મેનેજમેન્ટ ફંડા:બીજાને સશક્ત કરવા પણ તહેવાર મનાવવા જેવું

11 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

કલ્પના કરો કે તમે ગામની એક સ્કૂલની બહાર ઊભા છો અને ત્યાં એક શિક્ષક બાળકોને કહી રહ્યા છે, ‘ચાલો તમારું ફિઝિક્સનું પુસ્તક ખોલો અને પેજ-21 પર પાઠ-4 ખોલો.’ તમે જુઓ છો કે, વિદ્યાર્થી શાંતિથી એ પેજ ખોલે છે. ક્લાસમાં શિક્ષક એક વિદ્યાર્થીને ઊભો કરીને પહેલો ફકરો વાંચવાનં કહે છે. તે એક-એક વાક્ય આખું વાંચે છે અને અટકી-અટકીને શિક્ષકની સામે જુએ છે. શિક્ષક ધીમેથી ‘હં..’ કહે છે, જેનો અર્થ છે કે, વાંચવાનું ચાલુ રાખો. પછી અચાનક તેઓ વિદ્યાર્થીને અટકવા ઈશારો કરે છે અને બીજા સામે જોઈને કહે છે, સમજ્યા? ફિઝિક્સનો રીડિંગ ક્લાસ આ રીતે અનેક મિનિટ સુધી ચાલે છે અને શિક્ષક આ વિષય અંગે કંઈ પણ સમજાવતા નથી શિક્ષક અચાનક તમારી સામે જુએ છે અને વિદ્યાર્થીઓ તરફ ફરીને કહે છે, ‘આજનો પાઠ-4 પૂરો. ઘરે જઈને યાદ કરી લેજો. હું બીજા ક્લાસમાં બીજા પાસે વંચાવીશ’.શિક્ષક વર્ગખંડમાંથી બહાર આવે છે. તમે ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છો, એટલે તમારો સવાલ હોય છે કે, ‘શું તમે ફિઝિક્સના શિક્ષક છો?’ તે સ્મિત સાથે કહે છે, ‘ના’. તમને ચકિત જોતાં તે બોલે છે, ‘હું સંગીત શિક્ષક છું, પરંતુ સ્કૂલમાં એકમાત્ર શિક્ષક છું. એટલે ટાઈમ ટેબલના હિસાબે તમામ વિષય ભણાવું છું અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં વ્યસ્ત રાખું છું.’ તમને કેવું લાગી રહ્યું છે? શું તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ? ફિઝિક્સમાં એમ.એસ.સી વિવેક જોગલેકર સાથે પણ કંઈક આવો જ ઘટનાક્રમ થયો. તેઓ બિલાસપુર રાયપુર ક્ષેત્રીય ગ્રામીણ બેન્કમાં વિવિધ પદ પર રહ્યા છે. ગામડાંમાં કામ કરવાને લીધે ગ્રામીણો પ્રત્યે આગવો પ્રેમ છે. બેન્કિંગમાંથી નિવૃત્ત થયા પછી તેમણે પત્ની શુભદા સાથે ગ્રામીણ બાળકોની મદદનો નિર્ણય લીધો. શુભદા પોતે અનેક સ્કૂલોમાં પ્રિન્સિપાલ અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યાં હતાં. એક યાત્રા દરમિયાન વિવેકે આ દૃશ્ય જોયું અને આ રીતે ‘જોબ લેકર એકેડમી’નો જન્મ થયો, જેમાં બિલાસપુર (છત્તીસગઢ)ની આજુબાજુના અનેક ગામડાનાં બાળકોને પીસીએમ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિતમાં મદદ કરે છે. હું આવા એક ડઝન જેટલા વિદ્યાર્થીઓને જાણું છું જે આ દંપતિ પાસે ભણીને ઉચ્ચ પદો પર પહોંચ્યા અને પરિવારને આર્થિક રીતે મજબૂત કર્યો.બુધવારે સવારે મને તેમની યાદ એટલે આવી જ્યારે મેં યુનેક્સોનો 2021નો ‘સ્ટેટ ઓફ એજ્યુકેશન ઈન ઈન્ડિયા’નો રિપોર્ટ વાંચ્યો. તેનો દાવો છે કે, ભારતમાં 1.1 લાખ સ્કૂલોમાં માત્ર એક શિક્ષક છે, જ્યારે શિક્ષકોના 11.16 લાખ પદ ખાલી છે, જેમાં 69% ગ્રામીણ ક્ષેત્રોમાં છે. મધ્યપ્રદેશમાં એક શિક્ષક ધરાવતી સ્કૂલ સૌથી વધુ છે, જ્યારે ઉ.પ્ર. અને બિહારમાં સૌથી વદુ 3.3 લાખ અને 2.2 લાખ પદ ખાલી છે. યુનેસ્કોએ પોતાના રિપોર્ટમાં ભલામણ કરી છે કે, ગામમાં શિક્ષકોના કામ કરવાની સારી સ્થિતિ ઊભી કરવામાં આવે, સાથે જ ‘આકાંક્ષી જિલ્લા’ની ઓળખ થાય અને શિક્ષકોને ફ્રન્ટલાઈન વર્કર માનવામાં આવે. વિવેકે મારો સંપર્ક પોતાના ક્ષેત્રના અનેક પ્રિન્સિપાલ સાથે કરાવ્યો છે, જેમને અનેક બાળકોને નોકરી માટે તૈયાર કરવા પર ગર્વ છે. એ આચાર્યોએ મારો પરિચય એવા ઘણા બાળકો સાથે કરાવ્યો, જે આર્થિક રીતે સ્વતંત્ર બન્યા છે. જેમના અંગે ફરી ક્યારેક લખીશ.ફંડા એ છે કે > મને લાગે છે કે, કોઈની ગરીબી દૂર કરવા માટે તેને સશક્ત કરવો પણ ભારતના મહાન તહેવારોને મનાવવાની એક રીત છે. તમને શું લાગે છે?

અન્ય સમાચારો પણ છે...