લઘુનવલ:‘આ તમે મારા માટે કર્યુ! હવે બીજી સો ઝરણા આવે તો પણ ફડક નથી’

3 મહિનો પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

પ્રકરણ:14

રેવા આજકાલ ખુશમિજાજમાં છે. મંદિરમાં બેહોશ થઇ હોસ્પિટલમાં ભરતી થયા પછી અન્નત્યાગનું વ્રત તોડવંુ પડ્યુ એથી ભીતર ખોટું થવાની ધાસ્તી હતી. પણ ના... ઝરણા સાથે અરેનનો સંભવિત કિસિંગ સીન સાકાર ન થયો. ઝરણાની ઇચ્છા છતાં ન થયો, એ તપ ફળ્યા જેવું લાગતું હતું. ‘આ તો કેવળ એક ગતકડું હતંુ... અપરાધી સાથે મજા માણી હું જજ તરીકે ઊણી ઉતરવા નથી માગતી..’ શોમાં આવુ કહી ઝરણાએ ભલે વાહવાહી મેળવી, મારું હૈયું તો પોકારીને કહે છે, આમાં અરેનનો જ ઇન્કાર રહ્યો હશે! બાદમાં ઝરણાએ દેખા નથી દીધી. માલ્વિકાના પ્રવેશ પછી શૉમાં કન્ફેશન રાઉન્ડ શરૂ થયા છે. જોકે અરેનના કન્ફેશનમાં હજુ સમય છે, એટલે ઝરણા વળી કોઇ હરકત કરે પણ ખરી! ‘ઝરણાને આપણે ફાવવા નહીં દઇએ..’ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી ઝરણાની હરકત વિશે પોતે દિવાકરભાઇને બ્રિફ કરતી હતી એ માજી સાંભળી ગયેલા. મને તો હતું ઝરણા બાબત ઘસાતું બોલવા બદલ મા હમણાં મારો ઉધડો લેવાના... પણ ના, મારા મંદિરમાં બેહોશ થયા બાદ માજીમાં આવેલો બદલાવ ઉપરછલ્લો નહોતો એની પ્રતીતિ ત્યારે થઇ. ‘એ છોકરીનું કપટ તે મને પહેલાં કેમ ન કહ્યું, વહુ! એના વાદે ચડી મેં તને બહુ દુભવી છે. તું બધું સહેતી રહી, અરે, મારા દીકરા ખાતર અન્નનો ત્યાગ કરનારી, કષ્ટ ભોગવનારી કદી બૂંધિયાળ હોઇ જ ન શકે.’ હૈયે શાતા પ્રસરેલી. દીકરીના સુખે પિયરમાં માવતરને પણ હાશકારો હતો. મુંબઇથી મિતાલી વધાઇ દેતી. શ્રેયાંશ દિવાકરભાઇ જોડે અરેન માટે નવી તકોની ચર્ચા કરતો. આ બાજુ શૉ એના અંતિમ ચરણમા પહોંચી ચૂક્યો છે. ‘કારાગાર’માંથી વિઠ્ઠલભાઇની વિદાય પછી હવે માલ્વિકાના કન્ફેશન પર આવતા વીકએન્ડનું ફોકસ છે. એની જાહેરાતમા દેખાડે છે કે બહુ મોટો ધડાકો એની જુબાનીમાં થવાનો છે... માલ્વિકા શંુ કબૂલે છે એ હવે જોઇએ! *** ‘કારાગાર’ના દિવસો કેટલા ઝડપથી વીતતા જાય છે... આજે મલ્વિકાના કન્ફેશનનો વારો પણ આવી ગયો! અરેને ઊંડો શ્વાસ લીધો. પોતાને એસ્કોર્ટ તરીકે માણનારી શૉમાં બહુ ગરવાઇથી વર્તી. ઓફ કેમેરા પણ માલ્વિકાનું વર્તન, એટલીસ્ટ મારી સાથે તો પ્રમાણસરનું જ રહ્યું છે. વિઠ્ઠલભાઇ હતા ત્યાં સુધી એમનામાં એ ખાસ્સો રસ લેતી. યાસિનથી દૂર જ રહેતી ને જવાહર સાથે ઝીણી ઝીણી તકરાર થતી હોય એવું લાગતું. માલ્વિકા ખરેખર સાવિત્રીના