લઘુનવલ:‘ભાભીની કડવાશનું ખરાબ ન લગાડતી... એક તો તું અણમાનીતી, એમાં આ દુ:ખ...’

12 દિવસ પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

(પ્રકરણ:9) તમારી બહેન પણ ભલે જાણતી કે એના શાપે આપણે રસ્તા પર આવી ગયા છે! આજે પખવાડિયું થવા છતાં આસિતાના શબ્દોની કળ નથી વળી. ભાભીના વહેવારની રીસ અચૂક હતી, ભાઇ ત્યારે બોલતો ન્હોતો એનો ગુસ્સો પણ ખરો પણ એથી ભાઇ કંગાળ થઇ જાય એવી મનસા સપનેય નથી રાખી. બળેવના દિવસે પલડાં સમાન કરવાનંુ બોલી એ કેવળ ભાભીના મેણાંની પ્રતિક્રિયા હતી ને પોતે કઇ ઊંધુચત્તંુ નથી બોલીને એનો પસ્તાવો પણ ઘરે આવી અજ્જુ સમક્ષ વ્યક્ત કરેલો.. માણસનંુ બોલેલંુ એમ સાચંુ પડતંુ હોત તો દરેક રાખડીએ એમની સુખસમૃદ્ધિ કાયમ રહે એની પ્રાર્થના કરું છંુ એનાથી મારા અણગમતા શબ્દોનો છેદ ન ઉડી જવો જોઇએ? પણ આ બધું આસિતાને કહેવાનો અર્થ ન્હોતો. હવામાં ઊડતા માણસને ધરતી પર પટકાવું ન જ ગમે ને આસિતા માટે તો શ્રીમંતાઇ નણંદને વેતરવાના સાધન જેવી હતી. મને ગમે એમ બોલતા ભાભી પર પર શું વીતી રહ્યંુ હશે એ સમજાય એમ હતું. એમને મારી સાંત્વનાનો પણ ખપ ક્યાં હતો? ફોન પણ એમ કાપ્યો જાણે સંબંધનંુ કનેક્શન કાપતા હોય! ‘સંબંધ એમ કપાતા નથી...’ મા-પિતાજીએ સમજાવેલું કે અત્યારે તંુ ભાભીના બોલવા સામે નહીં, ભાઇના મોં સામે જોજે! અજ્જુની ગેરહાજરીમાં જે આપણા પડખે ચટ્ટાનની જેમ ઊભો રહ્યો એને હવે આપણે જાળવવાનો છે.. જોકે તરત તો પોતે ફોન ન્હોતો કર્યો. મોડી રાતે આસિતા જંપી ગઇ હોય એવા ટાણે ભાઇને રિંગ કરી હતી. ‘ભાઇ, આટઆટલું થયંુ ને મને ભનક પણ આવવા દેતા નથી! મેં તમારું ખરાબ વિચાર્યું નથી..’ ‘એ તારે કહેવાનંુ હોય?’ ભાઇના એક જ વાક્યે અંતરેથી જાણે હિમાલય ઉતર્યો હતો. સ્વસ્થપણે હાર્દિકે પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. આસિતાભાભીના પપ્પાએ શેરબજારમાં બચતમૂડી ગૂમાવ્યાના સમાચારે દુ:ખ જ થયું. આવતા મહિને ભાઇએ ગિરવે મૂકેલો બંગલો ખાલી કરવો પડશે એ સાંભળી વૈદેહીની આંખો વરસવા લાગેલી. પપ્પા-મમ્મીની, અમારા બાળપણ અને જવાનીની કેટલીય યાદો જોડાઇ છે એ ઘર સાથે! ‘બાલાજી રોડ પર ભાડાનું ઘર જોઇ રાખ્યું છે...’ હળવો નિશ્વાસ નાખી હાર્દિકે ઉમેરેલંુ, ‘હું દીકરા તરીકે ફેલ થયો, સારો ભાઇ ન બની શક્યો...ઘરના પુરુષના રહેતા બૈરીછોકરાં રસ્તે આવી જાય એ નાકામી મને પીંખી રહી છે, વૈદેહી. હંુ પપ્પાની નિશાની જાળવી ન શક્યો. બંગલો-ફેક્ટરી બધું ગૂમાવ્યંુ...’ સ્વસ્થ રહેલા હાર્દિકનો સ્વર તૂટતા વૈદેહીએ આંસુ લૂછી અવાજમાં રણકો ઉપસાવ્યો હતો કે ‘કોઇ આવું કહે તો ખરંુ! ભાઇ, પપ્પાની ખરી નિશાની તો એમનું નામ! નરહરિભાઇનો દીકરો પૈસા ખાઇ ગયો એવંુ બોલવાનો કોઇને મોકો ન આપ્યો, એ જ તો ખાનદાનીના રખોપા, ભાઇ!’ ‘બહુ સારું લાગ્યું, હો વૈદેહી તારી સાથે દુ:ખ વહેંચીને.’ હાર્દિકે ખંચકાટભેર ઉમેરેલું, ‘બાકી તું તારી ભાભીની કડવાશનું ખરાબ ન લગાડતી. એક તો તું એની અણમાનીતી, એમાં આ દુ:ખ...’ બધીબાજુથી પડતા ભાભી મારા પર વરસી પડ્યા એનંુ શું ખોટંુ લગાડવાનંુ! હા, યશનું હમણાં વેકેશન છે એટલે મારી વિનવણીએ ભાઇ ભાઇબીજને દહાડે યશવીરને અહીં મૂકી ગયા. ભાભીએ ભાઇને આવવા દીધા, યશને મોકલાવ્યો એ પણ રાહતરૂપ હતંુ! જાણે કેવી કસોટીએ ચડી છે કુદરત! અહીં અજ્જુના કોઇ ખબર નથી ને ત્યાં ભાઇના સંજોગ પલટાવાના કોઇ ચિહ્ન નથી. વિદેશ ભાગેલા કંપનીના માલિક કાયદાની પકડમાં આવે ને પૈસા ચૂકવે તો જ ભાઇ બંગલો-રમકડાની ફેક્ટરી છોડાવી શકે, પણ એમ તો પરદેશ ભાગેલો કયો ધનકુબેર આજ સુધી પરત આવ્યો છે? બાકી યશવીરના આગમનથી રોનક છે. છોકરો મમ્મી-પપ્પાનો ય લાડકો થઇ ગયો છે. અજ્જુને ભૂલ્યો નથી. થોડાક મહિનામાં પોતાનો નાનો ભાઇ કે બહેન આવશે એ જાણી કેટલો રોમાંચિત છે! વૈદેહીએ પેટ પર હાથ ફેરવ્યો: એ ઘડી વાસ્તવમાં આવે ત્યારે હું તમને મારા પડખે જોવા ઇચ્છું છંુ, અજ્જુ… આપણા અંશને મારાથી ય પહેલો સ્પર્શ તમારો મળે, એના નાનકડા દેહનું પ્રતિબિંબ ઝિલતી તમારી કીકીઓને વ્હાલથી વરસતી મારે જોવી છે, તમારા મજબૂત સીનામાંથી ફૂટી શિરાઓમાં પ્ર્સરી જતા પિતૃત્વને નિહાળવંુ છે... એમાં મોડા ન પડતા, અજ્જુ, બસ, એટલું જ માગુ છંુ! અને દૂર મંદિરમાં થતા ઘંટારવે જાણે પોતાની મનસાનો પડઘો પાડ્યો હોય એવંુ અનુભવ્યંુ વૈદેહીએ! * * * મહાદેવના મંદિરે ફરફરતી ધજાને એ નિહાળી રહ્યો. સાંજનો સમય છે. દેવદિવાળીના શુભ પર્વ નિમિત્તે ઇડરના શિવમંદિરે ભાવિકોની ભીડ જામી છે. બે સદી જૂના મંદિરનો મહિમા ન્યારો એટલે આસપાસના ગામોથીય ભક્તો આવતા. ઇડરવાસીઓ માટે તો એ સહેલગાહના સ્થળ જેવંુ પણ છે. બહાર ગલીમાં પૂજાપાના સામાન સાથે કપડાં, રમકડાં, ખાનપાનની હાટડી મંડાઇ છે. અંદર વિશાળ પ્રાંગણમા વડલાની હારમાળા છે. દર્શન કરી મહિલાવૃંદ ઝાડ નીચે ગોળ ચોતરા પર ગોઠવાય છે, પુરુષો બાંકડે બેસે છે, બાળકો માટે ક્રિડાંગણ પણ છે...‘યશબેટા, તારે રમવું છે કે પહેલાં દર્શન કરી લઇએ?’ નજીકથી આવેલા જાણીતા અવાજે એના કાન સરવા થયા. પ્રૌઢ વ્યક્તિ ને એમની આંગળી ઝાલી ચાલતું બાળક. પ્રાંગણમાં દાખલ થઇને નિકટથી પસાર થનારા આ બેને જોઇ આંખના ખૂણા ભીંજાયા ન ભીંજાયા કે એણે ખભે વીંટાળેલા ઉપવસ્ત્રને માથે લઇ કપાળ સુધી ખેંચી લીધુ. આમ તો પોતાનો વેશ ઓળખાય એવો રહ્યો જ નથી. લાંબા કેશ, ફરફરતી દાઢી, કપાળે ચંદનનો ચાંલ્લો, ભગવો પહેરવેશ ને બગલમાં કાખઘોડી જોઇ કોઇ ધારી ન શકે કે... એણે નિશ્વાસ દબાવ્યો. ‘દાદાજી, પહેલાં દર્શન. આજે શિવદાદાને કહેવંુ છે કે અજ્જુને હવે જલ્દી મોકલો. યુ નો, મારા કરતાં વધુ તો અજ્જુને વૈદેહીફોઇ મિસ કરે છે, બોલો! ફોઇ હંમેશાં કહે કે બહાર નીકળે ત્યારે દાદાનો હાથ છોડતો નહીં, નહીંતર ભૂલા પડી જવાય. અજ્જુએ તમારો હાથ છોડ્યો એટલે ઘરનો રસ્તો ભૂલી ગયો, દાદાજી?’ આનો શું જવાબ હોય! અમૃત દાદાજીએ પગથિયા આગળ ચપ્પલ કાઢતા ડોક ધુણાવી, ‘રસ્તો ભૂલેલાને તારા શિવદાદા હેમખેમ ઘરે પહોંચાડી દે કે બસ.’ ‘હાસ્તો. જુઓ, એટલે તો હું આજે અજ્જુનો ફોટો લઇને આવ્યો છું...’ યશે ગજવામાથી પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢી અમૃતદાદાને દેખાડતા કારણ પણ જણાવી દીધંુ, ‘શિવદાદા પાસે રોજ કેટલાની પ્રેયર પહોંચતી હશે. એમને અજ્જુનો ચહેરો યાદ રહી જાય એટલે આ ફોટો એમની પાસે મૂકી આવવાનો છુ, પછી દાદાથી ભૂલાય જ નહીંને!’સાંભળીને એના હોઠ વંકાયા. ત્યાં કશંુક અણધાર્યુ બની ગયંુ. મંદિરનાં પગથિયાં ચડતા કોઇનો ધક્કો લાગ્યો અને યશવીરના હાથમાંથી ફોટો સરકીને પવનની લહેરખી સાથે ઉડતો સીધા એના પગ આગળ આવી પડ્યો. શું કરવંુ એનો વિચાર આવે એ પહેલાં તો યશ દોડતો આવી ફોટો લેવા વાંકો વળ્યો. એવો જ જરા હેબતાયો. ફોટો જેના પગ આગળ પડ્યો હતો એ વ્યક્તિને બીજો પગ હતો જ નહીં! એને બદલે કાખઘોડીની ચીંધરી ધાર દેખાતા ગભરાયો હોય એમ ઉપર જોયા વિના પાછા વળવુ હતંુ, ત્યાં... ‘ય...શ!’ હળવા સાદે બોલાયેલા પોતાના નામે એ ટટ્ટાર થઇ માથે ઓઢીને ઉભેલા દાઢીધારી સાધુને ટગરટગર જોઇ રહ્યો. ‘તમે મને ઓળખો છો?’ સાધુએ ખભા ઉલાળ્યા ને ‘શું થયું, યશ?’ પૂછતા દાદાજી નજીક આવતા જણાયા કે સાધુએ પીઠ ફેરવી ચોતરા તરફ ચાલવા માંડ્યુ. ‘બેટા, આમ હાથ છોડી ભાગવુ નહીં...’ ‘દાદાજી, તમને ખબર છે, એ સાધુ મારું નામ બોલ્યા હોયને એવું લાગ્યંુ.’ એમનો હાથ પકડી આગળ વધતો યશ વારેવારે પાછળ જોઇ લેતો, પણ એ સાધુ હવે દેખાતો ન્હોતો. ‘અજાણ્યા સાધુથી પણ દૂર રહેવંુ દીકરા, આજકાલ બાળકોને ઊપાડી જવાના કિસ્સા બહુ બને છે, હોં’ દાદાની સલાહે યશને ચૂપ કરી દીધો એમાં સાધુની આંખો મને અજ્જુ જેવી લાગી એવું દાદાજીને કહેવાયું નહીં! * * * ‘આ નીકળ્યા મારા દિયરજી!’ ચોતરે મંડળી જમાવી બેઠેલા વાસંતીબહેનના શબ્દે નજીક ઉભેલા સાધુનંુ ધ્યાન ખેંચાયંુ. કોણ-કોના સંદર્ભમાં બોલી રહ્યંુ છે એ બરાબર પરખાયું. ‘જોયંુ, દીકરો ગયો કે વહુએ પિયરિયાંને ઘરમાં ઘાલી દીધા, સસરાને બેબીસીટર બનાવી દીધા!’નવા વરસે થયેલંુ અપમાન વાસંતીબહેન ભૂલ્યા નહોતા. અલબત્ત, વાંક પોતાનો હતો, પણ એવું તો કયો જીવ માની શક્યો છે એટલે અમૃત-ગોદાવરીની નિંદા કરવાનો અવસર ચૂકતા નહીં ને વૈદેહી વિશે ઘસાતું બોલવામાં તો લિજ્જત આવતી. અમૃતભાઇ-યશ નીકળ્યા પછી પણ એમની જીભ અટકી નહીં. ‘સાચંુ કહું તો અમૃત-ગોદાવરી દુ:ખી થવાના જ લાગના છે. વહુના વખાણ કરતી ગોદાવરી થાકતી નહોતી, એ જ વહુના ભવાડા હવે જુઓ!’ પંચાત સભામાં પોતાનું મહત્ત્વ જમાવતા એ બોલી ગયા, ‘વર હતો ત્યાં સુધી પેટ ખાલી ને એના જતા જ બે જીવવાળી થયેલી વૈદેહીવહુ છિનાળ જ કહેવાયને!’ બેજી...વ વાળી! વૈદેહી ગર્ભવતી છે! એની નસોમાં કંઇક લાગણીઓ સળવળી ક્ષણમાત્રમાં. ‘મેં તો એવું ય સાંભળ્યંુ છે કે બાઇજી એમની કોલોનીના જ કોઇ પુરુષ સાથે...સમજોને હવે!’ શિવશિવ! જબાન સંભાળો વાસંતીકાકી! હોઠે આવેલા શબ્દો મહામહેનતે ગળી જવા પડ્યા. ના, બીજા સમક્ષ ઉઘાડા થવા આ વેશ નથી બદલ્યો... છતાં એમનો ગુનો બક્ષવો ન હોય એમ નિંદા કરી છૂટા પડતા વાસંતીબહેનના પગ આડે એણે કાખઘોડી લંબાવતા વાસંતીબહેન ‘ઓ રે!’ની ચીસ નાખતા ભોંયભેગા થયા! શું થયું એ કોઇને સમજાય એ પહેલાં સાધુએ કાખઘોડી ઠપકારતા ચાલવા માંડ્યુ, ‘લાગે છે મંદિરમાં બેસીને કરેલા પાપનું ફળ મહાદેવે આપી દીધુ!’ એમના શબ્દોએ વાસંતીબહેનને ભોંઠા પાડ્યા પણ નાક ખરડાયા પછી વધુ કંઇ બોલવાની હામ ક્યાં હતી? ત્યારે, મંદિરની ચોખટ ઓળંગતા સાધુનાં ચિત્તમાં ઝંઝાવાત જાગી ચૂક્યો હતો! * * * ‘કેમ છો ભાભી?’ આસિતાએ દરવાજો ખોલતા મહેન્દ્રએ પૂછ્યુ, પોતાની ઓળખાણ આપી, ‘મને ન ઓળખ્યો ભાભી? હું મહેન્દ્ર... અજિંક્યનો કલીગ. કોલોનીનો પાડોશી...’ ‘ઓ...’ ક્યારની ઓળખાણ પામવા મથતી આસિતાને હવે ખ્યાલ આવ્યો, પણ હરખ તો ન જ થયો. અજ્જુ ગયે આટલો વખત થયો, હજુ ય આ લોકો અમારો કેડો કેમ નહી મૂકતા હોય! ‘મારે વૈદેહીનંુ કામ છે ભાભી.’ આસિતાએ આવકાર આપ્યો નહીં એટલે મહેન્દ્રએ દરવાજે જ ઇશારો આપવો પડ્યો, ‘દેવદિવાળીની શુભ સંધ્યાએ એને માટે બે કરોડની ડિલ લઇને આવ્યો છંુ.’ બે ક...રો...ડ! આસિતાના ડોળા ચકળવકળ થયા. આપોઆપ જિહ્વાએથી મધ ઝર્યુ, ‘ઓહો, તમે બહાર કેમ ઊભા છો મહેન્દ્રભાઇ, અંદર આવોને!’(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...