ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધને સાચવવામાં, નિભાવવામાં અને માણવામાં મદદ કરે તેવી 15 ટિપ્સ... અનુસરશો તો ધબકતા સંબંધોનો લય કાયમ જળવાયેલો રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક સંબંધમાં આરોહ-અવરોહ આવતા જ હોય છે. એ નિયમ છે. એ ના આવે તો સમજવું કે કંઈક ખામી છે તો ચિંતા કરવી. સંબંધ માત્ર આરોહ-અવરોહને પાત્ર. ઘણા ઓછા સંબંધોમાં અપવાદ થતો હોય છે. સંબંધમાં ક્યારેક ભરતી-ઓટ આવે જ. મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે, આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. કૃત્રિમ હોય તે એકધારું કે સપાટ હોય, જે કુદરતી હોય તે તો અસમતોલ હોય. તેમાં ફેરફાર થયા કરે. તેની પણ એક મજા હોય છે. એકરંગી જિંદગીમાં મજા ન આવે. જિંદગી તો જુદા જુદા રંગોથી જ શોભે. જે રંગીન હોય તે સંગીન પણ હોય.

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમે સંબંધોને યોગ્ય રીતે સાચવી શકતા નથી. સંબંધોને નિભાવવામાં અમને તકલીફ પડે છે. ગમે તેટલું ધ્યાન રાખીએ તો પણ સમયાંતરે સંબંધોમાં ઓટ આવે છે. મનગમતી વ્યક્તિ સાથે અંતર પડી જતું હોય એવું અનુભવાય છે. કંઇક ખૂટે છે અને કંઇક ખટકે છે. હૃદયની ઈચ્છા એવી હોય કે સંબંધ સરસ રીતે આગળ ધપતો જ રહે. પરંતુ એવું બનતું નથી. ક્યારેક અચાનક એવું કંઇક થઈ જાય છે કે મતભેદ વિક્ષેપ કરે છે. વિચારભેદને કારણે સાયુજ્ય ઝાંખું પડે છે.

આ બધું સહજ છે, ચિંતાજનક નથી. અલબત્ત, સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, જિંદગીમાં સંબંધોનું સૌથી વધારે મહત્ત્વ હોવાથી સંબંધોને ખૂબ ધ્યાનથી લેવા પડે છે. આપણા મનમાં કંઈ ન હોય પરંતુ એક નાનકડી ભૂલ, એક નાનકડી ચૂક, એક નાનકડી ગફલત સંબંધોમાં તિરાડ પાડી દે છે.

આવું ન થાય તે માટે જો કેટલીક બાબતોને સમજી લેવામાં આવે તો તકલીફ ઓછી પડે. આમ તો વ્યક્તિએ વ્યક્તિએ અને સંબંધે સંબંધે જુદી રીતે અને જુદી પ્રીતે સંબંધો વ્યક્ત થતા હોય છે. પરંતુ કેટલીક કોમન બાબતો છે જે દરેક સંબંધને સાચવવામાં, નિભાવવામાં અને પૂર્ણ રીતે માણવામાં મદદ કરી શકે છે. આ બાબતો સંબંધોની આચારસંહિતા નથી. પરંતુ એવી બાબતો છે જે ધ્યાનમાં રાખીએ તો ધબકતા સંબંધોનો લય કાયમ જળવાયેલો રહે.

આ રહી કેટલીક ટિપ્સઃ

  • સ્વસ્થ સંબંધને જાળવી રાખવા માટે કોમ્યુનિકેશન સતત ચાલુ રાખો. સંવાદ એ સંબંધની ધોરી નસ છે. સ્વજન સાથે ગમે તેટલો મતભેદ થયો હોય તેના વિચારો સાથે આપણે સહમત ન હોઈએ એ વ્યક્તિએ એવું કંઈક કર્યું હોય જે આપણને બિલકુલ ન ગમ્યું હોય તો પણ બોલવાનું બંધ ન કરો. સંવાદ ચાલુ રાખો. જ્યારે તમે સંવાદ બંધ કરી દો છો ત્યારે વિવાદને મજા પડી જાય છે. વિવાદ નકારાત્મક બાબત છે અને સંવાદ સકારાત્મક. સંવાદ પાસે દરેક સમસ્યાના તાળાને ખોલવાની ચાવી હોય છે. તમે બોલશો તો ઉકેલ આવશે.
