હળવાશ:'પસ્તીનું કોઈ ખાનું રાખવાનું જ ના હોય, એને ગમ્મે ત્યાં સમાવી જ લેવાની હોય!'

જિગીશા ત્રિવેદી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘લોબોલો અત્યારે તે પસ્તી કઢાતી હશે ?’ પસ્તીવાળાભાઈએ પોળમાંથી વિદાય લીધી કે તરત કલાકાકીએ રેખાબહેનનો ઉધડો લીધો. ‘અરે...એ કંઇ એમનેમ ના આલે...કંઇક તો નક્કી કર્યું જ હશે એમણે...તે હેં અલા...શું નક્કી કર્યું? શું લેશો?’ હંસામાસીને રેખાબહેન પર ભરોસો હતો એટલે એમણે એમનો બચાવ કરતાં પૂછી લીધું... ‘એવું કશું નક્કી થોડું કરવાનું હોય? મૂકી દઈશ ઘરખર્ચના કવરમાં...’ રેખાબહેને નિર્દોષભાવે જવાબ આપ્યો, એટલે કંકુકાકી ભડક્યાં, ‘હાય હાય...તે કોઇ ટાર્ગેટ ફિકસીંગ કર્યા વગર એમનેમ જ પસ્તી આલી દીધી?’ ‘અરે પણ આખું ખાનું ભરાઈ ગયું તું...તો આલી જ દઉં ને...!’ રેખાબહેને પણ સહેજ વોલ્યુમ વધારીને નાના અમથા છણકા જેવું કર્યું.. ‘તે ટીપોઇ નીચે મૂકીએ...પણ આ ટાઇમે ના અપાય યાર...’ કલાકાકીએ એમને સમજાવ્યાં. ‘કેમ? હું નવરી હોઉં ત્યારે જ આપું ને...અને એ તો વળી તાકડે આ પસ્તીવાળા ભઇ આવ્યા એટલે આપી...નકર પડી જ રઈ’તી ને ઘરમાં...’ રેખાબહેને પરિસ્થિતી વર્ણવી. ‘એ તો આવે...એને તો ધંધો કરવાનો હોય...પણ તમને તો હારા અને ખોટા ટાઈમનો વિવેક હોવો જોઈએ ને...! એમ મન ફાવે ત્યારે ના આલવાની હોય...’ સવિતાકાકી પણ બોલ્યા હવે તો...એટલે રેખાબહેનની છટકી, ‘અરે પણ આમાં મૂરત થોડું જોવાનું હોય?’ ‘હું ઘડિયાળનાં ટાઇમિંગની વાત નથી કરતી... હમણાં નો દેવાય એમ કહું છું...પસ્તી દેવાનો પણ ટાઈમિંગ હોય...દિવાળીને હવે વાજાં વાગે છે, ને તમે અત્યારે આપી દો ત્યારે આખું વેલ્યુએશન ઘટી જાય પસ્તીનું યાર...’ સવિતાકાકીએ પ્રોપર ટાઈમ વિષે ઉદાહરણ આપી સમજાવ્યું. ‘અને બીજું, આમ જરાક અમથી પંદર-વીસ કિલો પસ્તી ભેગી થાય એટલે આપી ના દેવાની હોય...’ (કંકુકકાકીને મન જરાક અમથી એટલે પંદર-વીસ કિલો!) ‘તો ક્યારે આપવાની હોય?’ રેખાબહેન હવે અકળાયાં... ‘જો, હું તમને હમજાઉં... વરસનો અમુક એક ટાર્ગેટ રાખવાનો હોય...અથવા જુદા જુદા પાંચ-સાત ટાર્ગેટો રાખવાના હોય...’ લીનાબહેન મેદાનમાં આવ્યાં અને તેઓશ્રીએ વાતનો દોર હાથમાં લઈને એમને સમજાવવાનું શરૂ કર્યું...પણ રેખાબહેનને પ્રશ્ન તો થાય ને અને એટલે એમણે બહોળા ભાવે પૂછ્યું, ‘એટલે શું? મતલબ કે શેના?’ ‘એ જાતે નક્કી કરવાનું યાર... તમારા ઘરની મને થોડી ખબર હોય?’ કલાકાકીને ગુસ્સો ચડયો તો સામે રેખાબહેનનું પણ મગજ ગયું, ‘પણ તો પછી ઢગલો મૂકવો ક્યાં?’ ‘એ અમારો પ્રોબ્લેમ નથી...અને હા, પહેલી વાત તો એ કે પસ્તીનું કોઈ ખાનું રાખવાનું જ ના હોય...એને તો દૂધમાં સાકર ભળે એમ ગમ્મે ત્યાં સમાવી જ લેવાની હોય...એને કોઈ એક-બે ખાનાં પૂરતી મર્યાદિત ના રખાય...એને તો ઘરમાં ક્યાંય પણ મૂકી શકાય તેવી છૂટ રાખવાની હોય...’ કંકુકાકીએ પસ્તીને મળવા યોગ્ય આઝાદી વિષે માહિતી આપી. ગાડી બીજા પાટે ચડતી હોય એવું લાગ્યું એટલે એમણે જેવો નાનો અમથો પોઝ લીધો કે તરત તક ઝડપીને મેં ટહુકો કર્યો, ‘ટાઈમિંગ અને ટાર્ગેટ... આ બંને વિશે જરા વિગતે સમજણ આપો તો સારું.’ ‘પહેલી વાત તો એ કે આ ‘બે’ નથી ‘એક’ જ છે... ટાર્ગેટ મુજબ ટાઈમિંગ નક્કી થાય અને એના માટે ઊંડા અભ્યાસની અને અનુભવની જરૂર છે... જીવનમાં જ્યારે પણ પસ્તી આપીએ, ત્યારે એના જથ્થા પરથી નક્કી કરવાનું કે આશરે આમાંથી કેટલા રૂપિયા આવશે? અને અનુભવે ધીરે ધીરે આમાં નિષ્ણાત થઈ જવાય...અને હા, એ સમજણ આવી જાય એટલે જથ્થા અંતર્ગત જરૂરિયાત નક્કી કરવાની એટલે કે એની સામે આપણને જોઈતી મોજશોખની વસ્તુ મૂકવાની...’ ‘પણ એવું શું કરવાનું ? આમે ય અમારે ‘એ’ તો બહુ પૈસા આલી રાખે છે મને...’ રેખાબહેને થોડા અભિમાન સાથે કહ્યું, ત્યાં તો હંસામાસીને લાગી આવ્યું, ‘તે અમારે શું નહીં આલતા એમ માનો છો તમે? એ લોકો તો બાપડા આલે, પણ એમાંથી તો કટકી કરીને બચાઈ રાખવાના. એમાંથી પણ લેવાનું અને પસ્તીના પૈસામાંથી તો ફરજિયાત લેવાનું જ...પસ્તીના પૈસા પર તો આપણો ને માત્ર આપણો જ હક છે...અને એં, હું તો રિક્ષાવાળાને આપવા આપણી પાસે છુટ્ટા ન હોય તો ગમ્મે તે આઇડિયા કરું, પણ આ પૈસામાંથી તો ના આપું, તે ના જ આપું...’ ‘સાચી વાત...નો જ દેવાય...મેં તો હમણાં જ મજાનું પાંચ લિટરનું કૂકર લીધું પસ્તીનાં પૈસામાંથી...’ સવિતાકાકી એમનાં એચિવમેન્ટ વિશે કહેતાં હોય એમ બોલ્યાં, પણ કલાકાકીએ પસ્તીનાં પૈસાના રીત-રિવાજ સમજાવ્યાં, ‘અલા...પસ્તીનાં પૈસા વાસણમાં વાપરવાનાં? કોઈ વિવેક બુદ્ધિ છે કે નંઇ તમારામાં? એક વાત લખી રાખો જીવનમાં...‘પસ્તીમાંથી પફ-પાવડર ને પહેરણમાંથી પાલા-બરણી...’’ આઈ થિંક આ છેડો આવી ગયો વાતનો... આના પછી હવે બીજું કંઇ હોય જ ના શકે.

અન્ય સમાચારો પણ છે...