તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:‘તું બોડીમસાજ કેવો કરે છે એના પર તારા પ્રમોશનનો આધાર છે...’

કિન્નરી શ્રોફ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -3 ‘ડુયુ લાઇક ઇટ?’ મલબારહિલના ફ્લેટનો દરવાજો ખોલીને દામિનીએ પૂછ્યું. શેખરની કીકી ચમકી ઊઠી: વા...ઉ! ખરેખર દિલ ખુશ થઇ જાય એવું અફલાતૂન ઇન્ટિરિયર છે ફ્લેટનું. ફાઇનલી! ડ્રીમ કમ ટ્રુ. મુંબઇમાં અતિ શ્રીમંતોને જ પરવડે એવું લોકેશન, આલિશાન ઘર...એ પણ આજે સવારે શેઠસાહેબે દસ્તાવેજ સહી કરી દીધા એટલે હવે બાકાયદા મારા નામે! ‘યુ ડિઝર્વ ઇટ.’ દામિનીએ સોફાચેર પર પડતું મૂક્યું. શેખર એની બાજુમાં ગોઠવાયો, ‘આ તો તમારી મહેરબાની છે, મેડમ.’ શેખરે વિનય દાખવ્યો. અલબત્ત, એ જાણતો હતો કે મેડમને મહેરબાનીની પૂરેપૂરી કિંમત વસૂલતાં આવડે પણ છે, બટ નો ઇશ્યૂ! ગ્રેટ જોબ, શેખુ! શેખર કેવો હરખાય છે! દામિની મનમાં જ મલક્યાં. જોકે એને ફ્લેટ દેવાનું પગલું ધીરજને નહીંં જ ગમ્યું હોય... પતિનાં સ્મરણે એ ટટ્ટાર થયાં. ના, ધીરજ સાથેનું દીર્ધ દાંપત્ય આમ જુઓ તો સુખી જ હતું. આખરે લાંબો વિચાર કરી પોતે એમને પરણ્યાં હતાં. લગ્ન સમયે એ સત્તાવીસના ને હું ત્રેવીસની. એ ત્યારે હજાર કરોડ રૂપિયાના બિઝનેસના સર્વેસર્વા ને હું સામાન્ય ઘરની કન્યા અને એમની સેક્રેટરી...પણ મારે ક્યાં કાયમ સેક્રેટરી રહેવું હતું? ધીરજ લુકમાં એકદમ એવરેજ અને માથે ટાલ પણ બેસી ગયેલી. હું તો લોકનજરમાં બોલાતું એમ...ફૂલફટાકડી! જોકે મેં જાતને સમજાવી દીધેલી કે શ્રીમંત પુરુષનું રૂપ ન જોવાનું હોય! કામકાજમાં અગ્રેસર રહી મેં એમનો વિશ્વાસ જીત્યો. બિઝનેસ મેટર્સ અંગે તેઓ મુંબઇ બહાર હોય ત્યારે ઘરે જઇ એમના વિડો મધરની સંભાળ લેતી. આ બધાનું ધાર્યંુ પરિણામ આવ્યું. માજીએ સામેથી મારા ઘરે લગ્નનું કહેણ મોકલ્યું. મારી તો ‘હા’ હતી જ! સેક્રેટરીમાંથી મિસિસ ધીરજ શેઠ બનતા મારો રુતબો બદલાયો. હાઇ સોસાયટીમાં ભળતા વાર ન લાગી. માજી માટે હું હંમેશાંં આદર્શ વહુ રહી. હા, એમને વંશનો વારસ ન દઇ શકી. મા ન બનવાનો મને ખાસ વસવસો પણ નહોતો. માજીનાં દેહાંત બાદ મેં ફરી ઓફિસ જોઇન કરી ખુદને વ્યસ્ત કરી દીધી. જિંદગી કદાચ આમ જ વહી જાત, પણ દુર્ભાગ્યે ધીરજ પેરાલિસિસનો ભોગ બન્યા. દુનિયાભરના ઇલાજ છતાં અડધું અંગ ચેતનહીંન જ રહ્યું, વ્હીલચેરનો સહારો કાયમી બન્યો. એથી જોકે બિઝનેસ બંધ થાય નહીંં અને મને તો બિઝનેસ રન કરવાનો પાકો અનુભવ હતો. ધીરજે મને અબાધિત અધિકારો આપી દીધા. ધીરજ માટે મેઇડનો બંદોબસ્ત કરી મેં ફરી ઓફિસ જવા માંડ્યું. પહેલીવાર ત્યાં ધીરજની ચેર પર બેઠી. એ સત્તાની ક્ષણ હતી. ધીરેધીરે આ સત્તાધીશતા મારા સ્વભાવમાં, વર્તનમાં રણકવા માંડી ને ધીરજ હાંસિયામાં ધકેલાતા ગયા. કશુંક હતું મારી ભીતર જે હવે વિદ્રોહ પોકારતું હતું. હું કેટલી રૂપાળી હતી, તો ય મારે આ ગંજા જોડે પરણવું પડયું...