  • ઘણીવખત આપણે મનોમન કેટલીક વસ્તુઓ ધારી લેતા હોઈએ છીએ. એ આપણી ગેરસમજ હોય છે. બીજી વાત, મતભેદ તો જ ઉકલે જો વાત થાય. વાત જ ના થાય તો વતેસર થઈ જાય. વાતનું વતેસર થયું હોય તો પણ તેનો ઉકેલ તો બીજી વાર વાત કરવામાં જ છે અને એક મહત્ત્વની વાત એ કે સંવાદ તમે જાતે કરો. મહેરબાની કરીને જરૂર ન હોય તો મધ્યસ્થી કે ત્રાહિત વ્યક્તિને ટાળો. ઘણા કેસમાં ત્રાહિત વ્યક્તિ સંબંધોને સુધારવામાં ઉપયોગી થતી હોય છે એ વાત સાચી. પરંતુ અનેક વખત તેને કારણે પ્રશ્નો પણ થતા હોય છે. જો સમસ્યાને મૂળમાંથી જ કાઢવી હોય તો મૂળને પકડીને તમારે જાતે જ વાત કરવી જોઈએ. આંખોમાં આંખો નાખીને, સંપૂર્ણ પ્રામાણિક બનીને. પ્રામાણિકતાએ કોઈ પણ તૂટેલા સંબંધને સાંધવાની અક્સિર દવા છે.
  • વારંવાર ખુલાસા ન કરોઃ આપણા દેશમાં ખુલાસા કરવાની બહુ ટેવ છે. ડગલે ને પગલે ચોખવટ કરવી પડે છે. હું સાચો છું કે સાચી છું એવી જાહેરાત કરવી પડે છે. મારા દિલમાં બદઈરાદો નહોતો તેવું પ્રમાણપત્ર સતત આપવું પડે છે. આ એકદમ ખોટો રિવાજ છે. સાચા સંબંધમાં વધારે પડતા ખુલાસા કરવાના જ ન હોય. સ્વસ્થ સંબંધ તેને કહેવાય જેમાં વિશ્વાસ પૂરતો હોય. વિશ્વાસ ઘટે ત્યારે ખુલાસા વધે. જ્યારે ખુલાસા વધે ત્યારે સંબંધ ઝાંખો પડે. ઘણી વખત અમુક વ્યક્તિઓને વારંવાર ખુલાસા કરવાની ટેવ હોય છે. આ કુટેવ છે. અસલામતીની ભાવનામાંથી આવી ટેવ ઊભી થતી હોય છે. સંબંધનું કામ સલામતી આપવાનું છે. વારંવાર ખુલાસા કરીને સંબંધના સૌંદર્યને બગાડવું ન જોઈએ. જો તમારે વારંવાર ખુલાસા કરવા પડે તો સંબંધ કાચો કે ઢીલો છે એવું માની લેવું જોઈએ.
