ટેક્નોહોલિક:લહુ કી એક બુંદ... તમારા ડિપ્રેશનની કુંડળી કહી દેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના તો હમણાં આવ્યો. કોવિડ પહેલાં પણ એક રોગનો રોગચાળો વિશ્વ આખામાં વધતો હતો. પણ એ બિલ્લી પગે રોગચાળો આવ્યો એટલે કોઈનેય ખબર ન પડી. પરંતુ આપણે સૌ એના ભોગ બન્યા છીએ. હા, હોસ્પિટલમાં દાખલ નથી થવું પડ્યું કે ઓક્સિજન નથી લેવો પડ્યો એટલે આપણને એ રોગની બીક નથી લાગતી. પણ જો તમે આ વાંચી રહ્યા હો તો તમે એ રોગના નાના કે મોટાપાયે શિકાર ચોક્કસપણે બન્યા છો કારણ કે, વર્લ્ડ સાયકોલોજી અસોસિએશનના નિષ્ણાતોનું માનવું છે કે, સ્ક્રીનવાળા કોઈ પણ ગેજેટ્સ વાપરતા માણસમાં ડિપ્રેશન હોય છે. એ ડિપ્રેશન વધુ પણ હોઈ શકે અને ઓછું પણ. આપણે ડિપ્રેશનના રોગચાળાની વાત કરી રહ્યા છીએ જે એકવીસમી સદીમાં માનવજાત સામે સૌથી મોટી ચેલેન્જ છે.

મેડિકલ સાયન્સ પાસે અત્યારે સૌથી મોટો પડકાર કયો છે? એ જ કે જે કોરોના પેન્ડેમિકની શરૂઆતમાં હતો. ટેસ્ટિંગ. ટેસ્ટ કરવા અઘરા હતા. ટેસ્ટિંગ કિટ પણ ઓછી આવતી. એવું જ દરેક રોગ માટે છે. પેલા બ્લડપ્રેશર માપવા માટે મેન્યુઅલ-મિકેનિકલ સાધન આવતું. હવે ઇલેક્ટ્રોનિકલ મશીન આવી ગયું છે. આવું બ્લડ ટેસ્ટ સહિત બધા માટે કહી શકાય.

ડાયગ્નોસિસ કરવા માટે પેશન્ટના શરીર ઉપર મિનિમમ પ્રોસેસ કરવી પડે, ઓછામાં ઓછો સમય જાય અને બજેટમાં થાય. એવી પ્રોસિજર મેડિકલ સાયન્સ ડેવલપ કરવાના પ્રયત્નો કરે છે. આપણે નેનોફાઇબરવાળાં કપડાંની વાત કરી હતી. એવાં સ્માર્ટ કપડાં કે જે આપણે પહેર્યાં હોય તો આપણો મેડિકલ રિપોર્ટ આપી દે. એ જ રીતે માણસ કેટલા સ્ટ્રેસમાં છે એ જાણવા માટે લાંબી પ્રોસિજર ટેસ્ટની જરૂર ન પડે કે લાંબા સેશનની જરૂર ન પડે પણ દર્દીના લોહીની એક બુંદથી ખ્યાલ આવી જાય એવી પ્રોસેસ શોધવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકો એક માઈક્રોચિપ ડેવલપ કરી રહ્યા છે. કમ્પ્યૂટરમાં હોય એવી જ માઇક્રોચિપ પણ એના કરતાં થોડી વધુ ચીપ એટલે કે સસ્તી. એ ચિપ લોહીના સંપર્કમાં આવે એટલે તરત કહી દે કે આ લોહી જે વ્યક્તિનું હતું તે વ્યક્તિ કેટલા સ્ટ્રેસમાં છે. વૈજ્ઞાનિકો બહુ કોન્ફિડન્ટ છે કે આ માઈક્રોચિપ લેબ ટેસ્ટને રિપ્લેસ કરી દેશે. ભવિષ્યમાં સાઇક્યાટ્રિસ્ટ કે એમ.ડી. ફિઝિશયન આ જ માઇક્રોચિપ પર આધાર રાખતા થઈ જશે.

