સુખનું સરનામું:પડકારોને પણ પડકારનારી એક હિંમતવાન નારી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાતજાતનાં સપનાંઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે મારુ સંતાન મારા નામે નહીં પણ હું મારા સંતાનના નામે ઓળખાઉં. લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપનાં જોતી હોય છે. પૂજાને ત્યાં દીકરાનો જન્મ થયો પણ દીકરો માનસિક વિકલાંગતા સાથે આવ્યો. એક માએ નવ મહિના સુધી જોયેલાં સપનાંઓ એક જ ઝાટકે ભાંગીને ભુક્કો થઇ ગયાં.

પૂજાબેનનો દિવ્યાંગ દીકરો વાસુ દોઢ વર્ષનો થયો પણ ન બોલી શકે, ન ચાલી શકે કે ન સમજી શકે. જયપુરમાં CBCના હેડ ડો. એસ.જે.સીતારામન પાસે વાસુની સારવાર ચાલતી હતી. એકવાર વિદેશી ડોક્ટરોની ટીમ જયપુર આવી ત્યારે ડો.સીતારામને પૂજાબેનને આ બાબતે જાણ કરી અને વાસુને આ નિષ્ણાત ડોક્ટરોની ટીમને બતાવવા માટે વાત કરી. વાસુને તપાસીને ડોક્ટરોને જ્યારે પૂજાબેનને સમજાવ્યું કે આ બાળક આજીવન આવું જ રહેશે ત્યારે પૂજાબેન સાવ પડી ભાંગ્યાં. હોસ્પિટલથી 12 કિલોમીટરના અંતરે પહોંચતાં પહોંચતાં જાણે કે 12 વર્ષ પસાર થઇ ગયાં હોય એવું લાગ્યું.

ઘરે આવીને પૂજાબેન દીકરા વાસુને લઇ રૂમમાં જતાં રહ્યાં. રૂમને અંદરથી લોક કરી દીધો. દીકરાને લાચાર બનીને જીવતા જોવો ન પડે એટલે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પંખા સાથે એકને બદલે 2 ચૂંદડીઓ લટકાવી. એક પોતાના માટે અને બીજી દીકરા વાસુ માટે. પોતાની સાથે દીકરાના જીવનનો પણ અંત આણવાના ઇરાદા સાથે ગળામાં ચૂંદડીનો ગાળિયો નાખે એ પહેલાં મોબાઇલ રણક્યો. મોબાઇલ સામે જોયું તો ડો.સીતારામનનો ફોન હતો. મરતા પહેલાં ડોક્ટર સાથે છેલ્લી વાત કરતી જઉં એમ વિચારીને ફોન ઉપાડ્યો.

પૂજાબેનના ભારે અવાજ અને રડવા પરથી જ ડોક્ટર વાત સમજી ગયા. પૂજાબેને પણ પોતાના ઇરાદાની ડોક્ટરને વાત કરી. ડોક્ટરે કહ્યું, 'બેટા, તારે મરવું હોય તો મરજે મને કોઇ વાંધો નથી પણ એક વખત મને મળ. હું તને તારા દીકરાના સોગંદ આપું છું. મને મળવા અત્યારે જ દીકરાને સાથે લઇને મારા ઘરે આવ.' જીવનનો અંત આણવાનું જ નક્કી કર્યું હોય ત્યાં દીકરાના સોગંદ પાળે કે ન પાળે શું ફેર પડે? પણ ખબર નહીં ડોક્ટરની વાતથી એક વખત એમને મળી લેવાની ઇચ્છા થઇ. પૂજાબેન દીકરા વાસુને લઇને ડો. સીતારામનના ઘરે પહોંચ્યાં. ડોક્ટરે બીજી કોઇ સલાહ સૂચન આપ્યા વગર પ્રથમ તો વાસુને એની પાસે લઇ લીધો પછી પૂજાને કહ્યું આજથી આ દીકરો મારો છે. આ દીકરાને કારણે જ તું મરવાની હતી ને, આજથી હું તને આ છોકરાની જવાબદારીમાંથી મુક્ત કરું છું. હવે તારે જે કરવું હોય તે કર. ડો.સીતારામને પૂજાને એક પ્રશ્ન કર્યો, 'તે શ્રીમદ્ ભગવદગીતા વાંચી છે?' પૂજાએ હા પાડી એટલે ડોક્ટરે ખૂબ સરસ વાત કરી. 'તે માત્ર ગીતા વાંચી છે, હજુ સમજી નથી. તારો આ દીકરો તારા જ કોઇ પૂર્વજન્મના ફળરૂપે તારી પાસે આવ્યો છે. તારા કર્મફળથી તું કેટલા જન્મ ભાગતી રહીશ?' પૂજાને આ વિચારે ચકરાવે ચડાવી. એણે રડવાનું બંધ કર્યું અને દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો. પૂજાએ ડો. સીતારામનને કહ્યું, 'સર, હવે હું મારું મા તરીકેનું કાર્ય એવી રીતે કરીશ એ પ્રભુએ કૃપા કરવી જ પડશે અને મારા દીકરાને ચાલતો અને બોલતો કરવો પડશે.'