  • જતું કરો, હસી કાઢોઃ સંબંધને સાચવવાની એક અનિવાર્ય જરૂરિયાત છે, જતુ કરો. સંબંધમાં હારીને પણ જીતી જવાતું હોય છે. સંબંધ અલબત્ત હાર કે જીતનું મેદાન નથી એ તો જિંદગીનો રળિયામણો પ્રદેશ છે. વ્યક્તિ જ્યારે પોતાના અહમને પકડી રાખે છે ત્યારે કોઈ વાત ઉપર જીદ કરે છે. પોતાનું ધાર્યું કરાવવા માટે પ્રયાસ કરે છે. આને કારણે સંબંધની સુગંધમાં ઘટાડો થાય છે અને કડવાશ જન્મે છે. જે જતુ કરે છે તે જીતે છે. જતું કરવામાં, નમવામાં, પ્રેમ સાથેની શક્તિ જોઈએ છે. સંબંધોમાં મોટાભાગના પ્રશ્નો અહમને કારણે જ થતા હોય છે. પતિ-પત્ની છૂટાં પડતાં હોય છે તેમાં પણ ઈગોનો પ્રોબ્લેમ સૌથી મોટો હોય છે. દરેક વ્યક્તિમાં અહમ તો રહેવાનો જ. તેનો વિરોધ ન કરી શકાય. મનમાંથી તેને રદ કરવાની કોઈ પદ્ધતિ પણ નથી. જો સંબંધને સ્વસ્થ રાખવો હોય તો નમવામાં સહેજ પણ નાનપ ન સમજવી જોઈએ અને વાર પણ ન કરવી જોઈએ. ઘણી વખત જતું કરવામાં સમય લેવાતો હોય છે. એ પણ યોગ્ય નથી. નાની નાની બાબતો સંબંધને કુરૂપ બનાવતી હોય છે. એનાથી સમયસર ચેતી જવું જોઈએ.
  • જૂની વાતો ભૂલી જાઓઃ આમ તો કુદરતે આયોજન કરીને જ વ્યક્તિને મર્યાદિત સ્મરણ શક્તિ આપી છે. જેમ-જેમ વ્યક્તિ મોટી થતી જાય તેમ-તેમ દૂરનું ભૂલાતું જાય છે. 55 વર્ષની વ્યક્તિને 50 વર્ષ વખતની વાતો સારી રીતે યાદ હોય પણ 15 વર્ષની વાતો ઓછી યાદ હોય. આમ છતાં, ઘણા લોકો જૂની વાતોને ભૂલીને સતત ડિસ્ટર્બ થતા હોય છે. જૂનાને ભૂલી જવામાં જ સાર હોય છે. આપણી તકલીફ એ છે કે, આપણે આપણા જીવનની સારી બાબતોના ફોટા પાડીને તેને આલ્બમમાં કે હાર્ડડિસ્કમાં સાચવીએ છીએ અને ખોટી અને ખટકતી બાબતને હૃદયમાં સાચવીએ છીએ. આપણે કેટલી ગંભીર ભૂલ કરીએ છીએ. જે આપણને નહોતું ગમ્યું તે ભૂલી જવામાં જ શાણપણ છે. ઘણા લોકો તો જે બાબતોને ભૂલી જવી જોઈએ તે બાબતોને જ યાદ રાખીને, સતત યાદ રાખીને જીવન જીવતા હોય છે. ઘણી વખત તો એવો વહેમ પડે કે તેઓ આવતા જન્મમાં પણ આ બધી બાબતો યાદ રાખશે. અમારા એક મિત્ર એટલા બધા કિન્નાખોર છે કે, તેઓ જે વ્યક્તિ તેમને ન ગમતી હોય અથવા તો જે વ્યક્તિએ તેમનું કંઈક બગાડ્યું હોય તેને બિલકુલ માફ કરી શકતા નથી. સતત તેમના મનમાં એ વ્યક્તિ માટેની કડવાશ, રાગ અને દ્વેષ ઘૂંટ્યા જ કરે. પ્રિયજન કે ભગવાનનું સ્મરણ કરવાને બદલે એ વિરોધીનું જ સ્મરણ કર્યા કરે. જે લોકો માફ નથી કરી શકતા તે લોકો પોતાનું હૃદય સાફ નથી રાખી શકતા. હૃદયમાં કચરો ભર્યો હોય તો સારી બાબત માટે જગ્યા થતી જ નથી. એક જ નિયમ રાખવોઃ ભૂલી જાઓ. આદર્શ સ્મરણ શક્તિની એક વ્યાખ્યા એવી પણ છે કે, જે નબળું હોય તે યાદ ન રહે તેને આદર્શ સ્મરણ શક્તિ કહેવાય. વિનોબા ભાવેને પચાસ હજારથી વધુ સુભાષિતો અને મંત્રો યાદ હતા. કોઈકે તેનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, હું બિનજરૂરી બાબતોને યાદ રાખતો જ નથી એટલે આ બધું યાદ રાખી શકું છું.
