસાથે લગાડીએ તો સફળતા હાથ લાગે. વેદમાં નાસદીય સૂક્ત (વિશ્વની રચના), પૃથ્વી સૂક્ત, સૌમનસ સૂક્ત (સહકાર મંત્ર), રાષ્ટ્રસૂક્ત જેવા બહુ જ સુંદર સૂક્તો છે. આ મંત્રો વ્યક્તિગત અને સામાજિક જીવનમાં અત્યંત પ્રભાવશાળી પરિવર્તન આણી શકે તેવા છે. વેદમાં તત્કાલિન સમયના સરસ કથાનકો છે. જેમાં આર્યવર્તની (ભારત) ભૂગોળ અને ઇતિહાસ પણ જડી આવે છે. આ ઉપરાંત, અનેક ઋષિઓ અને ઋષિપુત્રોની રોચક જીવનકથાઓ પણ છે. આ બધું આપણે માણતા રહીશું!

વેદ શું છે?
વેદ ચાર છે; ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદને શ્રુતિ પણ કહેવાય છે. શ્રુતિ એટલે સાંભળેલું. સમાધિ અવસ્થામાં ઋષિએ ઝીલેલ દેવી સંદેશ એટલે વેદ. ઋષિ એટલે વૈજ્ઞાનિક, જે નવું નવું ખોળતા રહે અને નિ:સ્વાર્થભાવે જગતના કલ્યાણ માટે કામ કરતા રહે. ઋષિએ કરેલ દર્શનને આર્ષદર્શન કહે છે. તમે અગમ-નિગમ શબ્દ સાંભળ્યો હશે, ખરું ને મિત્ર! નિગમ એટલે વેદ. તે સિવાયના શાસ્ત્રો એટલે આગમ. વેદમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, રુદ્ર વગેરે દેવતાઓની સ્તુતિ, યજ્ઞ-કર્મકાંડ અને ઉપાસનાની પદ્ધતિઓ છે. આમ તો વેદ આધ્યાત્મિક દર્શન છે. જો કે, અથર્વવેદમાં રાજ્યનીતિ, અર્થનીતિ, ન્યાયદર્શન અને આરોગ્યવિજ્ઞાન જેવા અનેક વ્યવહારુ વિષયોની રસપ્રદ છણાવટ છે. ઋષિઓ દ્વારા થયેલ વેદિક દર્શનનો તેમના અનુગામીઓ દ્વારા વિસ્તાર થયો અને વેદની જુદી-જુદી શાખાઓ બની. ગોત્ર, શાખા અને પ્રવરનો આ જ અર્થ છે.

વેદ નથી માણસની રચના, એ તો છે પરમાત્માનો સાદ!
વેદની ત્રણ લાક્ષણિકતાઓ કહેવામાં આવી છે. અપૌરુષેય, અખિલ અને અનંત! અપૌરુષેય એટલે જે માણસે ન રચ્યું હોય એવું અથવા તો જેના કોઇ લેખક કે કોપીરાઇટ ન હોય એવું. નિસર્ગના સાંનિધ્યમાં અત્યંત શુદ્ધ જીવન જીવતા ઋષિએ અંતરના આકાશે ઝીલેલો પરમાત્માનો સાદ એટલે વેદ. મંત્ર શબ્દ માત્ર વેદ, ઉપનિષદ અને ગીતા માટે વપરાય છે. સંસ્કૃત સાહિત્યની અન્ય છંદબદ્ધ રચનાઓને શ્લોક કહેવાય. જેમ કે, રામાયણ કે મહાભારતના શ્લોક. આવું શા માટે? કારણ કે જે તે શ્લોકના રચયિતા કોઇ માણસ હોય, જ્યારે વેદમંત્રોનું ઋષિએ દર્શન કર્યું છે. મૂળ પ્રેરણાસ્રોત તો પરમાત્મા જ છે!

મંત્રશક્તિ શું છે?
કેટલાક મંત્રનાં દર્શન કેટલાક ઋષિએ કર્યાં એવું કહેવાય છે, નહીં કે લેખન કે કમ્પોઝિશન! દા.ત. ગાયત્રી મંત્રના દૃષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે. વળી દરેક મંત્રને દેવતા અને છંદ પણ હોય છે. દેવતા એટલે જે તે મંત્રના ઇષ્ટદેવ. જેમ કે ગાયત્રી મંત્રના દેવતા સવિતા સૂર્યનારાયણ છે. દરેક મંત્રનું એક ખાસ શબ્દ બંધારણ અને લય હોય છે. તેને છંદ કહેવાય છે. તમે તાળી પાડો અને જે અવાજ ગુંજે એ છંદ. છંદ માણસના અંદર અને બહારના પર્યાવરણમાં ખાસ સ્પંદનો ઉત્પન્ન કરે. આ વાઇબ્રેશનથી ઉત્પન્ન થતી એનર્જી માણસના તન-મનને સ્વસ્થ અને ચેતનવંતા કરે. એકધ્યાનપણે સતત કોઇ મંત્ર દ્વારા દેવતાની સ્તુતિ કે ધ્યાન કરવામાં આવે તો જે તે દેવતાની ઊર્જા માણસને પ્રાપ્ત થાય. ગાયત્રીમંત્રની સાધનાથી જીવનમાં દિવ્યતા આવે છે એવું ઘણા લોકોએ અનુભવ્યું છે.

વેદ- આધ્યાત્મિક પ્રવાસીની અનુભવગાથા
તત્ત્વમસિ કે અહં બ્રહ્માસ્મિ ગણગણવાના મંત્રો નથી. જગતના કણેકણ અને દરેક જીવ સાથે એકાત્મતા અનુભવવાની મથામણ છે. તત્ત્વમસિ એક રીતે પથ છે. એ પથના આપણે સહુ પ્રવાસી છીએ. કોઇ બે ડગલાં આગળ કોઇ બે ડગલાં પાછળ! અહીં વેદ શબ્દનો ખરો અર્થ પણ જડે છે. વેદ શબ્દનું મૂળ ‘વિદ્’ છે. ‘વિદ્’ એટલે જાણવું. જાણવું અને વાંચવું-સાંભળવું અલગ-અલગ બાબત છે. લાઓ ત્સુ કહે છે, ‘જે જાણે છે તે બોલતો નથી અને જે બોલે છે તે જાણતો નથી!’ જ્ઞાન અથવા જાણકારી અનુભવનું ખેતર છે, પ્રવચન કે વાદવિવાદનો વિષય નથી. Knowledge can’t be communicated or what is communicated isn’t Knowledge!

વેદ- એક વૈશ્વિક સંસ્કૃતિ
‘આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:’ (અમને વિશ્વમાંથી ચોતરફથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ), ‘શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા:’ (વિશ્વમાં વસતા હે અમૃત પરમાત્માના સંતાનો સાંભળો), ‘કૃણ્વતો વિશ્વમાર્યમ્’ (વિશ્વને સુસંસ્કૃત બનાવીએ) કે ‘વસુધૈવ કુટુમ્બકમ્’ (વિશ્વ એક પરિવાર છે!) જેવા અનેક મંત્રો દ્વારા વેદની વૈશ્વિકતા સાબિત થાય છે. અહીં વેદની બીજી બે લાક્ષણિકતાઓ ‘અખિલ’ અને ‘અનંત’નો તાળો મળે છે. જો કે, વેદમંત્રો ગોખવાની વિદ્યા નથી. તેને અંતરમાં ઉતારવાના છે. જાતે અનુભવવાના છે. તેના દ્વારા સમાજમાં સુખશાંતિ લાવવાની છે. વેદ તો પ્રગતિ સાથે શાંતિનો (Prosperity with Peace) મહાસંદેશ છે. ભારતને ફરી જગદગુરુ બનવાનો રસ્તો વેદના વૃંદાવનમાંથી નીકળે છે પણ માત્ર વાતો કરવાથી નહીં ચાલે. વિચાર અને આચારની ખાઇ પૂરીએ. જે કરી બતાવે તેનું લોકો માને. આજે માનવ આધુનિકતાની આંધળી દોટમાં રસ્તો ભૂલી રહ્યો છે. પર્યાવરણનું નિકંદન નિકળી રહ્યું છે. ત્રાસવાદ અને ભ્રષ્ટાચારના ભોરીંગે ભરડો લીધો છે. આવા સંજોગોમાં વેદનું દર્શન માનવજાતનું એકમાત્ર આશ્રયસ્થાન બનશે. આવું માત્ર આપણે જ નથી કહેતા પણ તેવો આશાવાદ અનેક દેશી-વિદેશી વિચારકોએ સેવ્યો છે.વેદનો એક શબ્દ ‘વિશ્વનીડમ્’ (વિશ્વ એક માળો’) શબ્દ જ કેટલું કહી જાય છે! માળામાં રહેતા એક જ કુળના પક્ષીબાળો વચ્ચે વેરઝેર પોષાય ખરું! જય વેદમાતા!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો