લઘુનવલ:‘તારો ગુસ્સો માન્ય વૈદેહી!’

2 મહિનો પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

(પ્રકરણ:16 - અંતિમ પ્રકરણ) અજિંક્ય હયાત છે! આભમાં કેસરિયા કિરણો પથરાઇ ગયા. વૈદેહી તો જોકે રાતભર સૂતી નથી. આકરી કસોટી પછી ઇશ્વર રિઝ્યો હોય એમ અજ્જુના સમાચાર સાંપડ્યા, હવે એમનો મેળ થઇ જાય કે મારું સુખ પૂર્ણ બને! બરાબરની વઢવાની છું એમને. એક પગ જતા પોતાને લાચાર મહેસૂસ કર્યા એમણે? આસિતાએ અજ્જુના ખબર છૂપાવવાના કપટની માફી માગી સતીશનો નંબર ખોળી સેતુ સાંધતા એ લોકો પણ કટાણુ જોયા વિના સુકેશ ગામથી આવી પહોંચ્યા. સતીશ, એની વાગ્દત્તા નર્સ સીમા અને દેવદૂત જેવા ડોક્ટર ચૌધરી સાહેબ. એ સૌના અમે ઓશિંગણ. અમારો અજ્જુ એમનો આનંદ હતો. એની શોધખોળ માટે એ લોકો આજથી છાપામાં જાહેરાત આપી સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવવાનાં હતાં એ જાણી ગદગદ થવાયંુ. વૈદેહીને કશો ઝબકારો થતાં એણે અમૃતભાઇને પૂછેલું, ‘પપ્પા, યાદ છે? યશે મંદિરમાં કાખઘોડીવાળા સાધુને જોયેલો? એની આંખો અજ્જુ જેવી હોવાનું પણ છોકરાએ કહેલંુ... ઓહ, એ જ અજ્જુ કેમ ન હોય!’ સાંભળીને સૌ થોડા ડઘાયેલાં : અજ્જુ સાધુ થઇ ગયો હશે? ‘તંુ ચિંતા ન કરતી, વહુ..’ ગોદાવરીબહેનનું તેજ ઝળકી ઉઠેલંુ, ‘અજ્જુએ સન્યાસ લીધો પણ હશે તો એનાં ભગવાં ઉતારનારી એની મા બેઠી છે!’ આ શબ્દોએ વૈદેહીમાં અત્યારે પણ ખુમારી પ્રેરી. * * * ત્યારે, તાપીના તટે કટોકટી સર્જાઇ હતી. યશને ભાગતો જોઇ મુસ્તાકનો પિત્તો હટ્યો. આસાન ટાર્ગેટ જેવા સાધુએ રંગ બદલતા એનો પિત્તો હટ્યો હતો, એમાં છોકરાને છટકતો જોઇ એણે નિશાન તાકી ઘોડો દબાવ્યો. યશના પગમાં ગોળી મારી છોકરાને બેસાડી પાડવાનો ઇરાદો હતો એનો... પણ એ જ વખતે અજ્જુએ ફંગોળેલી કાખઘોડી મુસ્તાકના કાંડાંમાં ઠોકાતાં હાથ ફરી ગયો, પિસ્તોલ વચકી ગઇ, વાર ખાલી ગયો. ખરેખર તો ગોળીબારના ધડાકાએ યશે ગડથોલિયું ખાધંુ, પણ એને ગોળી વાગ્યાની ગેરસમજમાં અજ્જુએ હોશ ગૂમાવ્યા... જોકે મુસ્તાક કાંડું પંપાળી ગન કબજે કરે ત્યાં સુધીમાં યશે ઉભા થઇ દોડવા માંડયું. ગોળીબારના ધડાકાએ કોલોનીમાં મોર્નિંગવોક માટે નીકળેલા બિરાદરોને ચોંકાવ્યા અને એકાદનંુ ધ્યાન ગયું : અરે, આ ગેટ તરફ નાનો છોકરો દોડતો આવે છે! યશે પણ ચારેક જણને જોઇ બૂમ નાખી : હે...લ્પ!