  • નિખાલસ રહોઃ જેમ પૃથ્વી ગોળ છે એમ ઘણા લોકોની વાતો પણ ગોળ ગોળ હોય છે. સાચો સંબંધ નિખાલસતાની અપેક્ષા રાખે છે. જો તમે છુપાવશો તો ગુમાવશો. આજે નહીં તો કાલે. જેમ સાચી બાબતો ગમે ત્યારે બહાર આવતી હોય છે તેમ પાપ પણ છાપરે પોકારીને બોલતું હોય છે. સંબંધોમાં શક્ય તેટલા નિખાલસ રહેવું જોઈએ. ઘણા લોકોની એવી ગેરમાન્યતા હોય છે કે, જો સંબંધોને સાચવવા હોય તો થોડું જુઠ્ઠું બોલવું જોઈએ, છળકપટ કરવું જોઈએ, ચપટીક બનાવટ કરી લેવી જોઈએ, જે હૃદયમાં હોય એ બધું વ્યક્ત ન કરવું જોઈએ. આ વાત એકદમ સાચી નથી. પરંતુ તેમાં દમ તો છે જ. જો વ્યક્તિ સંપૂર્ણ નિખાલસ થાય તો જીવન ના જીવી શકાય. મનમાં હોય એ બધું બહાર ન કાઢી શકાય. આ વાત સ્વીકારીને પણ એટલું તો કહેવાનું જ કે શક્ય તેટલા નિખાલસ રહેવું જોઈએ. બિનજરૂરી વાતોને સંતાડવાનો કોઈ અર્થ જ નથી. વ્યક્તિ જેટલી વધારે નિખાલસ હોય તેટલા સંબંધો સ્વચ્છ અને તંદુરસ્ત રહે છે.
  • ભૂલ થાય તો તરત જવાબદારી સ્વીકારોઃ સંબંધો હૃદયથી જીવાય છે. પરંતુ જીવાતા જીવનમાં અનેક રૂટિન બાબતો હોય છે. આ રૂટિન બાબતોમાં ધ્યાન ન રાખવામાં આવે તો ક્યારેક ભૂલ થાય. ક્યારેક ચૂક થાય, ક્યારેક શરતચૂક થાય. આ બધું સહજ છે. સંબંધોનું સરોવર ત્યારેય બરાબર ડહોળાઈ જાય છે જ્યારે થયેલી ભૂલની કોઈ જવાબદારી લેવા તૈયાર હોતું નથી. વાત એકદમ નાની હોય છે, ભૂલ તો કોઈને કહીએ તો હસવું આવે એવી હોય છે. વાતમાં કોઈ માલ હોતો નથી. પરંતુ એ ભૂલની જવાબદારી કોઈ લેતું નથી એટલે રજનું ગજ થાય છે. નાની બાબત અચાનક વિકરાળ બની જાય છે. ડાહી વ્યક્તિ એ કહેવાય જે પોતાની ભૂલ તરત જ સ્વીકારી લે છે. એને કારણે સમસ્યાનું બાળમરણ થઈ જાય છે. જે થયું તે થયું. ભૂલને ભૂલી જવાનો એક જ રસ્તો છે. તેનો તરત જ સ્વીકાર કરીને સુધારી લેવી. ભૂલ કરવી એ ગુનો નથી. પરંતુ અભિમાની બનીને તેનો સ્વીકાર ન કરવો અને તેને ન સુધારવી એ ગુનો છે. આવી સ્થિતિમાં સંબંધ બગડે છે. ઘણીવાર તો વણસે પણ છે. ભૂલનો સ્વીકાર કરવો એ ધબકતા સંબંધ માટે અનિવાર્ય બાબત છે. આ પૃથ્વી ઉપર અનેક લોકો એવા હોય છે જે લોકો એવું માને છે કે અમે સર્વજ્ઞ છીએ, અમારાથી ભૂલ થાય જ નહીં. આવા લોકો અધૂરા લોકો હોય છે. અધૂરો ઘડો કાયમ છલકાતો હોય છે. છલકાવા દેવાનો. એ તેની નિયતિ છે. આપણે પૂર્ણ બનવાનું છે માટે ભૂલ સ્વીકારી લેવાની છે. ધારો કે, તમારી ભૂલ ન હોય અને તમે સ્વીકારી લો તો? તો વધારે સારું. આજે નહીં તો કાલે ખરેખર જે વ્યક્તિની ભૂલ થઈ હશે તે વ્યક્તિને ચોક્કસ તેની પ્રતીતિ થશે જ. કદાચ, એ બહાર ન બોલી શકે પણ અંદરથી તો તેને ખબર પડી જ જશે કે મારી ભૂલ થઈ છે.
  • નાની નાની સફળતાની ઉજવણી કરોઃ આ એક ખૂબ જ સુંદર બાબત છે. તમારા પ્રિયજને કંઈક સરસ કર્યું હોય, કોઈ સિધ્ધિ મેળવી હોય તો તેની ઉજવણી કરો. નાની-નાની બાબતોમાં પ્રિયજનનું અપ્રિસિએશન કરો. સંબંધોને સતત ખીલતા રાખવાની આ ઉત્તમ રીત છે. જન્મદિવસની ઉજવણી કરીએ કે લગ્નતિથિ ઉજવીએ એ તો બધું બરાબર છે. પરંતુ કોઈ નાની-નાની બાબત હોય તો પણ ઉજવણી કરવી જોઈએ. એ કદી ન ભૂલવું જોઈએ કે જીવન એ ઉત્સવ છે. ઉજવણી કરવાની એક પણ તકને જતી ન કરો. તમારા પ્રિયજનને નિમિત્ત બનાવીને ઉજવણી કરશો તો તમારા સંબંધો કાયમ લીલાછમ રહેશે. ઉજવણીને ક્રિએટિવ રીતે પણ કરી શકાય. આજકાલ સાવ ખોટી રીતે ઉજવણી થાય છે. એ ઉજવણીમાં દેખાડો, ઘોંઘાટ અને શોરબકોર હોય છે. એ બરાબર નથી. સાચી ઉજવણી પ્રેમથી થઈ શકે. આનંદથી થઈ શકે. અમારા એક મિત્ર નિપેશભાઈ પંડ્યાએ પોતાનાં જીવનસાથી મીરાંબહેનને અમુક વર્ષ થયાં ત્યારે સગાંસંબંધીઓ પાસેથી મીરાંબહેન માટે પત્રો લખાવડાવ્યા. આખો દિવસ સવારથી સાંજ સુધી એ પત્રો આવતા જ રહ્યા. પ્રેમથી ભરેલા પત્રો. સ્મરણોથી છલકાતાં પત્રો. મીરાંબહેન ખૂબ રાજી થયાં. એ પછી તો આ પત્રોનું ખૂબ સુંદર પુસ્તક પણ થયું છે. આને કહેવાય સર્જનાત્મક અથવા ક્રિએટિવ ઉજવણી.

આ પહેલાં લેખમાં આપણે સાત ટિપ્સની વાત કરી છે. બાકીની આઠ ટિપ્સની વાત આવતા લેખમાં કરીશું.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...