પરદે કે પીછે:મહિલા જમીન જ નથી, કંઈક બીજું પણ છે

23 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટના આદેશ પર હવે મહિલાઓને રાષ્ટ્રીય સુરક્ષા એકેડમીમાં તાલીમ માટે પસંદ કરાઈ રહી છે. આ તાલીમ માટે કેટલીક મહિલાઓ ફોજી પરિવારમાંથી આવી છે, પરંતુ 60 ટકા મહિલાઓ બિન-સૈનિક પરિવારની છે. એકેડમીમાં પ્રવેશ માટે અઘરી પરીક્ષા પાસ કરવી પડે છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે માત્ર જાસૂસી ક્ષેત્રમાં જ મહિલાઓને પ્રવેશ મળતો હતો. જાસુસી માતાહરી દંતકથા બની ગયાં છે. ફ્યોદોર દોસ્તોવસ્કીની નવલકથા ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’માં ધન, વ્યાજ પર આપવાનું કામ મહિલા કરે છે. સમાજમાં એવું મનાય છે કે, છોકરીના વયસ્ક થતાં તેની સ્વતંત્રતા સમાપ્ત કરી દેવી જોઈએ. ચીનમાં છોકરીઓને બાળપણથી જ લાકડીના બનેલા ફીટ બૂટ પહેરાવાય છે, જેથી તેના પગ નાના જ રહે. ત્યાં નાના પગ સુંદરતાનું માપદંડ કહેવાય છે. દક્ષિણ આફ્રિકામાં મહિલાના જાડા હોઠ સુંદરતાનું પ્રતીક છે.

એક પ્રસિદ્ધ મહિલા ટેનિસ ખેલાડીની સર્વિસ પુરુષો કરતાં પણ વધુ ફાસ્ટ રહેતી હતી. તેને એક પ્રદર્શન મેચમાં પુરુષ ચેમ્પિયન ખેલાડી સામે રમાડવામાં આવી હતી, જેથી તે ખુદને સાબિત કરી શકે. ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’, ‘દિલ બોલે હડિપ્પા’, ‘મેરિકોમ’ મહિલાઓના આવા જ સંઘર્ષની સ્ટોરી છે. કેટલીક મહિલા લેખિકાઓએ છદ્મ નામ રાખીને પોતાની રચનાઓ પ્રકાશિત કરી છે, કેમકે મહિલાના સ્વતંત્ર વિચાર પ્રક્રિયા રાખવા પર પ્રતિબંધ હતો. એના ફ્રેન્ક દ્વારા પોતાની ડાયરી લખવાના વર્ષો પછી તેને પ્રકાશિત કરી શકાઈ હતી, કેમકે એ સમયે નાઝીઓનો દબદબો હતો. હકીકતમાં પ્રતિભા અને તાલીમને કારણે કોઈ લિંગભેદ થઈ શકતો નથી. આદિકાળથી મહિલાઓ પોતાની શારીરિક ચપળતા અને અચૂક નિશાનાને કારણે પુરુષોથી આગળ રહી છે.

આપણે જેમ-જેમ વિકસિત થતા ગયા તેમ-તેમ કેટલીક બાબતોમાં પછાત થતા ગયા છીએ. આપણા અંધવિશ્વાસ અને પૂર્વાગ્રહોને કારણે મહિલાઓને નબળી આંકવામાં આવી છે. સભ્યતાની ગાડી એક પૈડાં પર સરકી રહી છે. બંને પૈડાંને સમાન મહત્ત્વ આપ્યું હોત તો આપણે સમાનતા અને ન્યાયની મંઝિલ પર પહોંચી જતા. સિમોન ધ બોઉવોરે સદીઓથી અત્યાચારનો સામનો કરતી મહિલાઓ પર ‘સેકન્ડ સેક્સ’ નામના ગ્રંથની રચના કરી હતી. પ્રસિદ્ધ લેખિકા એમિલી ડિકન્સ વર્ષોથી પોતાનાં ઘરની બહાર નીકળ્યા ન હતા, પરંતુ તેમના લેખનથી લાગે છે કે, તેઓ પૃથ્વીની જેમ સતત ફરતાં રહ્યાં છે. તેમણે ધરતીના એ વિસ્તારોનું પણ વર્ણન લખ્યું છે, જ્યાં તેઓ ક્યારેય ગયાં જ નથી. વર્જીનિયા વૂલ્ફે પણ એકાંતવાસમાં પોતાની શક્તી શોધી છે. ઓટીટી પર પ્રસ્તુત ‘બંદિશ બેન્ડિટ્સ’માં બતાવાયું છે કે, નસિરુદ્દીન શાહ અભિનીત પાત્ર શાસ્ત્રીય ગાયક છે અને પોતાના જીવનકાળમાં એક દંતકથા બની ગયો છે. એક સંગીત સમારોહમાં તેણે પોતાનાથી વધુ પ્રતિભાશાળી ગાયકને સાંભળ્યો. હરીફાઈથી ડરી ગયેલા એ પાત્રએ તેનો પોતાની પુત્રવધૂ બનાવી લીધી અને તેના ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો. એ મહિલાએ ત્યાર પછી પોતાના પૌત્રને ગાયનકળામાં હોંશિયાર કરીને એક સ્પર્ધામાં પોતાના સસરાને હરાવીને વર્ષોનો હિસાબ બરાબર કરી લીધો.

સાવિત્રીબાઈ ફૂલેએ સામાજિક ક્રાંતિ કરી હતી. મહિલા શિક્ષણના અધિકાર માટે તેમણે સંઘર્ષ કર્યો હતો. ફિલ્મ ઉદ્યોગમાં પણ પુરુષ કલાકારોને મહિલા કલાકાર કરતાં વધુ મહેનતાણંુ અપાય છે. તેના વિરુદ્ધ કરીના કપૂરે સંઘર્ષ કર્યો છે. જેના કારણે તેને કેટલીક ફિલ્મોમાં તક અપાઈ ન હતી. ત્યાર પછી આદિત્ય ચોપડાએ વચ્ચેનો રસ્તો સુચવ્યો હતો. પાકિસ્તાનની લેખિકા સારા શગુફ્તાએ મહિલા સમાનતા પર અનેક રચનાઓ લખી છે. જોકે, ભયભીત પુરુષ સમાજે તેમની હત્યા કરાવીને તેને આત્મહત્યા તરીકે પ્રચારિત કરી હતી. સારા શગુફ્તાની એક કવિતાનો આશય એવો છે કે, ‘મર્દાનગીનો ઝંડો લઈને ફરતા લોકો, સ્ત્રી માત્ર ધરતી નથી, કંઈ બીજું પણ છે’. યાદ રહે કે, પૃથ્વીને માતૃભૂમિ કહેવાય છે. મહિલાઓનું નેશનલ ડિફેન્સ એકેડમીમાં સ્વાગત કરાશે. ઈન્દિરા ગાંધી, માર્ગરેટ થેચર અને સિરિમાવો ભંડારનાયકેએ સર્વોચ્ચ પદો પર બિરાજમાન થઈને સાહસિક નિર્ણયો લીધા છે.

અન્ય સમાચારો પણ છે...