પૂજાબેને ત્યાર બાદ દીકરા વાસુના ઉછેરમાં પ્રેમની સાથે સાથે હકારાત્મતા પણ ઉમેરી. વાસુ 2 વર્ષનો થયો અને ચાલતો પણ થયો. એક નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં આ છોકરાને દાખલ કર્યો પણ શાળાએ એને એડમિશન આપવાની ના પાડી. જે દિવસે શાળાએ પૂજાબેનના દીકરા વાસુને એડમિશન ન આપ્યું એ દિવસે પૂજાબેન ફરી એકવખત ભાંગી પડ્યાં. પૂજાબેનના પતિનું નામ સુરેશભાઇ છે એટલે એના દીકરાનું પૂરું નામ વાસુ સુરેશભાઇ પટેલ થાય. સુરેશભાઇના ખાસ મિત્રનું નામ પણ સુરેશભાઇ અને એના દીકરાનું નામ પણ વાસુ છે. આ બંને વાસુના જન્મ વચ્ચે માત્ર એક જ દિવસનું અંતર છે. બંનેને આ શાળામાં એડમિશન લેવાનું હતું, જેમાં એક વાસુ સુરેશભાઇ પટેલને એડમિશન મળ્યુ અને બીજા વાસુ સુરેશભાઇ પટેલને એડમિશન ન મળ્યું કારણ કે, એ માનસિક દિવ્યાંગ હતો. પૂજાબેનને આ દિવસે ખૂબ લાગી આવ્યું. એક જ નામ એક જ દિવસના અંતરે જન્મ અને છતાં એક એના માતા-પિતાના સપનાની શાળામાં પ્રવેશ મેળવી શક્યો અને બીજાને પ્રવેશ ન મળ્યો. જો કે, પછી પૂજાએ જેવી પ્રભુની ઇચ્છા એમ માનીને પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને જયપુરની દિવ્યાંગ બાળકોની એક ખાસ શાળામાં વાસુને દાખલ કર્યો. પૂજાબેને જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે એને સમજાયું કે મારે એકને જ નહીં ઘણી બધી માતાઓને વાસુ જેવા અને ઘણાને તો વાસુ કરતાં પણ વધુ તકલીફવાળાં બાળકો છે. આ સંસ્થાની પ્રવૃત્તિ જોઇને પૂજાબેને સંકલ્પ કર્યો કે મારે પણ ગુજરાતનાં માનસિક દિવ્યાંગ બાળકો માટે કંઇક કરવું છે.

આ માટે પૂજાબેને ફરીથી અભ્યાસ ચાલુ કર્યો. માનસિક દિવ્યાંગ બાળકો સાથે કેવી રીતે કામ લેવું? એમને કેવી રીતે સમજવાં? આ બધી બાબતોનો સ્પેશિયલ કોર્સ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પૂજાબેન એના પતિ સુરેશભાઇ સાથે રાજકોટ આવ્યાં. વર્ષ 2012માં માનસિક વિકલાંગ બાળકો માટેની સંસ્થા ‘પ્રયાસ પેરેન્ટ્સ એસોસિયેશન સાથે જોડાયાં. તે વખતે 4થી 5 બાળકો આ સંસ્થામાં આવતાં હતાં. અત્યારે લગભગ 200થી વધુ માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઇ રહ્યાં છે. જે પૂજા પટેલ એક વખતે દીકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી એ પૂજા આજે વાસુ સહિત 200થી વધુ બાળકોની મા બનીને એમની સેવા કરી રહી છે.

પ્રભુએ આપેલા જીવનને વેડફવાને બદલે બીજાના ઉપયોગ માટે વાપરતા શીખી જઇએ તો કંઇક અનેરા આનંદની અનુભૂતિ થશે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)