• Gujarati News
  • Magazine
  • Is The Death Of Language The Death Of Culture A Possible Solution To The Media Question? Yes

વિચારોના વૃંદાવનમાં:ભાષાનું મૃત્યુ એટલે સંસ્કૃતિનું મૃત્યુ માધ્યમના પ્રશ્ને સમાધાન શક્ય છે? હા

5 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

સ્વ. રામ જેઠમલાણીનો વાક્યપ્રયોગ ઉછીનો લઇને કહું તો હું ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ટ્રાન્સિટ લાઉન્જમાં બેસીને મારી ફ્લાઇટ ડિક્લેર થાય એવી રાહ જોતો બેઠો છું. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય એ જો મિશન હોય તો તબિયતની પરવા કર્યા વિના મનીષ પાઠકનું આમંત્રણ સ્વીકારવું પડે એવી ભાવના સાથે તમને સૌને મળવા આવ્યો છું. ઑસ્ટ્રિયાનો નવલકથાકાર રિલ્કે અંગ્રેજી ભાષા પ્રત્યે ધિક્કારભાવ રાખતો હતો. મને અંગ્રેજી ભાષા પ્રિય છે. મેં અંગ્રેજીમાં કાવ્યસંગ્રહ પણ પ્રગટ કર્યો છે, જે ધીમી ગતિએ પણ વેચાતો નથી, એ જુદી વાત છે. સગી આંખે મુંબઇમાં એક વિચિત્ર દૃશ્ય જોયું હતું. બાળક અંગ્રેજીમાં રડતું હતું અને એની માતા ગુજરાતીમાં એને છાનો રાખવા મથી રહી હતી! જ્યારે કોઇ ભાષા મરે ત્યારે એક સંસ્કૃતિ મૃત્યુ પામે છે. કવિ ઉમાશંકરે ગુજરાતીને ‘ગાંધીગિરા’ કહીને બિરદાવી હતી.
વર્ષ 1918માં કવિ બ. ક. ઠાકોરે ગાંધીજીને એક પત્ર અંગ્રેજીમાં લખ્યો હતો. ગાંધીજીએ તા. 24-7-1918ને દિવસે કવિને જવાબમાં લખ્યું હતું :
‘જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવામાં આવશે. બે હિંદુસ્તાનીઓ એક જ ભાષા જાણતા હોય છતાં કોઇ માણસ બીજાને અંગ્રેજીમાં પત્ર લખે અથવા બીજા સાથે અંગ્રેજીમાં બોલે, તો ઓછામાં ઓછી 6 માસની સખત મજૂરીવાળી સજા કરવામાં આવશે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી.’
આપણા દેશના વિજ્ઞાની નારલીકરે વર્ષો પહેલાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પણ માતૃભાષા દ્વારા જ ભણાવવાની જોરદાર હિમાયત કરી હતી. અરે! વિશ્વના મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને પોતાની રીલેટિવિટીની થિયરી માતૃભાષા જર્મનમાં લખી હતી, અંગ્રેજીમાં નહીં. આપણી લઘુતાગ્રંથિને કારણે આપણે માતૃભાષાનો આદર કરવાનું ચૂકી જઇએ છીએ. એ માટે આપણું ‘કોલોનિયલ માઇન્ડ’ જવાબદાર છે. આપણા વીર નર્મદે ‘દેશાભિમાન’ શબ્દ પ્રયોજ્યો હતો. ગુજરાતી પ્રજાનું ‘ભાષાભિમાન’ નબળું છે. કોઇ બુદ્ધિહીન મનુષ્ય પણ ખોટા અંગ્રેજીમાં બકવાસ કરે તો આપણે એ મૂર્ખથી પ્રભાવિત થઇ જઇએ છીએ.
હવે હું એક વિરાટ ચકરાવો મારીને તમને વિશ્વયાત્રાએ લઇ જવા માગું છું. આજે દુનિયાનો એક પણ દેશ માતૃભાષા દિન ઊજવે છે ખરો? દુનિયાના કયા દેશમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા નથી? ચાલો મારી સાથે…
⬛ ટોકિયોની ચુઓ યુનિવર્સિટીમાં મારું પ્રવચન હતું. ગમ્મત એવી થઇ કે છેલ્લી ઘડીએ યોજકે કહ્યું : ‘સર, અહીં તમને સાંભળવા આવેલા 22 પ્રોફેસરોમાંથી એક પણ પ્રોફેસર અંગ્રેજી જાણતો નથી. એક દુભાષિયો વાક્યે વાક્યે અનુવાદ કરતો જશે.’ આમ મારું પ્રવચન અડધું થઇ ગયું! શું જાપાન ઇલેક્ટ્રોનિક્સના ઉદ્યોગમાં આપણા દેશથી પાછળ છે કે?
⬛ જેવું જાપાનનું તેવું જ નૉકિયાના મોબાઇલ ફોન માટે જાણીતા એવા નાનકડા ફિનલેન્ડમાં ઉત્પાદન થતું રહ્યું છે. એ દેશની શિક્ષણપ્રથાને સમજવા માટે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા 20-25 દિવસ ફિનલેન્ડમાં રહ્યા. આજે દિલ્હી રાજ્યની નિશાળોમાં જે સુધારા થયા તેના મૂળિયાં ફિનલેન્ડમાં છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોય તેવો પ્રશ્ન કોઇ પણ યુરોપિયન દેશમાં ચર્ચાતો નથી.