ત્યારે ધ્યાન ગયું કે દૂર કોઇ જુવાન આની પાછળ પડ્યો છે! યશને ઝડપવા પાછળ દોડનારો મુસ્તાક દૂરથી ગેટ પર ટોળું જોઇ ખંચકાયો. ગન દેખાડી યશનો કબજો લઇ લેવો કે પછી ચૂપકેથી સરકી જવું? ત્યાં તો કંપનીના સિક્યોરિટી વિભાગમાં કામ કરતા રીટાયર્ડ આર્મી ઓફિસર બિન્દ્રાએ ગેટ કૂદીને યશને તેડ્યો, ઊંચકીને બીજી બાજુ ઉભા સાથીઓને આપી મુસ્તાકને પડકાર ફેંક્યો: રુક! અબ તેરી ખેર નહીં... પણ મુસ્તાકને ઝડપાવું નહોતંુ. ગન જોઇને ન ડરનારો આદમી વધુ જોખમી ગણાય... એ વળી નદીની દિશામાં ભાગ્યો. પાછંુ વળીને જોયંુ પણ નહીં! આ બાજુ યશે રાડ પાડી: અંક્લ, ત્યાં અજ્જુ છે! ‘અજ્જુ!’ હવે યશને તેડનાર મહેન્દ્રભાઇ ચમક્યા, ‘બેટા, તંુ ક્યાંક અજિંક્યની વાત નથી કરતોને!’ યશે ડોક ધુણાવતા સૌ ચોંક્યા. બિન્દ્રા દોડી ગયા, મુસ્તાક કાર લઇ ભાગતો દેખાયો, પણ પહેલાં તો બેહોશ અજિંક્યની ભાળ લેવાની હોય... ક્યાંક ગોળી આને તો નથી વાગીને! બેહોશ અજ્જુને ચકાસી એમણે કોલોનીની દિશામાં થમ્બ અપ કર્યો: હી ઇઝ સેફ! ‘ભગવાનનો પાડ!’ યશને ચૂમી ભરી વૈદેહીનો કોલ જોડતા મહેન્દ્રભાઇનો હાથ કાંપતો હતો. ‘વૈદેહી? આજે તો માગુ એ આપવું પડે એવા ખબર આપંુ છંુ... તારો અજ્જુ મળ્યો, વૈદેહી, યશવીરે એને ખોળ્યો!’ * * * અજિંક્યના ચહેરા પર તાણ ઊપસી, ગળાની નસોમાં હલનચલન વર્તાયું, અને બીજી જ પળે એ ચીસ નાખતો બેઠો થયો: ય...શ! ‘યશ એકદમ સહીસલામત છે.’ પડખેથી આવેલા અવાજે અજિંક્ય ચોંક્યો: વૈદેહી, તંુ! પોતે કંપનીના ક્વાર્ટરમાં છે જાણી નિસાસો સરી ગયો. ‘લો, જયુસ પી લો.’ વૈદેહીએ ગ્લાસ ધર્યો, ‘ચૌધરીસાહેબે કહ્યું છે કે તમને લિક્વિડ વધુ આપવંુ.’ ચૌધરીસાહેબ! અજિંક્ય અચંબાભેર વૈદેહીને નિહાળી રહ્યો. ‘સીમાબેન કાલ સવારે તમને તપાસવા આવી જશે.’ સવારે. અજ્જુને ધ્યાન આવ્યું કે રૂમમાં લાઇટ સળગે છે, બારી બહાર રાતનું અંધારુ પથરાયંુ છે. હંુ કેટલો વખત બેહોશ રહ્યો? મુસ્તાકનંુ શંુ થયું?‘ગુનો કોઇને બક્ષતો નથી..’ અજ્જુ બેહોશ બન્યા પછીનો ચિતાર આપી વૈદેહીએ ઉમેર્યું, ‘મુસ્તાક કાર લઇ ભાગ્યો તો ખરો, પણ હાઇવેના વળાંકે ટ્રક સાથે અથડાતા ઘટનાસ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું.’ ‘તમે સરખા બેસો તો હવે આપણી વાત કરીએ?’ વૈદેહીના તેવરે અજ્જુ સંકોચાયો, ‘તારો ગુસ્સો, તારી રીસ બધું માન્ય, વૈદેહી, પણ હું અપાહિજ તારી દયા પર જીવવા નહોતો માગતો...’ એનો સ્વર રૂંધાયો, એવી જ વૈદેહી એને વળગી, ‘તમારું દર્દ સમજંુ છંુ, અજ્જુ, ખૂબ ઝઘડવંુ છે મારે તમારી સાથે. તમારા માટે મારા કે તમારાં માવતરના મનમાં દયાભાવ જાગે એવો વિચાર પણ તમને કેમ આવ્યો, અજ્જુ? અરે, તમે તો અમારા શ્વાસ-પ્રાણ છો, અજ્જુ, શરીરની પંગુતાથી એના મોલ ન બદલાય.’ યશના કિડનેપિંગની વિગત કહી એટલે વૈદેહી ટટ્ટાર થઇ, ‘અમે આવું જ ધાર્યું હતંુ, અજ્જુ.. પણ એક વાત કહો. યશવીર ગઇકાલનો તમારી સાથે છે. તમારો પગ ન હોવાથી એને કોઇ ફરક પડ્યો?નહીં ને? અમને ય નથી પડ્યો.’ વૈદેહીએ અજ્જુનો હાથ પકડી પોતાના પેટ પર મૂક્યો, ‘જુઓ, આપણા સંતાનને ય નથી પડ્યો..’ એની એ હરકત કામ કરી ગઇ. સંતાનનાં સ્પંદને અજ્જુનંુ ભાવવિશ્વ સંન્યાસથી સંસાર તરફ ઝૂકી ગયંુ. * * * પૂરા મહિને વૈદેહીએ રાજકુમાર જેવા રૂડા દીકરાને જન્મ આપ્યો. ત્યાં સુધીમાં અજિંક્ય કૃત્રિમ પગ વડે દોડતો થઇ ગયેલો. કંપનીની રકમ આજ્જુએ પરત કરી ઇન્જરીના કોમ્પનસેશનથી હાર્દિકનું ઘર ગિરવે મૂકાતંુ ઊગારી લીધંુ: અમારંુ સંતાન પણ આ જ ઘરમાં પહેલા પગલાં પાડે એ માટે ય મને આટલું કરવા દો, હાર્દિકભાઇ! ત્યારે આસિતા બોલેલી: તમે તો તમે જ, અજિંક્ય! આ સાંભળીને અજ્જુએ ટહુકો કર્યો કે ‘મને અજ્જુ જ કહો, ભાભી...પહેલાંની જેમ જ હુકમ કરતા રહેજો.’ સીમાના લગ્ન ધામધૂમથી સતીશ જોડે થયા. અજ્જુ-વૈદેહીએ ભાઇભાભી તરીકે કન્યાદાન કર્યુ, ચૌધરીસાહેબને એનો ગર્વ પણ ખરો: તે અમારી ચાકરીનું ઋણ ચૂકવી દીધું, અજ્જુ!. સૌથી વધુ ખુશ યશ છે. એક તો એનો અજ્જુ હવે પહેલાંની જેમ ચાલતો-દોડતો થઇ ગયો ને રમવા માટે નાનો ભાઇ પણ આવી ગયો! ‘એક ખુશ ખબર છે..’ આજે વૈદેહી બાળકને લઇ હોસ્પિટલથી ઘરે આવી કે હાર્દિકે વધામણીનંુ બીજુ કારણ વહેંચ્યુ: સ્કૂટરની કંપનીવાળા શેઠિયાને સરકાર ભારત પરત લાવી છે, બહુ જલ્દી નુકસાનીનંુ વળતર મળવાનંુ... ફરી આપણી રમકડાંની ફેક્ટરી ચાલુ થવાની..ભાણિયાનું પગલંુ નસીબવંતુ નીવડ્યું!’ વૈદેહીને થયું, પલડા સમાન કરવાના મારા વેણનો બોજ મારા દીકરાના પગલે ઉતર્યો! આની પણ ખુશી જ હોયને! અને હા, અજ્જુને ઘરઆંગણે નવી નોકરી મળ્યા પછી ઇડરનંુ ઘર ઝગમગે છે. વૈદેહી-અજિંક્યનું કોઇ સુખ હવે કદી નજરાવાનંુ નહીં એટલું વિશેષ.(સમાપ્ત) (સંજોગોવશાત પબ્લિશ ન થઇ શકેલું લઘુનવલ ‘નણંદ-ભોજાઇ’નું અંતિમ પ્રકરણ )

અન્ય સમાચારો પણ છે...