લઘુનવલ:‘સસરાના બિઝનેસ પાછળ તમે જાત ઘસી છે, સાંવરીનો ધર્માદો નથી લેતા!’

કિન્નરી શ્રોફ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ-2 મેં નક્કી કરી લીધું છે. ઇટ્સ ઓલ સેટ...’ વસઇના વિલામાં એકાંત ક્ષણો માણ્યા પછી અતિરાજે મુદ્દાની વાત છેડી. સ્વીટી એને તાકી રહી. ભરૂચમાં એમબીએનું ભણી જોબ માટે મુંબઇ શિફ્ટ થયેલી સ્વીટી મહત્ત્વાકાંક્ષી હતી, પોતાની બોલ્ડ ઇમેજનું ગુરુર પણ ખરું. એવંુ નહોતું કે એને પિતાના ઘરે કોઇ વાતનો અભાવ રહ્યો હોય. ઠીકઠીક પગારવાળી નોકરીમાં મા-બાપ એકનીએક દીકરીના તમામ શોખ પૂરા કરવાની કોશિશ કરતાં, પણ ઇન્ટરનેટનું વિશ્વ ખૂલ્યાં પછી ભરૂચની લાઇફસ્ટાઇલ તો એને ઉકરડા જેવી લાગતી. સેલેબ્રિટીઝની હાઇફાઇ જિંદગી પરથી એ એક સબક બરાબર શીખી હતી: ઓન્લી મની વેલ્યૂઝ એન્ડ મોરલ્સ નોટ! દેશનો સુપરસ્ટાર અમુક રૂપિયામાં બારાતમાં નાચવા જતો હોય, અબજોપતિ ગણાતો પતિ ખોટા બિઝનેસમાં હોવાનું સત્ય બહાર આવે છતાં પત્ની એને છોડવાને બદલે છાવરતી રહે..ધેટ મીન્સ કે મોરલને મારો ગોળી, પૈસા હે તો સબ કુછ હૈ! સમજ પરિપક્વ થવાની ઉંમરમાં એણે ગ્રહણ કરેલો પાઠ ખોટો હોવાનું માબાપ સમજાવે એ તબક્કો આવ્યો જ નહીં. લાડલીને માવતર કંઇ કહી ન શકતાં અને કદાચ કહ્યું હોત તો પણ દીકરીએ એમનંુ મોં તોડી લીધું હોત: તમારી હેસિયત શું છે મને સમજાવાની! હું મારી હેસિયત કઈ રીતે વધારવા ઇચ્છું છું? પૈસાપાત્ર થવાનો શોર્ટકટ શું? સ્વીટીના વિચારો એક જ દિશામાં ચાલતા. ના, બોલિવૂડ એનાં મનમાં ન બેઠું. મોટી-મોટી હિરોઇનો એમનો સમય વીતવાનો હોય ત્યારે જાયન્ટ બિઝનેસમેનને જ વરતી હોય છે, જેથી બાકીની જિંદગી વૈભવમાં જ વીતે! મારે પણ એવો જ કોઇ બિઝનેસમેન ગોતી કાઢવો પડે, યસ! એણે ભરૂચમાં રહેવંુ હોત તો તો કોલેજમાં જ કોઇ અમીરજાદાને ફોસલાવી લીધો હોત, પણ કૂવામાંના દેડકા જેવી લાઇફ એને ક્યાં ખપતી હતી? કોલેજમાં હતી ત્યારથી એ મુંબઈ સેટ થવાનાં શમણાં જોતી: ઇટ ઇઝ ધ મોસ્ટ ગ્લેમરસ સિટી! દરિયાકિનારે મહેલ જેવું મકાન હોય, રોયલ કારનો કાફલો હોય, લંડન અને પેરિસમાં અમારો વિલા હોય...