મનન કી બાત:પર્સનાલિટી ચેક કરવાના 4 પ્રકારઃ રેડ, યલો, ગ્રીન, બ્લુ... તમે કયા કલરના વ્યક્તિ છો?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર આપણે અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ જોડે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે આપણને સતત એ જ વિચાર આવતો હોય છે કે, 'કોઈ વ્યક્તિ સાવ આવી કેવી રીતે હોઈ શકે?' હવે આ ‘સાવ આવી’ની પરિભાષા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. જેમ તમને પાંચ વસ્તુમાં સામેવાળા માટે એવું લાગે કે કોઈ વ્યક્તિ આવી કઈ રીતે હોઈ શકે. એવી જ રીતે ઘણા લોકોને તમારા વિશે પણ એવું જ લાગતું હશે કે કોઈ વ્યક્તિ આવી કઈ રીતે હોઈ શકે? પરંતુ આ પ્રશ્નનો સાચો જવાબ એ વ્યક્તિની પર્સનાલિટી એટલે કે પ્રકૃતિમાં છુપાયેલો છે. જો તમે કોઈ કોર્પોરેટ જગતમાં એડમિનિસ્ટ્રેશનની પોઝિશન પર હો અથવા તમે તમારો પોતાનો વ્યવસાય ચલાવતા હો અથવા તમારે કોઈપણ રીતે લોકો જોડે કામ કરતાં અને લોકો પાસે કામ કરાવતા શીખવું હોય તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ મહત્ત્વનો છે.

કોઈપણ વ્યક્તિ જોડે કામ કરતા શીખવા અથવા કામ કઢાવતાં શીખવા માટે એ વ્યક્તિની વિચારવાની શૈલી સમજવી ખૂબ જરૂરી છે અને કોઈપણની વિચારવાની, લાગણી અનુભવવાની અને વર્તનની શૈલી એની પ્રકૃતિ એટલે કે એની પર્સનાલિટી ઉપર નિર્ભર હોય છે. પર્સનાલિટીની પરિભાષા જ એ છે કે કોઈપણ વ્યક્તિની વિચારવાની, લાગણી અનુભવ કરવાની અને વર્તન કરવાની એક પેટર્ન કે જે કિશોરાવસ્થાથી સ્થાપિત થતી હોય છે. આવી પર્સનાલિટી આપણા જીન્સ પર, આપણા ઉછેર પર અને જીવનભર થયેલા અનુભવો ઉપરથી નક્કી થતી હોય છે. પર્સનાલિટીના અલગ-અલગ પ્રકારનાં વિભાજનો કરવામાં આવ્યાં છે. પરંતુ પર્સનાલિટીને સમજવાની સહેલામાં સહેલી રીત હિપોક્રેટિસે આપેલી રીત છે. એમના પ્રમાણે પર્સનાલિટીના ચાર પ્રકાર છે.

1. લાલ એટલે કે સેંગવાઇન
નામ પરથી જ ખબર પડી જાય કે લાલ કલરની વ્યક્તિ એટલે કે માથાભારે. આ એ વ્યક્તિ છે જે પોતાના આજુબાજુમાં રહેતા દરેક વ્યક્તિને ડોમિનેટ કરશે. એ પોતાનું જ કહ્યું કરશે અને કરાવીને પણ રહેશે. એને પોતાનામાં ખૂબ વિશ્વાસ છે અને એ બધું કરવા તૈયાર છે કે જે બીજું કોઈ કરવા તૈયાર નથી. આ એવી વ્યક્તિ છે કે જેને ફેર નથી પડતો કે એ સારી વ્યક્તિ ગણાય કે ખરાબ ગણાય. પરંતુ જે નિર્ણય અને ક્રિયા કરવી એને જરૂરી લાગે છે એ કરીને રહેશે. ઈતિહાસમાં જોઈએ તો ઇન્દિરા ગાંધી, સરદાર પટેલ, આજના જમાનામાં જોઈએ તો અમિત શાહ, સ્ટીવ જોબ્સ, વિરાટ કોહલી આ પર્સનાલિટીના કહી શકાય. આ પર્સનાલિટીનો એક ખૂબ જ મોટો ફાયદો છે કે એ ખૂબ દૃઢ નિશ્ચયવાળા છે અને જે કામો બીજું કોઈ નહીં કરી શકે એ કરી શકવાની મનોવસ્થા આ પર્સનાલિટી ધરાવે છે. પરંતુ આ પર્સનાલિટીવાળી વ્યક્તિની સામે ઊભા રહેવાવાળા વ્યક્તિના હાલ ખરાબ થઈ જતા હોય છે. તેમજ આ પર્સનાલિટીવાળી વ્યક્તિ માટે હાર પચાવવી ખૂબ અઘરી હોય છે.

2. પીળો એટલે કે કોલેરીક
આ વ્યક્તિ તમારી આજુબાજુમાં રહેલી એ વ્યક્તિ છે જે સતત ચપડ ચપડ બોલ્યા જ કરે છે. કોઈપણ પાર્ટીમાં આ વ્યક્તિ પાર્ટીની જાન હોય છે. એકદમ ખુશ મિજાજ જલસુડી વ્યક્તિ એટલે કે પીળી પર્સનાલિટી. આપણી આજુબાજુમાં રહેતા રેડિયો જોકી અથવા પિક્ચરની વાત કરો તો ‘જબ વી મેટ’માં કરીના કપૂરની જે પર્સનાલિટી હતી તે. આ લોકો એકદમ જિંદાદિલ હોય છે અને તેને જીવનમાં ગ્લાસ અડધો ભરેલો જ દેખાય છે અથવા એમણે એવો નિર્ણય કર્યો છે કે આપણે ગ્લાસ ભરેલો જ જોવો. મોટાભાગે તેમની આ પર્સનાલિટી પાછળ એમણે બાળપણમાં જોયેલા ખૂબ કપરા સમય હોય છે. આવી વ્યક્તિ આખી ઓફિસમાં સૌથી મહેનતુ નથી હોતી. પરંતુ એ ઓફિસમાં એવું વાતાવરણ પ્રસ્થાપિત કરે છે કે જેથી લોકોને કામ કરવાનો આનંદ આવે અને ઓફિસે વધારે રહેવાની પણ મજા આવે. જો તમે કોઈ ઓફિસના બોસ હો તો આવા વ્યક્તિ પાસે ડેડલાઇન પ્રમાણે કામ કરવું તમારા માટે ખૂબ અઘરું ચોક્કસ પડશે. પરંતુ જો તમારે એક દિવસ જઈને બધાને એવું કહેવું છે કે આજે બે કલાક ઓવરટાઈમ કરવો પડશે અને જો આ વ્યક્તિ હશે તો બધા રાજીખુશી ઓવરટાઈમ કરશે.

૩. લીલો એટલે કે ફ્લેગમેટિક
આ વ્યક્તિ કોઈપણ કંપની માટે સૌથી પરફેક્ટ કર્મચારી છે. આ એક એવી વ્યક્તિ છે જેના સપનાંઓ બહુ વધુ પડતાં મોટાં પણ નથી અને એને એક ગરીબનું જીવન પણ સ્વીકૃત નથી. આ વ્યક્તિએ મહેનત અને લગનથી પોતાની કમાણીથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવું છે અને એક સારું જીવન વ્યતીત કરવું છે. આ વ્યક્તિ એક સામાન્ય મિડલ ક્લાસ વ્યક્તિ છે. બહુ મહેનત કરીને આ વ્યક્તિએ ડિગ્રી મેળવેલી છે અને હવે એ ડિગ્રીનો ઉપયોગ કરી અને આ વ્યક્તિએ એક સારું જીવન વ્યતીત કરવું છે. આ વ્યક્તિ પોતાના કામ માટે કમિટેડ હોય છે. આ વ્યક્તિને ડેડલાઈન પહેલાં અથવા ડેડલાઇન પછી કામ કરવાની આદત નથી. એમને સોંપાયેલું કામ જે તારીખ પર એમની પાસેથી અપેક્ષિત હશે એ તારીખ પર એ કામ એ કંઇ પણ કરીને હાજર કરી દેશે.

4. બ્લુ એટલે કે મેલાન્કોલિક
આ એક એવી વ્યક્તિ છે કે જે મોટાભાગે ગ્લાસ અડધો ખાલી જોતી હશે. લાલ અને પીળી પર્સનાલિટીવાળી વ્યક્તિઓને બ્લુ વ્યક્તિ જોડે જામવું ખૂબ અઘરું પડશે. કોઈપણ પરિસ્થિતિમાં એક બ્લુ વ્યક્તિ સૌથી ખરાબ પરિણામ વિચારી અને પછી જ કોઈ વસ્તુનો નિર્ણય લેશે. આ એક એવી વ્યક્તિ હશે કે જેનો કોન્ફિડન્સ ઓછો હશે, એમનામાં બહુ આત્મવિશ્વાસ નહીં હોય. એટલે કોઈપણ પરિસ્થિતિમાં આગેવાની લેવાની હિંમત આ વ્યક્તિ નહીં કરે. કોઈપણ પરિસ્થિતિમાં એક સ્ટેન્ડ લેતાં પહેલાં આ વ્યક્તિ ખૂબ જ વિચારશે અને જો બની શકે તો નરો વા કુંજરો વા કરશે. આ વ્યક્તિ મોટાભાગે પોતાના જીવનના નિર્ણયો પોતાની આજુબાજુમાં રહેલા લોકો પાસે લેવડાવશે.

તો આ 4 પ્રકારની વ્યક્તિઓ અને તેમનાં વ્યક્તિત્વ વિશે સમજી અને પછી આપણે નક્કી કરવાનું કે બોસ તરીકે કયા વ્યક્તિ પાસે કેવું કામ લેવું અને એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે, તમારી પોતાની પર્સનાલિટી કેવી પણ હોય, પરંતુ એક સફળ કંપનીમાં આ ચારેય પર્સનાલિટીવાળી વ્યક્તિઓ હોવી ખૂબ જરૂરી છે.

મન: પોતાને એ પ્રશ્ન પૂછો કે આ ચારમાંથી તમે કયા કલરના વ્યક્તિ છો અને તમારામાં બીજા કલર ના કયા કયા ગુણો છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...