તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારી વાર્તા:ગઇકાલે ખંજર, ખુલ્લી તલવારો, પાઈપો, ખાનગી ગોળીબાર અને ભડકે બળતા શહેરની વચ્ચે એક મહોલ્લામાં થોડા ‘મહાત્મા’ પણ જન્મ્યા હતા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારા પત્રકાર સહકર્મી સાથે અમુક ઘટનાઓ કેમેરાની આંખે નિહાળવા હું કેટલીયે વાર આ શહેરમાં અડધી રાત્રે પણ નીકળ્યો છું, પણ શહેર મને આટલું સૂનું ક્યારેય નથી લાગ્યું. શહેરના ભીડભાડવાળા રસ્તાઓ ઉપર બાઈક ચલાવતી વખતે ઘણી ય વાર એવો વિચાર આવ્યો છે કે ‘કાશ! આ ભીડ ક્યાંક અદૃશ્ય થઇ જાય અને આખા રસ્તા ઉપર હું એકલો જ હોઉં. બીજાં વાહનોની અડચણો નહીં, ટ્રાફિક સિગ્નલના વિઘ્નો નહીં, ગમે ત્યાંથી રસ્તો ઓળંગતા માણસોના કોઈ અવરોધ નહીં, બસ, હું અને મારી પૂરપાટ દોડતી બાઈક.’ તો પછી આજે આ સૂના રસ્તાઓ કેમ આંખમાં ફાંસ બનીને ખૂંચે છે? રોજ સાંકડા લાગતા રસ્તાઓ અચાનક સાંજના પડછાયાની જેમ લાંબા અને પહોળા થઇ ગયા છે. ક્યાંક કોઈ દૂરની જગ્યાએ સૂરજના અજવાળા સાથે હરિફાઈ કરતાં આગના ભડકાઓની મૂંગી ચીસો સંભળાય છે. પણ આ બહેરા અને મૂંગા થઇ ગયેલા રસ્તાઓના કાન સુધી એ ચીસો પહોંચતી હોય એવું લાગતું નથી.

ત્યાં જ અચાનક પોલીસની એક વેન રસ્તાના વળાંકમાંથી પ્રગટ થાય છે. એમાંથી એક ખાખી વર્દી બહાર નીકળીને મારો કર્ફ્યૂ પાસ જુએ છે, આગળ જવાની પરવાનગી આપે છે અને સાથે સાથે એક સલાહ પણ -‘પથ્થર પોળ જાઓ છો? ટેક કેર.’

મારો કેમેરા અને પત્રકારનો પાસ જોઇને સ્વાભાવિક જ હતું કે એમને મારું ડેસ્ટિનેશન સમજાઈ જાય. ગઈકાલે તો શહેરની આ પોળ આખી દુનિયામાં પ્રખ્યાત, ના, ના, બદનામ થઇ ગઈ. એક ઝનૂની ટોળાના ગાંડપણે એક કુરેશીનું ઘર બાળી નાખ્યું હતું. એમનો ઈરાદો તો હતો આખા કુટુંબને અંદર જીવતા ભૂંજી નાખવાનો, પણ એમના હિંદુ પાડોશીઓએ માનવતા દેખાડી અને એ લોકોને ચેતવીને પહેલેથી જ પોતાના ઘરમાં સંતાડી દીધા હતા. થોડા શબ્દો ઊલટપુલટ કરીને કહું તો –‘જે મારતું તે પોષતું એ ક્રમ નથી શું કુદરતી?’ એ વખતે ‘ભાગો, દોડો, નાસો, કાપો, મારો’ના અવાજો વચ્ચે ‘બચાવો’ની વાંસળી પણ વાગી હતી. હિંસક બની ગયેલા પથ્થરો, સળગતા કાકડા, એસિડ બલ્બની આગની મધ્યમાંથી દયાનું એક નાનકડું ઝરણું પણ ફૂટ્યું હતું. ખંજર, ખુલ્લી તલવારો, પાઈપો, છરાબાજી, ખાનગી ગોળીબાર, RDXની ફેંકાફેંક અને ભડકે બળતા શહેરની વચ્ચે એક મહોલ્લામાં થોડા ‘મહાત્મા’ જન્મ્યા હતા અને કુરેશી કુટુંબ બચી ગયું હતું. ગઈકાલે ત્યાં એકઠા થયેલા કલમ અને કેમેરાના મેળામાં હું ન હતો ગયો કારણ કે મારે તો જોવી હતી એ ગોઝારા ‘અમાનવીય કંપ’ની ‘આફ્ટર ઇફેક્ટ્સ.’