⬛ સ્વીડનમાં મારે આઠ દિવસ સ્ટોકહોમમાં રહેવાનું થયું. સ્વીડનની સરકારે આમંત્રણ પાઠવીને ત્યાં સેટલ થયેલા કેટલાય દેશોના નાગરિકોને એમની માતૃભાષામાં જ ભણવાની સગવડ કરી આપી. સ્ટોકહોમમાં માત્ર 25 ગુજરાતી કુટુંબો હતાં. છેલ્લે દિવસે નક્કી થયું કે બધા જ દેશોની માતૃભાષામાં ભણાવનારા શિક્ષકો સમક્ષ હું પ્રવચન કરું. મેં પ્રવચનમાં કલાપીનું ‘ગ્રામમાતા’ કાવ્ય અંગ્રેજીમાં માસ્તરની અદાથી ભણાવ્યું. માનશો? કવિની વિશ્વભાવના સૌના હૃદય સુધી પહોંચી! કવિતાને સરહદ નડે ખરી?
⬛ કેનેડાની વાત કરું? ત્યાં અંગ્રેજીનું ચલણ ખરું, પરંતુ સાસ્કાચવાન પ્રાંતમાં ફ્રેન્ચનું ચલણ છે. તેથી શિક્ષણનું માધ્યમ ફ્રેન્ચ છે, અંગ્રેજી નથી.
⬛ જર્મનીમાં યોજાયેલી યુનેસ્કોની પરિષદમાં ભારતનો એકમાત્ર પ્રતિનિધિ હું હતો. તે વખતે પૂર્વ બર્લિનમાં સામ્યવાદી શાસન હતું. ટ્રેનમાં બેઠેલો કોઇ માણસ અંગ્રેજી ન સમજે. કોઇ અંગ્રેજી જાણનાર મળી જાય તો સ્વજન જેવો લાગે! બધાં અખબારો રોમન લિપિમાં પ્રગટ થાય, અંગ્રેજીમાં કોઇ અખબાર આખા યુરોપમાં જોવા ન મળે! દુનિયાથી કપાઇ ગયાની લાગણી થાય.
⬛ છેલ્લે એક એવા દેશની વાત કરું, જેનું કદ આપણા ધરમપુર તાલુકા જેટલું હશે. હું ત્યાં જવા પામ્યો નથી. ડો. ઉષાબહેન ઉપાધ્યાય, ડો. મોતીભાઇ પટેલ, ડો. પી. જી. પટેલ અને ડો. ભદ્રાયુ વછરાજાનીના સોલિડ ટેકાથી જ્યારે જૂનાગઢથી સુરત (નરસિંહથી નર્મદ) સુધીની માતૃભાષા વંદના યાત્રા કાઢી ત્યારે આઇસલેન્ડ જેવા ટાપુદેશથી એક ફોન આવેલો. ત્યાં સેટલ થયેલો એક ગુજરાતી મને કહે છે : ‘સર! અમારા ટાપુ પર બધો જ કારભાર અમારી માતૃભાષા (આઇસલૅન્ડિક)માં જ ચાલે છે. અમારાં રાષ્ટ્રપ્રમુખ એક સ્ત્રી છે અને તેઓ લૅસ્બિયન છે.’ વિશ્વયાત્રા અહીં પૂરી થાય છે.
અંગ્રેજ કવિ કિટ્સના શબ્દો સંભળાવું?
કહે છે :
‘શિક્ષણનું અંગ્રેજી માધ્યમ
એ ભારત પરની બ્રિટનની
સૌથી મોટી બૂરાઇ હતી.
એણે ગૌરવવંતી પ્રજાને
રંગલા-જાંગલા જેવી
આત્મગૌરવવિહોણી બનાવી દીધી!’
શું ગુજરાતી માધ્યમનો આગ્રહ એ અંગ્રેજીનો વિરોધ છે? ના. ના. ના. શું સમાધાન શક્ય છે? હા, હા, હા. અંગ્રેજી માધ્યમની નિશાળોમાં ઉત્તમ ગુજરાતી ભણાવાય અને ગુજરાતી માધ્યમની નિશાળોમાં ઉત્તમ અંગ્રેજી ભણાવાય, તો દોનો હાથ મેં લડ્ડુ! દુર્બોધ ભાષા લખનારા અને બોલનારા ઉન્નતભ્રૂ વિદ્વાનોને હાથે જરૂર આપણી માતૃભાષા મરવાની છે. એક વર્ગ સાહિત્યકારોમાં ઊભો થયો છે, જેમને વાચકો પ્રત્યે કરુણા નથી. કવિતા, ટૂંકી વાર્તા અને નિબંધો દુર્બોધ બને એની જાણે ફેશન ચાલે છે! સામયિકો કાળક્રમે બંધ પડતાં જવાનાં છે. પુસ્તકોનું વેચાણ ઘટતું જવાનું છે. સર્જક અને વાચક વચ્ચેની connectivity ઝડપભેર ઘટતી જાય છે. ક્યાંક ચલણમાં અંગ્રેજી હોય, તોય વલણમાં ગુજરાતી હોવું જોઇએ. જે સમાધાન મૂળે કવિ નિરંજન ભગતે વર્ષો પહેલાં સૂચવ્યું હતું, એ યાદ રાખવા જેવું છે : ‘ઉત્તમ અંગ્રેજી અને માધ્યમ ગુજરાતી.’ આમ દોનોં હાથ મેં લડ્ડુ! કયા ગુજરાતીને આ ન ગમે? ગઇ કાલે પ્રધાનમંત્રીજીએ ઉ.પ્ર.ની જાહેરસભામાં કહ્યું તે સગે કાને ટીવી પર સાંભળવા મળ્યું : ‘મેડિકલ શિક્ષણ પણ માતૃભાષામાં આપવાનું શરૂ થાય એ દિવસ દૂર નથી.’ આવું બને ત્યારે મને યાદ કરજો.⬛