સપનાંને કયાં થોભ હોય છે! આવા કંઇક શમણાંની ગાંઠ બાંધી એ મુંબઇ આવી હતી. માબાપ બિચારાં આશીર્વાદ દેવા સિવાય શું કરી શકે! સ્વીટીમાં રૂપ હતુ, બુદ્ધિ હતી અને ભારોભાર ગુમાન પણ! મુંબઇમાં સેટ થતા એને વાર ન લાગી. બે ઠેકાણે અનુભવ લઇ એ ‘મહેતા ગ્રુપ ઓફ કંપનીઝ’માં ઇન્ટરવ્યુ માટે ગઇ. અતિરાજને જોતા જ એટલું તો થયું કે આ બંદો મારી જોડે શોભે એવો છે! એ પરણેલો હોવાની જાણ હતી, બિઝનેસ એના શ્વસુરનો હોવાનંુ હોમવર્ક કરીને પોતે ઇન્ટરવ્યુમાં ગયેલી, પણ પછી એની વાઇફને તસવીરમાં જોઇ મનમાં બેસી ગયું કે આણે પણ પત્નીનો પૈસો જ જોયો! એવું હોય તો પોતાનાં સમધાનની અણખટ પણ હૈયે ક્યાંક હશે... બેશક, અતિરાજે કોઇ લાલચથી સાંવરી જોડે રિશ્તો નહોતો જોડ્યો એ પછીથી અનુભવાયું, પણ ‘તમે એનામાં શું જોયું’ ના મુદ્દા દ્વારા પુરુષને પત્નીથી દૂર કરી પોતાના તરફ આકર્ષિત કરવાનો તર્ક ફળ્યો ખરો! આ મુદ્દો સુખી, પરિણીત પુરુષને પજવવા લાગ્યો, ‘તમારા જેવા કામણગારા પુરુષ સાથે તો રુપના અંબાર જેવી સ્ત્રી શોભે’ એવું કહેતા રહી સ્વીટીએ આગમાં ઇંધણ નાખ્યંુ. અને બસ, પછી પુરુષનાં પીગળવામાં કંઇ જ બાકી ન રહ્યંુ! છોગામાં પોતાનંુ જોબન ધરી સ્વીટીએ પુરુષને પોતાના વશમાં કરી લીધો! એ પછીના આ વરસમાં જિંદગી કેટલી બદલાઇ ગઇ! અતિરાજે જુહૂમાં લક્ઝુરિયસ ફ્લેટ અપાવ્યો, નાનીમોટી ડાયમંડ જ્વેલરી તો એ ગિફ્ટ કરતો જ રહે. દરેક બિઝનેસ ટૂરમાં મને સાથે રાખે એટલે અમેરિકા પણ જોયું ને પેરિસની રંગીન રાત પણ અમે માણી છે! મુંબઇમાં મિલન યોજવામાં જોખમ પણ એનો તોડ પણ અતિરાજે કેવો કાઢ્યો! વસઇમાં મોટું કારખાનંુ નાખ્યંુ. કોલાબાનાં ઘરથી વસઇની સાઇટ ઘણી દૂર પડે એટલે રાત રોકાવાના બહાને આ વિલા ખરીદ્યો. સાઇટ પર અતિરાજ એકલો જાય અને વીલાના સુપરવાઇઝરને પણ ત્યાં બોલાવી બીજા કામમાં પરોવી દે, પછી હું અહીં આવું ને અમે મન ભરીને એકાંત માણીએ એની કોઇને ગંધ પણ નથી! અલબત્ત, આ વ્યવસ્થા કાયમી ન હોઇ શકે. સ્વીટી સ્પષ્ટ હતી કે પોતે કંઇ રખાત બની રહેવા અતિરાજને નથી ફસાવ્યો...હી મસ્ટ ડિવોર્સ સાંવરી. શ્વસુરજીના વેપારમાં લગ્ન પછી અતિરાજ સરખેસરખો ભાગીદાર છે, સાંવરી સાથેના ડિવોર્સ પછી પણ અતિરાજ પાંચસો કરોડના માલિક તો રહેશે જ! વૈભવી લાઇફસ્ટાઇલની આનાથી સુંદર શરૂઆત શું હોય? ‘છૂટાછેડા!’ પહેલીવાર સ્વીટીએ આ મુદ્દો ઉખેળતા અતિરાજ ડઘાયેલો, ‘લગ્નનાં ત્રણ વરસે હું સાંવરીને તારા કારણે ડિવોર્સ આપુ તો સમાજમાં મારી આબરૂ શું રહે! લોકો એમ જ કહેવાના કે સસરાના પૈસા ખાતર જ અતિરાજ એમની સુંદર ન કહેવાય એવી દીકરીને પરણ્યો હતો! એનાથી ક્યાંય રૂપાળી સેક્રેટરી મળી એટલે લફરું કરી અતિરાજે પત્નીને છોડી દીધી!’ અતિરાજે ડોક ધુણાવી, ‘નો, આઇ વોન્ટ એક્સેપ્ટ ધિસ!’ ‘મતલબ તને તારી શાન જ વહાલી છે!’ સ્વીટીએ તોબરો ચડાવ્યો. અતિરાજને રમાડતાં આવડી ગયેલું, ‘એમ કહેને પેલી કાળી કબૂતરીનો મોહ છૂટતો નથી!’ ‘એવું નથી, હની. મારો જીવનપ્રાણ તો તું જ છે...તને બાકાયદા મારી પત્ની બનાવીશ, મને થોડો વખત આપ.’ એ વખત વીત્યા પછીની ઘડી હવે આવી ગઈ છે. અતિરાજે શું ગોઠવ્યું એ હવે સાંભળીએ. વિચારમેળો સમેટી સ્વીટીએ કાન સરવા કર્યા. ‘આ જો...’ અતિરાજે બેગમાંથી કાઢેલ કાગળ જોતા સ્વીટીની કીકી ચમકી: આ તો દુબઈની પ્રોપર્ટીના દસ્તાવેજ છે! સમવન અખિલ શાહે ત્યાં વિશાળ વિલા ઉપરાંત બિઝનેસ હાઉસ માટે સો કરોડ જેટલંુ રોકાણ કર્યુ છે! ‘સી ધિસ...’ જુદીજુદી ઇન્ટરનેશનલ બેંકમાં, સ્કીમમાં પણ અખિલ શાહના નામે બીજા સો કરોડનું રોકાણ હતંુ. ‘તું જાણે છે, સ્વીટી...વસઇની ફેક્ટરી માટે જર્મન કંપની સાથે આપણી વાટાઘાટ ચાલે છે.’ ‘જી...અને ફર્ધર ડિસ્કશન માટે તમે નેક્સ્ટ મંથ જર્મની જવાના છો...’ સ્વીટીએ છણકો જતાવ્યો, ‘મને મૂકીને!’ ‘એનું કારણ છે, હની...’ અતિરાજે હડપચી પસવારી, ‘ખબર નહીં, હમણાનું એવંુ લાગે કે જાણે સાંવરીને આપણા સંબંધની ગંધ આવી ગઈ હોય...’ સ્વીટી ટટ્ટાર થઇ. સાંવરી ભાગ્યે જ ઓફિસ આવતી. બોર્ડ મીટિંગ જેવા અવસરે ક્યારેક આવતી ત્યારે બિઝનેસની વાતોમાં રસ ન લે, પણ સ્ટાફને બહુ પ્રેમથી મળતી. એમાં પણ પિતાના સમયના સ્ટાફનાં કુટુંબીઓના ખબર પણ પૂછવાનું ન ભૂલે. વર્ણની ઝાંખપ એનાં વ્યક્તિત્વમાં ક્યાંય કળાતી નહીં. એનો આત્મવિશ્વાસ, એનું ચાતુર્ય આંજી દેનારાં હતાં. સ્વીટીને પહેલીવાર કોઇ સ્ત્રીથી કોમ્પ્લેક્સ અનુભવાયો. એના ગયા પછી જાતને થાબડી: સાંવરીમાં ગમે એટલા ગુણ હોય, એના પતિને તો મેં મારો કર્યો એટલે ચડિયાતી હું જ ગણાઉં! જોકે સાંવરી તરફથી મેં તો ઉષ્મા જ અનુભવી છે. ટૂર પર જતા હોઇએ ત્યારે મને ફોન કરી પતિના ડાયટ, એક્સરસાઇઝની કેર રાખવાની સૂચના પણ આપે. હજુ ગયા મહિને અમે દુબઇ જઇ આવ્યાં ત્યારે છેલ્લે અમારી વાત થયેલી. શી સાઉન્ડ વેરી મચ નોર્મલ. મને તો એના વર્તાવમાં કશો ફેર લાગ્યો નથી...