કદાચ એની ચીડ હતી. પથારીમાં પણ ધીરજ કંઇ હીમેન નહોતા, કદાચ એનો આક્રોશ હતો. મારી જાણબહાર ભીતર ધબરાયેલું બધું સપાટી પર આવતું હતું. મેં સ્વીકારેલાં સમાધાનો મને જ ડંખતાં ને એનો ખાર ધીરજ પર નીકળતો. આ સત્તા સરકવા ન દેવી હોય તો વેપારમાં મારી પકડ મજબૂત જોઇએ. મેં મહત્ત્વની પોસ્ટ પર મારા માણસોને ગોઠવવા માંડ્યા. શેખર એમાંનો એક. એન્જિનિયરિંગ ભણી એમ. બી. એ. કરનાર શેખર પાસે ઝાઝો અનુભવ નહોતો, પણ એનો ચાર્મ અનોખો હતો. શેખરને નોકરી મળી ગઇ. દિવસનો મોટોભાગ એની સાથે વીતતો. બેચરલ જુવાન ખંતીલો છે, ‘મેડમ-મેડમ’ કહી મીઠડો પણ થાય છે. ફાઇન, પણ એનો હું શું ફાયદો ઉઠાવવા માગંુ છું? આનો જવાબ રાત્રે પથારીમાં પોઢતાં મળ્યો. ધીરજ પહેલાં પણ કામના નહોતા ને હવે સાવ નકામા બની ગયા. આ સેજ પર શેખર જેવો જવામર્દ સજન હોય તો...! વોટ ધ હેલ. પોતાના જ વિચારે ભડકી જવાયું. તારી પ્રેસ્ટિજ, તારી ઉંમરનો તો વિચાર કર દામિની! પણ વિદ્રોહી મન અહીં પણ ન ગાંઠ્યું...એક સમયે તું સેક્રેટરી હતી, તારા શેઠને રાજી કરવા એમને ગમતું કર્યંુ; એમ હવે તું બોસ છે. તને રાજી કરવા શેખર તને ગમતું કરે એમાં કંઇ ખોટું ન ગણાય. આ તો વહેવાર થયો. ‘શેખર, તને ડબલ પ્રમોશન મળી શકે એમ છે...’ એના નોકરીના આઠેક મહિના બાદ પોતે પાસો ફેંકેલો, ‘બટ ઇટ ડિપેન્ડ્સ ઓન...કે તું બોડીમસાજ કેવો કરે છે?’ હોટલના રૂમમાં એણે આપેલો મસાજ અફલાતૂન હતો. અત્યાર સુધી દબાયેલી અબળખાઓ ભરતીનાં મોજાંની જેમ ઊછળવા લાગી ને શેખર નામનો કિનારો કાયમી બનતો ગયો. બદલામાં શેખર ફળતો-ફૂલતો રહ્યો. સેલેરી રાઇઝ, ફોરેન ટૂર્સ, કાર અને હવે પોતાનો ફલેટ! આમાં ક્યારેક ધીરજની સહી પણ લેવી પડે, એમને આ બધું નહીંં જ ગમતું હોય. એમને મારા-શેખરના સંબંધ બાબત શંકા પણ હશે, પણ પુરુષ તરીકે નકામા અને ઠરી ગયેલા આદમીની શું દરકાર રાખવી! ઓફિસમાં શેખરને સૌ મેડમનો ચમચો કે જાસૂસ કહેતા હોય છે, ખાનગીમાં અમારા રિલેશનની ગોસિપ પણ થતી હશે, સોસાયટીમાં ય વાતો ઊડતી હશે, તો ઊડવા દો. આઇ એમ ધ બોસ. મને કોઇની પરવા નથી! અત્યારે પણ દામિનીની સત્તાધીશતા જાગી ઊઠી. ‘શેખર, આર યુ હેપી?’ ‘અફકોર્સ, મેડમ’ ‘તો હવે મને હેપી કેમ કરવી એ તને કહેવું પડશે?’ એમના પ્રશ્નમાં ધાર હતી. ‘અફકોર્સ નોટ!’ શેખરે એને ઊંચકી લીધીને બેડરૂમ તરફ ચાલવા માંડ્યું. Â Â Â ત્યારે, વડોદરાના કારેલીબાગ ખાતેનાં રો-હાઉસમાં જુદું જ દૃશ્ય સર્જાઇ રહ્યું છે. ‘તારું ધ્યાન કયાં હોય છે, વહુ?’ ઘાંટો પાડતા વિદ્યાગૌરીએ થાળી ફગાવી, ‘શાકમાં મીઠું નથી ને દાળમાં મરચું ભારોભાર છે.’ મીરા માટે આ નવું નહોતું. મૂંગાં મોંએ એ થાળીમાંથી ફેંકાયેલો એંઠવાડ સમેટી રહી. ‘તારે અમને શાંતિથી જીવવા નથી દેવા, એટલે ત્રાગાં કરે છે ને?’ સસરા ત્રિભુવનભાઇ તાડૂક્યા. મીરા તો ય ચૂપ. ‘વાહ, વહુરાણીની એંટ તો જુઓ. ધરાર જો મોંમાંથી હરફ ફાટતી હોય.’ સાસુ ટલ્લા મારતાં રહ્યાં ને સસરાજી એમાં ટાપશી પૂરતા રહ્યા. ત્યાં સુધીમાં મીરાએ બેઉ માટે નવી પ્લેટ્સ લગાવી દીધી. ‘આમાં ઝેર નથી ભેળવી લાવીને? અમારા એકના એક દીકરા શ્રવણને તો ખાઇ ગઈ. અભાગણી...અમનેય સ્મશાનભેગાં કરી દે એટલે મિલકતની માલિક તું!’ મીરાના હોઠે આવી ગયું કે તમારો દીકરો મારો પતિ પણ હતો ને મેં એને નથી માર્યો... બલ્કે અમારાં લગ્નનાં મહિનામાં જ એમણે ખુદ ઝેર ખાઇ આત્મહત્યા કરી! હા, એને હત્યા ગણવી હોય તો એના ગુનેગાર પણ તમે જ છો, મા...જેમણે એમની મરજી વિરુદ્ધ એમને પરણાવ્યાં! પરંતુ આવું બધું કહેવું પથ્થર પર પાણી જેવું હતું. કારણ-નિમિત્ત ગમે તે હોય, મા-પિતાજીએ એમનો જુવાનજોધ દીકરો ગૂમાવ્યો એ તો હકીકતને. એ ઘટનાને આજે પાંચ-પાંચ વરસ થયા છતાં એમનાથી પોતાનો વાંક ભૂલાતો નથી, ગરીબ ઘરની દીકરીએ મોંઘેરાં સાસરાંના મેણાં ખમ્યે છૂટકો છે? હશે. બાકી એક શબ્દ માજીએ બિલકુલ સત્ય કહ્યો- અભાગણી. જેને મેં ચાહ્યો હું એની થઈ ન શકી અને જેની થઈ એને ચાહી શકવા જેટલો સહવાસ જ ન મળ્યો! આને જ કિસ્મતનાં લેખાંજોખાં કહેતા હશે? Â Â Â ‘બુકિંગ થઇ ગયું છે.’ એ જ રાત્રે ડિનર પછી પતિ-પત્ની લોંગ ડ્રાઇવ પર નીકળ્યાં. અક્ષય ઉત્સાહભેર સિમલાના બુકિંગ વિશે કહેતો રહ્યો. અદિતિને રમૂજ થઇ: હજુ જવામા પંદરેક દિવસનો સમય છે, તો ય અક્ષય એવા ઉમંગમાં છે જાણે હમણાં જ પહોંચી જવાના હોય! અને એક સિગ્નલ પર કાર અટકી. એવો જ અદિતિ તરફનો કાચ ઠોકાયો. તાબોટા પાડી દક્ષિણા ઉઘરાવતા કિન્નરને જોતા જ અક્ષય ધ્રૂજી ગયો. કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો. ‘રાતના સમયે પણ આ લોકોને થોભ નથી.’ બબડી પર્સમાંથી છુટ્ટા પૈસા શોધતી અદિતિ એકદમ હચમચી. અક્ષયે સિગ્નલ તોડી કાર ભગાવી હતી! બિચારો પેલો કિન્નર પણ હેબત ખાઈ ગયો હશે! પણ અક્ષયને એકાએક થયું શું? આટલા ડિસિપ્લિન્ડ ડ્રાઇવર થઈ સિગ્નલ તોડે એ મનાતું નથી. જરૂર કંઇ બન્યું છે, પણ શું? (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...