ખૂનમાં કારણભૂત હતી? માન્યું, જવાહર-માલ્વિકાએ એમનંુ અફેર સાવ છાનું રાખ્યંુ હોય, પણ જેની જાણ યાસિનને છે એ પોલીસે નહીં જાણ્યંુ હોય? અરેને બે-ત્રણ વાર શંકા દાખવતા યાસિને ફોડ પાડેલો, ‘તને શું લાગે છે, જવાહર એમ જ નિર્દોષ છૂટ્યો છે? દોસ્ત, અહીં ગુનામાં ફસાવવાના ને છોડાવવાના, બેઉના ભાવ બોલાય છે. સાવિત્રી મર્ડર કેસની તપાસ કરતા ઇન્સ્પેક્ટર સાથે આપણને ય ધંધાની બેઠક છે. એમાં આખા શહેરની જાંઘ ખૂલી જતી હોય છે...’ ખેર, માલ્વિકાની ફેમિલિમાં કોઇ છે નહીં એટલે એના ‘પાપ’ને સરખાવાનો સવાલ નથી, પણ એ વિશે માલ્વિકાએ શૉની ક્રિયેટીવ ટીમ સાથે તો ચર્ચા કરી જ હશે... આ તર્કને હવામાં ઉડાડતી હોય એમ ગઇકાલે ડિનર દરમિયાન એ બોલી ગયેલી: કન્ફેશનમાં મારે કાલે શું કહેવાનું છે એના ડાયલોગ્સ હજુ નથી મળ્યા! આવંુ બને ખરું? ‘બિચારો જવાહર! એની હાલત તો જો.’ માલ્વિકાના કન્ફેશનની પરવાહ જવાહરને સૌથી વધુ હોય એવંુ માની મશ્કરી કરનારા યાસિનને કહેવાયંુ નહોતંુ કે ખૂનકેસમાં ફાંસી થાય એવી કબૂલાત કરે એટલી નાદાન નથી માલ્વિકા, પણ એના નિશાના પર હંુ હોઇ શકંુ એવી તો કોઇને કલ્પના પણ કેમ થાય! ‘માલ્વિકા, કમ ટુ માય રૂમ’ સવારે આવેલી ઝરણાએ એને પોતાના અલાયદા મેક-અપ રૂમમાં તેડાવી ત્યારે અરેનના શરીરમાંથી ધ્રૂજારી પ્રસરી ગયેલી: ક્યાંક ઝરણા મારો ભાંડો ફોડવા તો નહીં કહેતી હોયને! હમણાંની ઝરણા મને સમજાતી નથી... અને શૂટિંગના આદેશે અરેને મનોભાવ સમેટી લીધા. *** ‘ડુ એઝ આઇ સે...’ કબૂલાત માટેના કઠેડામાં ઊભેલી માલ્વિકાના ચિતમાં ઝરણાના શબ્દો ગૂંજતા હતા. શૉમાં પોતે ફાયનાન્સ કર્યુ છે ને તારી એન્ટ્રી મારા કહેવાથી થઇ છે એવો ધડાકો કરી એ મુદ્દે આવી હતી: તારે અરેન એસ્કોર્ટ હોવાનો ભેદ ખોલવાનો છે... સાંભળીને ચોંકી જવાયેલું. ના, પોતાની ચલગત શૉના દર્શકોથી છૂપી નથી, આખરે નબાપી થતાં પોતે મજબૂરીમાં આડા રસ્તે જવંુ પડ્યું એનો ઢોલ પીટી લોકોની સહાનુભૂતિ ઉસરડી છે એટલે અરેનને ઉઘાડો પાડવામાં મારી આબરૂ જાય એ દલીલ ટકવાની નહોતી છતાં વાંધાનું કારણ એ જ – રેવા! એની પ્રીતને પોંખવાનું વચન આપ્યું છે મંે... અરેનની ગઇકાલ એની આજને કનડે નહી એની ભલામણ કરનારીનો ભરોસો કેમ તોડુ! ઝરણા એના કોઇ બહાને ન માની. શૂટ પહેલાં કહીને ગઇ: તને કહેવાયંુ એમ તારે અરેનનો ભેદ ખોલવાનો છે... અરેનથી અમારી કાનાફુસી છૂપી નહોતી રહી. એ શંુ ધારતો હશે! જજની ખુરશી પર ગોઠવાયેલી ઝરણાને નિહાળી હળવો નિશ્વાસ નાખી મલ્વિકાએ કેમેરા તરફ જોયંુ, ‘હું એકરાર કરુ છું કે...’ આંખો મીંચી જતા અરેને સર્વ કંઇ ધ્વસ્ત થતું અનુભવ્યંુ. પણ આ શું? માલ્વિકા હજુ આટલું બોલે છે ત્યાં જવાહર એની તરફ ધસી ગયો: ‘ખબરદાર!’ એણે કઠેડામાં ઊભી માલ્વિકાનો હાથ ખેંચી એના કાંડે છૂરી મૂકી, ‘જીવ વહાલો હોય તો એક શબ્દ ન બોલીશ! એ ય ડિયરેક્ટર! કેમેરા બંધ કર!’ મુરલીએ જોકે શૂટિંગ ચાલુ રાખ્યંુ. સમથિંગ આઉટ ઓફ સ્ક્રિપ્ટનં દૃશ્ય ભજવાઇ રહ્યું હતું, એને રેકોર્ડ કરવાનો લ્હાવો કેમ ચૂકાય! ‘બોલ, શાની કબૂલાત કરવાની હતી તંુ?’ માલ્વિકા શૉમાં આવ્યાની ઘડીથી જવાહરના દિમાગ પર છવાયેલી તાણ આજે લગામ વિનાના ઘોડા જેવી બની ગઇ હતી, ‘સાવિત્રીનું ખૂન મેં કર્યુ એની?’ સેટ પર સન્નાટો પ્રસરી ગયો. આ વળાંક કોઇએ કલ્પ્યો ન્હોતો. ‘પણ ન ભૂલ કે એનું કારણ તંુ હતી! બૈરીથી છૂટા થઇ મને પરણોનંુ ગાણંુ તંુ ગાતી હતી...’ મલ્વિકા ફિકી પડી. જવાહર સાથે પોતે તો રાબેતા મુજબ જ રમત માંડેલી, પણ મારા મોહમાં અંધ બનેલાએ પત્નીનું કાસળ જ કાઢી નાખ્યંુ! ઓહ, કેવા એ તનાવભર્યા દિવસો. પોલીસ સાથે જવાહરે સોદો પતાવ્યો, માનભેર છૂટેલો એ આ કેવી ગફલત કરી બેઠો! ‘મને ભલે ફાંસી થતી, તને તો હંુ...’સાનભાન ભૂલેલા જવાહરે ઘા કરવા હાથ ઉંચક્યો, માલ્વિકાની ચીસ સરી અને એવો જ અરેન જવાહર પર લપક્યો. જવાહરને ગરદને પાછળથી ડાબા હાથની ભીંસ આપી જમણા હાથે ચાકુ પર મુઠી ભીડી, હથેળીમાંથી લોહી વહેવા લાગ્યુ એથી ડગ્યા વગર અરેને આંચકો આપી જવાહરને ફર્શ પર પછાડ્યો, છાતી પર ચડી બેઠો, ‘મુરલી, પોલીસને તેડાવ!’ ‘યુ ઇડિયટ!’ પોતે મરતા બચી એના આવેશમાં માલ્વિકા કઠેડામાંથી ધસી આવી, ‘હું સવિત્રીનું ખૂન કબૂલ કરું એવી મૂરખ ધારી તે મને! અરે, હંુ તો આ ઝરણાના કહેવાથી અરેનનો ભૂતકાળ ખોલવાની હતી, યુ ડફર!’ હેં! યાસિને જવાહરનો કબ્જો લેતા અરેન ઉભો થયો. નજર ઝરણા પર ગઇ. એનો તાપ ઝરણાથી જીરવાયો નહીં, ‘હા,હા, મારા કહેવાથી એ તારો એસ્કોર્ટવાળો ભેદ ખોલવાની હતી, તંુ એથી ભાંગી પડત તો તને સાચવી જાણી મારે તને મારો બનાવી દેવો હતો.’ એ રડી પડી. એના તમામ સંદર્ભ અરેન માટે હવે સ્પષ્ટ હતો એટલે ભરમાયો નહી, ‘આ બીજંુ કંઇ પણ હોય ઝરણા, પ્યાર નથી.’ એણે ઝરણાનો ગાલ થપથપાવ્યો, ‘મને તારો કરવામાં તું સાત જનમ મોડી પડી, ઝરણા. મારી રેવાના અનુરાગમાં બંધાયેલો હું કોઇના ય રાગમાં કેમ ફસાઉ!’ બિલકુલ રેવાના જ શબ્દો! ઝરણાથી વધુ ખમાય એમ નહોતંુ, ‘યુ નો વૉટ, અરેન? તું મારા લાયક કદી હતો જ નહી! તું બૂંધિયાળ રેવાને જ ડિઝર્વ કરે છે.’ સટાક. રેવા માટે બોલાયેલા અપશબ્દે અરેનનો હાથ ઉઠ્યો ને ઝરણાના ગાલ પર રતાશ પ્રસરી ગઇ. ‘રેવા માટે એક ગલત શબ્દ નહીં, ઝરણા! તું શું માને છે, આ શૉમાં તુ મને લાવી? નહીં, ઝરણા...’ અરેનનું અંતર આપોઆપ ઉઘડતું ગયું, ‘ચાર-ચાર વરસની નિષ્ફળતાએ મને એટલું નથી તડપાવ્યો જેટલું રેવાના નામે ચોટેલા આ વિશેષણે. શા માટે મારી નિષ્ફળતાનંુ ઠીકરું એના માથે ફોડે છે સોસાયટી, ઇન્ડસ્ટ્રી, મારી મા...’ ગળુ ખંખેરી અરેને કડી સાંધી, ‘મારાથી એનો બચાવ ભલે ન થતો, મેં એને કદી અપશુકનિયાળ કહી નથી, માનવાનો તો સવાલ જ નથી.. નિષ્ફળતાએ મારામાં આણેલ દૂષણો પણ એ સહેતી રહી, મને ત્યારે પણ ચાહ હતી તો એક તકની જે ફરી સફળતાનો રાજમાર્ગ કંડારી દે ને હંુ મારી રેવાના માથેથી બૂંધિયાળપણાનું કલંક દૂર કરી શકુ. ‘કારાગાર’માં મને એ તક દેખાઇ, એટલે તો બેડબૉય બનવાનું પણ સ્વીકાર્યુ મેં...’ ઝરણાના કાનમાં હજુય તમ્મર બોલતા હતા. એક તમાચાથી બીજો સુધાર તો શું આવે, પણ હવે સફળ પણ ઠરી ચૂકેલો પુરુષ રેવાનો તંત નહી જ મૂકે એ પરખાઇ ગયંુ. હશે, એના નસીબમા જ મારા જેવી સ્ત્રી નહીં હોય, બીજું શું! *** છેલ્લા દિવસનંુ અનએડિટેડ વર્ઝન મુરલીએ સોશિયલ મીડિયામાં મૂકી દેતા ધમાલ મચી ગઇ. લોકો અરેનના ભૂતકાળને બદલે એના-રેવાના પ્રણયના જ ગુણગાન ગાતા હતા. જવાહરને ઝડપવાની હિંમતે અરેનને નેશનલ હીરો બનાવી દીધો: શૉનો બેડબોય વાસ્તવમાં હીરો નીકળ્યો! શૉમાં રિયલ પોલીસની એન્ટ્રી અને જવાહર-માલ્વિકાની ધરપકડ પછી ‘કારાગાર’ની બાજી અધૂરા ખેલે જ સમેટી લેવી પડી. ઝરણાનું અંતર ખૂલ્યા પછી અરેન શૉ કન્ટિન્યૂ કરવાના મૂડમાં નહોતો, એના વિના શૉનું ભવિષ્ય પણ શું! નિરંજનભાઇએ પડદો પાડવામાં જ શાણપણ જોયું. જોકે શો ભલે બંધ થયો, યાસિન, વિઠ્ઠલભાઇ, શગુફ્તા જેવા સ્પર્ધકો સાથે બંધયેલા યારી-દોસ્તીના સંબંધ તો રહેવાના. વેમ્પ ઠરેલી ઝરણા શૉ બિઝનેસમાંથી ગાયબ થઇ ગઇ છે. અરેનની એસ્કોર્ટવાળી વાત નયનામાએ જાણી પણ હોય તો આ મુદ્દો મા-દીકરા વચ્ચે કદી ઉખળ્યો નહીં, ન રેવાના માબાપે એની ચર્ચા છેડી. દરેક સંબંધ એની મર્યાદાથી જ શોભતો હોય છે ને. દિવાકરભાઇ અરેનની પ્રગતિથી ખુશ છે. જવાહર-માલ્વિકાને ઘટતી સજા થઇ છે, કેસના લાંચિયા અધિકારી સસ્પેન્ડ કરાયા છે. અને રેવા... ‘આ બધું તમે મારા માટે કર્યુ!’ કહેતી એ અરેનને ભીંસી દે છે. હવે બીજી સો ઝરણા આવે તો પણ ફડક નથી. એના અનુરાગનું બંધન તો અતૂટ જ રહેવાનંુ! (સમાપ્ત)

અન્ય સમાચારો પણ છે...