ટેક્નોહોલિક:ઊડતી ગાડી આવે છે... ફ્લાઇંગ ટેક્સી આવે છે.... પણ ક્યારે?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આખી દુનિયા માને કે ન માને, પણ ભારતીયોને હવામાં ઊડવાનું વળગણ યુગો યુગોથી છે. આપણે સૌએ અલાદ્દીન જિન અને એની ઊડતી જાજમ કે અરેબિયન નાઈટ્સમાં આવતી ઊડતી શેતરંજી વિશે નાનપણમાં ખૂબ રસપૂર્વક સાંભળ્યું છે અને કાર્ટૂનમાં જોઈને અચંબિત પણ થયા છીએ કે આવું તો કંઈ હોય? જાજમ તો કંઈ ઊડી શકે? આ કહાનીઓ આવી એની ઘણી સદીઓ પહેલાં ‘રામાયણ’માં ‘પુષ્પક’ વિમાનની વાત આવી ગઈ હતી. કોઈપણ વસ્તુની બનાવટમાં તેના શરૂઆતના તબક્કામાં પ્રયોગ થાય. પ્રયોગનાં મુખ્ય બે જ પાસાં હોય, એક તો થિયરી અને બીજું પ્રેક્ટિકલ. પ્લેનની વાત કરીએ તો હવામાં ઊડતા હવા કરતાં ભારે પદાર્થની થિયરી સૌથી પહેલાં ભારતના સાહિત્યમાં રજૂ થઇ હતી એ વાત નિઃસંદેહ છે.

એના પછી હવામાં માણસને લઈને ઊડતા કોઈ ફલાઇંગ ઓબ્જેક્ટની વ્યવસ્થિત વાત કોઈએ કરી હોય તો તે હતા લિયોનાર્ડો ધ વિન્સી. તેણે તો હેલિકોપ્ટરની રચના પણ દોરી બતાવી હતી. એના છસ્સોએક વર્ષ પછી રાઈટ બ્રધર્સે સાચે જ એ કલ્પનાનાને સાચી પાડતાં ઊડતાં વિમાન બનાવ્યાં અને ટ્રાવેલિંગની દુનિયામાં ક્રાંતિ આવી ગઈ. હજારો માઇલોનું અંતર આપણે થોડા કલાકોમાં કાપવા લાગ્યા. પણ અહીં વાત પ્લેનની નથી. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ એ એર ટેક્સીની છે.

ફલાઇંગ કાર કઈ નવો ટોપિક નથી. અમેરિકન એનિમેટેડ સિટકોમ શો ‘ધ જેટસન્સ’ જેણે જોઈ હશે એને ખબર હશે કે વીસમી સદીના છઠ્ઠા દશકમાં આવેલા એ કાર્ટૂન-શોમાં ઊડતી ગાડીઓની વાત હતી. બહુ જાણીતું મૂવી ‘બેક ટુ ધ ફ્યુચર’માં પણ ફ્લાઇંગ કાર હતી. આપણા દેશી હર્મન બાવેજા અને પ્રિયંકા ચોપરાની ‘લવ સ્ટોરી 2050’માં ઊડતી ગાડીઓ આપણે જોઈ હતી. એટલે આ કન્સેપ્ટથી આપણે બધા પરિચિત છીએ, પણ એ સાકાર ક્યારે થશે? કે પછી એ ક્યારેય આપણને જોવા જ નહીં મળે. તો ગુડ ન્યુઝ એ છે કે આવતા વર્ષે એટલે કે 2022માં દુબઈમાં ફલાયિંગ ટેક્સીની શરૂઆત થઇ જવાની છે! પેકેજ ટૂરમાં દુબઈ ફરવા જતા ગુજરાતીઓ હવે બુર્જ ખલીફાની સાથે સાથે ફલાઇંગ ટેક્સીનો પણ લાભ લેશે એ નક્કી. (કોરોના ચાલ્યો જાય ત્યાં સુધી રાહ જોવી પડશે હોં!)

