લઘુનવલ:‘જુવાન વિધવા બાઇ આમ પારકા આશરે શું કામ રહેતી હશે...?’

કિન્નરી શ્રોફ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુ ઝડપથી વસુધાને ગામમાં ગોઠી ગયેલંુ. ગામ માટે અજાણી જુવાન વિધવાને આડી નજરે જોનારા પણ કમ નહીં હોય, પણ પોતાનાં ચારિત્રની સુવાસથી વસુધા એમને અતિક્રમી શક્યાં

પ્રકરણ -3 તન વર્ષના સાલમુબારક!’ અમૂલખની તસવીરને હૈયે ચાંપતા વસુધાની પાંપણ ભીની થઇ. ‘તારાં અશ્રુ મને જવા નહીંં દે, વસુ...’ અમૂલખના છેલ્લા દિવસોમાં પોતે બહુ મક્કમ રહેલાં એમ ક્યારેક કોઇની નજરે ન ચડે એમ રડી લેતાં અને એ અમૂલખની નજરે પડે તો એ કેવા વિહ્વળ થઇ ઉઠતા! જવાબમાં પોતે કહેતાં, ‘તમારા ન જવાની આજ કિમત હોય અમૂલખ તો આખો સમંદર મારામાં સમાવી બૂંદ-બૂંદ વહાવતી રહંુ...’ બોલેલંુ પાળી બતાવવાની નિયત છતાં હું અમૂલખને ઉગારી ન શકી... ધારો કે અમૂલખ બીમારીમાંથી ઉગરી ગયા હોત તો? તો એ ન બનત જે અમૂલખના દેહવિલયનાં પાંચ વરસ પછી અને આજથી પાંચ વરસ પહેલાં બન્યંુ... જેને કારણે મારે ગામ-ઘર છોડવાં પડ્યાં! હળવો નિશ્વાસ સરી ગયો. તસવીરને વળી દિવાલે ટીંગાડી વસુધાએ અમૂલખ સાથે નજરો મેળવી. મનમાં પડઘો ઉઠ્યો: સાચંુ કહેજો, અમૂલખ, જે બન્યંુ એમાં તમને મારો તો વાંકગુનો નથી દેખાતોને! અખિલેશ્વરદાદાની સાત પેઢીની આબરૂ જાળવવામાં હું પાછી તો નથી પડીને! હંુ તમારાં હૈયેથી તો નથી ઉતરીને! જવાબમાં તસવીર મલકતી જ રહી. અમૂલખની આંખો જાણે કહેતી હતી: મારી વસુને હંુ ન જાણંુ! વસુધા તૃપ્ત બન્યાં. પાછલા પાંચ વરસોમાં બીજું જે બદલાયું, મારા માટેની તમારી નજર ન બદલાઇ, અમૂલખ. એ અહેસાસ જ મને ટકાવી રાખે છે! બીજાને આમાં ભ્રમણા લાગે, મનફાવતું ધારી લેવાની સ્વાર્થવૃત્તિ લાગે તો ભલે, આત્માને થતી અનુભૂતિમાં બનાવટ નથી હોતી એ હંુ તો જાણુંને! અરે, આ તણખલાના આધારે તો મારે ભવસાગર તરવાનો છે... બસ, તમે આમ જ મારા પડખે રહેજો! ‘ભાભી, આવું કે?’ દરવાજેથી સાદ પડતા વસુધાએ પતિ સાથેનો માનસિક સંવાદ સમેટી લીધો. સાડલાનો છેડો સરખો કરતા દરવાજા તરફ ગયા, ‘આવોને, સુધાભાભી, જાળિયું ઠેલેલું જ છે...’ એવા જ સુધાબહેન જાળી ખોલી ભીતર આવ્યાં. એમના હાથમાં હંમેશની જેમ ખાલી વાટકી હતી ને સળવળતા હોઠો પર પારકાનો ભેદ ઓકવાની અધીરાઇ. વીત્યા આ પાંચ વરસોમાં માનવજાતનાં કેવાં-કેવાં રૂપ નિહાળવાનું બન્યંુ! વસુધાએ વગોળ્યંુ. જે સંજોગોમાં પોતાને ગામ-ઘર છોડી નીકળવંુ પડ્યંુ એ કોઇને કહેવા યોગ્ય નહોતાં. ગામલોકોને ય મારા પોકળ ખુલાસા ગળે ન જ ઉતર્યા હોય, પણ ગામ છોડ્યા પછી પણ પાંત્રીસ વરસની જુવાન વિધવા માટે પથ આસાન ક્યા હતો? મારે તો દિશા પણ ક્યાં નક્કી હતી? ઘર-મોસાળના પંથકથી દૂ...ર જવું હતું, બસ. પોતે રહ્યાં બ્રાહ્મણ ને પતિને કારણે પૂજાવિધિ-શાસ્ત્રોનું જ્ઞાન પણ ખરું એટલે તીરથનાં મંદિરમાં સેવાનો ને એના પ્રતાપે ધરમશાળામાં રહેવા-ખાવાનો બંદોબસ્ત થઇ રહેતો, એ પૂરતું હતું. ‘બેન, તમને માતાજીની પૂજા કરવાનું ફાવે?’ નર્મદા મૈયાના કાંઠે શૂલપાણેશ્વરમાં રોકાણ હતંુ ત્યારે ત્યાંનાં મંદિરનાં પ્રાંગણમાં મને આંતરી પૂછનાર હતાં મંજુલા શેઠાણી! ખરેખર તો બિલિમોરાનાં દેવલ ગામનો મહેતા પરિવાર ધંધાર્થે વરસોથી મુંબઇ શિફ્ટ થઇ ગયેલો, ગામમાં એમનાં કુળદેવીની નાનકડી દેરી હતી. દીકરા-વહુઓને ગામનો મોહ નહીં, શેઠ-શેઠાણી વરસે એકવાર ગામ આવી માને પગે લાગી જતા, પણ એક તો એમની હવે અવસ્થા થઇ હતી અને પરિવારમાં માંદગી-વેપારમાં નુકસાની જેવા બે-ત્રણ પ્રસંગો બનતા કોઇએ સલાહ આપી કે કુળદેવીની તો રોજેરોજ પૂજા થવી જોઇએ, તો જ મા રીઝે! ‘અમારા માટે ગામ વસવું શક્ય નથી, ગામના પિતરાઇઓનો ઉપકાર મારે લેવો નથી એટલે કોઇ એવંુ મળી જાય જે અમારા વતી આસ્થાપૂર્વક અમારાં માની સેવા કરે તો રુડંુ. તમને બે દિવસથી જોઉ છું, તમને પારખીને જ પૂછું છું, આવશો અમારે ગામ?’ ના પાડવાનો પ્રશ્ન જ ક્યાં હતો! વિધવાની સેવાનો એમને બાધ નહોતો એટલે પણ મારા માટે તો એ સ્વમાનભેર જીવવાના સધિયારા જેવું નીવડવાનું. શેઠ-શેઠાણી જોડે જ પોતે દેવલ આવ્યા. અંબિકા નદીના કાંઠે આવેલંુ હરિયાળું ગામ જોતા જ ગમી જાય એવુ. ‘અમારું આ ભાગિયું મકાન મીઠા ફળિયામાં છે, પણ દેરી પાદરે છે. એ તરફની વસ્તીમાં પણ અમારું પોતીકંુ નાનકડું મકાન છે. કોઇવાર મોટી પૂજા રાખી હોય તો બપોરની વેળા આરામ મળી રહે એ હેતુથી ત્યાં એક ઓરડી બનાવેલી. તું ત્યાં રહેજે. આ મોબાઇલ રાખ. રોજ સવાર-સાંજ માતાજીની આરતીના ફોટા મોકલજે. હવે બેંકમાં અકાઉન્ટ ખોલાવી લઇએ એટલે દર મહિને અમુકતમુક રકમ હંુ એમાં નાખતી રહીશ. પગારનું બંધન નહીં, પણ માતાજીની સેવામાં હંુ ચૂક નહીં ચલાવું એ યાદ રાખજે.’ એ ઘડી ને આજનો દિવસ. વસુધાએ ઊંડો શ્વાસ લીધો. બહુ ઝડપથી વસુધાને ગામમાં ગોઠી ગયેલંુ. માની પૂજા-આરાધના ભક્તિભાવથી કરતાં. ધીરેધીરે બીજા મંદિરે પણ જતાં થયાં. ગામ માટે અજાણી જુવાન વિધવાને આડી નજરે જોનારા પણ કમ નહીં હોય, પણ પોતાનાં ચારિત્રની સુવાસથી વસુધા એમને અતિક્રમી શક્યાં. વસુધા મહોલ્લામાં આમ તો એમને બધા સાથે ભળે, પણ વિશેષ ઘરવટ સામેવાળા નંદામાસી જોડે. એમનાં પતિ દર્શનભાઇ પંચાયતની નોકરીમાંથી ગત વરસે રિટાયર્ડ થયા. સંતાનમાં એક જ દીકરી રાધિકા, એને ય પરણાવી દીધેલી એટલે આમ જુઓ તો ઘરે વર-બૈરી બે જ જણ. દર્શનભાઇનાં પેન્શનને કારણે રૂપિયા-પૈસાની અગવડ નહોતી, પણ નંદામાસી શોખવશ વર્ષોથી ઘરે નાના પાયે અથાણા-પાપડનો બિઝનેસ કરતા એ પ્રવૃત્તિ આજે પણ ચાલુ. ઓટલાપંચાત કરવા કરતાં વસુધા એમની મદદ માટે પહોંચી જાય એ પાછંુ ત્રીજા ઘરનાં વયમાં સરખેસરખા સુધાબહેન જેવાને ખટકે પણ ખરું! બીજાનું સુખ ખમાય પણ નહીં એટલે હસતાં હસતાં વસુધાને પૂછી લે, ‘તમે પણ ધંધામાં ભાગીદારી કરી લાગે છે!’ વસુધા કંઇ પણ લેતી હોવાનો ઇન્કાર ફરમાવે તો ઊંધુ બોલે, ‘લો! ખરા છો તમે! સદાવ્રત ખોલ્યું છે! નંદામાસી મીઠું બોલી તમને ભેળવે છે...’ સુધાભાભીની ચલગત પારખી ગયેલી વસુધા ન સાંભળ્યું કરે. સુધાબહેનને એની ય અણખટ રહેતી: જુવાન વિધવા બાઇ આમ પારકા આશરે શું કામ રહેતી હશે! વિધવા છે તો શું થયું, એનું સાસરું-સાસરિયાં નહીં હોય! ‘તમારા પતિના ચહેરા પર કેટલું તેજ છે!’ શરૂઆતમાં ઘરે આવી એ કાલાં થઇ જાણવા માંગતાં : તમારા પતિનું મૃત્યુ ક્યારે થયું, એમના સગામાં કોણ કોણ? મિલકતમાં શું મૂકી ગયા? વસુધા એમને કૂથલીની તક આપવા માંગતા નહોતાં એટલે ફિલસૂફી ડહોળતાં : મારા પતિ આજેય મારા હૈયે છે, સુધાબહેન. બીજી ક્ષુલ્લક વાતોનું શું મહત્ત્વ! બાઇ પોતાનું પેટ નહીં જ આપે એની ખાતરી થયા પછી સુધાબહેને પ્રયત્નો પડતા મૂક્યા, પણ ગામ-મહોલ્લાની ગપસપ કરવા અહીં આવી જતા અને એ બહાને વાટકી ખાંડ કે મરી મસાલા લઇ પણ જતાં! અત્યારે પણ મેળવણ માગી એ ખુરશી પર ગોઠવાયાં, ‘તમે જાણ્યંુ, ગઇ મોડી રાતે નંદાબહેનનાં દીકરી-જમાઇ ગામ આવ્યા છે?’ પૂછી કપાળે હાથ ઠોક્યો, ‘હું ય વાલામૂઇ કોને પૂછુું છું! તમારે તો માસી જોડે ઘર જેવંુ છે, તમે ન જાણતા હો એવંુ બને!’ મલાવો કરતાં એમની આંખ ઝીણી થઇ, ‘એકદમ કેમ આવ્યાં? જોડે એમેની દશ વરસની દીકરી કિશોરી ય છે…રાધિકાનાં સાસરે બધું કુશળમંગલ તો છેને!’ વસુધાએ એમને હોંકારો ન આપ્યો પણ મનમાં ગડમથલ તો રહી: પોતે અહીં આવ્યા એ અગાઉ રાધિકા પરણી ચૂકેલી. ઠેઠ મહેસાણા બાજુ એનું સાસરું ને પાછું વસ્તારી કુટુંબ એટલે પણ એનું પિયરમાં આવવાનું ઓછું. વેકેશનમાં પણ બેચાર દિવસની ઉડતી મુલાકાત જ હોય. એટલું ખરું કે છોકરી સાસરે સુખી હતી. શિક્ષક જમાઇ પણ સ્વભાવના સાલસ ને નાનકડી કિશોરી તો કેવી ચંચળ! ઉછળતી કૂદતી જ હોય. મારી સાથે ય એને ગોઠી ગયેલું. સામસામા ઘરે એની દોડધામ ચાલુ જ હોય... મને એની જ ચિંતા છે... દિવાળીની ગઇ સાંજે રાધિકાનો એના પપ્પા પર ફોન આવ્યો કે અમે આવી રહ્યા છીએ ત્યારના નંદામાસીનો જીવ ગભરાતો હતો, ‘રાધિકા અચાનક કેમ આવે છે! દિવાળીમાં તો એ કદી આવી નથી, પાછા સુરેશ જમાઇ પણ જોડે છે! કિશોરી થોડા વખતથી ગૂમસૂમ રહે છે એવુ રાધિકા બેચાર વાર બોલી ગયેલી. અમને ચિંતા થાય એટલે છોકરી ઘણું બધું અમને કહે પણ નહીં!’ ‘તમે જીવ શું કામ સંતાપો છો, માસી? બની શકે, તમને જોયે-મળ્યે આઠ-દશ મહિના થવાના એટલે તહેવારમાં તમને સરપ્રાઇઝ આપવી હોય! રાધિકા આવશે એટલે એની મેળે જાણ થઇ જશે. વિશ્વાસ રાખો, સપરમા દિવસે છોકરી સારા કાજે જ આવે એમ માની લો!’ એમને દિલાસો પાઠવી પોતે પણ આ જ આશ્વાસન પંપાળતા રહ્યા છે… નવા વરસની સવારે પોતે અમૂલખના વિરહમાં ગમગીન હતા, પણ રાધિકાના અચાનક આગમને સુધાબહેન જેવા પંચાત કરતા થઇ ગયા હોય તો એમને અટકાવવા તો જોઇએ જ. ‘રાધિકાનંુ જોનારા એનાં મા-બાપ બેઠા છે, આપણે શીદ કોઇની કૂથલી કરવી!’ આડકતરી રીતે તમે કૂથલી કરો છો એવું સંભળાવી વસુધાએ મુખ મલકાવ્યંુ, ‘મંદિરે જાઉં છું, આવો છો?’ ‘નહીં, મારે ઘરે રસોઇ રેઢી પડી છે!’ સફાળા ઉભા થઇ એ નીકળી ગયા. હળવો નિશ્વાસ નાખી વસુધાએ અમૂલખની તસવીર પર નજર ટેકવી: રાધિકાને ત્યાં બધું બરાબર તો હશેને? તમે હોત તો જોશ જોવડાવી જોત... ત્યારે એમને ક્યા જાણ હતી કે રાધિકાનાં આગમનનો છેડો પોતાના ભૂતકાળને મળવાનો છે! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...