લેટ્સ ટોક:તમારો ‘રાજા બેટા’ બની જાય છે તેની પત્ની માટે બોજ

એક મહિનો પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક
  • જે ઘરમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદભાવ પ્રવર્તતો હોય એ ઘરનો પુરુષ કે દીકરો કિચનવર્ક કે પછી ઘરના કામને હેન્ડલ કરવા માટે સક્ષમ નથી હોતો

ભારતીય સમાજમાં ઘણાં ઘરોમાં પુત્રને પુત્રી કરતા વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. દીકરાને મળતી વિશેષ સગવડોને કારણે ઘણી વખત તેની આદતો બગડી જાય છે પણ આમ છતાં માતા તેના ‘રાજા બેટા’ને છાવરતી જ રહે છે. માતાનો આ લાડલો ‘રાજા બેટા’ જ્યારે વયસ્ક બને છે ત્યારે તેના જીવનની બીજી મહિલાઓ ખાસ કરીને પત્ની માટે બોજ બની જાય છે. મોટાભાગના ભારતીય ઘરોમાં પિતૃસતાક માનસિકતાને કારણે માતાઓ બાળપણથી જ દીકરીઓને રસોઇ કરતા કે મહેમાનોની સરભરા કરતા શીખવે છે પણ દીકરાઓ રસોડા તરફ ફરકતા જ નથી. તેઓ સોફામાં બેઠા-બેઠા ઘરની મહિલા તેમના આદેશ પ્રમાણે તેમની સેવા કરતા રહે એની રાહ જુએ છે. જે ઘરમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે આટલો બધો ભેદભાવ પ્રવર્તતો હોય એ ઘરનો પુરુષ કે દીકરો કિચનવર્ક કે પછી ઘરના કામને હેન્ડલ કરવા માટે સક્ષમ નથી હોતો. આવી માનસિકતા વચ્ચે ઉછરેલો દીકરો અંતે ‘રાજા બેટા’ બની જાય છે અને ક્રમશ: તેના જીવનની મહિલાઓ માટે બોજ બની જાય છે. જો તમે દીકરાનો ઉછેર વધારે પડતા લાડકોડથી કર્યો હોય તો ભવિષ્યમાં નીચેની સમસ્યાઓ સર્જાઇ શકે છે. 1. ‘રાજા બેટા’ મોટો થઇને બની શકે છે ‘મેન ચાઇલ્ડ’ બાળપણમાં જે બાળક પોતાની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વાવલંબી થવાના બદલે માતાની મદદ લેતું હોય અને પછી યુવાનીમાં પણ માતા પર ડિપેન્ડન્ટ હોય એ લગ્ન પછી નાની-નાની જરૂરિયાતો પૂરી કરવા માટે પત્નીની મદદ પર આધારિત થઇ જાય છે. વધારે પડતી આળપંપાળમાં ઉછેરલા પતિની પત્ની માટે તેનો પતિ એ માત્ર પતિ નથી રહેતો પણ એક ‘બાળક’ બની જાય છે જેને સતત તેની જરૂર પડતી હોય છે. થોડા સમય માટે આ લાગણી ગમે છે પણ લાંબા ગાળે આ લાગણી કંટાળાનો અહેસાસ કરાવે છે. 2. પોતાની ભૂલ ન સ્વીકારવાની વૃત્તિ જે માતા પોતાના દીકરાનો વધારે પડતો પક્ષ તાણે છે અને એને એની ભૂલ બદલ ખિજાતી નથી એ તેની ખરાબ આદતને પ્રોત્સાહન આપે છે. હકીકતમાં આવી માતા ભૂલ બદલ દીકરાને ઠપકો આપવાને બદલે દીકરાની ભૂલને છાવરવાનું વલણ ધરાવે છે. તે દીકરાના દોષનો ટોપલો પહેલાં મિત્રો તરફ અને લગ્ન પછી દીકરાની પત્ની પર ઢોળી દે છે. આના કારણે લાંબા ગાળે દીકરામાં પોતાની ભૂલ ન સ્વીકારવાની વૃતિ આકાર લે છે અને તે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો જ નથી. જે વ્યક્તિ પોતાની ભૂલ નથી સ્વીકારતી એ ક્યારેય એમાં સુધારો નથી કરી શકતી. આમ, માતા દીકરાની ભૂલ છાવરીને લાંબા ગાળે તેનું જ નુકસાન નોંતરે છે. 3. ખોટી પરંપરાનું અનુકરણ જે દીકરાનો ઉછેર ખોટી રીતે થતો હોય એ આ જ પરંપરાનું પોતાના પરિવારમાં પણ અનુકરણ કરે છે. જે દીકરાએ પોતાના ઘરમાં પુરુષ સભ્યને સોફા પર આરામ કરતાં કરતાં ઘરની મહિલાઓ પર હુકમ ચલાવતા જોયો છે એને આ જ યોગ્ય લાગે છે. તેને લાગે છે કે આ જ સામાજિક વ્યવસ્થા છે અને એ જ યોગ્ય છે. આ પ્રકારની માનસિકતા તેના ભવિષ્ય માટે ઘાતક સાબિત થાય છે. તે ક્રમશ: ક્લિનિંગ અને કૂકિંગને શરમજનક કામ માનવા લાગે છે. જો તમારે ઘરમાં આવી પરિસ્થિતિ ઉભી ન થવા દેવી હોય તો તમારા ઘરના પુરુષને પણ થોડું થોડું ઘરકામ કરવાની આદત પાડો. જો તમારો દીકરો ઘરમાં પુરુષને પણ કામ કરતા જોશે તો આત્મનિર્ભર બનશે. 4. સતત કરશે માતા અને પત્નીની સરખામણી જે પુરુષને તેની માતાએ સતત હાથમાં રાખ્યો હશે તે લગ્ન પછી પણ માતા અને પત્નીની સરખામણીમાં અટવાયેલો રહેશે. પુરુષ એ નહીં સમજી શકે કે માતા અને પત્ની બંનેનાં વ્યક્તિત્વ અલગ અલગ છે અને બન્ને બે અલગ અલગ જનરેશનની વ્યક્તિ છે જેના કારણે બંનેના વિચાર અને વર્તન સમાન હોય એ બિલકુલ જરૂરી નથી. આ કારણોસર માતા અને પત્ની વચ્ચે સરખામણી શક્ય જ નથી. જો પુરુષ સતત આવી સરખામણી કરતો રહેશે તો એ પત્નીને ન્યાય નહીં આપી શકે અને પરિણામે પરિવારમાં સાસુ તેમજ વહુ વચ્ચે સંઘર્ષ વધતો જશે. આના કારણે ઘરની માનસિક શાંતિ જોખમાશે. આમ, ખોટો ઉછેર ઘરમાં કલહના બીજ રોપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...