કેવી રીતે કામ કરશે આ માઈક્રોચિપ?
સ્ટ્રેસનું લેવલ જાણવા માટે સંશોધકોને લોહીમાં જોઈએ છે કોર્ટિસોલ હોર્મોન. શરીરને પડતા સ્ટ્રેસ સાથે કોર્ટિસોલને સીધો સંબંધ હોય છે. કોર્ટિસોલનું પ્રમાણ વધુ તો ઊંઘ ઓછી એ મેડિકલ નિયમ છે. ઉત્તેજના વધુ એમ કોર્ટિસોલ વધુ.

માઇક્રોચિપમાં નેનોસેન્સર જડેલાં હોય છે. આ નેનોસેન્સર તરત જ કોર્ટિસોલની હાજરી છતી કરી દે. બ્લડ ટેસ્ટમાં કોર્ટિસોલ હોર્મોન ડિટેક્ટ કરવા માટે જે ટેસ્ટ થાય તે હજારોનો થાય. આ માઇક્રોચિપ બહુ ઓછા રૂપિયામાં જ આ કામ કરી આપે. માઇક્રોચિપમાં ઇલેક્ટ્રોડ હોય છે જે આ કામ કરી આપે છે.

હવે સવાલ એ થાય કે કમ્પ્યૂટર એન્જિનિયરે બનાવેલી આ ચિપ ઉપર કેમ વિશ્વાસ કરવો? તો લોહીનાં હોર્મોન-એન્ઝાઇમ કે બીજા સેન્સિટિવ ટેસ્ટ માટે એલીસા ટેસ્ટ થતો હોય છે જે બહુ મોંઘો છે. એલીસા ટેસ્ટનું ઈંગ્લિશમાં ફૂલ ફોર્મ છે ‘એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોરબન્ટ એસે ટેસ્ટ’. આ માઇક્રોચિપની કસોટી લેવા માટે સંધિવાનો રોગ ધરાવતા દર્દીઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં. આવા દર્દીઓના લોહીમાં કોર્ટિસોલ વધુ હોય. તે દર્દીઓનો એલીસા ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી આ માઇક્રોચિપ દ્વારા તેનું લોહી તપાસવામાં આવ્યું. બંનેનાં રિઝલ્ટ સરખા નીકળ્યાં.

એલીસા ટેસ્ટ હજારો રૂપિયામાં થાય તો માઈક્રોચિપ ટેસ્ટ થોડાક જ રૂપિયામાં. બીજી એક મહત્ત્વની વાત એ કે આ બ્લડ ટેસ્ટ માટે લેબોરેટરીમાં જવાની જરૂર નથી. ઘરે બેઠાં કરી શકીએ. એક જમાનો હતો જ્યારે ડાયાબિટીસ ટેસ્ટ કરાવવા લેબમાં જવું પડતું. હવે ઘરે બેઠાં બ્લડ શુગર માપી શકાય છે. ભવિષ્યમાં ઘણા બધા કઠિન બ્લડ ટેસ્ટ ઘેરબેઠાં કરી શકાશે. પ્રેગ્નન્સી ટેસ્ટનું ઉદાહરણ આપણી સામે છે.

આવી ટેક્નોલોજીનો ફાયદો એ છે કે આખા દિવસનું રીડિંગ પણ લઈ શકાય. સમયે સમયે બોડી ટેસ્ટ થઈ શકે. દર્દીની આખી હેલ્થ પ્રોફાઈલ આવા ટેસ્ટથી વધુ એક્યુરેટ બનાવી શકાય. ઝડપથી ડાયગ્નોસિસ થઈ શકે અને જલ્દી ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ શકે. કોર્ટિસોલ તો મૂડ ડિસઓર્ડરનું પણ ઇન્ડિકેટર છે. શરીરને પડતા સ્ટ્રેસની પણ ચાડી ફૂંકી શકે છે.

ભવિષ્યમાં મેડિકલ અને એન્જિનિયરિંગ અને IIT - આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે ખભે ખભા મિલાવીને કામ કરશે એટલું નક્કી છે.
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...