હવે સવાલ એ છે કે એર-ટેક્સીની જરૂર શું છે વળી? આકાશમાં તો આપણે કોઈપણ અવરોધ વગર ઊડી શકીએ છીએ પણ અહીં જમીન પર એટલા બધા વાહનો થઇ ગયા છે જેમ કે, કાર, સ્કૂટર, મોટરસાઇકલ, સાઇકલ, બસ, બળદગાડું, છકડો વગેરે વગેરે કે જેમની સંખ્યા અત્યારે પૃથ્વી પરના મનુષ્યો કરતાં વધી જાય એમ છે અને પરિણામ સ્વરૂપે એફએમ રેડિયોની ભાષામાં જેને બમ્પર ટુ બમ્પર કહે છે એમ એક વાહન બીજા વાહન સાથે સતત અથડાતા આગળ વધે છે. માટે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હવે ખૂબ જ સમય માગી લે એવું થઇ ગયું છે. અને એટલાં બધાં વાહનોને કારણે મોટાં મોટાં અને નાનાં શહેરોમાં પ્રદૂષણની સમસ્યા પણ વકરી છે.

એટલે જ આ સમસ્યા હલ કરવા આવી રહી છે એર ટેક્સી! જી હા, નજીકના ભવિષ્યમાં તમે ઓફિસથી ઘરે એર ટેક્સીમાં બેસીને જઈ શકશો મતલબ કે ઊડતાં ઊડતાં ઘરે જઈ શકશો. એક અછડતા અંદાજ મુજબ, દુનિયામાં એકસાથે ત્રણસો કંપનીઓ એર-ફલાઇંગ કાર્સ ઉપર કામ કરી રહી છે. એને ઇલેક્ટ્રિક એર ટેક્સી પણ કહેવાય છે. (ના બોસ, એ પેટ્રોલથી નહીં ચાલે, આઈ મીન પેટ્રોલથી નહીં ઊડે, બેટરી જોઈશે) બોઇંગ, હ્યુન્ડાઈ, એરબસ, ટોયોટા અને ઉબર આ પાંચ મોટી કંપનીઓએ તો એર ટેક્સીના પ્રોટોટાઈપ એટલે કે શરૂઆતના મોડેલની ટ્રાયલ શરૂ કરી દીધી છે.

જર્મન સ્ટાર્ટઅપ વોલોકોપ્ટર એવું વોલોકનેક્ટ (એર ટેક્સી) બનાવશે કે જેમાં ચાર લોકો બેસી શકશે અને એ 100 કિલોમીટરની રેન્જ સુધી ઊડી શકશે. આ વિમાન યાને કે એર ટેક્સી વર્ટિકલી ટેક ઓફ અને લેન્ડિંગ કરશે અને ઉપનગરોને શહેરના કેન્દ્ર સાથે જોડશે...! છે ને મજાની વાત! અને આ એર ટેક્સીના બિઝનેસમાં વોલોકોપ્ટર એકલું જ નહીં હોય. બીજી પણ કેટલીક કંપનીઓ આ બિઝનેસમાં આવવાની છે કે આવી છે, જે બતાવે છે કે આ એર ટેક્સીનું ભવિષ્ય ઉજળું છે. જેમ કે, જોબિ એવિએશન, ઈમેજિન એર, પ્રોપ એર, સ્કાયમેક્સ, એરસ્ટ્રીમ્સ જેટ્સ વગેરે વગેરે...

જર્મન કંપની લીલીયમ એની એર-ટેક્સીને સિંગલ ચાર્જમાં બસ્સો માઈલ એટલે કે સવા ત્રણસો કિલોમીટર સુધી પહોચાડી દેશે. સુરતથી મુંબઈ બેએક કલાકમાં એક પણ ડ્રોપ લીધા વિના! (બુલેટ ટ્રેનની જરૂર રહેશે પછી? LOL)

આમ એર ટેક્સીનું માર્કેટ વિશાળ હશે. આગામી વર્ષોમાં એર ટેક્સી ખાનગી ટ્રાન્સપોર્ટેશનને પૂરક બનાવશે અને અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં લગભગ 1,60,000 વેપારી એર ટેક્સી માર્કેટમાં હશે. કહેવાય છે કે વર્ષ 2040 સુધીમાં ઊડતી ટેક્સીઓની માર્કેટ વેલ્યૂ 1.5 ટ્રિલિયન ડૉલર હશે. દરેક મોટાં શહેરોમાં આવી ઊડતી ટેક્સીઓ જોવા મળશે અને આ ટેક્સીઓ અવાજ તો જરાય નહીં કરે. બેટરી ઓપરેટિંગ ફ્લાઇંગ ટેક્સી સાઇલન્ટ હશે.

તો ભવિષ્યમાં ઘરેથી ઓફીસ ઊડતાં ઊડતાં જવા તૈયાર છો ને?
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...