પાઘડીનો વળ છેડે
ગુજરાતના સાક્ષરે અત્યંત કડવી ભાષામાં
ગુજરાતી પ્રજાને સ્પષ્ટ વાત કહી દીધી છે :
ઓ રે ઓ ગાંડી ગુજરાત!
આગે લાત પીછે બાત,
અપનાવંતી અજબ મુજ માત!
રાણી બની, મુગલાણી બની,
બની મરાઠણ અંતે,
હાલ તુર્ત અંગ્રેજાણી બની તું,
પવન પ્રમાણે પીઠ ધરે!
ઓ રે ઓ ગાંડી ગુજરાત!
- નવલરામ ત્રિવેદી

નોંધ : માતૃભાષા દ્વારા જ ભણવું એ પ્રત્યેક શિશુનો મૂળભૂત માનવીય અધિકાર છે. એ જૂનવાણી વિચાર નથી, પરંતુ અત્યંત અદ્યતન વિચાર છે. યુનેસ્કો પણ એની જ હિમાયત કરે છે. ખ્રિસ્તી ધર્મના આદરણીય વિદ્વાન ડો. ફાધર કુમારે ફોન પર મને જણાવ્યું કે : ‘ઇસુ ખ્રિસ્તની હત્યા અર્મૈક (Aramaic)હતી. બાઇબલનો ‘જૂનો કરાર’ હિબ્રૂ અને ગ્રીક ભાષામાં લખાયો હતો અને નવો કરાર ગ્રીક ભાષામાં લખાયો હતો.(વિશ્વ માતૃભાષા દિન, તા. 21-ફેબ્રુઆરીને ગુ. સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક હોલમાં આપેલું પ્રવચન.) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...