હું પથ્થર પોળમાં પ્રવેશું છું. આસપાસની બધી શેરીઓ ડરની મારી કે પછી શરમથી અંદર ઘૂસી ગઈ હોય અને ફફડતાં ઘરોએ કાચબાની જેમ પોતાના હાથ-પગ-મોં અંદર ખેંચી લીધા હોય એવી આ ભૂતાવળ વચ્ચે કુરેશીનું ઘર શોધવું જરાય અઘરું નથી. એ બળેલા બારણાવાલા ઘરમાં પ્રવેશવા માટે ટકોરા મારવાની કોઈ જરૂર નથી. હું સીધો અંદર ઘૂસું છું અને મારી આંખોમાં ઊતરે છે પોતાના યુવાન માથાને પાછળની કાળી થઇ ગયેલી ભીંતને ટેકવીને, ઊભા પગે બેસીને, છત સામે તાકી રહેલો કુરેશી. ગઈકાલની એક રાતે એના જીવનમાં કેટલાંય વર્ષો ઉમેરી દીધાં હશે –કે પછી જિંદગીમાંથી કેટલાંય વર્ષો બાદ કરી નાખ્યાં હશે? એ શૂન્ય આંખે મારી સામે જુએ છે. રૂમના એક ખૂણામાં એક સ્ત્રીનું પૂતળા જેવું જડ શરીર બેઠેલું દેખાય છે. એ કુરેશીની પત્ની ફરીદા જ હશે. [રાતોરાત એ બંને નામ કેવાં જગજાહેર થઇ ગયાં!]

મને હતું કે ફરીદા અને કુરેશીનાં આંસુ હજુ સૂકાયાં નહીં હોય. પણ ના, એમની આંખોમાં તો સહરાનું રણ ઊગ્યું છે! ચહેરા તૂટેલી ભેખડ જેવા ઉદાસ છે. મને લાગ્યું કે આના કરતાં તો પથ્થરની મૂર્તિઓ વધારે જીવંત લાગતી હોય છે. ઘર બળી ગયાની નહીં કોઈ ફરિયાદ. એમને, એક નિર્દોષ પરિવારને જીવતા સળગાવવાના કાવતરા માટે નહી કોઈ ચિત્કાર કે નહીં ગળામાં ડૂમા સાથેનો કોઈ પ્રત્યે વ્યક્ત થતો આક્રોશ. એમને થયું નહીં હોય કે અમારા બંદગી કરતા હાથને અમે તો ક્યારેય હથિયાર બનાવ્યા નથી, અમે રથયાત્રાના ટેબ્લો જોવા પણ ઉત્સાહથી જઈએ છીએ અને તાજીયાના શણગાર જોવા પણ. અમારી સાથે આવું શું કામ? શું હદથી વધારે દુઃખ માણસને સ્થિતપ્રજ્ઞ બનાવી દેતું હશે?

મારે કુરેશી અને ફરીદાને ઘણું બધું પૂછવું હતું, પણ પથ્થરો સાથે વાતો કેવી રીતે થાય? મારી નજર ચૂપચાપ એ શૂન્યાવકાશવાળા ઘરમાં ફરતી રહે છે. બધું જ ખાઈ ગયેલી અગ્નિની જવાળાઓએ ગઈ કાલ સુધીના આ સાંકડા ઘરને આજે ‘વિશાળતા’ આપી દીધી છે. ઘરમાં અવકાશ જ અવકાશ છે. જેને આવવું હોય એ આવી શકે છે - બારણામાંથી માણસો અને બારીઓમાંથી લોહી-માંસના ગંધવાળી હવાઓ પણ. હવે અહીં લૂંટી જવા જેવું કશું જ બચ્યું નથી.

હું મારો કેમેરા ચારેબાજુ ફેરવું છું, પણ એની આંખો પણ ખુલ્લી જગ્યામાં પડઘાતા અવાજોની જેમ આ ખાલીખમ ઘરમાં અફળાઈ અફળાઈને પાછી ફરતી હોય એવું લાગે છે. ત્યાં જ અચાનક બહારથી આવતી હવા સાથે થોડા કાગળિયા ઊડીને ઘરમાં આવે છે. મારી આંખો વાંચી શકે છે થોડાંક પાનાંઓ ઉપર સંસ્કૃતમાં લખાયેલા ગીતાના શ્લોકો અને મનની આંખો ઉકેલી શકે છે થોડાંક પાનાઓ ઉપર લખાયેલી કુરાનની આયાતો.