ઇન ફેક્ટ, અમારા સંબંધ વિશે ઓફિસમાં કોઇ જાણતું નથી, મુંબઇમાં અમે મળતાં નથી. કોઇ રીતે સાંવરીને ખબર પહોંચે એમ નથી. ...સિવાય કે અતિરાજથી જ અજાણતા કોઇ હિન્ટ અપાઇ ગઇ હોય. અંગત ક્ષણોમાં સાંવરીને બદલે મારું નામ ઉચ્ચારી બેઠા હોય. ‘નહીં’ અતિરાજે ડોક ધુણાવી, ‘એવું કંઇ જ બન્યું નથી, ધેટસ ફોર સ્યોર.’ ‘તો પછી તમને એવું કેમ લાગે છે? સાંવરી તમને કંઇ બોલી, કંઇ પૂછ્યંુ? અરે, ઝઘડો જ હશે! પત્નીઓને બીજું આવડે શું?’ ‘સાંવરી આમાનંુ કંઇ જ કરતી નથી, સ્વીટી...પણ ક્યારેક એનાં સ્મિતમાં, કદી એના હોઠ વંકાવામાં મને ભેદ લાગે. હજુ ગઈ કાલે મેં એને જર્મનીની વાત કરી તો પૂછી લીધું કે સ્વીટીને પણ લઈ જવાના છો? બહુ સ્વાભાવિકપણે પૂછાયેલો પ્ર્શ્ન હતો, પણ છતાં... અગાઉ કદી કોઇ ટૂર માટે એણે તારા વિશે નથી પૂછ્યું. કાલે મેં ઇનકાર જતાવ્યો, તો એનું અચરજ પણ નહીં!’ અતિરાજે ખભા ઉલાળ્યા, ‘મે બી, આ મારો વહેમ જ હશે...!’ ‘એવંુ જ હોય...’ સ્વીટીએ સ્વીકારી લીધુ, ‘બાકી એને ખબર પડી હોત તો સીધા ડિવોર્સ માગત. એ કંઇ પતિની બેવફાઇ સહન કરીને સૌતનને વેઠનારી સ્ત્રી નથી! સ્વાભિમાનની પૂતળી’ સ્વીટીએ મોં મચકોડ્યું, ‘જોકે એવંુ થાત તો પણ આપણને ક્યાં વાંધો છે?’ અતિરાજે ડોક ધુણાવી: ખરેખર સાંવરીને ખબર પડે તો એ ડિવોર્સથી સંતોષ માની લે? જે લગ્ને મને દશ કરોડમાંથી પાંચસો કરોડનો આસામી બનાવ્યો, સાંવરીના અડધા હિસ્સાનો માલિક બનાવ્યો એ ખોટ સાંવરી, રાધર...કોઇ પણ સ્ત્રી જતી કરે ખરી? કદાચ એટલે પણ મારી યોજના બરાબર જ છે. ‘તમે તમારું મૂલ્યાંકન ઓછું ન આંકો, અતિરાજ... સસરાના બિઝનેસ પાછળ તમે પણ જાત ઘસી છે, કંઇ સાંવરીનો ધર્માદો નથી લેતા!’ સ્વીટીને અતિરાજનું મન બદલવાની ફાવટ હતી, ‘તમે ટ્રેક પર આવો. આવતા મહિને તમે એકલા જર્મની જવાના છો, બીજી બાજુ સમવન અખિલ શાહની દુબઈમાં મિલકત દેખાડો છો. તમે ધાર્યુ છે શું?’ ‘ધારવામાં એટલું જ સ્વીટી કે આ અખિલ શાહ મારા પ્લાનનું પાયાનું પ્યાદુ છે...’ અતિરાજના ચહેરા પર રહસ્યમય મુસ્કાન આવી, ‘તારે અખિલ શાહ સાથે લગ્ન કરવાનાં છે!’ હેં!... (ક્રમશ:)