ત્યાં જ ‘સંભવામિ યુગે યુગે’ની યાદ અપાવતા કોઈ બેન બારણાની જગ્યામાંથી પ્રગટે છે. એમના હાથમાં ખોરાકનો ડબ્બો છે. ફરીદાના હાથમાં એ ડબ્બો મૂકતાં એ પ્રેમથી કહે છે, ‘ખાઈ લેજો, અને બીજું કંઈ પણ જોઈતું હોય તો કહેજો, સંકોચ ન કરતાં.’ એમના શબ્દોમાં પ્રગટતી માનવતાની જ્યોત ક્ષણભર કુરેશી અને ફરીદાની આંખોમાં પણ કંઇક તેજ પ્રગટાવી જાય છે. ઘરની સળગી ગયેલી વસ્તુઓના અવશેષથી દુર્ગંધી થઇ ગયેલી હવામાં અચાનક મધુમાલતીની સુગંધ છલકાતી હોય એવું લાગે છે. જડ થઇ ગયેલી ફરીદાના મોંમાંથી ચેતનવંતા શબ્દો નીકળે છે, ‘જસુબેન, તમે કેટલું કરો છો અમારા માટે! અમને ચેતવીને બચાવી લીધાં એ ઓછું છે કે...’ બાકીના શબ્દો ડૂસકું ગળી જાય છે. એ વખતે નિબિડ અંધકારમાં એક આગિયો ચમક્યો હોય એવા ઝળહળાટ સાથે જસુબેનના શબ્દો નીકળે છે, ‘માણસ થઈને માણસને કામ ન લાગીએ તો માણસ શાના?’

અહીં આવ્યા પછી પહેલીવાર, સન્નાટાને ચીરતા આ સિતારવાદન જેવા શબ્દોની પાછળ આવ્યો સિતારના તાર તૂટ્યા જેવો રૂદનનો અવાજ. દુનિયાની કોઈ પણ ઝીન્નત, ઝરણા કે ઝીની જેવી લાગતી એક ત્રણ વર્ષની રૂપાળી ઢીંગલી જેવી બાળકી અવાજમાં રૂદન મિશ્ર ફરિયાદ સાથે રૂમમાં પ્રવેશે છે.

‘શું થયું બેટા ઝીન્નત?’ બાળકીના રૂદને એક મા ને જાગૃત કરી દીધી.

‘એ લોકોએ મારી કાર કેમ બાળી નાખી? હવે હું શેનાથી રમીશ?’

આ પ્રશ્નનો જવાબ એ કાર બાળનાર પાસે પણ હશે ખરો?

ઝીન્નતના રૂદનની આંગળીઓ લંબાય એ પહેલાં તો એનો હાથ ઝાલીને આવ્યા લગભગ એના જેવડી જ લાગતી ગુડ્ડીના મોરપીંછ જેવા મુલાયમ શબ્દો, ‘ઝીન્નત , ચાલ આપણે મારી કારથી રમીએ.’

ધક્કો મારતાં જ ગુડ્ડીની કાર ઝૂઊંઊંઊં અવાજ સાથે ચાલુ થાય છે અને ચારેબાજુ તણખા ઉડાડતી ઓટલાના પગથિયા કૂદીને બહાર નીકળે છે. મારા મનની નજરો ખેંચાય છે અને હું જોઈ શકું છું શેરી વટાવીને રસ્તા ઉપર દોડી જતી એ ‘ભપ’. જોતજોતામાં એ બની જાય છે ચિચિયારીઓ પાડતી સાયરનવાળી, માથા પર ગોળ ફરતી લાઈટોવાળી, શહેરના સૂના રસ્તાઓ ઉપર ‘ફ્લેશ’ની ગોફણ વીંઝતી, પોલીસ વિનાની પોલીસ કાર. એ કારને હવે કોણ અટકાવી શકશે? અરેરે! શહેરના બધા અવરોધો ક્યાં અદૃશ્ય થઇ ગયા? આખા શહેરમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયામાં, રોકટોક વિના આમતેમ દોડતી રહેતી ‘હુલ્લડિયા’ કારને ધક્કો કોણ મારતું હશે? તાજીયામાં ભૂલથી ઉછાળાયેલ કોઈ ચંપલ કે રથયાત્રા દરમ્યાન કોઈના હાથમાંથી અજાણતા જ છટકી ગયેલો પથ્થર?

ધીરે ધીરે શહેરની શૂન્યતા વિસ્તરતી જ જાય છે અને આખી પૃથ્વીને પોતાના કબજામાં કરી લે છે. ત્યાં જ મને સંભળાય છે આ શૂન્યતાને ચીરતા મંદિરોના ઘંટનાદ, મસ્જિદોની આજાન, દેવાલયોના ઘંટની પડઘમ, ગુરુદ્વારામાંથી ઊઠતી ગુરુબાની-બધેથી નીકળતો સૂર એક જ છે, ‘હે માનવ, હવે તો તું અવતાર ધારણ કર!’

[શ્રી યોગેશ જોશીના કાવ્ય ‘હવે તો’ ઉપર આધારિત]

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો